Hydroxychloroquine : કોરોના સામે લડવા અમેરિકા ભારત પાસે માગે છે એ દવા શું છે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હાઇડ્રૉક્સીક્લોરોક્વિન નામની દવા માગી છે.

ટ્રમ્પે અનેક વખત આ દવાને કોરોના વાઇરસ સંક્રમણની સારવારમાં ગેમ-ચેન્જર કહી હતી.

એ જ રીતે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોનો એક વીડિયો ખોટી માહિતી ફેલાવવાનું કારણ આપીને હઠાવવામાં આવ્યો છે. આ વીડિયોમાં તેઓ કહી રહ્યા હતા, હાઇડ્રૉક્સીક્લોરોક્વિન બધી જગ્યાએ કામ કરી રહી છે.

જોકે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે કોરોના વાઇરસની સારવારમાં એ દવા કેટલી અસરકારક છે તેનું કોઈ ઠોસ પ્રમાણ નથી.

કોરોના વાઇરસ સંક્રમણમાં આ દવા કેટલી અસરકારક, તેના કેટલા પુરાવા છે અને કોણ તેને વાપરી શકે? આ દવા વિશે આપણને હજી કેટલું ખબર છે?

લાંબા સમયથી હાઇડ્રૉક્સીક્લોરોક્વિનને મલેરિયામાં તાવ ઉતારવા માટે વાપરવામાં આવે છે અને કોરોના વાઇરસને રોકવામાં પણ તે સક્ષમ હશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

એ સિવાય તેનો વપરાશ આર્થરાઇટિસ (ગઠિયા) અને લ્યૂપસની સારવારમાં પણ થાય છે.

ક્લોરોક્વિન અને તેનાથી જોડાયેલી દવાઓ વિકાસશીલ દેશોમાં પૂરતી માત્રામાં છે. આ દેશોમાં મલેરિયાની સારવારમાં આ દવાનો વપરાશ થતો હોય છે.

જોકે ધીરે-ધીરે મલેરિયા વધારે પ્રતિરોધક થવાથી આ દવાની અસર મલેરિયાના દર્દીઓ પર ઓછી થતી જાય છે.

લાઇવમિન્ટના એક અહેવાલ મુજબ ભારત દુનિયામાં આ દવાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. દુનિયામાં આ દવાનો 70 ટકા સપ્લાય ભારત કરે છે.

ભારતે આ દવાના નિકાસ પર રોક લગાવી હતી. જોકે, ટ્રમ્પની ચીમકી પછી ભારતે આંશિક રીતે પ્રતિબંધ હઠાવવાની વાત કરી છે.

કેટલી અસરકારક છે?

બીબીસીના સ્વાસ્થ્ય સંવાદદાતા જેમ્સ ગૅલેઘરનું કહેવું છે, "સ્ટડીમાં એવું લાગે છે કે હાઇડ્રૉક્સીક્લોરોક્વિન કોરોના વાઇરસને રોકવામાં સક્ષમ છે. ડૉક્ટરોનું કહેવું છે કે અમુક કેસમાં આ કામ આવી રહી છે."

જોકે, હાલમાં થયેલા પરીક્ષણમાં એ સ્પષ્ટ નથી થયું કે આ કેટલી અસરકારક છે. બીજી તરફ તેની કિડની અને લિવર પર આડઅસર પણ હોય છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના એક અહેવાલમાં નિષ્ણાતોની સલાહ વિશે લખવામાં આવ્યું છે કે હૃદયની બીમારીથી પીડાતા અને ઍન્ટિ ડ્રિપેશન દવાઓ લેતા દર્દીઓ માટે આ દવા લેવી ખતરનાક હોઈ શકે છે.

કોરોનાની સારવારમાં મલેરિયાની દવાની અસર પર રિપોર્ટ લખનાર ઑક્સફોર્ડ યુનિવર્સિટીના કોમ ગેબનિગીનું કહેવું છે , "આ કેટલી અસરકારક છે, એ જાણવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા રૅન્ડમ ક્લિનિકલ ટ્રાયલની જરૂર છે."

ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે સ્વાસ્થ્યકર્મીઓને સાવચેતીપૂર્વક હાઇડ્રૉક્સીક્લોરોક્વિન લેવાની પણ સલાહ આપે છે, તેની સાથે જ ડૉક્ટરની સલાહ પર એ પરિવારોને પણ લેવા કહ્યું છે જેમના કોઈ સભ્યને કોરોના વાઇરસનું સંક્રમણ થયું હોય.

જોકે ભારત સરકારની શોધ સંસ્થાએ ચેતવણી આપી છે કે આ પ્રયોગના સ્તર પર છે અને કટોકટીની સ્થિતિમાંજ તેને વાપરવી જોઈએ.

મધ્ય પૂર્વ એશિયાના કેટલાક દેશોમાં પણ તેને કોરોના વાઇરસ સંક્રમણની સારવારમાં વપરાય છે.

તેના અસરકારક હોવાની સંભાવના વ્યક્ત થતા તેની માગ વધી છે અને ઉપલબ્ધતા ઓછી થઈ છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ દવા અમેરિકાને આપવાની અપીલ કરી હતી.

અમેરિકામાં ફૂડ ઍન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને આ દવાને કોરોના વાઇરસના સંક્રમણની સારવારમાં વાપરવાની પરવાનગી આપી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિએ ચેતવણી પણ ઉચ્ચારી હતી કે જો ભારત દવા ન આપે તો તેને ખરાબ પરિણામ ભોગવવું પડશે.

ટ્રમ્પના ધમકીભર્યા નિવેદન પછી મંગળવારે ભારતે આંશિક રૂપે દવાના નિકાસ પરથી રોક હઠાવવાની વાત કહી અને કહ્યું કે અલગ-અલગ દેશોના કેસને જોતાં દવાનો ઑર્ડર લેવાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો