ખેડૂત આંદોલન : મોદી સરકાર નવા કૃષિકાયદા પાછા કેમ ખેંચી લેતી નથી?

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

કેન્દ્ર સરકાર ઇચ્છે તો છે કે ખેડૂતનેતાઓ સાથે વાતચીત કરીને નવા કૃષિકાયદાઓ પર વચ્ચેનો કોઈ માર્ગ કાઢી શકાય. પરંતુ ખેડૂતનેતાઓ કાયદો પાછો ખેંચી લેવાની માગ પર અડગ છે. અત્યાર સુધી પાંચ તબક્કાની વાતચીત થઈ ચૂકી છે.

પહેલાં સચિવ સ્તરની વાતચીત થઈ, પછી મંત્રી સ્તરની વાતચીત થઈ, પછી મંગળવારે રાત્રે સરકારમાં બીજા ક્રમનો દરજ્જો ધરાવનાર અમિત શાહની ઍન્ટ્રી થઈ. પરંતુ ખેડૂતોને મનાવવાના પ્રયત્ન અત્યાર સુધી નિષ્ફળ જ સાબિત થયા.

પાછલા શનિવારે સૂત્રોના હવાલાથી એ પ્રકારના સમાચારો પણ આવ્યા કે ખેડૂતોની બેઠક પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વરિષ્ઠ મંત્રીઓ સાથે આ મુદ્દે બેઠક કરી છે.

કેન્દ્ર સરકાર આવી વાતચીતથી એ સંકેત આપવાના પ્રયાસ કરી રહી છે કે સરકાર પોતાની વાતને લઈને અફર નથી.

મોટું મન રાખીને તેમણે ખેડૂતોની વાત પર વિચાર કર્યો અને કાયદામાં કેટલાંક સંશોધન અંગે લેખિત પ્રસ્તાવ પણ બુધવારે મોકલી દીધો. ખેડૂતોએ સરકારના લેખિત પ્રસ્તાવને ફગાવી દીધો છે.

આ સાથે જ સરકાર એ વાત પણ સ્પષ્ટપણે કરી રહી છે કે નવા કૃષિકાયદાઓ પાછા નહીં ખેંચવામાં આવે.

આવી પરિસ્થિતિમાં પ્રશ્ન થાય છે કે આખરે સરકાર આ કાયદાઓ પાછા ખેંચી લેવા માટે કેમ તૈયાર નથી? શું તેની પાછળ માત્ર રાજકીય કારણ છે કે પછી કંઈક કૃષિક્ષેત્રના અર્થશાસ્ત્ર સાથે પણ સંકળાયેલું છે?

શું જે પ્રકારે કૅનેડા અને બ્રિટનમાંથી ખેડૂતોના સમર્થનમાં અવાજો ઊઠી રહ્યા છે, તેમાં કોઈ આંતરરાષ્ટ્રીય ઍંગલ પણ છે?

આ અંગે જાણવા માટે બીબીસીએ કેટલાક પત્રકારો અને ખેતીક્ષેત્રના નિષ્ણાતો સાથે વાતચીત કરી.

'ભાજપ હાલ સત્તામાં સૌથી મજબૂત સ્થિતિમાં છે, અત્યારે નહીં તો ક્યારેય નહીં'

ભાજપને વર્ષો સુધી કવર કરનાર વરિષ્ઠ પત્રકાર નિસ્તુલા હેબ્બાર જણાવે છે કે, "સરકારનું માનવું છે કે ખેતીસુધારા માટે આ કાયદા જરૂરી છે. આ જ કારણે NDA જ નહીં પરંતુ UPAના કાર્યકાળમાં પણ આ સુધારાઓ અંગે વાત કરાઈ હતી."

"શરદ પવારના પત્રોથી આ વાત સ્પષ્ટ પણ થાય છે. પરંતુ કોઈ રાજકીય પક્ષ પાસે ના તો આ સુધારા કરવાની ઇચ્છા શક્તિ હતી અને ના સંસદમાં સંખ્યા હતી. ભાજપ કેન્દ્રમાં 300 કરતાં વધારે બેઠકો સાથે સત્તામાં છે. જો ખેતી સુધારા અંગેના કાયદા અત્યારે લાગુ નહીં કરાયા તો ક્યારેય લાગુ નહીં કરી શકાય."

શાખ અને નાકનો પ્રશ્ન

આ પહેલાં કેન્દ્ર સરકાર 'ભૂમિ અધિગ્રહણ બિલ' લઈને આવી હતી. તેના પર તેમણે પીછેહઠ કરવી પડી હતી. ત્યારે રાહુલ ગાંધીએ સંસદમાં કેન્દ્ર સરકાર માટે 'સૂટબૂટની સરકાર'નો નારો આપ્યો હતો.

આનાથી સરકારની ઘણી ફજેતી થઈ હતી. આ કાયદાઓને વડા પ્રધાનથી માંડીને કૃષિમંત્રી સુધી અલગઅલગ મંચો પરથી અત્યંત ક્રાંતિકારી અને ખેડૂતો માટે હિતકારી ગણાવી ચૂક્યા છે. આટલું બધું થયા પછી કાયદા પાછા ખેંચાશે તો તે સરકારની શાક પર ડાઘ લાગ્યા જેવી વાત થશે.

અહીં એ વાત સમજવા જેવી છે કે ભૂમિસુધારા કાયદા પર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પણ સરકાર સાથે નહોતો. પરંતુ આ વખત RSS સાથે સંબંધિત ખેડૂત સંગઠનો, ભલે તે સ્વદેશી જાગરણ મંચ હોય કે ભારતીય કિસાન સંઘ, તેઓ આ કાયદાઓને ખેડૂતોના હિતમાં ગણાવી રહ્યા છે, પરંતુ બે-ત્રણ સુધારા સાથે.

'વિપક્ષી દળો પણ પોતપોતાના કાર્યકાળમાં આની માગ કરી ચૂક્યાં છે, તેથી કાયદાનો વિરોધ રાજકીય છે'

કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે બે દિવસ પહેલાં એક પત્રકારપરિષદ કરીને જણાવ્યું કે કેવી રીતે કૉંગ્રેસ, NCP અને અન્ય દળોએ પોતપોતાના સમયમાં આ પ્રકારના કાયદાનું સમર્થન કર્યું હતું.

કૉંગ્રેસનું વર્ષ 2019નું ઘોષણાપત્ર વાંચી સંભળાવતાં તેમણે કહ્યું કે પાછલી લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસે APMC ઍક્ટને ખતમ કરવાનો વાયદો કર્યો હતો. શરદ પવાર દ્વારા લખાયેલ પત્ર ભાજપના નેતા સતત ટ્વીટ કરી રહ્યા છે.

શરદ પવાર અને કૉંગ્રેસ તરફથી તેના પર પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે.

આવી જ રીતે દિલ્હીમાં કે જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે, ત્યાં ત્રણમાંથી એક કાયદો લાગુ પણ થઈ ચૂક્યો છે. અને બીજી તરફ દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલ ખેડૂતોને મળવા અને તેમને સમર્થન આપવા માટે ધરણાં સ્થળે પહોંચી રહ્યા છે.

આથી પણ સરકારને લાગી રહ્યું છે કે માત્ર વિરોધ કરવા માટે સરકારનો વિરોધ થઈ રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય મંચ પર પણ તકલીફો

આ સમગ્ર મામલામાં એક આંતરરાષ્ટ્રીય ઍંગલ પણ છે. કૃષિ સાથે જોડાયેલા ઘણા જાણકારોને લાગે છે કે ખેડૂતોની MSP પર કાયદો ઘડવાની માગથી ભારતના કૃષિક્ષેત્રનું ભલું નહીં થાય.

વિશ્વ વેપાર સંગઠન (WTO)ના મંચ પર ભારત પોતાના પાકની કિંમતોના બહેતર મોલભાવ નથી કરી શકતું. તેની પાછળનું એક કારણ ભારતની MSP વ્યવસ્થા પણ છે.

પ્રોફેસર પ્રમોદકુમાર જોશી જેઓ અગાઉ 'સાઉથ એશિયા ફૂડ પૉલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ'ના નિદેશક રહી ચૂક્યા છે. તેઓ કહે છે કે આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે, કોઈ પણ દેશ ખેતીની GDPના દસ ટકા સુધી ખેડૂતો સબ્સિડી આપી શકે છે.

વિશ્વ વેપાર સંગઠનમાં સામેલ દેશોએ આવું કરવા માટે પ્રતિબદ્ધતા દેખાડી છે. 10 ટકા કરતાં વધારે સબ્સિડી આપનાર દેશ પર એ આરોપ લાગે છે કે તેઓ આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોને તોડી મરોડી રહ્યા છે.

ભારત સરકાર જે પાક પર ન્યૂનતમ સમર્થન મૂલ્ય આપે, આંતરરાષ્ટ્રીય બજારમાં આ વ્યવસ્થાને પાક પર અપાયેલી સબસિડી તરીકે જોવામાં આવે છે. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઘણી વાર આપણા ઘઉં-ચોખાની કિંમત બીજા દેશો કરતાં મોંઘી સાબિત થાય છે અને આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં પાક નથી વેચી શકતા.

કૃષિખર્ચ અને મૂલ્ય આયોગ (CAPC)ના આ વર્ષના રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતના ઘણા પાકોની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર કરતાં વધુ છે.

'ખેડૂત આંદોલન માત્ર પંજાબ-હરિયાણાના ખેડૂતોનું છે'

કેન્દ્ર સરકારને આજની તારીખમાં એવું લાગે છે કે આ નવા કાયદાથી તકલીફ માત્ર પંજાબ અને હરિયાણાના ખેડૂતોને જ છે. આ જ બંને રાજ્યોમાં મંડી વ્યવસ્થા અન્ય રાજ્યોની સરખામણીએ ખૂબ સારી છે.

વચેટીયાઓવાળી સિસ્ટમ આ બંને રાજ્યોમાં જ ચાલે છે, જેઓ ટૅક્સના નામે કંઈ પણ કર્યા વગર ઘણું કમાય છે. આ જ બંને રાજ્યો માત્ર MSPવાળા પાક વધારે ઉગાડે છે.

સરકારને લાગે છે કે આ બંને રાજ્યોની બહાર આ નવા કાયદાઓ સામે એટલો વિરોધ નથી, કારણ કે દેશમાં મોટા ભાગના ખેડૂતો તો મંડી બહાર પોતાનો પાક વેચે છે.

વર્ષ 2015માં શાંતા કુમાર કમિટીના રિપોર્ટમાં કહેવાયું હતું કે MSPનો લાભ માત્ર છ ટકા ખેડૂતોને જ મળી શકે છે. એટલે કે 94 ટકા ખેડૂતોને MSPનો લાભ નથી મળી શકતો.

વર્ષ 2015-16માં થયેલી કૃષિગણના અનુસાર, ભારતના 86 ટકા ખેડૂતો પાસે નાના ખેડાણવાળી જમીનો છે કાં તો પછી તેઓ એવા ખેડૂતો છે જેમની પાસે બે હેક્ટર કરતાં પણ ઓછી જમીન છે.

પરંતુ, અહીં સરકારથી એક નાની ચૂક એવી થઈ ગઈ કે તેમને નહોતું લાગ્યું કે આટલી મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી પહોંચી જશે. આ મુદ્દે ખેડૂતોએ મંગળવારે જે ભારત બંધનું એલાન કર્યું હતું તેની ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવાં ભાજપશાસિત રાજ્યોમાં મિશ્ર અસર જોવા મળી.

'ખેડૂતોની આવક બમણી કરવા માટે નવા કાયદા જરૂરી'

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વારાણસી પ્રવાસ પર ખેડૂતો માટે કહ્યું હતું કે, "મને વિશ્વાસ છે, આજે જે ખેડૂતોને કૃષિસુધારાને લઈને અમુક શંકા છે. તેઓ પણ ભવિષ્યમાં આ કૃષિસુધારોનો લાભ લઈને, પોતાની આવક વધારશે."

આ જ છે આ નવા કાયદાઓ પાછા ન ખેંચવા પાછળ કેન્દ્ર સરકારના અહમ્ નું એક કારણ.

'આઉટલુક' મૅગેઝિનનાં રાજકીય સંપાદક ભાવના વિજ અરોરા કહે છે કે, "મારી ભાજપના ઘણા નેતાઓ સાથે આ વિશે વાત થઈ છે. સરકાર એ વાતને માને છે કે આ સુધારા ઐતિહાસિક છે."

"ખેડૂતોને આવનારા દિવસોમાં એ ખબર પડશે કે આનાથી કેટલો મોટો લાભ થયો છે અને ત્યારે જ ખેડૂતો તેમનો ધન્યવાદ કરશે. દરેક રિફૉર્મ પહેલાં આવાં આંદોલનો થાય છે. પરંતુ સરકાર પણ આ વખત લાંબી લડત માટે તૈયાર છે."

ભાવના આગળ એ પણ જણાવે છે કે જે સંશોધનો અંગે સરકાર ઢીલું મૂકતી દેખાઈ રહી છે, તેના પરથી એક વાત સ્પષ્ટ છે કે સરકારે પહેલાંની સરખામણીએ પોતાનું વલણ ઘણું લવચીક બનાવ્યું છે. પરંતુ ભવિષ્યમાં ક્યાં સુધી સરકાર કાયદો પાછા ખેંચવાને લઈને અડગ રહી શકે છે, એ પણ જોવા જેવું હશે.

કેન્દ્ર સરકારે વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો છે. તેમને લાગે છે કે આ કાયદા એ વાયદો પૂરો કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો