ખેડૂત આંદોલન સાથે જોડાયેલા ત્રણ મહત્ત્વના સવાલ

    • લેેખક, નીતિન શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઉત્તર ભારતના ખેડૂતોએ ઘણા લાંબા સમય બાદ રાજધાની દિલ્હીને પોતાના વિરોધનો ગઢ બનાવ્યો છે. દિલ્હીમાં જે જોવા મળે છે એ 32 વર્ષ પહેલાં દેખાતું હતું.

પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતનેતા મહેન્દ્રસિંહ ટિકૈત લાખો ખેડૂતોને લઈને બોટ ક્લબ પહોંચીને ધરણાં પર બેસી ગયા હતા.

તેમની માગ હતી કે શેરડીના પાકના ભાવ વધુ મળે અને વીજળી-પાણીનાં બિલોમાં છૂટ મળે, જે પૂરી પણ થઈ હતી.

વર્તમાન આંદોલનને બે અઠવાડિયાંથી વધુ સમય થઈ ગયો છે અને દિલ્હીની સરહદે લાખો ખેડૂતો એ માગ પર અડગ છે કે કેટલાક મહિના પહેલાં લાગુ થયેલા નવા કૃષિકાયદાના પરત લેવામાં આવે.

બીજી તરફ સરકાર તેમની સાથે વાતચીત કરવા ઇચ્છુક દેખાઈ રહી છે, પણ નવા કૃષિકાયદાને પરત લીધા વિના કે પૂરી રીતે બદલવાની વાત કર્યા વિના.

આ દરમિયાન ત્રણ એવા સવાલ છે જે કદાચ જાણવા માગતા હશો.

શું ભારતીય ખેડૂતોએ કોઈ નવા કૃષિકાયદાની માગ કરી હતી?

ભારતમાં ખેડૂત આંદોલનનો ઇતિહાસ જૂનો છે અને પંજાબ, હરિયાણા, બંગાળ, દક્ષિણ અને પશ્ચિ ભારતમાં છેલ્લાં સો વર્ષમાં ઘણાં વિરોધપ્રદર્શનો થયાં છે.

આ વખતે પણ એવું જ થયું છે, કેમ કે ખેડૂતોનું માનવું છે કે તેમને જે જોઈતું હતું એ આ નવા કાયદામાં નથી.

કેન્દ્ર સરકાર કહી રહી છે કે અસલમાં નવો કાયદો ખેડૂતોનાં હિતની જ વાત કરે છે, કેમ કે હવે ખેડૂતો પોતાનો પાક ખાનગી કંપનીઓને વેચી શકશે અને વધુ પૈસા કમાઈ શકશે. જોકે ખેડૂત સંગઠનોએ આ ઑફરને એમ કહીને ફગાવી દીધી છે કે આવી માગ તો તેઓએ ક્યારેય રાખી જ નથી.

ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ (મુંબઈ)ના કૃષિ-અર્થશાસ્ત્રના વિશેષજ્ઞ પ્રોફેસર આર. રામકુમાર અનુસાર, "ખેડૂતોની એ માગ રહી છે કે તેમને વધુ મંડીઓ જોઈએ, પરંતુ નવા કાયદા બાદ આ સિલસિલો ખતમ થઈ શકે છે."

તેઓએ કહ્યું, એ પણ માગ રહી છે કે પ્રોક્યુરમૅન્ટ સેન્ટર વધુ પાક માટે અને વધુ રાજ્યોમાં ખોલાય, જેથી વધુમાં વધુ ખેડૂતોને લાભ મળે. પણ સરકાર પ્રોક્યુરમૅન્ટ સેન્ટર મોટા ભાગે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જ ખોલ્યાં છે. એટલે ત્યાં વધુ પ્રોક્યુરમૅન્ટ થાય છે અને અન્ય સ્થળોએ ઓછું. એ પણ માગ છે કે કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ ઘણી જગ્યાએ થઈ રહ્યું છે, પણ તે નિયમિત નથી, એ નિયમિત થવું જોઈએ."

જોકે ઐતિહાસિક રીતે ભારત એક કૃષિ-નિર્ભર અર્થવ્યવસ્થા રહી છે તો સ્વાભાવિક છે કે તેમાં ફેરફારો આવતા રહે છે.

પણ મોટા ભાગના ફેરફારો ધીમીના ગતિના રહ્યા છે, જેના કેન્દ્રસ્થાને ખેડૂતોનાં હિત રાખવાના દાવાઓ પર રાજનીતિ પણ થઈ છે.

સંસદમાં નવા કાયદાને લઈને ખેંચતાણ ચાલુ રહી અને વિપક્ષે સરકાર પર ખેડૂતોનો અભિપ્રાય ન લીધો હોવાનો આરોપ પણ લગાવ્યો.

સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચનાં ફેલો અને અશોકા યુનિવર્સિટીમાં ભણાવતાં મેખલા કૃષ્ણમૂર્તિનું માનવું છે કે આ આંદોલન બાદ બધાનું ધ્યાન સરકાર પર જ રહેશે.

તેઓએ કહ્યું, "આ જે નવો કાયદો છે, તેમનું કહેવું છે કે અમે ટ્રેડને ફ્રી કરી દેશું, તમારે મંડીમાં લાઇસન્સ નહીં લેવું પડે, તમે ગમે ત્યાં ટ્રેડ કરી શકશો. ભારતમાં 22 રાજ્ય એવાં છે જ્યાં આ પહેલેથી લાગુ છે અને તમે મંડી બહાર લાઇસન્સ લઈને ખરીદી શકો છો. ખેડૂતોને શંકા છે કે તમે મંડીને તોડી રહ્યા છો અને બીજી તરફ એ ખેડૂત, જેની પાસે મંડી ક્યારેય આવી નથી, એ વિચારી રહ્યો છે કે મંડી ક્યારે આવશે."

ખેડૂત શું ઇચ્છે છે અને નવા કૃષિકાયદામાં તેમને શું મળી રહ્યું છે?

એક નજર એ ત્રણ નવા કાયદા પર નાખીએ, જેના કારણે વિવાદ થયો છે.

ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ ઍન્ડ કૉમર્સ (પ્રમોશન ઍન્ડ ફેસિલિટેશન), 2020ના કાયદા પ્રમાણે, ખેડૂતો પોતાની ઊપજ એપીએમસી એટલે કે ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી તરફથી અધિસૂચિત મંડીઓથી બહાર અન્ય રાજ્યોને ટૅક્સ આપ્યા વિના વેચી શકે છે.

બીજો કાયદો છે- ફાર્મર્સ (એમ્પાવરમૅન્ટ ઍન્ડ પ્રોટેક્શન) ઍગ્રિમૅન્ટ ઑન પ્રાઇસ એશ્યોરન્સ ઍન્ડ ફાર્મ સર્વિસ કાયદો 2020. આ અનુસાર ખેડૂત અનુબંધવાળી ખેતી કરી શકે છે અને સીધું તેનું માર્કેટિંગ કરી શકે છે.

ત્રીજો કાયદો છે- એસેન્શિયલ કૉમોડિટીઝ (ઍમૅન્ડમૅન્ટ) કાયદો 2020. તેમાં ઉત્પાદન, સ્ટોરેજ સહિત અનાજ, દાળ, ખાવાનું તેલ, ડુંગળીના વેચાણને અસાધારણ પરિસ્થિતિઓને છોડીને નિયંત્રણ-મુક્ત કરી દેવામાં આવ્યું છે.

સરકારનો તર્ક છે કે નવા કાયદાથી ખેડૂતોને વધુ વિકલ્પ મળશે અને કિંમતને લઈને પણ સારી સ્પર્ધા થશે. આ સાથે જ કૃષિબજાર, પ્રોસેસિંગ અને આધારભૂત સંરચનામાં પણ ખાનગી રોકાણને પ્રોત્સાહન મળશે.

જોકે ખેડૂતોને લાગે છે કે નવા કાયદાથી તેમની વર્તમાન સુરક્ષા પણ છીનવાઈ જશે.

ભારત સરકારના નેશનલ કમિશન ઑફ ફાર્મર્સના પૂર્વ સભ્ય વાયએસ નંદાને લાગે છે કે કૃષિના ક્ષેત્રમાં "પ્રયોગ વધુ છે અને અસલમાં કામ ઓછું થયું છે."

તેઓએ કહ્યું, "80 અને 90ના દશકમાં ગ્રોથ સારી હતી. છઠા ફાઇવ-યર પ્લાનમાં કૃષિની વૃદ્ધિ 5.7 ટકા હતી અને જીડીપી વૃદ્ધિ 5.3 ટકા હતી. આવું બીજી વાર ક્યારેય થયું નથી. અને 90ના દશક બાદ વૃદ્ધિ ઓછી થઈ છે. રૂરલ ઇન્ફ્રાસ્ટ્રચરમાં ઇન્વેસ્ટમૅન્ટ ઓછું થઈ ગયું, જેના કારણે કૃષિવૃદ્ધિ ઓછી થઈ ગઈ."

એટલે કે કહી શકાય કે 1960ના દશકમાં શરૂ થયેલી હરિત ક્રાંતિનું ફળ આગામી બે દશક સુધી તો ચાખવા મળ્યું, પણ 90ના દશકમાં કૃષિસૅક્ટરની ગતિ ધીમી થઈ ગઈ.

કદાચ એટલા માટે હરિત ક્રાંતિના જનક કહેવાતા પ્રોફેસર સ્વામિનાથનના નેતૃત્વમાં બનેલી એક કમિટીએ વર્ષ 2006માં કેટલાંક મહત્ત્વનાં સૂચનો કર્યાં હતાં :

- પાક ઉત્પાદન કિંમતથી 50 ટકા વધુ ભાવ ખેડૂતોને મળે

- ખેડૂતોને ઓછા ભાવે ગુણવત્તાવાળું બિયારણ આપવામાં આવે

- ગામોમાં વિલેજ નૉલેજ સેન્ટર કે જ્ઞાનચૌપાલ બનાવામાં આવે

- મહિલા ખેડૂતોને કિસાન ક્રૅડિટ કાર્ડ મળે

- ખેડૂતોને કુદરતી આફતની સ્થિતિમાં મદદ મળે

- સરપ્લસ અને બિનઉપયોગી જમીનના ટુકડાનું વિતરણ કરાય

- ખેતીલાયક જમીન અને વનભૂમિને બિનકૃષિ ઉદ્દેશો માટે કૉર્પોરેટને ન આપવામાં આવે

- પાકવીમાની સુવિધા આખા દેશમાં દરેક પાક માટે મળે

- ખેતી માટે કરજની વ્યવસ્થા દરેક ગરીબ અને જરૂરિયાતમંદ સુધી પહોંચે

- સરકારી મદદથી ખેડૂતોને મળનારા કરજનો વ્યાજદર ઓછો કરીને 4 ટકા કરવામાં આવે

વર્તમાન વ્યવસ્થામાં ખેડૂતોનું કહેવું છે કે તેમાંથી ઘણી હજુ લાગુ થઈ નથી અને તેમને વધુ મંડીઓ અને કૉન્ટ્રેક્ટ ફાર્મિંગમાં સુરક્ષા આપનારો કાયદો જોઈએ છે.

જ્યારે સરકાર કહે છે કે ખરાબ માર્કેટિંગના કારણે ખેડૂતોને સારા ભાવ મળતા નથી, આથી ખાનગી કંપનીઓ અને સ્ટોરેજ વેયરહાઉસ લાવવાથી વેલ્યૂ ચેનમાં ખેડૂતોનું કદ વધશે.

મેખલા કૃષ્ણમૂર્તિ કહે છે કે "છેલ્લા છ મહિનાથી જ્યારથી આ કૃષિકાયદો લાવવામાં આવ્યો છે, પહેલાં ઑર્ડિનન્સના રૂપમાં અને હવે આ કાયદો બની ગયો છે. છ મહિનાથી આપણે સાંભળીએ છીએ કે ભારતીય ખેડૂત હવે આઝાદ થઈ ગયા, હવે તે બજારમાં, મંડીમાં સ્વતંત્ર છે."

તેઓ કહે છે, "હું જ્યારે 12 વર્ષ પહેલાં મધ્ય પ્રદેશની મંડીઓમાં શોધ કરતી હતી, જ્યારે પણ મંડીઓમાં જતી ત્યારે ખેડૂતો સમજાવતા કે જુઓ આખી વ્યવસ્થામાં ખેડૂત એક એવો ઉત્પાદક છે, જે પોતાના માલનો ભાવ ક્યારેય નક્કી નથી કરી શકતો, એ બીજાએ નક્કી કરેલો ભાવ સ્વીકારે છે."

દરમિયાન કમસે કમ ઉત્તર ભારતના ખેડૂતો સરકારી મંડીઓ વચ્ચે દલાલો બની રહેવાના પક્ષમાં છે, નવો કાયદો આ સિસ્ટમથી આગળની વાત કરી રહ્યો છે.

આગળનો રસ્તો શું હોઈ શકે છે?

ભારતીય કૃષિક્ષેત્રમાં માગ કરતાં પુરવઠાના પડકારો સતત વધી રહ્યા છે. ખેડૂતોને પોતાની ઊપજ માટે નવું બજાર જોઈએ છે.

નવા કાયદામાં મંડીઓનો પ્રભાવ ઓછો કરવા પાછળ સરકારની કદાચ આ જ ઇચ્છા છે. જોકે જાણકારોનું માનવું છે કે આ પ્રક્રિયામાં એક બાબતનો અભાવ રહ્યો છે.

પ્રોફેસર આર. રામકુમાર કહે છે, "ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે સારી રીતે ચર્ચા થાય, તો એકબીજાની મુશ્કેલીઓ અને એકબીજાના વલણને સમજવાની શક્યતા રહેલી છે."

તેમના અનુસાર, "સરકારે એ સમજવું પડશે કે તેમની નીતિઓને કારણે કૃષિનું સંકટ વધી રહ્યું છે. સરકારની જે સબસિડી પૉલિસી છે, જે ફર્ટિલાઇઝર પૉલિસી છે, આ બધી નીતિઓને કારણે ખેડૂતોને ખેતીમાં ખર્ચ વધી રહ્યો છે અને સરકારનું તેના પર ધ્યાન જતું નથી."

ખેડૂત સંગઠનોનું કહેવું છે કે નવા કાયદાઓ બાદ તેમની ઊપજના ઓછા ભાવ મળશે, જેનાથી ખેતીનો ખર્ચ પણ નહીં નીકળે.

તેમને શંકા છે કે હાલમાં સરકાર તરફથી મળતી લઘુતમ સમર્થન મૂલ્ય એટલે કે એમએસપીની ગૅરંટી પણ ખતમ થઈ જશે.

જોકે સરકારનો દાવો છે કે નવા કાયદાથી ખેડૂતોને કિંમતના વધુ વિકલ્પ મળશે અને ખાનગી રોકાણને પ્રોત્સાહન મળશે.

જાણીતા અર્થશાસ્ત્રી ગુરચરણ દાસ માને છે કે "હવે ઝઘડો થોડો પેચીદો થઈ ગયો છે."

તેમના અનુસાર, "ધ વર્સ્ટ સોલ્યુશન વિલ બી ટૂ રોલબૅક. પછી તો જે ત્રીસ વર્ષમાં કામ થયું છે, એ પૂરું થઈ જશે. બીજું, તેમણે કહેવું જોઈએ કે ભાઈ, એમએસપી ચાલશે, સિસ્ટમ ચાલશે અને આગામી સરકારે ફરી સમજાવવું પડશે કે આ સિસ્ટમ બહુ બિનકાર્યક્ષમ છે. કંઈક ને કંઈક તો એમને આપવું પડશે.

આ ખેડૂત આંદોલનની કંઈક ખાસ વાતો રહી છે. શરૂઆતમાં ઘર્ષણ બાદ એવું લાગતું હતું કે પ્રદર્શન હિંસક થઈ શકે છે, જોકે એવું ન થયું.

બીજી વાત એ કે બંને પક્ષોએ મળીને વાત કરવાની કોશિશ ચાલુ રાખી છે.

પોતાની માગ પર કોણ વધુ અડગ રહેશે, તેની ખબર થોડા દિવસોમાં પડી જશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો