You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મમતા બેનરજી : પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ગુજરાતી ફૅક્ટરે નવી બેઠક શોધવાં મજબૂર કર્યાં?
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ જાન્યુઆરીમાં નંદીગ્રામ ખાતે જાહેરસભાને સંબોધિત કરી, જેમાં તેમણે કહ્યું કે તેઓ સ્થાનિક બેઠક ઉપરથી પણ ચૂંટણી લડશે.
આ સાથે તેમણે કહ્યું કે 'ભવાનીપુર જો મારી મોટીબહેન છે, તો નંદીગ્રામ નાનીબહેન છે.' જોકે તેઓ ચૂંટણી પણ નંદીગ્રામથી લડી રહ્યાં છે.
અગાઉ ગત મહિને નંદીગ્રામ વિસ્તારમાં તૃણમૂલ કૉંગ્રેસના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. એ પછી શક્તિપ્રદર્શન તથા અધિકારીને પડાકાર આપવાના હેતુથી મમતાએ આ નિર્ણય કર્યો હોવાનું માનવામાં આવે છે.
ગુજરાતી મૂળના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહ પ્રધાન અમિત શાહની ઉપર પ્રહાર કરવા માટે મમતા બેનરજીએ 'બહારના લોકો'ના નામથી નિશાન સાધ્યું છે, જેના કારણે ગુજરાતી સહિત પરપ્રાંતીઓની બહુમતીવાળી પરંપરાગત ભવાનીપુર બેઠક ઉપર જોખમ જણાતું હોવાનું માનવામાં આવે છે.
તૃણમૂલ કૉંગ્રેસે આ જાહેરાતને 'માસ્ટરસ્ટ્રૉક' ગણાવી છે, જ્યારે ભાજપના મતે મમતા બેનરજી પરંપરાગત બેઠક પરથી હાર ભાળી ગયાં છે.
નંદીગ્રામ 2007થી જ પશ્ચિમ બંગાળના રાજકારણનું કેન્દ્રબિંદુ રહી છે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાજ્યમાંથી 18 બેઠક જીતીને ભાજપ ડાબેરીપક્ષો અને કૉંગ્રેસને હઠાવીને રાજ્યમાં બીજા ક્રમાંકનો પક્ષ બન્યો હતો.
નંદીગ્રામમાં સંગ્રામ
વર્ષ 2007માં ડાબેરીપક્ષોની સરકાર દરમિયાન ઇન્ડોનેશિયાનું સલીમ ગ્રૂપ પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોનની સ્થાપના કરવા માગતું હતું, તે માટે પશ્ચિમ મિદનાપુર જિલ્લાના નંદીગ્રામ ખાતે જમીનઅધિગ્રહણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સ્થાનિક ખેડૂતોએ તેનો વિરોધ કર્યો, જે હિંસક બન્યો હતો. પોલીસ ગોળીબારમાં 14 ખેડૂતના મૃત્યુ થયા હતા. આ ઘટના બની તેના લગભગ દસેક વર્ષ અગાઉ (1998માં) કૉંગ્રેસ પાર્ટીથી અલગ થઈને 'ઑલ ઇન્ડિયા તૃણમુલ કૉંગ્રેસ' નામનો પશ્ચિમ બંગાળનો પ્રાદેશિક પક્ષ સ્થાપનારાં મમતા બેનરજીએ સમગ્ર મુદ્દાને ઉઠાવ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ જ અરસામાં રાજ્યમાં રોકાણને આકર્ષવા માટે ડાબેરી સરકારે હુગલી જિલ્લાના સિંગૂર ખાતે ટાટા જૂથને જમીન ફાળવી. કંપની અહીં રૂ. એક લાખની કિંમતવાળી બહુચર્ચિત 'નેનો કાર' બનાવવા ઇચ્છતી હતી.
જમીન નહીં આપવા માગતા ખેડૂતોને મમતા બેનરજીનો સાથ મળ્યો. સ્થાનિકોના વિરોધને પગલે ટાટા જૂથે પશ્ચિમ બંગાળમાંથી પ્લાન્ટને ખસેડીને ગુજરાતના સાણંદમાં પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી.
રાજ્યના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ દાવો કર્યો કે 'રતન ટાટાને માત્ર એક રૂપિયાના એસ.એમ.એસ.માં રૂ. બે હજાર કરોડનું રોકાણ રાજ્યમાં લાવ્યા.' જોકે, નેના ગુજરાત આવી તેમાં ગુજરાતને નુકસાન થયું એવો આરોપ પણ ગુજરાત સરકાર પર લાંબો સમય સુધી થતો રહ્યો.
પ્રયત્નપૂર્વ ખેડૂતો પાસેથી જમીન અધિગ્રહિત કરવાના તત્કાલીન બુદ્ધદેવ ભટ્ટાચાર્ય સરકારના પગલાને કારણે શરૂઆતથી ડાબેરી પક્ષો સાથે રહેલા ખેડૂતો વિચારધારાથી વિમુખ થઈ ગયા અને ટી.એમ.સી. તરફ નજર દોડાવી.
નંદીગ્રામના 'અધિકારી' કોણ?
નંદીગ્રામમાં જ્યારે મમતા બેનરજીએ ખેડૂતો માટેનું આંદોલન ઉપાડ્યું, ત્યારે રાજકારણમાં સક્રિય એવા સ્થાનિક અધિકારી પરિવારે તેમનાં હાથને મજબૂત કર્યાં.
અધિકારી પરિવારને તેનો લાભ પણ થયો. શુભેન્દુ અધિકારીના પિતા શિશિરને તત્કાલીન ડૉ. મનમોહનનસિંઘ સરકારમાં ટી.એમ.સી.ના ક્વૉટા ઉપર પ્રધાન બનાવવામાં આવ્યા.
2011ની વિધાનસભા ચૂંટણીમાં 34 વર્ષ જૂના ડાબેરીપક્ષોના શાસનને ઉખેડીને ટી.એમ.સી.એ બહુમતી મેળવી. તે એક મતવિસ્તાર જ નહીં, પરંતુ પરિવર્તનનું પ્રતીક છે.
મમતા બેનરજીએ નંદીગ્રામ આંદોલન વખતે ચાવીરુપ ભૂમિકા ભજવનારા શુભેન્દુ અધિકારીને પોતાની સરકારમાં સ્થાન આપ્યું. જોકે, દસેક વર્ષમાં સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે.
શુભેન્દુ અધિકારીના કદનો અંદાજ એ વાત પરથી મૂકી શકાય છે કે ડિસેમ્બર મહિનામાં તેઓ ભાજપમાં સામેલ થયા તે માટેનો કાર્યક્રમ અધિકારીના ગઢ નંદીગ્રામમાં યોજાયો હતો અને ખુદ અમિત શાહએ એ જાહેરસભાને સંબોધી હતી.
અધિકારીની સાથે તેમના પરિવારજનો તથા અન્ય સમર્થકો પણ ભાજપમાં જોડાયા હતા અને ટી.એમ.સી. કાર્યકરોના મનોબળને અસર પહોંચી હતી. તાજેતરના સમયમાં મમતા બેનરજીને આ સૌથી મોટો આંચકો લાગ્યો હતો.
સત્તાની ધૂરા સંભાળ્યાનાં નવ વર્ષ પછી સોમવારે જાહેરસભા દરમિયાન મમતા બેનરજીએ નંદીગ્રામ આંદોલનમાં ભાગ લેનારા લોકોને પૅન્શન આપવાની તથા મૃતકોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરી હતી.
શુભેન્દુ અધિકારીને તેમના જ ગઢમાં ઘેરવા તથા જનતાની વચ્ચે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવાની કવાયત તરીકે જોવામાં આવે છે.
એ વખતે મમતા બેનરજીએ ચૂંટણી લડી ન હતી, પરંતુ બાદમાં તેમણે ભવાનીપુર બેઠક ઉપરથી ચૂંટણી લડીને ધારાસભ્યપદ મેળવ્યું.
તેઓ કોલકતાની ભવાનીપુર બેઠક હેઠળ આવતા કાલીઘાટ વિસ્તારમાં રહે છે, જે કોલકતા દક્ષિણ સંસદીય બેઠક હેઠળ આવે છે. આ બેઠક ઉપરથી પાંચ વખત સંસદસભ્ય બન્યાં હોવાથી આ પસંદગી સ્વાભાવિક પણ હતી.
ભવાનીપુરમાં ગુજરાતી ફૅક્ટર
મમતા બેનરજીએ અહીંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી અને અધિકારીને પરાજિત કરવાની વાત કહી. સામે પક્ષે અધિકારીએ પણ પડકાર ફેંક્યો કે 'મમતા બેનરજીને 50 હજાર મતથી હરાવીશ, નહીંતર રાજકારણમાંથી સન્યાસ લઈ લઈશ.'
ભાજપનો દાવો છે કે મમતા બેનરજી પોતાની પરંપરાગત ભવાનીપુર બેઠક ઉપર ઘેરાઈ ગયા છે. ભવાનીપુરની બેઠક ઉપર મૂળ ગુજરાતીઓ, મારવાડી તથા પંજાબીઓની બહુમતી છે. જેમના પૂર્વજો વેપારધંધા અર્થે તત્કાલીન કલકત્તા પહોંચ્યા હતા અને ત્યાં જ સ્થાયી થઈ ગયા.
ભવાનીપુર વિસ્તારમાં રહેતા મૂળ ગુજરાતી પંકજભાઈના કહેવા પ્રમાણે, સ્થાનિક લોકોમાં 'ગુજરાતીઓ એટલે ભાજપતરફી' એવી છાપ છે, જે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા તે પછી ગાઢ બની છે.
અમિત શાહ ભાજપના અધ્યક્ષ બન્યા ત્યારે તેમણે પશ્ચિમ બંગાળમાં ભાજપના સંગઠનનું માળખું વધુ સુદૃઢ કરવા પ્રયાસ કર્યા. આ માટે તેમણે ગુજરાતી સમુદાયના લોકો સાથે બેઠકો કરી હતી.
બેનરજીએ મોદી-શાહની ઉપર પ્રહાર કરવા માટે 'બહારના લોકો'નો ઉપયોગ કરે છે. આંકડાકીય વિશ્લેષણ કરતા પોતાની બેઠક ઉપરથી મમતા બેનરજીની પકડ ઘટતી જણાઈ રહી છે.
બીબીસીના ફીચર્સ ઍન્ડ ઍનાલિસિસ ઍડિટર સૌતિક બિશ્વાસ માને છે કે મમતા બેનરજીને તેમની જ પરંપરાગત ભવાનીપુર બેઠક ઉપરથી પરાજય આપવો સરળ નહીં હોય. તેઓ કહે છે :
"ગત ચૂંટણીઓનાં આંકડા જોતાં મમતા બેનરજીના મનમાં ક્યાંક થોડીક આશંકા હશે તેવું માની શકાય, તેઓ 'બહારના લોકો'ની સામે બોલે છે, એટલે સ્થાનિક પરપ્રાંતીયોમાં અસંતોષની ચર્ચા થવી સ્વાભાવિક છે."
"પરંતુ બેનરજીને તેમની પરંપરાગત બેઠક ઉપરથી પરાજય આપવો મુશ્કેલ હશે. બીજું કે વર્તમાન સંજોગોને જોતાં પંજાબીઓ સંપૂર્ણપણે ભાજપની સાથે રહેશે કે કેમ તે સવાલ છે."
"નંદીગ્રામની બેઠક ઉપરથી ચૂંટણી લડવાની જાહેરાત કરીને મમતા બેનરજી શુભેન્દુ અધિકારીને તેમના જ ગઢમાં ઘેરવા ચાહે છે. આ લડાઈ પ્રતીકાત્મક વધુ છે."
મમતા બેનરજી નંદીગ્રામ ઉપરાંત આજુબાજુની વિધાનસભા બેઠકો ઉપર ટી.એમ.સી.નીતરફેણમાં અસર ઊભી કરવા માગે છે એવું બિશ્વાસનું માનવું છે.
પરિવર્તનના જુવાળમાં પદારુઢ મુખ્ય મંત્રીના પરાજયની વાત નવી નથી. 2011માં તત્કાલીન મુખ્ય મંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય પોતાની જ જાદવપુર બેઠક ઉપરથી હારી ગયા હતા.
પશ્ચિમ બંગાળમાં પૂર્વ સૈનિક પાંખના ભાજપના સંયોજક મોહન રાવના કહેવા પ્રમાણે :
"મમતા બેનરજી ઉપરથી વિજય માટેનો આત્મવિશ્વાસ ગુમાવી ચૂક્યાં છે. ગત લોકસભાની ચૂંટણી દરમિયાન ભવાનીપુર વિધાનસભાની બેઠકના વિસ્તારમાં અમે તૃણમુલ કરતાં સાડા ત્રણ હજાર જેટલા મતથી જ પાછળ હતા. એટલે આ વખતે તેમનાં માટે ભવાનીપુર બેઠક સલામત નથી."
"તેઓ જ્યાં રહે છે તે બૂથમાંથી જ તેમનો પરાજય થયો છે, જે દેખાડે છે કે તેઓ લોકપ્રિયતા ગુમાવી ચૂક્યાં છે."
રાવ દક્ષિણ કોલકતા વિસ્તારમાં જ રહે છે અને તેઓ અગાઉ જિલ્લા ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. રાજ્યભરમાં હિંદીભાષીઓની સૌથી વધુ વસતિ કોલકત્તામાં જ છે. ભાજપના વર્તમાન અધ્યક્ષ જે. પી. નડ્ડા ભવાનીપુર વિસ્તારમાં અનેક રેલી તથા રોડ શૉ કરી ચૂક્યા છે.
તૃણમુલ કૉંગ્રેસના સંસદસભ્ય સૌગત રૉયે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે પરાજયના ભયથી મમતા બેનરજી ભવાનીપુર ઉપરાંત નંદીગ્રામની બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યાં છે એ 'અનાડી ઍનાલિસ્ટોની કલ્પના છે.' મમતા બેનરજી અગાઉ પણ આ બેઠક ઉપરથી જીતતા રહ્યાં છે અને આગામી ચૂંટણીઓ દરમિયાન પણ વિજયી થશે.
સામાન્ય રીતે વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોલકત્તા મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી યોજાતી હોય છે, એટલે મહાનગરના મતદારોના મિજાજનો પરિચય મળી જતો હોય છે. પરંતુ આ વખતે કોવિડ-19ને કારણે એ ચૂંટણીઓ યોજાઈ નથી, એટલે મતદાતાના મનમાં શું ચાલી રહ્યું છે, તેનું ટ્રૅલર જોવા નથી મળ્યું.
માસ્ટર સ્ટ્રૉક કે મજબૂરી?
2011માં પરિવર્તનના જુવાળમાં ડાબેરી મુખ્ય મંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનો પોતાની જ બેઠક ઉપરથી પરાજય થયેલો
તૃણમુલ કૉંગ્રેસનું માનવું છે કે મમતા બેનરજીની જાહેરાત 'માસ્ટરસ્ટ્રૉક' છે. શુભેન્દુ અધિકારી પોતાની બેઠક બચાવવાની લ્હાયમાં તથા અન્ય બેઠકો ઉપર પ્રભાવ ઊભો ન કરી શકે, તે માટે બેનરજીએ ખુદ અધિકારીને તેમના જ ગઢ નંદીગ્રામમાં ઘેરવાની વ્યૂહરચના અપનાવી છે.
મમતાએ જાહેસભામાં કહ્યું, "હું મારું નામ ભૂલી શકું, પરંતુ નંદીગ્રામનું નહીં. તે જમીનઅધિગ્રહણના વિરોધનું પ્રતીક છે. આ જગ્યા પાર્ટી માટે નસીબદાર છે. 2016માં મેં અહીંથી જ ટી.એમ.સી.ના પ્રથમ ઉમેદવારના નામની જાહેરાત કરી હતી."
અધિકારીનું નામ લીધા વગર મમતા બેનરજીએ શુભેન્દુ અધિકારી ઉપર ભાજપને પશ્ચિમ બંગાળ વેચી દેવાનો આરોપ મૂક્યો. સાથે જ કહ્યું હતું કે તેઓ ભવાનીપુરના મતદારોની ભાવનાની ઉપેક્ષા ન કરી શકે અને તેઓ બંને બેઠકને મૅનેજ કરવાનો પ્રયાસ કરશે.
કોલકાતા દક્ષિણના ભાજપના વર્તમાન અધ્યક્ષ શંકર સિકદરના કહેવા પ્રમાણે, "ભવાનીપુરની બેઠક ઉપરથી તેમનો પરાજય 200 ટકા સુનિશ્ચિત છે. હું તમને લખીને આપી શકું છું કે છેવટે તેઓ નંદીગ્રામની બેઠક ઉપરથી પણ ચૂંટણી નહીં લડે."
"તેઓ કોલકાત્તા પૉર્ટ જેવી કોઈ મુસ્લિમ બહુમતીવાળી બેઠક ઉપરથી ચૂંટણી લડશે. ભવાનીપુરની બેઠક ઉપર 90 ટકા હિંદુઓ નિવાસ કરે છે, જેમાંથી 65-67 ટકા મતદારો ગુજરાતી, મારવાડી,પંજાબી અને બિહારી જેવા બિન-બંગાળી છે. જેઓ સંપૂર્ણપણે ભાજપની સાથે છે."
સિકદર માને છે કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીએ દેશને ભ્રષ્ટચારમુક્ત શાસન આપ્યું છે, જે ભાજપનું સબળ પાસું છે, જ્યારે બંગાળમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે.
મમતા બેનરજી સામે ભવાનીપુરનો ગઢ બચાવવાનો પડકાર
પશ્ચિમ મિદનાપુર જિલ્લામાં મુસ્લિમોની વસતિ 14 ટકા જેટલી છે. નંદીગ્રામ બેઠકના ત્રણ તાલુકા ઉપર મુસ્લિમોની ટકાવારી અનુક્રમે 34, 12.1 અને 40.3 ટકા છે. આથી આ બેઠકો ઉપર ધર્મના આધારે મતોનું ધ્રુવીકરણ થાય તેવી શક્યતા છે.
પૂર્વ મિદનાપુર જિલ્લા હેઠળ 16 તથા પશ્ચિમ મિદનાપુર જિલ્લા હેઠળ 18 બેઠક આવે છે. ભાજપ પાસે આ વિસ્તારમાં પોતાનું સંગઠનનું માળખું નથી અને તે શુભેન્દુની શાખ ઉપર મદાર રાખી રહ્યો છે.
મમતા બેનરજીની જાહેરાતથી હતાશ થઈ ગયેલા ટી. એમ. સી.ના કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર થયો છે. જોકે, પશ્ચિમ બંગાળ ભાજપના પ્રવક્તા શમીક ભટ્ટાચાર્યના કહેવા પ્રમાણે નવી બેઠક ઉપરથી ચૂંટણી લડવાની મમતાની જાહેરાત તેમની હતાશાનું દ્યોતક છે.
બીબીસીના પ્રતિનિધિ પ્રભાકર મણિ તિવારી સાથે વાત કરતા રાજકીય વિશ્લેષક નિર્માલ્ય બેનરજીના કહેવા પ્રમાણે, "મમતા બેનરજીની જાહેરાતથી શુભેન્દુ અધિકારીની ઉમેદવારી જોખમમાં મૂકાઈ શકે છે."
"શુભેન્દુ આ વિસ્તાર ઉપર સારી પકડ ધરાવે છે, પરંતુ તેમની સામે મમતા વિરુદ્ધ પોતાની જ બેઠક બચાવવાનો પડકાર હશે. વર્તમાન રાજકીય સ્થિતિમાં ભાજપના કેન્દ્રીય નેતાઓએ પોતાની વ્યૂહરચના ઉપર નવેસરથી વિચાર કરવો પડશે."
કૉમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ના સૃજન ચક્રવર્તીના કહેવા પ્રમાણે, આ પ્રકારની જાહેરાતોથી સ્પષ્ટ થઈ ગયું છે કે મુખ્ય મંત્રીનું પોતાની જ પાર્ટી ઉપર નિયંત્રણ નથી રહ્યું અને હજુ પણ તેનું પતન થશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો