You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : જે આશાવર્કરોનું સન્માન WHOએ કર્યું એમને કેવીકેવી સમસ્યાનો સામનો કરવે પડે છે?
- લેેખક, હેમલ વેગડા
- પદ, બીબીસી ગુજરાતી માટે
"હું કાંતોડિયાવાસમાં હતી, ત્યાં મારે લોકોના ઘરે શરદી, તાવ, ખાંસી છે કે નહી તેનો સરવે કરવાનો હતો. એ સમયે એક દારૂડિયાએ ગંદી ગાળો બોલવાનું શરૂ કર્યું અને મને ધમકાવા લાગ્યો કે જો દારૂ પીશ તો જ અમે જવાબ આપીશું.તે આખો વિસ્તાર દારૂડિયાનો છે અને આવા બનાવ એ વિસ્તારમાં અવારનવાર અમારે સહેવા પડે છે. અમે ફરિયાદ કરીએ, તો કહે છે આ તમારું કામ છે તમારે કરવું જ પડશે."
આ વ્યથા છે અમદાવાદમાં કામ કરતા આશાવર્કર સુહાનાની.
22 મે, 2022ના રોજ WHO (વિશ્વ આરોગ્ય સંસ્થા) દ્વારા ભારતની આશાવર્કર બહેનોને 'ગ્લોબલ લીડર્સ ઍવોર્ડ' દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં. આ પહેલાં કોરોનાની બીજી લહેરમાં તેમના પર ફૂલો વરસાવીને સન્માનિત કરાયાં. જોકે, એમ છતાં છાશવારે આશાવર્કરોને પોતાના હક માટે અવાજ ઉઠાવવો પડે છે. આંદોલનો કરવા પડે છે.
ગુજરાતમાં 44,287 આશાવર્કર કામ કરે છે. આ આશાવર્કરોનું કામ ઘરે-ઘરે જઈને તાવ, શરદી, ટી.બી, કોરોના, પ્રસુતિ તેમજ મહિલાઓના આંકડા ભેગા કરવાનું હોય છે. આ ઉપરાંત આશાવર્કરો ઘરે-ઘરે જઈને બાળકોને રસી અપાવવાનું પણ કામ કરે છે.
કોરોનાકાળમાં જ્યારે લોકો ઘરોમાં બંધ હતા ત્યારે આ આશાવર્કરો ઘરે-ઘરે જઈને પોતાનું કામ કરતાં હતાં. પરંતુ તેમને શું મળ્યું? પગારની વાત તો ઘણી દૂર રહી પરંતુ તેઓ સન્માન માટે પણ ઝઝૂમવું પડે છે.
દરેક આશાવર્કરને રોજ કેટલાં ઘરની માહિતી એકઠી કરી તેના પોઈન્ટ ઉપર પગાર કરવામાં આવે છે. જો કોઈ બાળકને ઓરીની રસી મૂકવામાં આવે તો તેના 16 રૂપિયા અને બુસ્ટર ડોઝ આપવામાં તો તેના 75 રૂપિયા આપવામાં આવે છે.
'મહિને 4000 રૂપિયા પણ નથી મળતા'
આશાવર્કર સુનિતાબહેન કહે છે કે,"અમને મહિનાનો 4,000 રૂપિયા પણ પગાર મળતો નથી. એક બાળકને ઓરીની રસી મૂકવાના 16 રૂપિયા અપાય છે. પરંતુ જ્યાં ઓરીની રસી મૂકવાની હોય તેવા વિસ્તારના મહિને દસ બાળકો પણ મુશ્કેલેથી થાય છે. સાથે જ બુસ્ટર ડોઝવાળાં બાળકો પાંચ પણ થતાં નથી. આમ અમને મહિનાના અંતે કોઈ ખાસ પગાર મળતો નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંક્ષિપ્તમાં: આશાવર્કર્સની આપવીતી
- 22 મે, 2022ના રોજ WHO (વિશ્વ આરોગ્યસંસ્થા) દ્વારા ભારતની આશાવર્ક બહેનોને ગ્લોબલ લીડર્સ ઍવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં હતાં
- ગુજરાતમાં 44287 આશાવર્કર કામ કરે છે
- એક આશાવર્કર કહે છે કે "મારા પતિને જ્યારે કોરોના થયો ત્યારે મને ઘરે ક્વોરનટાઇન રહેવા જણાવાયું હતું પરંતુ તે દિવસોનો પગાર કાપી લેવાયો
- એક આશાવર્કર કહે છે કે જ્યારે અમે મા-કાર્ડ અને શ્રમકાર્ડ કઢાવવાનું કહીએ અને તે પછી સહાય ન મળે તો, લોકો 'તમે અમારા પૈસા ખાઈ ગયા'નું કહીને અપમાન કરે છે."
- આશાવર્કર કહે છે કે તેમને 10 હજાર રૂપિયાનો બાંધ્યો પગાર મળવો જોઈએ.
- 1000ની વસતિએ એક આશાવર્કર હોવાં જોઈએ, એ પ્રમાણમાં ગુજરાતમાં 62,700 આશાવર્કર હોવાં જોઈએ. પરંતુ ગુજરાતમાં માત્ર 44,287 આશાવર્કરો છે
આશાવર્કરોને કોવિડ મહામારી વખતે કામ કરવા લોકોનાં ઘરે-ઘરે મોકલાયાં ત્યારે સરકારે તેમને 4500 રૂપિયાનો પગાર આપવાનું કહ્યું હતું. પરંતુ, તેમાં પણ સરકાર નિષ્ફળ નીવડી અને આશાવર્કરોને તેમનો હક મળ્યો નહીં.
બાળ અને મહિલાવિકાસ-વિભાગનાં કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા મહિલાઓને ગંભીર બીમારી માટે 20 હજાર રૂપિયાની સહાય, આશાવર્કરનાં બાળકોને 9થી 12 ધોરણ તેમજ ITIના કોર્સ માટે 1000 રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી હતી. જેનાથી ગુજરાતની આશાવર્કરો તદ્દન અજાણ છે.
આશાવર્કર હેમાબહેન કહે છે, "હું સત્તર વર્ષથી અહીં કામ કરુ છું. મારે બે દીકરા છે, એક દિકરો 23 વર્ષનો અને એક 19 વર્ષનો છે. મને સત્તર વર્ષમાં કોઈ પણ મિટિંગમાં આવી યોજનાઓ વિશે જણાવવામાં આવ્યું નથી."
ક્વોરૅન્ટીનના દિવસનો પગાર પણ કાપી લીધો
તેમણે ઉમેર્યું,"મારા પતિને જ્યારે કોરોના થયો ત્યારે મને ઘરે ક્વોરૅન્ટીનમાં રહેવા જણાવાયું હતું. સહાયની વાત તો બહુ દૂર રહી પણ ક્વોરૅન્ટીન હતી એટલા દિવસના પૈસા પણ નહોતા મળ્યા."
"જ્યારે અમે કોવિડ મહામારી વખતનું નહી મળેલું ઇન્સેન્ટીવ માંગ્યું, તો મિટિંગમાં આવેલ ડૉક્ટર અને અધિકારીઓએ અમારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યુ અને કહ્યું કે 'જે મળે છે એ જ રહેશે પોસાય તો કામ કરો નહિતર તમારાં જેવી બીજી ઘણી આશાવર્કરો મળી જશે.'"
આશાવર્કરને મળતાં ભથ્થાં વિશે વાત કરતાં આશાવર્કર સ્મૃતિબહેને કહ્યું, "રહેવા દો! પગારની તો વાત જ ના કરશો! વડા પ્રધાનના જન્મદિવસે 35 લાખ કોરોના રસીનો વિશ્વવિક્રમ સર્જવાની આરોગ્યવિભાગે જાહેરાત કરી હતી. ત્યારે અમે સવારે 9થી રાત્રે 8 વાગ્યા સુધી કામ કર્યુ હતું છતાં એ દિવસે અમને ફૂડ પૅકેટ સિવાય કશું જ મળ્યું નહોતું."
આ સાથે જ અન્ય આશાવર્કર ધર્મિષ્ઠાબહેન ઉમેરે છે," અમને તો મફતના ભાવે જીવના જોખમમાં ઉતારવામાં આવે છે. કોરોનાકાળમાં બે મહિના ઘરેથી કામ પર જવાની ના પાડી ત્યારે અમારા જોડે માફીપત્ર લખાવડાવ્યા હતા ફરી કામે આવવા માટે."
વધુમાં તેમણે ઉમેર્યું કે, " આ કોઈ અમારું પહેલું અપમાન નથી. અમને તો ક્યાંય સન્માન નથી મળતું. જ્યારે અર્બન હેલ્થ સેન્ટરમાં કોઈ કાર્યક્રમ ઉજવવામાં આવે તો તેમાંથી અમને બાકાત રાખવામાં આવે છે."
આશાવર્કરોને ગર્ભવતી મહિલાઓને પ્રસુતિ માટે સરકારી દવાખાનામાં જવા માટે સમજાવવાનું કહે છે.
જો પ્રસુતિ માટે કોઈ મહિલા સરકારી દવાખાનામાં જાય અને તે બીપીએલ કાર્ડધારક હોય તો તેમને સહાય અપાવવાની થાય છે.
જો સગર્ભા મહિલાઓને સહાય મળે તો આશાવર્કરને 250 રૂપિયાની સહાય આપવામાં આવે છે. નહિતર રાબેતા મુજબ કામ ચાલે.
સુધાબહેન નામનાં આશાવર્કર જણાવે છે કે, "આ કામમાં પણ એટલી જ તકલીફ છે. જો કોઈ બહેન ઝેરોક્ષ ના આપે તો રસીના અમને કોઈ પૈસા મળતા નથી."
"ઊલટાનું ઝેરોક્ષનો ખર્ચ અમારે ભોગવવો પડે છે. અમને ઘરથી ગમે ત્યાં મોકલે તો તેના ભાડાનો ખર્ચ અમારો, ગર્ભવતી મહિલાના બાળકની રસીના સરવે-ફૉર્મનો ખર્ચ પણ અમારો. તેમજ ટીબીના સેમ્પલ માટે લોકોના ગળફાં જેવી ગંદી વસ્તુ ભેગું કરવાનું કામ પણ અમારે કરવાનું."
લોકો તરફથી પણ અપમાન મળે
આ સાથે તેમણે ઉમેર્યું કે, "અમે લોકોને સહાય માટે મા-કાર્ડ અને શ્રમકાર્ડ કઢાવવાં કહીએ અને એ કઢાવ્યાં બાદ જો તેમને સહાય ન મળે તો તેમનાં 'તમે અમારા પૈસા ખાઈ ગયા' જેવાં અપમાનો પણ સહન કરવાં પડે. બીજુ બધું તો ઠીક અમને 'મા અમૃતમકાર્ડ'ની સુવિધા પણ નથી મળતી."
વધુમાં સોનલબહેન નામનાં આશાવર્કરે જણાવ્યું,"અમને તો સ્લાઈડથી લોહીના રિપોર્ટ લાવવાના તેમજ અમુક સરવેના પૈસા રોકડ અથવા ચેકથી અપાય છે. જેમાં ઘણી વખત તો અમને સમજ પણ નથી પડતી. તેથી દરેક પૈસા સીધા અમારાં બૅન્કખાતાંમાં આવવા જોઈએ."
જ્યારે તેમની માંગણી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે તેમને 10 હજાર રૂપિયાનો બાંધ્યો પગાર મળવો જોઈએ. માંદગીના વીમાનું કાર્ડ અને પૅન્શન મળવાં જોઈએ.
તમામ સમસ્યાઓ વિશે અમે આશાવર્કરના યુનિયન 'ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન'ના પ્રમુખ અરુણ મહેતા સાથે વાત કરી તો તેમણે કહ્યું :
"અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે રેલી કાઢવાના હતા પરંતુ તે પહેલાં જ અમારી અટકાયત કરી દેવામાં આવી હતી. જ્યારે પણ અમે સરકાર વિરુદ્ધ પ્રદર્શનની માંગણી કરીએ ત્યારે અમને મંજૂરી પણ અપાતી નથી. ઉપરથી અટકાયત કરવામાં આવે છે. જેથી આશાવર્કરોનું એક દિવસનું ઇન્સેન્ટીવ પણ બગડે છે."
62,700 સામે ગુજરાતમાં 44,287 આશાવર્કર
વધુમાં તેમણે જણાવ્યું કે, "છેલ્લી અટકાયત કરાઈ ત્યારે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે આશાવર્કરોની સમસ્યા અંગે તેઓ કૅબિનેટમાં ચર્ચા કરશે. જો આ જાહેરાત અંગે ટૂંક સમયમાં પગલાં નહીં લેવાય તો અમે હાઇકોર્ટના દરવાજા ખખડાવીશું".
આ બાબતે સરકાર દ્વારા આશાવર્કરોએ કરેલાં આંદોલનો, તેમજ આશાવર્કરોની માંગ અંગે શું પગલાં લેવાઈ રહ્યાં છે એ જાણવા માટે આરોગ્યવિભાગ અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ સાથે ફોન પર વાત કરી.
જેમણે આખી વાત સાંભળ્યા બાદ એક પણ શબ્દ બોલ્યા વિના ફોન કાપી નાખ્યો.
એ બાદ અમે ચીફ સેક્રેટરી પંકજકુમાર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ એ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો.
આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સાથેનો પણ અમારો અનુભવ આવો જ રહ્યો.
અંતે અમે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે સંપર્ક કરવાની કોશિશ કરી. તેમને મૅસેજ અને ફોન કર્યા પણ ત્યાંથી પણ કોઈ પ્રતિસાદ મળ્યો નહીં.
અહીં એ વાત ખાસ નોંધવી રહી કે ગુજરાતમાં દર 1000ની વસ્તીએ 1 આશાવર્કર હોવાં જોઈએ. તે પ્રમાણે ગુજરાતમાં 62,700 આશાવર્કર હોવાં જોઈએ. પરંતુ ગુજરાતમાં ફક્ત 44,287 આશાવર્કર છે. જેના કારણે બાકી આશરે 20,000 જેટલાં આશાવર્કરોનું કામ પણ તેમના માથે આવે છે.
આશાવર્કરો સન્માન સાથેના કામ માટે ઝઝૂમી રહ્યાં છે. તેઓ રજા પાડીને આંદોલન નથી કરી શકતાં કેમકે તેમની પાસે એટલાં નાણાં નથી કે તેમને રજા પરવડે!
(અહેવાલમાંઆશાવર્કરોનાં નામો બદલવામાં આવ્યાં છે.)
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો