કોરોના વાઇરસ : ગુજરાતમાં જોવા મળી રહેલા અસિમ્પ્ટોમૅટિક કેસ શું છે?

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં હવે સરકારે કોરોના વાઇરસના કેસ શોધવા માટે ઍક્ટિવ સર્વેલન્સનું કામ હાથ ધર્યુ છે. રાજ્યમાં જ્યાં પણ કોરોના વાઇરસનો પૉઝિટિવ કેસ નોંધાય ત્યાં જે-તે વ્યક્તિના પરિવારજનો સહિત આખા વિસ્તારના લોકોનું પરીક્ષણ કરાઈ રહ્યું છે.

પરીક્ષણ દરમિયાન એવા કેટલાય લોકોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા, જેમને કોરોના વાઇરસનાં જાણીતા લક્ષણો જેવાં કે તાવ, ઉધરસ, સર્દીમાંથી કશુ પણ નહોતું.

ઘણા લોકો માટે આ પ્રકારના રિપોર્ટ ચોંકાવનારા તો છે જ, પણ સરકાર માટે પણ બીમારીની ફરિયાદ જ ન હોય અને પૉઝિટિવ આવે તેવા અસિમ્પ્ટોમૅટિક લોકોને શોધવાનો પડકાર ઊભો થયો છે.

સેવા કરતા સંકટ

દાખલા તરીકે, દાણીલીમડાના 'સફી મંજિલ' વિસ્તારમાં રહેતી 55 વર્ષની એક વ્યક્તિ વાઇરસની મહામારી દરમિયાન સેવાકાર્ય માટે ગરીબવિસ્તારોમાં ફરતી હતી અને ખાવાનું પહોંચાડતી હતી.

આ વ્યક્તિમાં કોરોના વાઇરસનાં કોઈ પણ લક્ષણ જોવાં મળ્યાં નહોતાં.

આ વ્યક્તિના એક સંબંધી, જે પોતે પણ હાલમાં ક્વોરૅન્ટીનમાં છે, તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું, 'તેમને ફેફસાંની તકલીફ હતી એટલે સામાન્ય તાવ રહેતો હતો, પરંતુ અમને તે ખ્યાલ ન હતો કે આ તાવ કોરોના વાઇરસને કારણે છે.'

આ વ્યક્તિ એસ. વી. પી. હૉસ્પિટલમાં તપાસ માટે પણ ગઈ હતી પરંતુ કોઈ લક્ષણ ન જણાતાં તબીબોએ તેમને ઘરે પરત મોકલી દીધી હતી અને તેમણે પોતાનું સેવાકાર્ય ચાલુ રાખ્યું હતું.

જોકે, હાલમાં તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને તેમના સંપર્કમાં આવનારા તમામ લોકોના રિપોર્ટ કરાવ્યા છે, જેમાંથી કેટલાય લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે.

અસિમ્પ્ટોમૅટિક: ચેપનું ચક્ર

સરકારી અધિકારીઓ માને છે કે એ વ્યક્તિ અસિમ્પ્ટોમૅટિક હતી અને પોતાની જાણબહાર તેમણે આ સંક્રમણ તેમની આસપાસના લોકોમાં ફેલાવી દીધું.

આ વ્યક્તિને જ્યારે સરકારી ક્વોરૅન્ટીન ફૅસિલિટીમાં લઈ જવામાં આવી રહી હતી, ત્યારે જમાલપુર વિસ્તારમાં ઘણા લોકોએ તેનો વિરોધ કર્યો હતો.

મોટાભાગના લોકો એ વાત માનવા જ તૈયાર ન હતા કે તેમને કંઈ થયું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને આવા અનેક અસિમ્પ્ટોમૅટિક લોકોનાં ટેસ્ટ કર્યાં છે અને તેમાંથી મોટાભાગના લોકોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે.

અસિમ્પ્ટોમૅટિક દરદી અને AMC

આ વિશે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ અંતે એક ટ્વીટ કરવું પડ્યું હતું કે 'આવા લોકોને હૉસ્પિટલમાં લઈ જવા માટે બળપ્રયોગની જરૂર પડે, તો કરવો.'

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો કર્યો છે.

શુક્રવારે આશરે 700 જેટલી ટેસ્ટ કરવામાં આવી. આ તમામ ટેસ્ટ ક્લસ્ટર ક્વોરૅન્ટીનના વિસ્તારોમાંથી કરવામાં આવી હતી.

અસિમ્પ્ટોમૅટિક ટેસ્ટ પછી લોકો હૉસ્પિટલમાં જવાની આનાકાની કરતા હોય તેવા કિસ્સાઓ હજી પણ જોવા મળી રહ્યા છે.

આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જમાલપુર વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કહે છે:

"એ. એમ. સી. ટીમની સાથે હું અને મારા સહયોગીઓ લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને ઘણા લોકો અમારી વાત માની પણ ગયા છે. અસિમ્પ્ટોમૅટિક લોકોની તપાસ હવે આ વિસ્તારમાં જરૂરી બની ગઈ હોય, તેવું લાગી રહ્યું છે."

ક્વોરૅન્ટીન અને બફર ઝોન

અસિમ્પ્ટોમૅટિક દર્દીઓની સંખ્યા વધવાની શક્યતાઓ વચ્ચે બીબીસી ગુજરાતીએ શહેરના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર ઓમ પ્રકાશ સાથે વાત કરી. તેઓ કહે છે :

"દાણીલીમડા વિસ્તારમાં અનેક લોકો અસિમ્ટોમૅટીક હતા એટલે જ્યારે તેમના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા, ત્યારે બધાને નવાઈ લગી હતી."

"અસિમ્પ્ટોમૅટિક પૅશન્ટ્સ અજાણતા જ બીજા લોકોને વાઇરસનો ચેપ લગાવી દે છે, તેમને પોતાને પણ ખબર હોતી નથી કે તેઓ સંક્રમિત છે."

તેમણે કહ્યું કે ક્લસ્ટર ક્વોરૅન્ટીન વિસ્તારોમાં મોટાભાગના અસિમ્પ્ટોમૅટિક લોકોની ટેસ્ટ કરવામાં આવશે.

ડૉક્ટર ઓમ પ્રાકાશ હાલમાં એ. એમ. સી.ના કમિશનર વિજય નહેરા સાથે કોરોના વાઇરસની કામગીરીમાં મહત્ત્વપૂર્ણ ભૂમીકા નિભાવી રહ્યા છે.

તેમણે બીબીસીને કહ્યું કે હાલમાં લગભગ 2000 જેટલા સ્વાસ્થ્ય કર્મચારીઓ ફિલ્ડ પર ફરીને ટેસ્ટિંગ વગેરેનું કામ કરી રહ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને 10મી એપ્રિલની સ્થિતિ પ્રમાણે, શહેરમાં 14 વિસ્તારોને ક્લસ્ટર ક્વોરૅન્ટીન કર્યા છે અને કોટ વિસ્તારને 'બફર ઝોન' તરીકે જાહેર કર્યો છે.

ક્વોરૅન્ટીન વિસ્તારમાં સંપૂર્ણ પ્રવૃત્તિઓ બંધ છે, માત્ર સ્વાસ્થ્ય કર્મચારીઓ જ તેમાં અવર-જવર કરી શકે છે, જ્યારે બફર ઝોનમાં મર્યાદિત અવર-જવરની પરવાનગી અપાઈ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો