You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘કોરોના વાઇરસના નામે પાડોશીઓ ધમકી આપે છે’, સુરતનાં ડૉક્ટરની વ્યથા
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી ગુજરાતી
દેશમાં કોરોના વાઇરસના સંક્રમિત કેસોની સંખ્યા વધી રહી છે, જેને પગલે કોરોના વાઇરસના દર્દીઓની સારવારમાં જોડાયેલાં હૉસ્પિટલો અને તબીબો સામે પડકારો વધી રહ્યા છે.
મેડિકલ સહિતની જરૂર સેવાઓ આપતા લોકોને બિરદાવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યૂના દિવસે દેશના લોકોને થાડી વગાડીને આ તમામ લોકોની સેવાનું સન્માન કરવા અપીલ કરી હતી.
સમગ્ર દેશમાં લોકોએ વડા પ્રધાનની અપીલને સ્વીકારી હતી અને આ કપરા વખતમાં ખડેપગે રહેલા તબીબો, નર્સ તથા મેડિકલ સ્ટાફની સેવાને બિરદાવી હતી.
જોકે આ વચ્ચે કોરોના વાઇરસના સમયમાં હૉસ્પિટલમાં કામ કરતાં તબીબો પર હુમલા અને સતામણીના કેસ પણ બહાર આવી રહ્યા છે.
આ પ્રકારની એક ઘટના ગુજરાતના સુરત શહેરમાં સામે આવી છે. જેમાં સરકારી હૉસ્પિટલમાં કાર્યરત મહિલા તબીબ સાથે પાડોશી તથા સોસાયટીના રહીશો દ્વારા કથિત દુર્વ્યવહારની ઘટના નોંધાઈ છે.
સુરતના ન્યૂ સિવિલ હૉસ્પિટલમાં કામ કરતાં ડૉ. સંજીવની પાણીગ્રહી સાઇકિયાટ્રી વિભાગમાં ફરજ બજાવે છે. તેમની સાથેના કથિત દુર્વ્યવહારનો વીડિયો વાઇરલ થયો છે.
બીબીસીએ વીડિયોની તપાસ કર્યા બાદ ડૉ. સંજીવની પાણીગ્રહીનો સંપર્ક કર્યો. તેમણે વીડિયો સાચી હોવાની પુષ્ટિ કરી અને ઘટના મામલે વાતચીત કરી.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે ઘટના વિશે જણાવ્યું, “હું સિવિલ હૉસ્પિટલમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી કામ કરું છું. મારી ડ્યૂટી હોવાથી હું હૉસ્પિટલ જાઉં છું અને તમામ સાવધાની રાખું છુ.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“પરંતુ 23મી તારીખે હું હૉસ્પિટલ પરથી પરત ફરી રહી હતી ત્યારે મારી સોસાયટીના ગૅટ પાસે અન્ય રહીશોએ 'હું ચેપ ફેલાવી શકું છું', જેવી ટિપ્પણીઓ કરી હતી.”
“મને ત્યાં સુધી કહેવાયું કે હું હિટલિસ્ટમાં આવી ગઈ છું. સોસાયટીમાં પ્રવેશતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.”
“જોકે મેં સોશિયલ મીડિયા દ્વારા મદદ માગી અને તેથી સ્થાનિક નેતાની મદદ મળી, એ પછી આ બાબત શાંત થઈ ગઈ. પરંતુ આડકતરી રીતે માનસિક સતામણી માટે ટીકા-ટિપ્પણીઓ કરવામાં આવતી હતી.”
તેઓ કહે છે, “આખરે ચોથી એપ્રિલે મારા પાડોશીએ મને કહ્યું કે મને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે એટલે હું વાઇરસનો ચેપ ફેલાવી શકું છું. મને ધમકી આપી. પછી બીજા દિવસે મારા ડૉગની બાબતની તકરારને બહાનું બનાવી મારી સાથે લડાઈ કરી.”
“મને ત્યાં સુધી કહેવાયું કે હું હૉસ્પિટલમાં કામ કરું છું, તો સોસાયટીમાં કોરોના ફેલાવી શકું છું. વળી હું ભાડે રહેતી હોવાથી મકાન ખાલી કરાવવા પણ આડકતરી રીતે દબાણ લાવવામાં આવ્યું.”
“હું મારા નાના બાળક સાથે રહું છું, આ ઘટના મારા બાળક સામે બની હોવાથી એ પણ ડરી ગયો છે. મારી સાથે સોસાયટીના રહીશો દ્વારા બીજી વખત આવું વર્તન કરાયું છે.”
“આખરે પાડોશી દ્વારા આક્રમક અભિગમ અપનાવવામાં આવતા મેં વીડિયો રેકર્ડ કરી લીધો અને પછી વડા પ્રધાન મોદી તથા પોલીસ પાસે મદદ માગી. પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે.”
“ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાનો પણ મને ફોન આવ્યો અને કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ. સંજીવની સાથે વાતચીત થઈ ત્યારે તેઓ પોલીસ-સ્ટેશનમાં કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરી રહ્યા હતા અને ત્યાંથી તેઓ બીબીસી સાથે વાતચીત કરી રહ્યાં હતાં.
ઘટનાની તપાસ કરી રહેલા સુરતના પોલીસ અધિકારી જે. બી. બોબડિયાએ બીબીસીને જણાવ્યું કે આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. જે વ્યક્તિઓ સામે ફરિયાદ થઈ છે તેમની અટકાયત કરી સીઆરપીસીની કલમ 151 હેઠળ પ્રક્રિયા હાથ ધરી છે.
તેમણે કહ્યું,“કેસ સંબંધિત બે વ્યક્તિને મૅજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરી દેવાયા હતા. અને જામીન પર મુક્ત કરાયા છે તથા આગળ જરૂર લાગતાં પગલાં લેવામાં આવશે.”
જોકે અત્રે નોંધનીય વાત એ છે કે સુરતમાં આ પ્રકારની આ પહેલી ઘટના નથી બની. કેટલાક સપ્તાહ અગાઉ ન્યૂ સિવિલ હૉસ્પિટલના જ એક અન્ય ડૉક્ટર સાથે પોલીસ દ્વારા કથિત દુર્વ્યવહાર થયાની ઘટના પણ સામે આવી હતી.
બીબીસીએ ડૉક્ટર ઓમકાર ચૌધરી સાથે પણ વાત કરી, જેઓ આ પ્રકારના કથિત દુર્વ્યવહારનો શિકાર બન્યા હતા.
તેમણે બીબીસીને જણાવ્યું,“24મી તારીખે હું ઘરેથી સિવિલ હૉસ્પિટલ ડ્યૂટી પર જઈ રહ્યો હતો ત્યારે પોલીસકર્મીઓએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો. મારી ગાડી પર કોવિડ-19 લખેલું સ્ટિકર હતું અને મારી પાસે આઈ-કાર્ડ પણ હતું તેમ છતાં મારી સાથે આવું વર્તન કરવામાં આવ્યું.”
“મેં મારા હૉસ્પિટલના સિનિયર વિભાગને જાણ કરી ફરિયાદ પણ કરી તથા સુરત શહેરના પોલીસ કમિશનર અને ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાને પણ મેં મારી ફરિયાદ પહોંચાડી હતી.”
“પોલીસ હાલ મારા કેસમાં કાર્યવાહી કરી રહી છે.”
દરમિયાન ડૉક્ટર્સ સાથે સોસાયટીના રહીશો અને અન્ય લોકો દ્વારા થતા આવા વર્તનને વખોડતાં ડૉ. સંજીવનીએ વધુમાં કહ્યું કે ડૉક્ટર્સ હાલ ખૂબ તણાવમાં કામ કરી રહ્યા છે. તેમ છતાં તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે તે દુખની વાત છે.
ડૉ. ઓમકારે પણ સમગ્ર બાબતે દુખ વ્યક્ત કરતાં કહ્યું કે આવા સમયે ડૉક્ટર્સ સાથે આવું વર્તન દુર્ભાગ્યપૂર્ણ છે. સમાજના લોકોએ સમજવું જોઈએ કે આવો ભેદભાવ અયોગ્ય છે.
સુરતમાં આ સિવાય એક અન્ય નર્સને પણ સોસાયટીના રહીશોએ પ્રવેશવા નહીં દીધાં હોવાનો બનાવ બની ચૂક્યો છે તથા એક શિક્ષિકાને રહીશોએ કથિતરીતે મકાન ખાલી કરાવ્યું હોવાનો કેસ પણ નોંધાયો છે.
આમ એક તરફ જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મેડિકલ ક્ષેત્રે સંકળાયેલા ડૉક્ટર્સ-નર્સની સેવાને બિરદાવવાની વાત કરી રહ્યાં છે, ત્યાં બીજી તરફ ડૉક્ટર્સ અને નર્સ સાથે લોકોના આવા વ્યવહાર કંઈક અલગ ચિત્ર રજૂ કરે છે.
આથી સવાલ એ થાય છે કે ગુજરાતમાં રહીશો ડૉક્ટર્સ-નર્સ સાથે આવું વર્તન કેમ કરી રહ્યા છે.
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન સાથે સંકળાયેલા સુરતના મેડિકૉલિગલ ઍક્સ્પર્ટ ડૉ. વિનેશ શાહનું કહેવું છે કે સમાજમાં પ્રવર્તી રહેલા ‘સોશિયલ સ્ટીગ્મા’ એટલે સામાજિક રૂઢિઓને કારણે આવી ઘટનાઓ બને છે.
“હાલ ડૉક્ટર્સ ખૂબ જ મહત્ત્વની સેવા કરી રહ્યા છે. ઉપરાંત પોલીસ અને મીડિયા પણ. આથી તમામ પ્રત્યે સમાજના લોકોએ આદર રાખવાની જરૂર છે. જ્યાં સુધી ડૉક્ટર્સ સામે ઘટેલી ઘટનાઓની વાત છે તો યોગ્ય મંચ પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.”
“સમાજના દરેક નાગરિકે સમજવું પડશે કે તેઓ આવું વર્તન કરી રહ્યા છે, તે ખરેખર સમાજના પોતાના માટે નુકસાનકારક છે. આ વાત તેમણે જાતે જ સમજવી પડશે.”
વળી સુરતમાં કેમ આવી ઘટનાઓ વધી રહી છે તે વિશે બીબીસીએ સુરત શહેર પોલીસ કમિશનર આર. બી. બ્રહ્મભટ્ટ સાથે પણ વાતચીત કરી.
તેમણે બીબીસીને જણાવ્યું,“કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે. જેટલી ઘટનાઓ સામે આવી છે તેમાં કાર્યવાહી થઈ છે. ફરિયાદો થઈ છે તે લોકોની અટકાયત પણ કરી છે.”
“ઘર ખાલી કરવાવામાં આવ્યાની ઘટનામાં પણ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરી છે, વળી ડૉ. સંજીવનીના કેસમાં પણ સામેવાળી વ્યક્તિઓની અટકાયત કરી છે.”
જોકે આ ઘટનાઓ એક પછી એક કેમ વધી રહી છે તેવું પૂછતાં તેમણે જવાબ આપ્યો કે પોલીસ આ મામલે વધુ કંઈ ન કરી શકે. જ્યાં સુધી ફરિયાદ થાય તો પોલીસ કાર્યવાહી કરે જ છે. વધુમાં સમાજના લોકોએ આ મામલે વધુ જાગૃત થવાની જરૂર છે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઇન્દૌરમાં પણ ડૉક્ટર્સ પર ટોળાએ હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યાર બાદ પ્રશાસને કાર્યવાહી હાથ ધરી હતી.
વળી સૌથી રસપ્રદ વાત એ રહી કે ઘટના બન્યા છતાં બાદમાં એ જ ડૉક્ટર્સ ફરીથી એ જ વિસ્તારમાં સેવા આપવા માટે ગયા હતા.
સુરતની ન્યૂ સિવિલ હૉસ્પિટલમાં કોરોના વાઇરસના દર્દીઓની સારવાર થઈ રહી છે. જે બે ડૉક્ટર્સ સાથે કથિત દુર્વ્યવહાર થયો તે બંને આ જ હૉસ્પિટલના કર્મચારી છે.
ન્યૂ સિવિલ હૉસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ પ્રીતિ કાપડિયાએ આ વિશે કહ્યું કે બન્ને કર્મચારી સાથે થયેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. પ્રશાસનને આ વિશે જાણ કરી દેવાઈ છે.
તેમણે કહ્યું,“અમે સમાજના લોકોથી અપેક્ષા રાખીએ છીએ કે તેઓ સમજદારી દાખવે અને ડૉક્ટર્સ સાથે આવું વર્તન ન કરે. તેઓ હાલ ઘણા તણાવ હેઠળ કામ કરી રહ્યા છે. પ્રશાસને પણ લોકજાગૃતિ દ્વારા પ્રયાસ કરવો જોઈએ કે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.”
“અમારા હૉસ્પિટલના બન્ને સ્ટાફ સાથે આવું થયા બાદ મેં તેમની સાથે વાતચીત કરી તેમને સંપૂર્ણ મદદની ખાતરીની વાત કરેલ છે.”
સુરતની એક અન્ય અર્ધસરકારી હૉસ્પિટલમાં કામ કરતાં મહિલા તબીબે નામ ન આપવાની શરતે કહ્યું કે જે દિવસે લોકોએ થાડી વગાળી ડૉક્ટર્સની સેવાને બિરદાવી ત્યારે ખૂબ જ ગર્વ થયો હતો, પણ પછી લોકોનો અભિગમ બદલાઈ ગયો છે.
"લોકો એવું વર્તન કરે છે કે જાણે અમને કોરોના વાઇરસનું સંક્રમણ હોય અને અમે લોકો અછૂત બની ગયા છે."
"અમારા નિવાસે પણ ઘણા લોકો મને અને પરિવારને ફોન કરીને પૂછે છે કે શું હું કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સારવારમાં સંકળાયેલી છું કે કેમ. આ રીતે રહીશો તપાસ કરવાની કોશિશ કરે છે."
"લિફ્ટમાં પણ હું જાઉં ત્યારે અન્ય લોકો બહાર નીકળી જાય છે. ગાડી પરથી કોવિડ-19નું સ્ટિકર પણ હટાવી લીધું છે. કેમ કે એના લીધે પણ લોકો શંકાની નજરે જુએ છે."
"જોકે લોકો પણ કોરોના વાઇરસથી એટલા ડરી ગયા છે એટલે આવું વર્તન કરે છે. ડૉક્ટર્સ સાથે દુર્વ્યવહારની ઘટના અસંવેદનશીલ છે. લોકોએ સમજવું જોઈએ કે આવું વર્તન સમાજ માટે સારી બાબત નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.