કોરોના વાઇરસ : 'સરકારની નજરમાં અમારી જિંદગીની કિંમત માત્ર 30 રૂપિયા'

    • લેેખક, શ્રીકાંત બંગાલે
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા

કોરોના વાઇરસ સામેની લડાઈમાં ડૉક્ટરોની જેમ ઘણાં આશાવર્કરોને પણ આખા દેશમાં કામે લગાડાયાં છે.

આશાવર્કરો ગામ અને શહેરોમાં ઘરેઘરે જઈને પરિવારના એક-એક સભ્યની સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી એકઠી કરે છે.

આ દરમિયાન કર્ણાટક અને મહારાષ્ટ્રમાં આશાવર્કરો પણ હુમલા પણ થયા છે.

એક એવો પણ રિપોર્ટ આવ્યો છે કે આશાવર્કરોના હાથ પર હોમ ક્વૉરેન્ટીનનો સિક્કો જોતાં ગામમાંથી બહાર જવા કહેવાયું હતું.

આશાવર્કરો કોરોના સંકટના આ સમયમાં કેવીકેવી પરિસ્થિતિઓમાં કામ કરવા મજબૂર છે એ જાણવાની અમે કોશિશ કરી.

ગ્રામીણ કે શહેરી વિસ્તારમાં કામ કરતાં આશાવર્કરોને દરરોજ 25 ઘરોમાં જઈને સર્વે કરવો જરૂરી હોય છે.

અલકા નલવાડેનો સવાલ

આખા મહારાષ્ટ્રમાં 70 હજાર આશાવર્કરો ઘરેઘરે જઈને પૂછે છે કે શું કોઈ મુંબઈ કે પૂણેથી તમારા ઘરે આવ્યું છે? કોઈને તાવ કે ઉધરસ કે શરદી છે?

આવાં જ એક આશાવર્કર છે અલકા નલવાડે. અલકા પૂણેના પવારવાડીમાં છેલ્લાં દસ વર્ષથી આશાવર્કર તરીકે કામ કરે છે.

જ્યારે બીબીસીએ તેમને તેમના કામના અનુભવ અંગે પૂછ્યું તો તેમણે કહ્યું, "સરકારે અમને કોરોના વાઇરસ સાથે સંકલાયેલા કામ માટે એક મહિને એક હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. એ રીતે જોઈએ તો એક દિવસના 30 રૂપિયા થાય. અમને રોજ અમારો જીવ જોખમમાં નાખવાના 30 રૂપિયા મળે છે."

"સરકારની નજરમાં અમારા જીવની કિંમત 30 રૂપિયા છે. જો અમે ખેતરમાં કામ કરવા જઈએ તો પણ રોજના 300 રૂપિયા દાડી મળે છે. અમને આઠ દિવસની શાકભાજી પણ મળી શકે છે અને બે બકરી પણ પાળી શકીએ છીએ. 30 રૂપિયામાં અમે કેવી રીતે ઘરખર્ચ કાઢીએ. તમે જ કહો."

સ્વાસ્થ્ય વીમાની જાહેરાત

અલકાના પતિ તેમની સાથે નથી રહેતા. તેમના ઘરમાં તેઓ અને તેમની પુત્રી જ રહે છે. તેઓ પૂછે છે, "જો હું કોરોનાથી સંક્રમિત થઈ તો કોણ ધ્યાન રાખશે. શું હું 30 રૂપિયામાં મારી સારવાર કરાવી શકીશ?"

અલકા આગળ કહે છે, "સરકારે કોરોના સાથે જોડાયેલા કામમાં જો કોઈનું મૃત્યુ થાય તો 50 લાખ રૂપિયાના સ્વાસ્થ્ય વીમાની જાહેરાત કરી છે. પરંતુ એક આશાવર્કર જો મૃત્યુ પામે તો તે આ 50 લાખ રૂપિયાનું શું કરશે?"

"સરકાર તેમને જીવતા રહેતા તો પૈસા આપવા તૈયાર નથી. જો કોઈ આશાવર્કર મૃત્યુ પામે તો તેઓ જોવા જશે કે સરકારે 25 લાખ આપ્યા કે 30 લાખ?"

સરકારે આશાવર્કરોને એપ્રિલ, મે અને જૂન દરમિયાન કોરોના સંબંધિત કામ માટે અલગથી એક હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

આ રીતે તેઓને આ ત્રણ મહિનામાં કુલ ત્રણ હજાર રૂપિયા મળશે. સરકાર તરફથી મળતી આ રકમનો આશાવર્કરોનો વિરોધ છે.

ખરાબ વ્યવહાર

અલકા જ્યારે ગામમાં જઈને જાણકારી મેળવતાં હતાં ત્યારે તેમને ખરાબ વર્તનનો સામનો કરવો પડ્યો.

અલકા ગુસ્સામાં કહે છે, "કેટલાક લોકો અમને તેમના ઘરમાં ઘૂસવાં દેતાં નહોતાં. તેઓ કહેતા કે અમે આખા ગામમાં ફરીએ છીએ. અમે તેમને કોરોનાનો ચેપ લગાડી દેશું. અમે તેમની જાણકારી બહાર પહોંચાડી દેશું. "

"આવા સમયે બહુ દુ:ખ થાય છે. મારી પણ જિંદગી છે. મને પણ મોતનો ડર લાગે છે. અમે લોકો માટે જ કામ કરી રહ્યાં છીએ અને એ જ લોકો અમારી સાથે આવો વ્યવહાર કરે છે. અમે બીજું શું કરીએ?"

આવી સ્થિતિમાં પણ અલગા ઘણાં ઘરોમાં જાય છે અને જાણકારી મેળવે છે. જાણકારી મેળવીને 'વાલ્હે પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર'માં જમા કરાવવાની હોય છે. એના માટે તેમને ચાર કિલોમીટર ચાલીને કેન્દ્ર સુધી પહોંચવું પડે છે.

એક જ માસ્ક ધોઈને પહેરવા મજબૂર

અલકા અને અન્ય આશાવર્કરો બીબીસીને જણાવે છે કે સરકારે આશાવર્કરોને કોઈ સુરક્ષા ઉપકરણ આપ્યાં નથી.

છાયા ગાયકવાડ યવતમાલ જિલ્લાના દૂધગામમાં આશાવર્કર તરીકે કામ કરે છે.

સરકારે તેમની સુરક્ષા માટે શું કંઈ આપ્યું છે?

આ સવાલ પર તેઓ કહે છે, "અમે છેલ્લા 12-13 દિવસથી કોરોના સંબંધિત સર્વે કરીએ છીએ. અમે તેના માટે સુતરાઉ કાપડના માસ્ક આપવામાં આવ્યા છે. અત્યાર સુધી અમે એ જ માસ્કનો ઉપયોગ કરીએ છીએ. સર્વે કર્યા પછી ઘરે આવીને તેને ધોઈએ છીએ અને પછી બીજા દિવસે ફરી તેનો ઉપયોગ કરીએ છીએ. આ સિવાય અમને 10 મિલીમીટરનું એક સ્પ્રિટ આપવામાં આવ્યું છે, જે અમે પાણી મેળવીને ઉપયોગમાં લઈએ છીએ."

જાલના જિલ્લાના પચનાવદ ગામનાં આશાવર્કર કરુણા શિંદે કોરોના સંબંધિત સર્વે દરમિયાન પોતાના દુપટ્ટાનો ઉપયોગ કરે છે. તેઓ કહે છે કે સરકારે તેમને કોઈ પણ પ્રકારનાં સુરક્ષાનાં ઉપકરણ આપ્યાં નથી.

પરિવારની મુશ્કેલી

PC- BBC

આ આશાવર્કરોને પોતાના પરિવારનો પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. યવતમાલનાં અંજના વાનખેડે તેમાંનાં એક છે.

તેઓ કહે છે, "અમે જ્યારે કોરોના સંબંધિત આંકડા મેળવવા માટે જઈએ છીએ ત્યારે અમારા પરિવારવાળા ભયમાં રહે છે. તેઓ સતત ચિંચિત રહે છે કે અમને ક્યાંક કોરોનાનો ચેપ ન લાગી જાય. તેઓ પરિવારના સભ્યોને સંક્રમિત કરશે અને પછી આખા ગામને. અમારા પરિવારવાળા કહે છે કે અમને ન તો કોઈ પગાર મળે છે, ન તો કોઈ સુવિધા. તેમ છતાં અમે જીવ જોખમમાં નાખીને આંકડા એકઠા કરવામાં લાગેલાં છીએ."

તેઓ સરકાર પાસે એ આશા રાખે છે કે એ લોકોને કમસે કમ સેફ્ટીનો સામાન તો આપે.

જાલનાનાં આશાવર્કર કરુણા કહે છે, "કોરોનાના ડરને લીધે મારા પતિ મને સર્વેના કામ પર જતા રોકે છે. તેઓ કહે છે કે ડૉક્ટરો, નર્સ અને સ્વાસ્થ્યકર્મીઓને પગાર મળે છે, તેમને આ કામ કરવા દો."

અમારો ક્યાંય ઉલ્લેખ નથી થતો'

ઘણાં આશાવર્કરોની એ ફરિયાદ છે કે વડા પ્રધાનથી લઈને મુખ્ય મંત્રી સુધી બધા ડૉક્ટરસ નર્સ અને પોલીસકર્મીઓનાં વખાણ કરે છે. પરંતુ તેમના વિશે કોઈ વિશે કંઈ નથી કહેતું કે આશાવર્કરો શું કરે છે.

આશાવર્કર અંજના કહે છે, "કોરોના સાથે જોડાયેલું સાચું કામ તો અમે- આશાવર્કરો કરીએ છીએ, પરંતુ કોઈ મારી વાત કરતું નથી. વડા પ્રધાનથી લઈને મુખ્ય મંત્રી સુધી બધા ડૉક્ટર અને પોલીસનાં વખાણ કરે છે."

તેઓ કહે છે, "સરકાર દરરોજ નવા આંકડા રજૂ કરે છે. આ આંકડા કોણ મેળવે છે? અમે ઘરેઘરે જઈને આ આંકડા એકત્ર કરીને સરકારને આપીએ છીએ. સરકાર આંકડાની વાત તો કરે છે, પરંતુ આ આ આંકડા મેળવનારાં આશાવર્કરો પર કશું કહેતી નથી."

આશાવર્કરોની સમસ્યાને લઈને અમે રાજ્યના સ્વાસ્થ્યમંત્રી રાજેન્દ્ર યદરાવકરનો સંપર્ક કર્યો.

તેમને જણાવાયું કે આશાવર્કરો સુરક્ષાનાં સાધનો વિના કામ કરે છે, તો તેઓએ કહ્યું કે, "છેલ્લા દોઢ મહિનાથી આશાવર્કરો બહુ સારું કામ કરે છે. જ્યાં પણ સુરક્ષાનાં ઉપકરણની કમી છે, ત્યાં અમે સ્થાનિક પ્રશાસનને તેના વિશે નિર્દેશ આપ્યા છે. આશાવર્કરો ઓછા પૈસામાં પોતાનો જીવ જોખમમાં મૂકીને કામ કરે છે. તેમની જિંદગીની સુરક્ષા હોવી જોઈએ. તેમને મદદ કરવી એ સરકારની જવાબદારી છે."

આશાવર્કરોને અલગઅલગ જગ્યાએ લોકોના વિરોધનો સામનો પણ કરવો પડ્યો છે.

આ અંગે તેઓ કહે છે, "રાજ્યમાં આવી ઘટના એક કે બે જગ્યાએ ઘટી છે. આશાવર્કરો બહાર જઈને કામ કરે છે. એ નથી જાણતાં કે સામેનો શખ્સ કોરોના પૉઝિટિવ છે કે નૅગેટિવ. તે ઘરેઘરે જઈને લોકોની જાણકારી મેળવી રહી છે. તેઓ બહુ મોટી જવાબદારી નિભાવી રહ્યાં છે. લોકોએ કોઈ પણ જાતના વિરોધ વિના તેમને સહયોગ આપવો જોઈએ."

આશાવર્કરોને બહુ ઓછા પૈસા મળે છે, તેના પર તેઓ કહે છે, "આ સમયે આપણા માટે કોરોનાનો મુદ્દો મહત્ત્વનો છે. આ મુશ્કેલ સમયમાં તેઓ લગનથી પોતાનું કામ કરી રહ્યા છે તેમને જરૂર ન્યાય મળશે. હું તેના માટે કોશિશ કરીશ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો