'ગુજરાતમાં ખેડૂતોનો અવાજ દબાવી દેવાય છે, પણ અમે આંદોલન કરીશું જ'

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી સંવાદદાતા

નરેન્દ્ર મોદી સરકારના ત્રણ વિવાદિત કૃષિકાયદા સામે દિલ્હીની સરહદે પંજાબ-હરિયાણા સહિત દેશના કેટલાંક રાજ્યોના ખેડૂતો 100 દિવસ કરતાં વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે.

અત્યાર સુધી સરકાર સાથે સાતથી વધુ વખત ખેડૂતનેતાઓની બેઠકો થઈ ચૂકી છે પણ કોઈ ઉકેલ આવ્યો નથી.

દરમિયાન આ સમગ્ર આંદોલનમાં રાજકારણ પણ ગરમાયું અને વિરોધપ્રદર્શન વચ્ચે હિંસાઓ પણ થઈ, જેમાં ઘણા સામે પોલીસ કાર્યવાહી થઈ અને આક્ષેપ-પ્રતિઆક્ષેપો પણ થયા છે.

આ આંદોલનની નોંધ આંતરરાષ્ટ્રીય મીડિયા તથા વિદેશી રજાનેતાઓએ પણ લીધી છે. સોશિયલ મીડિયામાં પણ ખેડૂતોના આંદોલનની ભારે ચર્ચા રહી છે.

આ આંદોલનની અસર ગુજરાતમાં કેવી છે અને ગુજરાતના ખેડૂતો આ આંદોલન પ્રત્યે કેવું વલણ ધરાવે છે, એ સવાલ વારંવાર ઊઠ્યો છે.

ગુજરાત ભાજપનો ગઢ છે અને દેશમાં જ્યારે આટલા મોટાપાયે ખેડૂતો આંદોલન કરી રહ્યા હોય ત્યારે ગુજરાતમાં તે મામલે કોઈ નોંધપાત્ર બાબત જોવા ન મળે એટલે કેટલાક સવાલો ઊઠે તે સ્વાભાવિક છે.

એવું પણ કહેવાયું કે ગુજરાતના મોટાભાગના ખેડૂતોને આ નવા કૃષિકાયદાઓ મામલે કોઈ નિસબત નથી અથવા તેમને કોઈ વાંધો નથી એટલે ત્યાં આંદોલનની અસર નથી.

પરંતુ બીજી તરફ એવા પણ અહેવાલ રહ્યાં છે કે ખરેખર ગુજરાતમાં ખેડૂતોને અવાજ ઉઠાવવાની મંજૂરી જ નથી આપવામાં આવી. તેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.

જ્યારે ગુજરાતના ખેડૂતો સંઘર્ષ કરીને આંદોલનમાં પહોંચ્યાં...

અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાતના કેટલાક ખેડૂતો સંઘર્ષ કરીને જયપુર સરહદથી આંદોલનમાં સહભાગી થવા પહોંચ્યા હતા અને બીબીસીએ તે અંગે અહેવાલ પણ કર્યો હતો.

ઉપરાંત એક દૃશ્ય એવું પણ ઊભું કરવામાં આવ્યું છે કે દિલ્હીની સિંઘુ, ટિકરી સરહદે માત્ર પંજાબ-હરિયાણાના જ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. જોકે બાદમાં એ પણ બહાર આવ્યું કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દક્ષિણનાં રાજ્યોના કેટલાક ખેડૂતો પણ આંદોલનમાં સહભાગી થયા છે.

ફરી એક સવાલ થાય કે ગુજરાત ખેડૂતો આ આંદોલન કે અભિયાનમાં ક્યાં છે? નવા કૃષિ કાયદા મામલે ગુજરાતના ખેડૂતોનો કોઈ વિરોધ છે કે નહીં?

આ વચ્ચે ગુજરાતમાં કેટલાક ખેડૂત સંગઠનો સંગઠિત થઈને કૃષિકાયદાનો રાજ્યમાં જ વિરોધ કરવાની તૈયા કરી રહ્યા છે.

આ માટે 'કિસાન સંઘર્ષ મંચ' (ક.સ.મ) તૈયાર કરવામાં આવ્યું છે. વિવિધ ખેડૂત સંગઠનોએ એક મંચ પર આવીને આ પ્લૅટફૉર્મ લૉન્ચ કર્યું છે. સુરેન્દ્રનગરના મેરા ગામમાં તેની પહેલી બેઠક મળી હતી.

આ નવા સંગઠિત મંચના સભ્યોનું કહેવું છે કે હવે રાજ્યમાં તેઓ ખેડૂતોને સંગઠિત કરશે અને નવા કૃષિકાયદાનો વિરોધ કરશે તથા સરકારની અવાજ દબાવવાની કોશિશોની સામે લડત ચલાવશે.

'સરકારે દાંડીકૂચ પણ નહોતી કાઢવા દીધી'

આ મામલે બીબીસીએ કિસાન સંઘર્ષ મંચના સભ્ય લાલજી દેસાઈ સાથે વાતચીત કરી.

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "સરકાર પ્રદર્શન નથી કરવા દેતી અને અવાજ પણ દબાવનાની કોશિશ કરે છે. એટલે અમે હવે રાજ્યના તમામ ખેડૂતોને પહેલાં એક કરીશું. બેઠકો કરીશું અને પછી જરૂર પડ્યે શક્તિપ્રદર્શન પણ કરીશું."

"સરકારે દાંડીકૂચ પણ નહોતી કાઢવા દીધી. ખેડૂતોને સત્યાગ્રહ ન કરવા દીધો. આ લોકશાહી નથી. અમે આ મામલે હવે અલગ રીતે લડત ચલાવીશું."

"અમારું સંગઠન બધા માટે છે. કોઈ પણ પાર્ટીની વ્યક્તિ આવી શકે છે, પણ પાર્ટીનો ઝંડો નહીં ચાલે. માત્ર ખેડૂત માટેની લડાઈ લડવાની છે અને તેમાં સૌ સહભાગી થઈ શકે છે. પ્રાધાન્ય માત્ર ખેડૂતની સમસ્યા છે."

તેમણે વધુમાં જણાવ્યું, "હું પોતે કૉંગ્રેસ સેવાદળ સાથે સંકળાયેલ છું. પણ પહેલા હું ખેડૂત છું પછી કોઈ પાર્ટીનો કાર્યકર કે નેતા છું. હું ઘણાં વર્ષોથી ખેડૂતોના મુદ્દે લડતો આવ્યો છું."

"ભૂતકાળમાં 'જમીન અધિકાર આંદોલન ગુજરાત' બેનર હેઠળ મંડલ-બેચરાજી સર સંબંતિત ઝુંબેશમાં અમે સરકારને ઝુકાવી જ હતી, એટલે હવે અમે વિરોધની રીત બદલીશું અને પ્રદર્શન કરીશું. બેઠકોનો સિલસિલો હવે ચાલુ થશે અને પછી આગળની રણનીતિ પણ તૈયાર થશે."

લાલજી દેસાઈ ઉત્તર ગુજરાતના આઝાદ કિસાન સંગઠનના પણ નેતા છે. તેમનું કહેવું છે કે આગામી હોળીના તહેવાર પર ખેડૂતો પ્રદર્શન કરશે.

તદુપરાંત અત્રે એ પણ નોંધનીય છે કે ભૂતકાળમાં ગુજરાતમાં સુરત અને રાજકોટમાં ખેડૂત સંગઠનોએ કૃષિકાયદાના વિરોધ મામલે કેટલાક કાર્યક્રમ કરવા મંજૂરીઓ માગી હતી પરંતુ તેમને મંજૂરીઓ નહોતી અપાઈ.

જેથી એક સંગઠને ગુજરાત હાઈકોર્ટમાં રિટ દાખલ કરતાં તેમને સુરત માટે મંજૂરી મળી હતી.

'ગુજરાતમાં અઘોષિત કટોકટી છે'

ખેડૂતોના આગેવાન પાલ આંબલિયા અનુસાર રાજકોટના એક કાર્યક્રમ માટે મંજૂરી નહોતી મળી.

સુરેન્દ્રનગરમાં મળેલી બેઠકમાં ખેડૂતોના આગેવાન પાલ આંબલિયા પણ હાજર હતા. સૌરાષ્ટ્રના 'ગુજરાત કિસાન કૉંગ્રેસ'ના અધ્યક્ષ પાલ આંબલિયાએ આ વિશે બીબીસી સાથે વાતચીત કરી હતી.

તેમણે કહ્યું,"ગુજરાતમાં અઘોષિત કટોકટી છે. દેશમાં લોકશાહી છે, છતાં લોકતાંત્રિત અધિકારો નથી મળી રહ્યા. અમારે કાળા કાયદાઓનો વિરોધ કરવો હોય તો મંજૂરી નથી આપતા. અમારા સાથીઓને એક મહિના કરતાં વધુ સમય સુધી નજરકેદ કે અટકાયતમાં રાખવામાં આવે છે."

"નવા આવેલા ત્રણેય કાયદાઓ ખેડૂતના હિતમાં નથી. તેની તકનિકી બાબતો પર ધ્યાન આપો તો ખ્યાલ આવશે કે ત્રણેય કાયદા એકબીજા સાથે જોડાયેલા છે અને તેને કંપનીઓનાં હિતોને ધ્યાને રાખીને લવાયા છે. તેમાં ખેડૂતો માટે કોઈ રક્ષણ પ્રાપ્ત નથી."

તેઓ ઉમેરે છે, "જાન્યુઆરીમાં રાજકોટમાં અમારે આ કાયદાઓના મામલે એક કાર્યક્રમ કરવો હતો, પહેલાં મંજૂરી આપી પછી ગણતરીના કલાકોમાં રદ કરી દીધી. કેટલાકની અટકાયત પણ કરી હતી."

"હવે અમે હોળીના દિવસે 'હૈયા હોળી' કરીશું. જેમાં ખેડૂતો પોતાના સ્થળે જ હોળીમાં વિવાદીત કાળા કાયદાઓની હોળી કરશે અને વિરોધ નોંધાવશે."

"અમે કોઈ એક સ્થળે ભેગા નહીં થઈએ અને પ્રદર્શનનું કેન્દ્રીકરણ નહીં કરીએ તેનું વિકેન્દ્રીકરણ કરીશું. કેમકે અમને ખેડૂતોને ભેગા થવાની મંજૂરી જ નથી આપવામાં આવતી. આ લોકશાહી સાથે સુસંગત નથી."

'કસમ'ના નવા મંચ વિશે વધુ જણાવતાં કહ્યું, "18 હજારથી વધુ ગામોમાં ખેડૂતો વિરોધ નોંધાવશે અને 5થી 7 લાખ ખેડૂતો આમાં જોડાયેલા છે."

પાલ આંબલિયાનું કહેવું છે કે તેઓ છેલ્લાં 6-7 વર્ષોથી વધુ સમયથી ખેડૂત અને કૃષિ સંબંધિત મુદ્દે લડત લડતા રહ્યા છે. જમીન માપણી, પાકવીમો, મગફળી કૌભાંડ સહિતનાં વિવાદો મામલે તેમણે લડત ચલાવી હોવાનો તેમનો દાવે છે.

'સરકાર કંસાર કરવા ગઈ પણ થૂલી થઈ ગઈ'

આ ઉપરાંત બીબીસીએ એક અન્ય ખેડૂતોના આગેવાન સાગર રબારી સાથે પણ વાતચીત કરી. ખેડૂત એકતા મંચના નેતા સાગર રબારી કૃષિકાયદા મામલે અલગ મત ધરાવે છે.

સાગર રબારીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મેં આ ત્રણેય કાયદાઓને આવકાર્યા હતા. કેમકે તે ખેડૂતને માલ બહાર વેચવાની સુવિધા આપે છે અને જે સેસ મંડી લઈ જાય છે તે પણ હવે વેપારીએ નહીં આપવો પડે."

"જેમ સમય જાય તેમ પરિવર્તન આવે છે. એટલે બદલાવ જરૂરી છે. જો કાયદા ઠીક ન લાગે તો તેને પછીથી બદલી જ શકાય છે."

સાગર રબારી એક મહત્ત્વપૂર્ણ વાત એ પણ કહે છે કે જે રીતે ખેડૂતો સાથે ચર્ચા-વિચારણા વગર કાયદા લવાયા એ ઠીક નથી.

તેમનું કહેવું છે કે મોદી સરકાર કંસાર કરવા ગઈ પણ થૂલી થઈ ગઈ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે.

તેમણે વધુમાં ઉમેર્યું, "વિરોધપ્રદર્શન નથી કરવા દેતા, દિલ્હી નથી જવા દેતા, અટકાયત કરી લે છે. આ બધું યોગ્ય નથી. લોકશાહીમાં નાગરિકને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર તો હોવો જ જોઈએ. તમે તેના પર પોલીસ થકી દમન ન ગુજારી શકો. આ ખોટું છે."

દરમિયાન સાગર રબારીનું કહેવું છે કે સરકારે ખરેખર ખેડૂતોની સમસ્યા દૂર કરવા માટે એક ચોક્કસ નીતિ બનાવી તેના અમલીકરણ અને ખેડૂતોના મામલે એક ખાસ કમિશન બનાવવાની જરૂર છે.

આ ઉપરાંત નવા કાયદાઓમાં જે ખાનગી કંપનીઓના રોકાણ લાવવાની વાત છે, તેના કરતાં સહકારી ધોરણે રોકાણ લાવવાની જરૂર છે તથા કૃષિક્ષેત્રમાં માળખાગત સુવિધાઓમાં મોટું વિસ્તરણ અને ખેડૂતોનાં દેવાં માફ કરી ખેડૂતે ફરી દેવું કરવું જ ન પડે એવો કોઈ માર્ગ શોધવો જોઈએ.

જોકે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના પ્રદેશોના કેટલાક ખેડૂતસંગઠનોના અગ્રણી નેતાઓનું કહેવું છે કે ગુજરાતમાં સરકાર તેમને કોઈ કાર્યક્રમ નથી કરવા દેતી. જેથી તેઓ આ નવા કૃષિકાયદાઓ મામલે અસરકારક રીતે અવાજ ઉઠાવી શકતા નથી.

હજુ પણ કોઈ ઉકેલ નહીં

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે કાયદાઓ પર સ્ટે આપ્યો છે અને પ્રદર્શન કરનારા સામે જે કેસ થયા છે તે મામલે પણ સમાધાન લાવવા પૂર્વ ન્યાયાધીશને સમાવતી સમિતિની ભલામણ કરી છે.

કેમકે સરકાર અને ખેડૂતો વચ્ચેની કેટલીક બેઠકો પછી પણ કોઈ નક્કર ઉકેલ હજુ સુધી આવ્યો નહોતો.

આ ઉપરાંત સુરતમાં જે કાર્યક્રમની મંજૂરી નહોતી આપવામાં આવી અને પછીથી હાઈકોર્ટમાં જઈને મંજૂરી લેવી પડી હતી એ મામલે બીબીસીએ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના લીડર રમેશ પટેલ સાથે વાતચીત કરી હતી.

રમેશ પટેલે આ મામલે કહ્યું, "અમે કૃષિકાયદાનો શરૂઆતથી વિરોધ કરીએ છીએ. અમે આ કાયદાઓ મામલે એક જાણીતા અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહ સાથે સુરતમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું."

"જોકે પોલીસે કોવિડ-19ના નિયમો આગળ ધરી અને દિલ્હીના આંદોલનની સ્થિતિને પગલે પરવાનગી નહોતી આપી. પણ અમે પછી અદાલતમાં ગયા અને મંજૂરી લઈ આવ્યા."

"જોકે મંજૂરી મળી તેમ છતાં એટલો ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો કે અમારે ત્યાં ભાગ લેવાવાળા ખેડૂતો કરતા તો પોલીસની સંખ્યા વધુ હતી. અમારે દિલ્હી જવું હોય તો પણ નથી જઈ શકાતું કેમકે અમારી પર નજર રાખવામાં આવે છે."

અત્રે નોંધવું કે આ સમગ્ર મામલે સરકાર હંમેશાં એવું કહેતી આવી છે કે કોરોના વાઇરસની સ્થિતિ અને સુરક્ષાના કારણસર કેટલાક કાર્યક્રમોને રાજ્યમાં મંજૂરી નથી આપવામાં આવી.

કેટલાક ખેડૂત સંગઠનોનું કહેવું છે કે તેઓ કોઈ રાજકીય પક્ષો સાથે નથી જોડાયેલા અને સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. તેમ છતાં સરકાર તેમની સાથે રાજકીય ભેદભાવ કરે છે.

'હોળી પર કાળા કાયદાઓની હોળી કરીશું'

કિસાન સંઘર્ષ મંચમાં ઉપસ્થિત રહેલા એક અન્ય સંગઠનનો પણ બીબીસીએ સંપર્ક કર્યો. જેમાં દક્ષિણ ગુજરાતના ભરુચના ખેડૂત સંગઠનના નેતા સાથે બીબીસીએ વાત કરી.

ભરૂચના ખેડૂત હિતરક્ષક દળના નેતા યાકૂબ ગુરજીએ બીબીસીને જણાવ્યું, "હોળી પર અમે ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળે કૃષિકાયદાઓની નકલની હોળી કરીશું અને અમારો વિરોધ નોંધાવીશું."

"સરકાર અમને પ્રદર્શન નથી કરવા દેતી. મારે દિલ્હી આંદોલનમાં જવું હતું તો વેશપલટો કરીને જવું પડ્યું હતું. કોઈ પણ કાર્યક્રમ માટે પરવાનગી નથી મળતી. જોકે હવે અમે સંગઠિત થઈને મક્કમપણે વિરોધ કરીશું."

દરમિયાન ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલનું કહેવું છે કે સરકાર પૂરેપૂરી રીતે પ્રદર્શનોને ડામવા માટેનું વલણ ધરાવે છે.

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "સરકાર નથી ઇચ્છતી કે ગુજરાતમાં જરાય પ્રદર્શન થાય કેમકે વડા પ્રધાન ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે અને ગૃહમંત્રી પણ. એટલે નિયંત્રણો લગાવાય છે."

"જોકે બીજી તરફ ખેડૂતોને મજબૂત નેતૃત્ત્વ પણ નથી મળી રહ્યું. ન ચોક્કસ કોઈ આંદોલનની નીતિ મળી રહી છે. નેતાઓ કેટલા મક્કમ છે એ નિર્ણાયક રહેતું હોય છે. એટલે આ બંને પરિબળોને લીધે આવી સ્થિતિ છે. પરંતુ આ નવો મંચ અસર ઉપજાવે એવી અપેક્ષા સેવાઈ રહી છે."

'ખેડૂતો કાયદાની તરફેણમાં છે'

જોકે ગત ડિસેમ્બરમાં જ્યારે ગુજરાતના ખેડૂતોને દિલ્હીમાં આંદોલન માટે આવવાથી અટકાવાવમાં આવતા હોવાની ફરિયાદ ઊઠી હતી ત્યારે કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના કૃષિમંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે કોઈ ખેડૂત કે ખેડૂત આગેવાનને નજરકેદમાં રાખવામાં આવ્યા નથી.

પરસોત્તમ રૂપાલાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે "આ કાયદો ખેડૂતોના લાભ માટે છે, પણ અહીંના કેટલાક કૉંગ્રેસી લોકો એમને ભરમાવી અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરે છે, પણ ખેડૂત ભરમાતા નથી."

"એટલે એમને નજરકેદમાં રાખ્યાનું તૂત ઊભું કરી રહ્યા છે. વાસ્તવમાં કોઈ ખેડૂત કે ખેડૂત આગેવાનને નજરકેદમાં રાખ્યા નથી."

રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે "ગુજરાતમાં ખેડૂતોને કૃષિકાયદાનો વિરોધ નથી, એ સરકારના આ કાયદાની તરફેણમાં છે."

તેમણે એમ પણ કહ્યું કે ગુજરાતમાં ઘણા વખતથી કૉન્ટ્રેકટ ફાર્મિંગ થાય છે અને ખેડૂત બે પાંદડે થયા છે ત્યારે એમને ખોટી રીતે ભરમાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

વધુમાં વડા પ્રધાન મોદી પણ વારંવાર તેમની સભાઓમાં એવું કહેતા આવ્યા છે કે આ નવા કાયદા ખેડૂતોના હિત માટે છે અને ખેડૂતોએ તેને આવકાર્યાં છે.

જોકે બીજી તરફ વિપક્ષ અને ખેડૂતનેતા રાકેશિ ટિકૈતનો મત તેમનાથી વિરુદ્ધ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો