You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

કોરોના વાઇરસ : ભારતમાં 5000 કરતાં વધુને ચેપ, જર્મનીમાં એક જ દિવસમાં 4000 કેસ

ગુજરાત સહિત દેશ-વિદેશમાં કોરોના અંગેની સ્થિતિ તથા સંબંધિત સમાચાર અહીં વાચો.

લાઇવ કવરેજ

  1. કોરોના ટેસ્ટ મફતમાં કરાવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ

    કોરોના વાઇરસને લઈ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે કોરોના વાઇરસની ચકાસણી મફતમાં કરાવવામાં આવે.

    સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો કે સરકારી કે પ્રાઇવેટ લૅબમાં કોરોના વાઇરસની ચકાસણી મફતમાં થાય.

    આ માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને જરૂરી નિર્દેશ આપવા કહ્યું છે.

    કોર્ટે એમ પણ કહ્યું કે કોરોના વાઇરસની ચકાસણી NABL એટલે કે National Accreditation Board for Testing and Calibration Laboratoriesથી માન્યતાપ્રાપ્ત લૅબ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કે ICMR (ઇન્ડિયન કાઉન્સિંલ ઑફ મેડિકલ રિસર્ચ)થી મંજૂરી મળેલી કોઈ એજન્સી દ્વારા થવી જોઈએ.

  2. પીએમ બોરિસની તબિયત સુધરી રહી છે- ઋષિ સુનક

    બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનકે કહ્યું કે વડા પ્રધાન બોરિસ જૉન્સન આઈસીયુમાં છે, જ્યાં તેમની તબિયતમાં સુધારો આવી રહ્યો છે.

    સુનકે કહ્યું, "વડા પ્રધાન પથારીમાં બેસે છે અને ચિકિત્સકોની ટીમ સાથે સકારાત્મક રીતે વાત કરે છે."

    વડા પ્રધાન બોરિસ જૉન્સન કોરોનાથી સંક્રમિત થયા બાદ નાણામંત્રી સુનક બ્રિટિશ સરકાર તરફથી વર્તમાન સ્થિતિને અવગત કરાવી રહ્યા છે.

    બ્રિટિશ નાણામંત્રીએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં બ્રિટનમાં એક દિવસમાં સૌથી વધુ 938 લોકોએ જીવ ગુમાવ્યો છે અને કોરોના વાઇરસને લીધે મૃતકોની સંખ્યા વધીને 7,097 થઈ ગઈ છે.

  3. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં કયાં હૉટસ્પૉટ સીલ થશે?

    દિલ્હી અને ઉત્તર પ્રદેશની સરકારે કોરોના વાઇરસના કેસ વધતાં હૉટસ્પૉટ વિસ્તારને સીલ કરવાનો નિર્ણય લીધો છે.

    દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે દિલ્હીમાં 20 વિસ્તારનો સીલ કરાશે અને સરકાર એ સુનિશ્ચિત કરશે કે આ વિસ્તારોમાં જરૂરી સામાન પહોંચતો રહે.

    તો ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યના 15 જિલ્લામાં હૉટસ્પૉટ નક્કી કરીને એ વિસ્તારોને સીલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

    આ વિસ્તારોમાં ગાઝિયાબાદના 13, નોઇડાના 12, કાનપુરના 12 અને વારાણસીના 4 હૉટસ્પૉટ નક્કી કર્યાં છે.

    આ સાથે જ આગ્રામાં સૌથી વધુ 22 હૉટસ્પૉટ નક્કી કર્યાં છે.

    તો શામલીમાં 3, મેરઠમાં 7, બરેલીમાં 1, બુલંદશહરમાં 3, બસ્તીમાં 3, ફિરાઝાબાદમાં 3, સહારનપુરમાં 4, મહારાજગંજમાં 4, સીતાપુરમાં 1 અને લખનઉમાં 8 મોટાં અને 5 નાનાં હૉટસ્પૉટ નક્કી કરાયાં છે.

  4. કોરોના વાઇરસ : માસ્ક પહેરવો અનિવાર્ય, દિલ્હી સરકારનો આદેશ

    દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે ચહેરા પર માસ્ક પહેરીને કોરોના વાઇરસના પ્રસારને રોકી શકાય છે.

    તેઓએ લખ્યું, "દિલ્હીમાં ઘરમાંથી બહાર નીકળતી વખતે માસ્ક અનિવાર્ય પહેરવાનો નિર્ણય કરાયો છે. દિલ્હીવાસીઓ કપડાના બનેલા માસ્ક પણ પહેરી શકે છે."

    સાથે જ કેજરીવાલે લખ્યું, "દિલ્હીના બધા સરકારી વિભાગોને પગાર સિવાયના બધા ખર્ચ રોકવાનો નિર્દેશ કરાયો છે. કોરોના અને લૉકડાઉન સંબંધિત ખર્ચ સિવાય અન્ય કોઈ ખર્ચ માત્ર નાણાવિભાગની મંજૂરીથી જ કરાશે. રેવન્યુની વર્તમાન સ્થિતિ જોતાં સરકારે પોતાના ખર્ચમાં ભારે કાપ મૂકવો પડશે."

  5. અમેરિકા : મેયરના કડક આદેશ બાદ તેમનાં જ પત્નીની ધરપકડ

    અમેરિકાના ઇલિનૉય રાજ્યના એક મેયરે લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગના આદેશનું પાલન ન કરતા હોવાનો રિપોર્ટ મળ્યા બાદ પોલીસને સખ્તાઈ દાખવવાના નિર્દેશ આપ્યા હતા.

    શુક્રવારે ઍલ્ટન શહેરના મેયર બૈન્ટ વૉકરે કહ્યું, "આ બહુ ગંભીર સમય છે અને હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તમારા ઘરમાં જ રહો."

    તેના બે દિવસ પછી જ ઍલ્ટન પોલીસે એક લોકલ બારમાં રેડ પાડી હતી જ્યાં એક પાર્ટી ચાલી રહી હતી. અને એ ગેરકાયદે પાર્ટીમાં સ્વયં મેયરનાં પત્ની હાજર હતાં.

    બાદમાં મેયરે એક નિવેદન જાહેર કરીને કહ્યું, "હું ઘટનાથી શરમ અનુભવું છું અને માફી માગું છું. મારી પત્ની એક વયસ્ક છે અને જાતે નિર્ણય લેવામાં સક્ષમ છે. પણ આ વખતે તેણે ભૂલ કરી દીધી."

  6. બ્રિટનમાં 24 કલાકમાં 900થી વધુ લોકોનાં મૃત્યુ

    બ્રિટનમાં ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ, વેલ્સ અને નોધર્ન આયરલૅન્ડે પોતપોતાના વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના શિકાર થયેલા લોકોની સંખ્યા જાહેર કરી છે-

    ઇંગ્લૅન્ડ- 828

    વેલ્સ- 33

    સ્કૉટલૅન્ડ- 70

    નોધર્ન આયરલૅન્ડ- 05

    આ આંકડા બાદ બ્રિટનમાં આ ચારેય પ્રદેશોમાં મૃતકોની કુલ સંખ્યા 7000થી ઉપર પહોંચી ગઈ છે-

    ઇંગ્લૅન્ડ- 6,483

    વેલ્સ- 245

    સ્કૉટલૅન્ડ- 366

    નોધર્ન આયરલૅન્ડ- 78

  7. લંડન : વિશાળ સ્ક્રીન પર મહારાણીનો સંદેશ- "આપણે ફરી મળીશું"

    લંડનના પર્યટકસ્થળ પિકૈડિલી સ્કવેરની ફેમસ સ્ક્રીન પર બ્રિટનનાં મહારાણીની તસવીર જોવા મળી.

    ત્યાં રવિવારે રાષ્ટ્રના નામે તેમણે કરેલા સંબોધનની કેટલીક પંક્તિઓ લખેલી છે.

    તેમાં તેમણે એનએચએસ સ્વાસ્થ્યકર્મીઓ અને જરૂરી ચીજવસ્તુઓ સાથે જોડાયેલા કર્મચારીઓનો આભાર માન્યો હતો.

    એક સંદેશમાં લખેલું છે- "આપણે ફરીથી મિત્ર બનીશું, આપણે ફરીથી આપણા પરિવાર સાથે હોઈશું, આપણે ફરી મળીશું."

  8. દેશમાં લૉકડાઉનની સમયમર્યાદા વધી શકે છે

    એનડીટીવી ઇન્ડિયાએ અહેવાલ પ્રકાશિત કર્યો છે કે વડા પ્રધાન મોદીએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી દેશના વિપક્ષી નેતાઓ સાથે મિટિંગ કરી હતી. જેમાં દેશમાં વધતા કોરોના વાઇરસ સામેના ઉપાયો અને લૉકડાઉન પર ચર્ચા કરી હતી.

    પીએમ મોદીએ કહ્યું કે તેઓ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે વાત કરીને આ મામલે અંતિમ નિર્ણય લેશે. જોકે એ શક્યતા નથી કે લૉકડાઉન હજુ ઝડપથી ખતમ થશે.

    મોદીએ કહ્યું કે કોવિડ-19 પછી પણ જિંદગી એકસમાન નહીં રહે. આપણે સાવધાની રાખવી પડશે. ઘણા વ્યવહારગત, સામાજિક અને વ્યક્તિગત ફેરફારો કરવા પડશે.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે દેશમાં કોરોના વાઇરસના વધતાં કેસ જોતાં એ શક્ય નથી કે લૉકડાઉન 14 એપ્રિલે સમાપ્ત કરાય.

  9. સ્પેન : સતત બીજા દિવસે મૃતકોની સંખ્યા વધી

    સ્પેનમાં રોજ મૃત્યુ પામતાં લોકોની સંખ્યામાં સતત બીજા દિવસે પણ વધારો થયો છે.

    બુધવારે સ્પેનમાં 757 લોકોનાં કોરોના વાઇરસને કારણે મૃત્યુ થયાં હતાં. એક દિવસ પહેલાં પણ 743 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

    આ સંખ્યા બીજી એપ્રિલે થયેલાં રેકર્ડ 950 મૃત્યુ કરતાં ઓછી છે.

    જોકે બે દિવસમાં સતત મૃત્યુની સંખ્યા વધતાં એ લાગી રહ્યું છે કે હજુ સંકટ સમાપ્ત થયું નથી.

    સ્પેનમાં સંક્રમણની સંખ્યામાં પણ છેલ્લા ચાર દિવસમાં વધારો થયો છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 6,180 નવા લોકોને ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે.

    સ્પેનમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસથી 1 લાખ 47 હજાર લોકો સંક્રમિત થયા છે. યુરોપમાં સંક્રમિત દર્દીઓની સંખ્યાના હિસાબે સ્પેન સૌથી ઉપર છે.

    સ્પેનમાં મૃતકોની સંખ્યા વધીને 15,000ની નજીક પહોંચી ગઈ છે.

  10. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 773 નવા કેસ- સ્વાસ્થ્ય મંત્રાલય

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે ભારતમાં કોરોના વાઇરસના વધતા કેસ પર જાણકારી આપી છે.

    તેઓએ કહ્યું, "છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાઇરસ સંક્રમણના 773 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 5190 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કોવિડ-19થી મૃત્યુ પામનારની સંખ્યા 149 થઈ છે. જેમાંના 32 લોકોનાં મૃત્યુ મંગળવારે થયાં છે. તેમજ 402 લોકો સાજા થતાં તેમને ઘરે મોકલી દેવાયા છે."

    અત્યાર સુધીમાં કેટલા ટેસ્ટ થયા?

    સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ, અત્યાર સુધીમાં 1,12,271 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  11. 'લૉકડાઉન હઠી ગયો પણ ઘરમાંથી બહાર નહીં નીકળું'

    “વુહાનમાં લૉકાડાઉન હઠાવવાનું સ્વાગત ગત રાત્રે ફટાકડા ફોડીને અને ઉજવણી સાથે કરવામાં આવ્યું પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે લાખો નહીં તો હજારો લોકો હજી પોતાના ઘરમાં જ બંધ રહેશે.”

    આ શબ્દો છે વુહાનના એક સ્કૂલ શિક્ષક લી કુઆંગના.

    ચીનના વુહાનમાં 11 અઠવાડિયા પછી લૉકડાઉન હઠાવી લેવામાં આવ્યું છે, શહેરમાંથી બુધવારે 200 ફ્લાઇટ્સ ઉડવાની તૈયારીમાં હતી. વુહાનમાં સૌ પ્રથમ કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા હતા.

    કુઆંગ જે વિસ્તારમાં રહે છે તે હજી પણ મહામારી મુક્ત જાહેર કરવામાં નથી આવ્યો.

    તેમણે બીબીસી વર્લ્ડ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું, “વુહાનમાં લૉકડાઉન માત્ર તેમના માટે ઉઠાવવામાં આવ્યું છે જેમને શહેરથી બહાર જવું છે અથવા જેમની ઑફિસ ખુલી છે. હું 23 જાન્યારીથી ઘરે જ છું અને મારે થોડા અઠવાડિયા હજી ઘરે જ રહેવું પડશે.”

    તેઓ જે સ્કૂલમાં કામ કરે છે તે પણ જાન્યુઆરીથી બંધ જ છે અને આગળ પણ બંધ રહેશે.

    “લોકો હજી અહીં ડરેલા છે. જો હું જઈ શકતો હોઉં તો પણ હું નહીં જાઉં કારણકે હજી શહેરમાં કોરોના વાઇરસથી સંક્રમિત હજારો લોકોની સારવાર ચાલી રહી છે. લૉકડાઉન હઠાવવું સારું છે પરંતુ કદાચ થોડું ઉતાવળિયું પગલું છે.”

  12. ગુજરાતમાં લૉકડાઉન લંબાશે કે કેમ? હજી નિર્ણયનો ઇંતજાર કરવો પડશે

    ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયના સચિવ અશ્વિની કુમારે કહ્યું કે લૉકડાઉનનો ગાળો લંબાશે કે કેમ, તે અંગે કોઈ નિર્ણય નથી લેવાયો.

    જોકે તેમણે કોવિડ-19 સામે ગુજરાતની તૈયારી વિશે સરકારના અમુક નિર્ણયોની જાણકારી આપી હતી.

    તેમણે કહ્યું કે ગુજરાતમાં સ્ટેટ જી.એસ.ટી. ઍક્ટ-2017માં સુધારો કરીને રિટર્ન ભરવાની મુદ્દત લંબાવાશે.

    અશ્વિની કુમારે કહ્યું કે રાજ્યમાં ચાર મહાનગરોમાં કુલ 2,200 બૅડની કોવિડ-19 હૉસ્પિટલો તૈયાર કરવામાં આવી.

    એ સિવાય 26 જિલ્લાની 31 ખાનગી/ટ્રસ્ટ સંચાલિત બૅડ કોવિડ-19ની સારવાર માટે તૈયાર રાખવામાં આવી છે.

    સરકારનું કહેવું છે કે 28 જિલ્લામાં સરકારી હૉસ્પિટલોમાં 3200 બૅડ કોવિડ-19 ની સારવાર માટે રાખવામાં આવી છે.

  13. ઉત્તર પ્રદેશના 15 જિલ્લા સીલ કરાશે

    ઉત્તર પ્રદેશ સરકારે કોરોના વાઇરસના વધતા કેસને જોતાં રાજ્યના 15 જિલ્લાને સંપૂર્ણ રીતે સીલ કરવાનો નિર્ણય લીધો છે.

    ચીફ સેક્રેટરી રાજેન્દ્રકુમાર તિવારીએ ન્યૂઝચેનલ આજતક સાથે વાત કરતાં કહ્યું, "તબલીગી જમાતની ઘણી વ્યક્તિઓનો કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસના કેસમાં વધારો થયો છે. અત્યાર સુધીમાં 340થી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. સંક્રમણને કાબૂમાં લેવા દરેક સ્તરે વ્યાપક વ્યવસ્થા કરાઈ રહી છે."

    "ઉત્તર પ્રદેશના સૌથી વધુ પ્રભાવિત જિલ્લા જેવા કે- ગૌતમબુદ્ધનગર, ગાઝિયાબાદ, આગ્રા, કાનપુર, મેરઠને સંપૂર્ણ રીતે સીલ કરાઈ રહ્યા છે. જ્યાં પણ કેસ જોવા મળ્યા છે એવાં મોટાં ભાગનાં ઘરોને સૅનિટાઇઝ કરાશે. તેમની તપાસ થશે. આ સ્થળોએ જરૂરી ચીજવસ્તુઓની મોટા ભાગે હોમ ડિલિવરી કરાશે."

  14. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1800નાં મૃત્યુ

    અમેરિકામાં કોરોના વાઇરસને લીધે એક દિવસમાં મંગળવારે અત્યાર સુધીમાં સૌથી વધુ મૃત્યુ થયાં છે.

    મંગળવારે અહીં 1800થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

    આ સાથે જ અમેરિકામાં કોરોના વાઇરસથી મૃત્યુની કુલ સંખ્યા 13 હજારની નજીક પહોંચી ગઈ છે.

    અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના સંક્રમણના કુલ 3 લાખ 98 હજાર કેસ સામે આવ્યા છે.

    અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણની સંખ્યા દુનિયાના કોઈ પણ દેશ કરતાં વધુ છે.

    દુનિયાભરમાં કોરોના વાઇરસના સંક્રમણના કુલ 14 લાખ કેસ સામે આવ્યા છે.

    અમેરિકન ગાયક અને ગીતકાર જૉન પ્રાઇનના પરિવારનું કહેવું છે કે તેમનું મૃત્યુ કોરોના વાઇરસની જટિલતાને કારણે થયું છે.

    પ્રાઇનનું મૃત્યુ 73 વર્ષની વયે થયું છે. તેમનાં પત્નીને પણ કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો. જોકે બાદમાં તેઓ સાજાં થઈ ગયાં હતાં.

  15. કોરોના વાઇરસ વિશે વધુ માહિતી અહીંથી મેળવો

    • ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટેઅહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી?જાણવા માટે અહીં ક્લિક કરો
    • ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
    • કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશેજાણવા માટે અહીં ક્લિક કરો
    • ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં?જાણવા માટે અહીં ક્લિક કરો
  16. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સન હજી ICUમાં

    કોરોના વાઇરસથી સંક્રમિત બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સનને સતત બીજી રાત હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅયર યુનિટ (આઈસીયુ)માં રાખવામાં આવ્યા છે.

    વડા પ્રધાન કાર્યાલયે કહ્યું છે કે, તેમની પરિસ્થિતિ પર નજર રાખવા માટે તેમને લંડનના સૅન્ટ થૉમસ હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.તેમને વૅન્ટિલેટર પર નથી રાખવામાં આવ્યા અને તેમની સ્થિતિ સ્થિર છે.

    બોરિસ જોન્સનની ગેરહાજરીમાં વિદેશ સચિવ ડૉમિનિક રાબ કાર્યભાર સંભાળી રહ્યા છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન ફાઇટર છે અને તેમને વિશ્વાસ છે કે તેઓ આ બીમારીમાંથી બહાર આવી જશે.

    બોરિસ જૉન્સન હૉસ્પિટલમાં દાખલ થતાં પહેલા કોરોના પૉઝિટિવ હોવાને લીધે આઇસોલેશનમાં હતા.

  17. જર્મનીમાં એક જ દિવસમાં 4000 કેસ, સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર

    જર્મનીમાં કોવિડ-19 સંક્રમિતોના કેસની સંખ્યા એક લાખને પાર પહોંચી ગઈ છે.

    રૉબર્ટ કોચ ઇન્સ્ટીટ્યુટના ડેટા મુજબ જર્મનીમાં એક દિવસમાં 4,003 કેસ આવતા કુલ સંખ્યા 103,228 થઈ ગઈ છે.

    જોકે, જર્મનીમાં કેસોની તુલનામાં મરણાંક અન્ય દેશો કરતા ઘણો ઓછો છે. અહીં મરણાંક 1,861 છે.

    કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે જર્મનીમાં કોરોના સંક્રમણને કારણે મૃત્યુનો દર ઓછો એટલે હોઈ શકે છે કારણ કે તે ટેસ્ટિંગમાં આગળ હતું.

    જર્મની દર અઠવાડિયે સાડા ત્રણ લાખ જેટલાં ટેસ્ટ કરે છે જે યુરોપના અન્ય દેશો કરતા ઘણાં વધારે છે.

    જર્મનીમાં સરેરાશ સંક્રમિતોની વય બીજા દેશો કરતા ઓછી છે, એટલે કે અહીં વધારે યુવાનોને ચેપ લાગ્યો છે.

  18. હાથ ધોવાની યોગ્ય રીત કઈ છે?

    કોરોના વાઇરસ સામેની લડાઈમાં હાથ ધોવા પર તથા હાથ મોં, નાક, આંખને ન અડે તેના પર આપવામાં આવી રહ્યો છે.

    જોકે, ફટાફટ હાથ ધોઈ નાંખવા એ વાજબી નથી. હાથ ધોવોની યોગ્ય રીત કઈ છે એ જાણવા જુઓ આ વીડિયો.

  19. હૉટસ્પોટ અમદાવાદમાં 27 સ્થળો પોલીસ બૅરિકેડ અને ચેકપોસ્ટ

    ગુજરાતમાં કોરોના વાઇરસના સૌથી વધારે કેસો અમદાવાદમાં છે ત્યારે સરકારે 27 જેટલા સ્થળોએ પોલીસ બૅરિકેડિંગ, પોલીસ લૉક અને ચેક પોસ્ટનો આદેશ આપ્યો છે.

    અમદાવાદમાં મધ્ય ઝોનમાં જમાલપુર, ખાડિયા, દરિયાપુર અને શાહપુરમાં અલગ અલગ વિસ્તારોને ઓળખી તેમનું બૅરેકિડિંગ કરવામાં આવશે.

    આ દરમિયાન અમદાવાદના કમિશનર વિજય નહેરાએ કહ્યું છે કે ગુરુવારે એક જ દિવસમાં કોટ વિસ્તારના તમામ નાગરિકોનું હેલ્થ ચેક-અપ કરવાનું મૅગા ઑપરેશન હાથ ધરાશે.

    નહેરુ બ્રીજનો તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે તથા કાલુપુર બજાર તથા શાકમાર્કેટને બંધ કરવામાં આવ્યું છે તેવી માહિતી પણ તેમણે આપી છે.