કોરોના વાઇરસ : લૉકડાઉન ક્યારે અને કેવી રીતે ખતમ થશે, કોણે શું કહ્યું?

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી

દરેક લોકોનો એક જ સવાલ છે કે આ લૉકડાઉન ક્યારે અને કેવી રીતે ખૂલશે? એક તરફ કેટલાક રાજ્યોની સરકારો તેને લંબાવવા ભલામણ કરી રહી છે તો બીજી તરફ કેન્દ્ર સરકારને પણ એવી જ ભલામણ નિષ્ણાતો કરી રહ્યા છે. લૉકડાઉન ક્યારે ખુલશે એ સવાલના જવાબ પહેલાં ગત દિવસોમાં રાજ્ય સરકારો તરફથી આવેલાં નિવેદનો પર નજર નાખીએ.

"અમારી પાસે કોઈ વિકલ્પ નથી. લૉકડાઉન ચાલુ રાખવું જોઈએ. હું માનનીય વડા પ્રધાનને અપીલ કરું છું કે લૉકડાઉન 15 એપ્રિલ પછી પણ ચાલુ રખાય. તેમાં આનાકાનીની કોઈ જરૂર નથી."

  • કે. ચંદ્રશેખર રાવ, મુખ્ય મંત્રી, તેલંગણા

"મીડિયામાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહ્યું છે કે લૉકડાઉન 14 એપ્રિલ પછી વધી શકે છે, તેને લઈને લોકોમાં સંવેદનશીલતા વધી છે. હજુ એ કહી ન શકાય કે 14 એપ્રિલ પછી શું થશે. એક પણ કેસ અમારા પ્રદેશમાં રહી જાય તો લૉકડાઉન ખોલવું યોગ્ય નથી."

  • અવનીશ અવસ્થી, અધિક મુખ્ય સચિવ, ગૃહવિભાગ, ઉત્તર પ્રદેશ સરકાર

"કેન્દ્રે રાજ્યો પાસેથી સૂચનો માગ્યાં છે. રાજ્યોએ પોતાની સ્થિતિને જોઈને તેના પર નિર્ણય લેવો જોઈએ. રાજસ્થાન લૉકડાઉન કરનાર સૌથી પહેલું રાજ્ય હતું."

  • અશોક ગેહલોત, મુખ્ય મંત્રી, રાજસ્થાન

"મહારાષ્ટ્ર સરકાર તબક્કાવાર લૉકડાઉનને અલગઅલગ વિસ્તારોમાં ખોલવા પર વિચાર કરી રહી છે."

  • રાજેશ ટોપે, સ્વાસ્થ્યમંત્રી, મહારાષ્ટ્ર સરકાર

"જો 14 એપ્રિલ કે પછી 20 એપ્રિલે લૉકડાઉન ખૂલે અને આસામની બહાર રહેલા અસમિયા યુવક-યુવતીઓ એકસાથે રાજ્યમાં આવે તો તે બધાંને 14 દિવસ સુધી ક્વૉરેન્ટીનમાં રાખવા શક્ય નથી, કેમ કે સરકાર પાસે એટલી મોટી સંખ્યામાં લોકોને ક્વૉરેન્ટીન કરવાની વ્યવસ્થા હાલમાં નથી."

  • હેમંતા બિશ્વા શરમા, સ્વાસ્થ્યમંત્રી, આસામ

આ બધાં નિવેદન દેશનાં તમામ મોટાં રાજ્યોના મુખ્ય મંત્રી અને અધિકારીઓનાં છે. આ બધાં નિવેદનથી સ્પષ્ટ છે કે 14 એપ્રિલ બાદ આખા દેશમાં એકસાથે લૉકડાઉન નહીં ખૂલે.

કેટલીક રાજ્ય સરકારો પોતાની રીતે કેટલાક પ્રતિબંધો લગાવી રાખવાના પક્ષમાં છે.

તો પછી કેવી રીતે આ લૉકડાઉન ખૂલશે? શું છે સરકારની બ્લૂ પ્રિન્ટ? આ અંગે બીબીસીએ વાત કરી એઇમ્સના નિદેશક રણદીપ ગુલેરિયા સાથે. રણદીપ ગુલેરિયા સરકાર તરફથી કોવિડ-19 માટે બનાવેલી 11 સમિતિઓમાંથી એકના પ્રમુખ પણ છે.

ક્યાં ખૂલશે, ક્યાં રહેશે લૉકડાઉન?

ડૉ. ગુલેરિયા અનુસાર જે હૉટસ્પૉટ એરિયામાં કોરોના સંક્રમણ વધવાની ગતિ પ્રતિદિન આજે પણ બમણી છે, એ વિસ્તારમાં હાલમાં લૉકડાઉન ખોલી ન શકાય. આ શક્ય જ નથી, કેમ કે ત્યાં લૉકડાઉન ખોલવાનો મતબલ હશે, કોવિડ-19ના દર્દીઓનું એકદમ વધી જવું.

જે વિસ્તારમાં આજ સુધી કોરોનાનો કોઈ કેસ સામે આવ્યો નથી, ત્યાં આપણે ધીમેધીમે લૉકડાઉન ખોલી શકીએ છીએ.

આખા દેશમાં કુલ 274 એવા જિલ્લા છે જ્યાં કોરોનાના દર્દીઓ મળ્યા છે. દેશભરમાં 700થી વધુ જિલ્લા છે.

આથી લાગે છે કે 14 એપ્રિલ પછી અંદાજે 450 જિલ્લામાં લૉકડાઉનમાં ઢીલ અપાઈ શકે છે.

કયા આધારે સરકાર નિર્ણય કરશે?

દેશભરમાં કોરોના સંક્રમણના અત્યાર સુધીમાં 4000થી વધુ કેસ આવી ચૂક્યા છે. એક રિપોર્ટ અનુસાર હાલમાં આપણે ત્યાં દર પાંચમા દિવસે દર્દીઓની સંખ્યા ડબલ થઈ રહી છે.

કેન્દ્ર સરકાર ઘણી વાર કહી ચૂકી છે કે જો તલબીગી જમાત મરકઝથી આટલી મોટી સંખ્યામાં દર્દીઓ ન આવ્યા હોય તો આ ગતિ ઘણી ધીમી હોત.

કેન્દ્ર સરકારે લૉકડાઉન પર કોઈ નિર્ણય લેતાં પહેલાં કેટલાક વિષયો પર વધુ ધ્યાન આપવું પડશે.

ડૉ. ગુલેરિયાની વાત માનીએ તો સરકાર પોતાનો નિર્ણય ચાર મુદ્દાને ધ્યાનમાં રાખીને કરશે.

  • પહેલો- લૉકડાઉન ચાલુ રાખતા અર્થવ્યવસ્થા પર કેટલી અસર થશે. શું સરકાર તેની ભરપાઈ કરવામાં સક્ષમ હશે?
  • બીજો- શું લૉકડાઉન ખોલવું એ મોટી વસતીના સ્વાસ્થ્ય સાથે ચેડાં હશે?
  • ત્રીજો- ઉદ્યોગજગતના સવાલોને પણ સરકારે લૉકડાઉનના નિર્ણય સાથે જોડીને જોવા પડશે. લૉકડાઉન આગળ વધારવું કે ખતમ કરવું એ ભારતની આયાત-નિકાસ, અન્ય દેશો સાથેના સંબંધો અને દેશના અન્ય ઉદ્યોગો પર કેટલી અસર કર છે.
  • ચોથો- ગરીબ અપ્રવાસી મજૂરોની સ્થિતિ. તેમની પાસે સરકાર કેટલી પહોંચી શકે છે. તેમની સમસ્યા શું છે અને તેનું નિદાન સરકાર સંપૂર્ણ રીતે કરી રહી છે.

એટલા માટે કેન્દ્ર સરકારે લૉકડાઉન પર રાજ્ય સરકારોનાં સૂચનો માગ્યા છે. બુધવારે વડા પ્રધાન મોદી અલગઅલગ રાજકીય પક્ષો સાથે વાતચીત કરીને તેમની પાસેથી પણ આ મામલે ચર્ચા કરવાના છે.

લૉકડાઉન કેવી રીતે ખોલી શકાય?

ડૉ. રણદીપ ગુલેરિયાનું માનવું છે કે લૉકડાઉન ખસેડવાની બે જ રીત છે.

પહેલી છે, ગ્રેડેડ કે તબક્કાવાર લૉકડાઉન દૂર કરવું. બીજી છે, કેટલાક વિસ્તારમાં સંપૂર્ણ રીતે સામાન્ય જનજીવન ફરી વાર શરૂ કરાય, જ્યાં હજુ સુધી કોરોનાનો એક પણ દર્દી સામે ન આવ્યો હોય.

ડૉ. રણદીપ ગ્રેડેડ લૉકડાઉન ખોલવાના પક્ષમાં વાત કરે છે.

તેમના જણાવ્યા અનુસાર સંપૂર્ણ લૉકડાઉન એ વિસ્તારમાંથી ખસેડી શકાય જ્યાં અત્યાર સુધીમાં એક પણ કેસ ન આવ્યો હોય. પરંતુ ભારત માટે આ શક્ય લાગતું નથી.

તેમના અનુસાર ત્યારે એ ખતરો પણ રહેશે કે અન્ય સંક્રમિત કે પ્રભાવિત વિસ્તારના લોકો ત્યાં ન જતા રહે.

સરકારે આવા વિસ્તારમાં લોકોની અવરજવર પર ધ્યાન રાખવું પડશે. આથી તેઓ માને છે કે સરકારે હૉટસ્પૉટને અલગ રીતે અને નૉનહૉટસ્પૉટને અલગ રીતે ડીલ કરવા પડશે.

'હૉટસ્પૉટ' એટલે દેશના એવા વિસ્તારો જ્યાં અન્ય વિસ્તાર કરતાં વધુ કેસ સામે આવ્યા હોય.

સ્વાસ્થ્ય મંત્રાલયે આ હૉટસ્પૉટની ઓળખ કરી છે અને સ્થિતિને નિયંત્રિત કરવા માટે એક ખાસ રણનીતિ બનાવી છે, જેથી અહીં કૉમ્યુનિટી ટ્રાન્સમિશનની આશંકા ટાળી શકાય.

હૉટસ્પૉટનો વ્યાપ અને વિસ્તાર

કેટલાંક હૉટસ્પૉટ આ રહ્યાં- દિલ્હી (નિઝામુદ્દીન, દિલશાદ ગાર્ડન), નોઇડા, મેરઠ, અમદાવાદ, મુંબઈ, પૂણે, કાસરગોડ અને પથાનામથિટ્ટા.

જોકે આ હૉટસ્પૉટ, દરરોડ અને બદલાતી પરિસ્થિતિ સાથે સતત બદલાઈ રહ્યાં છે. નવા સરકારી આદેશ પ્રમાણે ભારતમાં કુલ 21 હૉટસ્પૉટ છે.

ડૉ. ગુલેરિયા માને છે કે હૉટસ્પૉટ વિસ્તારોને 14 એપ્રિલ બાદ પણ અન્ય વિસ્તારોથી સંપૂર્ણ કટ-આઉટ રાખવા પડશે.

મતલબ કે આ વિસ્તારમાં ટ્રેન, બસ, ફ્લાઇટથી અવરજવર સંપૂર્ણ બંધ રહેશે. નહીં તો જે જગ્યાએ એક પણ કેસ નથી ત્યાં પણ કોરોનાના કેસ મળે તેવી શક્યતા છે.

લૉકડાઉન પર નિર્ણય લેતી વખતે સરકાર સામે સૌથી મોટો પડકાર એ હશે કે કઈ ફ્લાઇટને ઉડાનની મંજૂરી આપવી અને કઈ ટ્રેનને ફરી વાર દોડવાની પરવાનગી આપવી.

તબક્કાવાર લૉકડાઉન ખોલવાનો મતલબ પણ આ જ થાય છે.

તેમના જણાવ્યા અનુસાર, પહેલા એક જિલ્લાને કોરોનામુક્ત કરો, પછી બીજાને અને જ્યાં જ્યાં કોરોનાના દર્દીઓની સંખ્યા શૂન્ય પર પહોંચી જાય ત્યાં લૉકડાઉન સંપૂર્ણ રીતે ખોલો અને પછી અન્ય વિસ્તારના લોકોને ત્યાં આવવા દો.

વિદેશથી આવતી ફ્લાઇટ પર પ્રતિબંધ ક્યાં સુધી?

લૉકડાઉનમાં સૌથી મોટો સવાલ એ છે કે આખરે ક્યાં સુધી વિદેશથી આવનારા લોકો પર સરકાર રોક લગાવી રાખે છે?

ડૉ. ગુલેરિયા માને છે કે ભારતમાં કોરોના વાઇરસનો ચેપ વિદેશથી આવનારા લોકો સાથે જ આવ્યો છે. આથી સરકાર વિદેશથી આવનારા લોકો માટે સીધા જ ક્વૉરેન્ટીનમાં મોકલવાની જોગવાઈ કરી શકે છે.

ઍરપૉર્ટ પર સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગ કિટ વધારવાની જરૂર છે. આથી આપણે હવે રેપિડ ટેસ્ટિંગની ગાઇડલાઇન પણ જાહેર કરી છે. ગુરુવારથી દેશમાં તેની શરૂઆત થશે.

ક્યાં સુધી સ્થિતિ સ્પષ્ટ થશે?

રણદીપ ગુલેરિયાના જણાવ્યા અનુસાર 10થી 12 એપ્રિલ પછી કેન્દ્ર સરકાર પાસે વધુ ડેટા આવી જશે. ત્યારે સ્થિતિ સ્પષ્ટ થઈ જશે કે લૉકડાઉનની કેટલી અસર થઈ છે અને કયા વિસ્તારમાં થઈ છે.

આ સમયે સરકાર એ નક્કી કરવાની સ્થિતિમાં હશે કે કોરોનાનો ગ્રાફ હજુ પણ વધી રહ્યો છે કે પછી થોડો 'ફ્લેટ' થયો છે. આથી કેન્દ્ર સરકાર 10-12 એપ્રિલ વચ્ચે પોતાના આગામી પગલાની જાહેરાત કરી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો