You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#FamersProtest : નરેન્દ્ર મોદી ખેડૂતો સુધી વાત પહોંચાડવામાં નિષ્ફળ ગયા છે?
- લેેખક, ઝુબેર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
અર્થશાસ્ત્રી અને લેખક ગુરચરણ દાસ કૃષિક્ષેત્રમાં સુધારાના એક મોટા સમર્થક છે અને મોદી સરકાર દ્વારા લાગુ કરાયેલા ત્રણ નવા કૃષિકાયદાને ઘણે અંશે યોગ્ય ગણે છે.
પરંતુ 'ઇન્ડિયા અનબાઉન્ડ' નામના જાણીતા પુસ્તકના લેખક અનુસાર વડા પ્રધાન ખેડૂતોને યોગ્ય સંદેશ આપવામાં નિષ્ફળ રહ્યા છે.
તેઓ કહે છે કે નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી મોટો કૉમ્યુનિકેટર હોવા છતાં ખેડૂતોને પોતાની વાત પહોંચાડવામાં સફળ રહ્યા નથી.
બીબીસી સાથેની ખાસ વાતચીતમાં તેઓએ કહ્યું, "મોદીજીની ભૂલ એ હતી કે તેમણે રિફૉર્મ (સુધારો)ને યોગ્ય રીતે વેચ્યો નથી. હવે તમે તેને ના વેચો તો પરિણામ તો ભોગવવું પડશે. લોકોએ સ્ટેન્ડ લઈ લીધું છે. હવે વધુ મુશ્કેલ છે."
ચીનમાં આર્થિક સુધારા લાવનારા નેતા ડેંગ ઝિયાઓપિંગ અને બ્રિટનનાં પૂર્વ વડાં પ્રધાન માર્ગરેટ થેચરનું ઉદાહરણ આપતાં તેઓ કહે છે કે આર્થિક સુધારા લાગુ કરવા કરતાં તેનો પ્રચાર વધુ જરૂરી છે.
તેઓ કહે છે, "દુનિયામાં જે પણ મોટા સુધારકો થયા છે, જેમ કે ડેંગ ઝિયાઓપિંગ અને માર્ગરેટ થેચર, તેઓ કહેતાં હતાં કે 20 ટકા સમય રિફૉર્મ લાગુ કરવામાં આપે છે અને 80 ટકા સમય સુધારાના પ્રચારમાં."
મોદી સરકારના હાલમાં પાસ કરેલી નવા ત્રણ કૃષિકાયદાનો ખેડૂતો, ખાસ કરીને પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો ઉગ્ર વિરોધ કરે છે અને છેલ્લા કેટલાક દિવસથી લાખો ખેડૂતો દિલ્હીની બહાર ધરણાં પર છે.
તેમના પ્રતિનિધિઓ અને સરકાર વચ્ચે વાતચીતના બે દોર થયા છે, પણ નિષ્ફળ રહ્યા છે. હવે આગામી વાતચીત પાંચ ડિસેમ્બરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખેડૂતો કહે છે સરકાર કૃષિ સંબંધિત નવા કાયદામાં સંશોધન કરીને લઘુતમ સમર્થન મૂલ્ય (એમએસપી)ને કાયદામાં સામેલ કરે અને કાયદામાં કૃષિક્ષેત્રમાં ખાનગી કંપનીઓને વિનિયમિત કરવાની જોગવાઈ પણ હોય.
ખેડૂતોની એ પણ માગ છે કે મંડીઓની સિસ્ટમ ખતમ કરવામાં ન આવે.
ગરીબ ખેડૂતોને કૅશ સિક્યૉરિટી
ખેડૂત આંદોલન ચાલુ છે અને સરકાર ચોક્કસ રીતે દબાણમાં છે, પણ ખેડૂતોની માગો અંગે ગુરચરણ દાસ શું વિચારે છે?
તેઓ કહે છે, "હાં, તેમની માગો કેટલીક હદે સાચી છે, પણ આ (એમએસપી) એક આદર્શ પ્રણાલી નથી. એક અર્થશાસ્ત્રી તરીકે હું કહીશ કે આ એક બકવાસ સિસ્ટમ છે, કેમ કે તેમાં ઘણી ખામીઓ છે."
"મને કહેવામાં આવે કે સિસ્ટમમાં શું હોવી જોઈએ, તો હું કહીશ કે તેમાં કોઈ છૂટ અને સબસિડી ન હોવી જોઈએ. ખાદ્ય પર નહીં, વીજળી પર નહીં, પાણી પર નહીં અને મૂલ્ય પર પણ નહીં. તમે દર મહિને નાના અને ગરીબ ખેડૂતોને માત્ર કૅશ ટ્રાન્સફર કરી દો. તમે તેને નાના ખેડૂતો માટે કૅશ સિક્યૉરિટી કહી શકો છો."
તેઓ વધુમાં કહે છે, "આ સમયે બહુ બધી છૂટ હકીકતમાં અમારા જેવા ટૅક્સ ભરતા લોકોને સહેવી પડે છે."
"ખાદ્ય સુરક્ષા કે ફૂડ સિક્યૉરિટી દેશનો કાયદો છે. સરકારે ગરીબોને અનાજ આપવું પડશે અને માટે આ એક આદર્શ પ્રણાલી ન હોવા છતાં પણ ચાલશે. મને લાગે છે કે તેમને ડર લાગી રહ્યો છે. જો શરૂઆતથી સમજાવ્યું હોત કે શું થઈ રહ્યું છે અને એમએસપી નથી જઈ રહી અને મંડીઓ નથી જઈ રહી તો તસવીર કંઈક અલગ હોત."
સરકારની ભૂલ?
ગુરચરણ દાસનું માનવું છે કે ખેડૂતો સાથે શરૂઆતમાં જ વાતચીત કરવી જોઈતી હતી. તેમને લાગે છે કે હવે ખેડૂતોને સમજાવવા સરળ નહીં હોય.
તેમના અનુસાર કેન્દ્રમાં કોઈ પણ સરકાર હાલમાં વર્તમાન પ્રણાલીને ખતમ ન કરી શકે.
તેનું કારણ જણાવતાં તેઓ કહે છે, "એમએસપીની સિસ્ટમ પણ ચાલશે અને એપીએમસી (કૃષિ ઉપજ બજાર સમિતિ)ની સિસ્ટમ પણ ચાલુ રહેશે, કેમ કે સરકારે અનાજ ખરીદવું પડશે. સરકારે દર અઠવાડિયે લાખો રૅશનની દુકાનોમાં અનાજ પહોંચાડવાનું હોય છે અને અનાજ ખરીદવા માટે સરકારે ખેડૂતોને તેનું મૂલ્ય પણ આપવું પડશે. આ પ્રણાલી ચાલશે."
ખેડૂતોને ડર છે કે હવે કૃષિક્ષેત્રમાં પ્રાઇવેટ કંપનીઓ હાવી થવા લાગશે અને તેમનું શોષણ થશે, તેના પર ગુરચરણ દાસ કહે છે, "હું સમજું છું કે ખેડૂતોની આ ચિંતા સાચી છે, કેમ કે એક તરફ મોટા વેપારી હોય અને બીજી તરફ નાનો ખેડૂત, તો તેમાં સમાનતાનો અભાવ તો હશે. બંને પક્ષો વચ્ચે વાતચીત થઈ રહી છે, તેમાં કદાચ આ રીતની વાત આવે, જેનાથી ખેડૂતોનાં હિતને વધુ સુરક્ષિત કરી શકાય."
પરંતુ તેઓ કહે છે કે ખેડૂતો પાસે રસ્તાઓ છે.
તેઓએ કહ્યું, "મારું કહેવું છે કે ખેડૂતો પાસે વિકલ્પ છે. હવે તેઓ આઝાદ છે કે ખાનગી કંપનીઓને કહી શકે કે અમે તમારી સાથે કામ નહીં કરી શકીએ."
કૃષિક્ષેત્રમાં સુધારાના જરૂર
સામાન્ય રીતે એવું અનુભવાતું હતું કે કૃષિક્ષેત્રમાં સુધારાની ખાસ જરૂર છે, કેમ કે આ ક્ષેત્રમાં બહુ બદલાવ આવ્યો છે.
ગુરચરણ દાસ 1991માં શરૂ થયેલા આર્થિક ઉદારીકરણના મોટા સમર્થક રહ્યા છે.
તેમનું કહેવું હતું કે એ સમયે પણ ઘણાં મજૂર યુનિયનો અને વેપારી સંઘોએ આ ઉદારીકરણનો જોરદાર વિરોધ કર્યો હતો અને તેમાં દરેક પ્રકારનાં રોડાં નાખવામાં આવ્યાં હતાં.
તેમના અનુસાર એ સમયે જે રીતે આર્થિક સુધારાની જરૂર હતી એ રીતે જ ઘણા દિવસોથી કૃષિક્ષેત્રમાં પણ સુધારાની જરૂર અનુભવાતી હતી અને નવા કાયદા લાવવાની જરૂર હતી.
તેઓ કહે છે, "આ જે કાયદા આવ્યા તેના અંગે હું છેલ્લાં 25 વર્ષથી સાંભળતો આવ્યો છું. બધા નિષ્ણાતો એ જ કહેતા હતા કે હિન્દુસ્તાન બદલાઈ ગયું છે. જૂના હિન્દુસ્તાનમાં જે કમી હતી કે ગરીબી હતી એ હવે નથી. હવે આપણે સરપ્લસ (જરૂરિયાતથી વધુ) અનાજ પેદા કરીએ છીએ. યૂપીએ વન (કૉંગ્રેસ પાર્ટીના નેતૃત્વવાળી સરકાર)માં આ નવા કૃષિકાયદા લાગુ કરી દેવાયા હોત, જો વામપંથી દળોએ તેનો વિરોધ ન કર્યો હોત."
ગુરચરણ દાસ અનુસાર 1980માં દેશમાં મધ્યમવર્ગની વસતી માત્ર આઠ ટકા હતી. આર્થિક સુધારાની સતત પૉલિસીને કારણે આ વસતી હવે 35 ટકા થઈ ગઈ છે.
તેમના અનુસાર આ વસતીની રહેણીકરણી અને ખાનપાનની પસંદમાં પણ ફેરફાર થયો છે.
તેઓ કહે છે, "ચોખા અને ઘઉં પર આપણું વધુ ધ્યાન છે, પણ લોકોની ખાનપાનની રીત બદલાઈ છે. પ્રોટીન માટે લોકો દાળનો પહેલાં કરતાં વધુ ઉપયોગ કરે છે અને દૂધ પણ વધુ ઉપયોગમાં લેવાય છે."
"ભારત દુનિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ છે. તો માહોલ બદલાઈ ગયો છે. પણ પૉલિસી બનાવનારા નેતાઓની વિચારવાની રીત જૂની છે. તેઓ એ વિચારે છે કે આપણે હજુ પણ એક ગરીબ દેશ છીએ."
ભારતીયનાં ખાનપાનમાં પરિવર્તનની અસર કૃષિઉપજ પર પણ પડી છે. આજે કૉફીની ઉપજનો વિકાસદર પહેલાં કરતાં વધુ છે અને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી પ્રોડક્ટ બજાર અને દુકાનોમાં મોટી માત્રામાં વેચાય છે.
ગુરચરણ દાસના મતે મોદી સરકાર નવા કાયદામાં ખેડૂતોની ફરિયાદોને દૂર કરવા માટે "થોડીક તો ઝૂકશે. થોડીક પાછળ હઠશે."
તેઓ એમ પણ કહે છે, "જો સરકારે નવા કાયદાઓ પરત લઈ લીધા તો એ એક બહુ મોટું નુકસાનકારક પગલું હશે. આપણે ફરી એક વાર 30 વર્ષ પાછળ જતા રહીશું."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો