You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લૉકડાઉન વચ્ચે સુરતમાં પથ્થરમારો અને આગચંપી
લૉકડાઉનની વચ્ચે સુરતના ડાયમંડનગર વિસ્તારમાં પથ્થરમારો અને આગચંપીની ઘટના ઘટી હતી.
મળતી માહિતી પ્રમાણે સેંકડો પરપ્રાંતીય કામદારો રસ્તા પર ઊતરી આવ્યા હતા, આ દરમિયાન તોડફોડ અને આગચંપીની ઘટના ઘટી હતી.
અન્ય પ્રાંતના કામદારો લૉકડાઉનને પગલે મોટી સંખ્યામાં સુરતમાં ફસાયા છે. કામદારો કહે છે કે તેમની પાસે ના તો પૈસા છે, ના તો ભોજન છે.
ભોજન ન મળતાં વતન પરત જવા દેવાની માગ સાથે કામદારો રસ્તા પર આવી ગયા હતા અને સ્થિતિ વણસી હતી.
સુરતના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ રાકેશ બારોટ જણાવે છે કે અમે અહીં આવીને પ્રાથમિક તપાસ કરી તો જાણવા મળ્યું છે કે મોટાભાગના ઓડિશાના લોકો હતા અને તેઓ વતન પરત જવા દેવાની માગ કરી રહ્યા હતા.
તેઓ વધુમા જણાવે છે કે અહીં કેટલીક લારીઓને આગ પણ ચાંપવામાં આવી છે અને તોડફોડ પણ કરવામાં આવી છે.
આ વિસ્તારમાં કેટલાક ઇસમો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને દસ જેટલી લારીઓને આગ ચાંપી દેવામાં આવી હતી.
આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ સી. કે. પટેલ જણાવે છે કે ઓડિશાના કામદારો વતન પરત જવાની માગ કરી રહ્યા હતા. મૂળે જમવાનું મળવામાં વિલંબ થતાં કેટલાક તોફાની તત્ત્વોએ તેમને ઉશ્કેર્યા હતા અને એ વચ્ચે આ ઘટના ઘટી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે એવું પણ જણાવ્યું કે આ કામદારોને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભોજન પહોંચાડવામાં આવતું હતું અને આજે ભોજન મળવામાં વિલંબ થતાં તોફાન થયું હતું.
ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસનું કહેવું છે કે હાલ સ્થિતિ કાબૂમાં છે અને 60થી વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ થોડી જ વારમાં પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આ ઉપરાંત RAFની ટુકડીઓને ઉતારવામાં આવી હતી.
લૉકડાઉન અને પરપ્રાંતીય કામદારોની હિજરત
ડાયમંડ સિટી તરીકે ઓળખાતાં સુરત શહેરમાં હીરાઉદ્યોગ, કાપડઉદ્યોગ સહિતના ઉદ્યોગો આવેલા છે. આ ઉદ્યોગોમાં કામ કરવા માટે ઓડિશા, ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ સહિતનાં રાજ્યોમાંથી મોટી સંખ્યામાં કામદારો આવે છે.
લૉકડાઉનની જાહેરાત થઈ એ સાથે જ બહુ મોટી સંખ્યામાં કામદારોએ હિજરત કરી હતી. સુરત ઉપરાંત દેશભરનાં અનેક રાજ્યોમાંથી કામદારો પોતાને વતન પરત ફર્યા હતા.
વાહનો ન મળતાં હજારો કામદારો પગપાળઆ પોતાના વતન જવા માટે ચાલી નીકળ્યા હતા.
સુરતમમાં પાવરલુમ્સમાં કામ કરતા કામદારો પૈકી એક મોટો વર્ગ એ વખતે પણ સુરતમા જ રોકાઈ ગયો હતો, પરંતુ લૉકડાઉનની સ્થિતિ વચ્ચે તેમની માટે ભૂખમરા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. એ વચ્ચે સુરતમાં આ ઘટના ઘટી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો