'હું ભોજન લેવાનું ટાળું છું જેથી મારી પુત્રી ખાઈ શકે' એ મા જે મોંઘવારીને કારણે ભૂખ્યાં રહેવાં મજબૂર છે

    • લેેખક, મનીષ પાંડે અને રશેલ સ્ટોનહાઉસ દ્વારા
    • પદ, ન્યૂઝબીટ રિપોર્ટર
  • પેટ્રોલની ઊંચી કિંમતોને કારણે ખાદ્યપદાર્થોની કિંમતો છેલ્લાં 40 વર્ષમાં સૌથી ઝડપથી વધી રહી છે
  • તાશા ફુલટાઇમ કામ કરે છે, પરંતુ હજુ પણ જીવન ખર્ચ સાથે સંઘર્ષ કરી રહ્યાં છે
  • નવા સંશોધનમાં 16-25 વર્ષની વયના 2,000 લોકોમાંથી 177 લોકો એવા જોવા મળ્યા છે કે જેમણે બીજાને ખવડાવવા માટે ઘણીવાર પોતે ભુખ્યા રહેવું પડે છે

"મારી પાસે સામાન્ય રીતે માત્ર ક્રિસ્પ્સનું પૅકેટ હોય છે, જે મારી પુત્રી માટે રાખવાનો પ્રયાસ કરું છું."

તાશા તેમના જીવનસાથી અને બે વર્ષની પુત્રી સાથે યુકેમાં રહે છે. તાશા ફુલટાઇમ કામ કરે છે, પરંતુ હજુ પણ ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે.

જ્યારે તેઓ કામ પરથી ઘરે પહોંચે છે, ત્યારે સામાન્ય રીતે મોડું થઈ જાય છે અને ખાવા માટે ખાસ કશું હોતું નથી, તેથી તેઓ તેમની પુત્રીને પ્રાથમિકતા આપે છે.

"તે હજી નાની છે અને તેને પોષણની જરૂર છે".

પરંતુ તાશા સ્વીકારે છે કે તેમને પરિસ્થિતિ "નિરાશાજનક" લાગે છે.

યુકેના ડર્બીનાં 25 વર્ષીય તાશા રેડિયો 1 ન્યૂઝબીટને કહે છે, "મને લાગે છે કે હું મારી પુત્રી માટે મારાથી બનતા પ્રયાસો કરી રહી છું, પરંતુ ઘણીવાર એવું લાગે છે કે હું નિષ્ફળ જઈ રહી છું."

વિશ્વના અનેક દેશોની જેમ યુકેમાં પેટ્રોલ અને ખાદ્યપદાર્થોના ભાવ છેલ્લાં 40 વર્ષોમાં સૌથી ઝડપથી વધી રહ્યા છે.

તાશા કહે છે, "મેં ફરીથી કામ કરવાનું શરૂ કર્યું તેનું એકમાત્ર કારણ મારા પરિવારને મદદ કરવાનું હતું. પરંતુ એવું નથી લાગતું કે હું કામ કરીને પરિસ્થિતિમાં કંઈક સુધાર કરી રહી છું."

યૂથ હોમલૅસનૅસ ચૅરિટી સેન્ટરપૉઇન્ટના નવા સંશોધનમાં 16-25 વર્ષની વયના 2,000 લોકોમાંથી 177 લોકો એવા જોવા મળ્યા છે કે જેમણે બીજાને ખવડાવવા માટે ઘણીવાર પોતે ભૂખ્યાં રહેવું પડે છે.

ભૂખની તડપ

ભૂખ્યાં રહેવું અને "સતત ત્રણ દિવસ ભોજન માટે વલખાં મારવાં" એ કેવું હોય તેનાથી યુકેનાં જ વેસ્ટ યૉર્કશાયરનાં 22 વર્ષીય ઝહરા એકદમ સારી રીતે પરિચિત છે.

ઝહરા કહે છે, "મને હજુ પણ યાદ છે કે સળંગ બે રાત હું મધ્યરાત્રિ સુધી જાગતી રહી અને પલંગ પર બેસીને રડતી રહી હતી. અંધારું હતું અને મેં લાઈટ પણ ચાલુ કરી ન હતી."

સર્વેક્ષણમાં 16-25 વર્ષની વયના 2,000 લોકોમાંથી, 265 લોકોએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 12 મહિનામાં ઘણીવાર ભૂખ્યા સૂઈ ગયા હતા.

207 લોકોએ કહ્યું હતું કે તેઓને ઘણીવાર ફૂડ બૅન્ક અથવા અન્ય ઇમર્જન્સી ખોરાકની જોગવાઈ પર આધાર રાખવો પડ્યો હતો.

ઝહરા કહે છે કે તે ફૂડ પાર્સલ માટે ગઈ હતી, પરંતુ હલાલ અને શાકાહારી ભોજન લેતી વ્યક્તિ તરીકે તેના માટે તે અનુકુળ નહોતું.

ઝહરા કહે છે, "અને હું તે દિવસોમાં ખરેખર હતાશ હતી."

પરંતુ તે કહે છે કે ભલું થજો કે યોગ્ય ભોજન પૂરું પાડવા અને સાર્વત્રિક ધિરાણની પ્રક્રિયા અંગે સલાહ આપવા માટે સેન્ટરપૉઇન્ટ અને તેના હાઉસિંગ સપોર્ટ ઑફિસર મદદે આવ્યા.

સાત અને ત્રણ વર્ષની વયનાં બે બાળકો ધરાવતાં લંડનનાં 23 વર્ષીય જેડેને તેમના સ્થાનિક ચર્ચ સહિત કૉમ્યુનિટીની મદદ મળી છે.

જેડે કહે છે, "નહીંતર હું જાતે કરી શકું તેમ ન હતી."

તેઓ કહે છે, "જો મને તેમની મદદ ન મળી હોત તો મારે કદાચ ભૂખ્યાં રહેવું પડત, હું કદાચ મારા ઘરમાં ગૅસ સળગાવી ન શકત અથવા ઘરમાં સગડી ન રાખી શકત."

સર્વેક્ષણમાં સામેલ 2,000 યુવાનોમાંથી 333 લોકોએ જણાવ્યું હતું કે તેઓ ઘણીવાર ખોરાક માટે કુટુંબ અથવા મિત્રો પર આધાર રાખતા હતા.

જેડે અને તેમના મિત્ર રૂથ સિટી વૅલ્ફેર નામની સંસ્થામાં મદદ કરે છે, જે એક બિન-નફાકારક સંસ્થા છે અને તેનો હેતુ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો છે.

રૂથ કહે છે કે તેઓ લોકોના ઘરની મુલાકાત લે છે અને તેમની સાથે વાત કરે છે કે તેઓને શું જોઈએ છે.

તેઓ કહે છે, "કોઈ પાસે ફર્નિચર નથી અથવા તો કોઈકના કબાટ ખાલી છે."

જેડે હાલમાં ત્રણ નોકરીઓ કરે છે અને કહે છે કે તેમના પગારનો ઉપયોગ અન્ય લોકો માટે ફેરફાર કરવાનો પ્રયાસ કરવા માટે કરે છે.

"તેઓ 20-30 પાઉન્ડની બચત કરીને એ જુએ છે કે યુવાન માતા-પિતા પાસે નૅપીઝ હોય કે વાઇપ્સ હોય."

રૂથ ઉમેરે છે કે તેઓ તમામ જરૂરી વસ્તુઓ ખરીદે છે અને તેમના દરવાજા સુધી પહોંચાડે છે.

"અમે તેમને અનપૅક કરવામાં મદદ કરીએ છીએ અને આ રીતે સંબંધ રચાય છે. અમે હંમેશા ફૉલો-અપ લઈએ છીએ."

'ટકાઉ નથી'

સેન્ટરપૉઈન્ટના વરિષ્ઠ આહાર નિષ્ણાત હિથર પેટરસન કહે છે, "લાંબા ગાળે નિયમિત સંતુલિત આહાર ન મેળવવાથી શરીરની તમામ પ્રણાલીઓ પર ગંભીર પરિણામો આવે છે."

"કોઈપણ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિનું આ રીતે પરીક્ષણ કરવું જોઈએ નહીં. જીવન જીવવાની આ રીત ટકાઉ નથી."

સેન્ટરપૉઇન્ટે એમ પણ કહ્યું છે કે તેઓ ઇચ્છે છે કે "જેમને બિલ અને આવશ્યક બાબતોમાં મદદની જરૂર હોય તેમને ટેકો આપવા માટે સાર્વત્રિક ધિરાણ વધારવામાં આવે".

સેન્ટરપૉઇન્ટના નીતિ નિર્દેશક બલબીર કૌર ચત્રિક ઉમેરે છે, "દેશના સૌથી સંવેદનશીલ યુવાનોને ટેકો આપવા માટે બહુ વધારે લાભો ઉપલબ્ધ નથી. વાસ્તવમાં, યુવાનોની આખી પેઢી સામાજિક સુરક્ષાના સૌથી નીચા સ્તરે છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો