You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન, સરકાર સાથે વાતચીત થશે?
ખેડૂત વિરોધી કાયદાઓને પાછા ખેંચવાની માગણી સાથે ભારતીય કિસાન યુનિયનના મહાસચિવ એચએસ લાખોવાલે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે.
રાજધાની દિલ્હીની સિંઘુ બોર્ડર પર ખેડૂતો સાથે હાજર કિસાન યુનિયનના મહાસચિવ લાખોવાલે કહ્યું કે ''ગઈ કાલે અમે સરકારને સ્પષ્ટ કહી દીધું હતું કે ખેડૂત કાયદો પાછો ખેંચવો જોઈએ. 5 ડિસેમ્બરે આખા ભારતમાં વડા પ્રધાન મોદીનું પૂતળું બાળવામાં આવશે અને 8 ડિસેમ્બરે ભારત બંધનું આહ્વાન કર્યું છે.''
ઉલ્લેખનીય છે કે 3 ડિસેમ્બરે વાતચીત કોઈ નિર્ણય વગર પૂરી થઈ એ પછી શનિવારે 5 ડિસેમ્બરે સરકાર અને ખેડૂતનેતાઓ વચ્ચે ફરી વાતચીત થવાની હતી.
સરકારનું કહેવું છે કે વાતચીતથી ઉકેલ લાવવામાં આવશે પરંતુ ખેડૂતોનું કહેવું છે કે ''ખેડૂતવિરોધી કાળા કાયદાઓને'' ખતમ કર્યા સિવાય વિરોધપ્રદર્શનનો અંત નહીં આવે.
આ અગાઉ આઠ વિપક્ષી પાર્ટીઓએ એક સંયુક્ત નિવેદનમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું સમર્થન કર્યું હતું.
સહી કરનારા નેતાઓમાં એનસીપી પ્રમુખ શરદ પવાર, ટીએમકેના ટીઆર બાલુ, સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી, સીપીઆઈના મહાસચિવ ડી રાજા, આરજેડી સાંસદ મનોજ ઝા, સીપીઆઈ(માલે)ના મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્ય, એઆઈએફબીના દેવવ્રત બિસ્વાસ અને આરએસપીના મહાસચિવ મનોજ ભટ્ટાચાર્ય સામેલ છે.
સરકાર સાથેની વાતચીતનું શું?
આજે ભારત બંધનું આહ્વાન થયું છે અને આવતીકાલે સરકાર-ખેડૂતનેતાઓ વચ્ચે થનારી વાતચીત પર શંકાના વાદળો ઘેરાયા છે એક સંભાવના વાત થવાની પણ છે.
સમાચાર સંસ્થા એએનઆઈને ખેડૂતનેતા રાકેશ ટિકટે કહ્યું કે, 8 ડિસેમ્બરે ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં ભારત બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. આવતીકાલે અમે સરકાર સાથેની વાતચીતમાં પણ સામેલ થઈશું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખેડૂતોને હઠાવવા સુપ્રીમ કોર્ટમાં પિટિશન
આ દરમિયાન દિલ્હીની સરહદે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને તાત્કાલિક હઠાવવાનો આદેશ કરવા માગ કરતી એક પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
અરજી કરનાર વ્યક્તિ તરફથી નિયુક્ત વકીલ ઓમ પ્રકાશ પરિહારે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું કે પ્રદર્શનકારી ખેડૂતોને કારણે કોરોના વાઇરસ ફેલાવાનો ખતરો ઊભો થઈ શકે છે એ હેતુથી આ અરજી કરવામાં આવી છે.
ખેડૂત આંદોલનના સમર્થનમાં ગુજરાતમાં કૉંગ્રેસનું ઠેર-ઠેર પ્રદર્શન
દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં ગુજરાત કૉંગ્રેસ દ્વારા ધરણાં કરીને ત્રણ નવા કૃષિ કાયદાને રદ કરવા માટે વિવિધ જિલ્લાના ક્લેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યાં હતાં.
વડોદરા, રાજકોટ અને અમદાવાદમાં વિરોધપ્રદર્શનો યોજ્યાં હતાં. વડોદરામાં કૉંગ્રેસના કાર્યકર્તાઓએ ક્લેક્ટર કચેરીની બહાર પ્રદર્શનનું આયોજન કર્યું હતું.
રાજકોટ જિલ્લા કૉંગ્રેસ દ્વારા કૃષિ કાયદાઓને રદ કરવા માટે રાષ્ટ્રપતિને આવેદનપત્ર જિલ્લા ક્લેક્ટર મારફતે આપ્યું હતું.
રાજકોટમાં કિસાન સંઘે પણ કૃષિ કાયદાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું હતું, જેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
ગઈકાલે થયેલી બેઠકમાં શું થયું?
વિજ્ઞાનભવનમાં ચાલી રહેલી સરકાર અને ખેડૂતનેતાઓ વચ્ચેની બેઠક હાલ પૂર્ણ થઈ છે. આ બેઠકમાં કોઈ ચોક્કસ પરિણામ આવ્યું નથી પણ બેઉ પક્ષો 5 ડિસેમ્બરે ફરીથી મળશે એમ જણાવાયું છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ સૂત્રોના હવાલાથી લખે છે કે બેઠકમાં કોઈ નિર્ણય પર પહોંચી શકાયું નથી.
બેઠકમાં સરકાર તરફથી કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલમંત્રી પીયૂષ ગોયલ સામેલ હતા, જ્યારે ખેડૂતોના પ્રતિનિધિમંડળના કુલ 40 ખેડૂતનેતા સામેલ હતા.
ખેડૂતો દિલ્હીની સરહદે કેન્દ્ર સરકારના કૃષિકાયદા સામે વિરોધ નોંધાવી રહ્યા છે અને પ્રદર્શન કરી રહ્યા છે.
ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ખેડૂતો મોટી સંખ્યામાં વિરોધપ્રદર્શનમાં સામેલ થયા છે.
ખેડૂતોનું કહેવું છે કે સરકારે નવા કૃષિકાયદા પરત લેવા પડશે, તેનાથી ઓછું અમને કંઈ ન ખપે.
ખેડૂતનેતાઓએ તેમની માગ સરકાર સામે રાખી દીધી છે, જેમાં ત્રણ કૃષિકાયદાને હઠાવવાની માગ પણ સામેલ છે.
ખેડૂતનેતાઓએ સરકારની ચા પીવાનો પણ કર્યો ઇન્કાર
સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ વાતચીતમાં ખેડૂતનેતાઓએ સરકાર સામે સંસદનું ખાસ સત્ર બોલાવી કૃષિ સુધારા કાયદાને રદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
નવી દિલ્હીના વિજ્ઞાનભવનમાં ખેડૂતનેતાઓ અને સરકાર વચ્ચે કૃષિ સુધારા કાનૂનને લઈને વાટાઘાટો ચાલી રહી છે.
ખેડૂતનેતાઓ પોતાની સાથે પોતાનું ભોજન લઈને પહોંચ્યા છે. તેમણે સરકાર તરફથી ઓફર કરવામાં આવેલી ચા પીવાનો અને ભોજન લેવાનો ઇન્કાર કર્યો હતો.
આ દરમિયાન પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું છે કે સરકાર ખેડૂતોની વાત નહીં સાંભળે તો દેશભરમાં આંદોલન થશે.
બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાએ જણાવ્યા મુજબ ગાઝીપુર બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો આવી રહ્યાં છે.
કૉંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ ખેડૂત આંદોલન, કોરોના વૅક્સિન અને અર્થતંત્રની સ્થિતિને લઈને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગ કરી છે.
હરિયાણા કૃષિમંત્રી જયપ્રકાશ દલાલે કહ્યું કે ખેડૂતોને નામે ચીન અને પાકિસ્તાન ભારતને અસ્થિર કરવા માગે છે.
પ્રકાશ સિંહ બાદલે પદ્મવિભૂષણ પરત કર્યો
પંજાબના પૂર્વ મુખ્ય મંત્રીએ ખેડૂતોને સમર્થન આપતાં પદ્મવિભૂષણ ઍવૉર્ડ પરત કર્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેઓએ રાષ્ટ્રપતિને પત્ર લખીને કહ્યું કે કૃષિકાયદા સામે શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શન કરી રહેલા ખેડૂતો પ્રત્યે સરકારનું ઉદાસીન વલણ જોઈને તેમને આશ્ચર્ય છે.
તેઓએ લખ્યું, "હું દેશની 70 ટકા વસ્તી અંગે લખું જે ખેડૂત છે. ગત 70 વર્ષથી તેમને અન્નદાતા કહેવાય છે."
"ખેડૂતોએ ભારતને એવો દેશ બનાવ્યો છે, જે અન્ય પ્રદેશોમાંથી અનાજ લેવાને બદલે અનાજની નિકાસ કરે છે. પરંતુ આજે ખેડૂતોને તેમના હક માટે રસ્તે ઊતરવું પડી રહ્યું છે."
સમસ્યાનો ઝડપી ઉકેલ આવવો જોઈએ - કૅપ્ટન અમરિંદર સિંહ
પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે તેઓ માત્ર એટલું જ કહેવા ગૃહમંત્રીની મુલાકાત કરવા પહોંચ્યા હતા કે ખેડૂતોની સમસ્યાનો ઝડપથી કોઈ ઉકેલ આવવો જોઈએ.
ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીત કરતા અમરિંદર સિંહે કહ્યું કે હાલમાં સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત ચાલી રહી છે અને તેઓ આ સમસ્યાનું સમાધાન શોધવાની કોશિશ કરી રહ્યા છે.
તેઓએ મીડિયાના માધ્યમથી ખેડૂતોને અપીલ કરી કે તેઓ આ મુશ્કેલીનો ઉકેલ જલદી લાવે, કેમ કે તેની અસર રાજ્યની અર્થવ્યવસ્થા પર પડી રહી છે.
એમએસપી હતું, છે અને રહેશે- સોમ પ્રકાશ
વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમ પ્રકાશે કહ્યું કે પાકનું લઘુતમ સમર્થન મૂલ્ય એટલે કે એમએસપીને લઈને સરકાર સ્પષ્ટ છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર તેઓએ કહ્યું કે "એમએસપી હતું, છે અને રહેશે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. સરકાર તેના માટે પ્રતિબદ્ધ છે, લેખિતમાં આપવા માટે પણ તૈયાર છે."
તો ગુરુવારે ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ ખેડૂતોને મળવા માટે સિંધ બૉર્ડર પર પહોંચ્યા હતા.
ચંદ્રશેખર આઝાદે કહ્યું કે હું ઇચ્છું છું કે ખેડૂતોની માગ પર સરકાર અમલ કરે અને તેમની વાત માની લે.
તેઓએ કહ્યું, "ખેડૂતો લોકશાહી જીવિત રાખી રહ્યા છે. જ્યારે સરકાર તાનાશાહ થઈ જાય ત્યારે કોઈએ તો રસ્તા પર ઊતરવું પડે છે."
અગાઉની બેઠકમાં શું થયું હતું?
મંગળવારે થયેલી વાતચીતમાં સરકારે ખેડૂતોની સમસ્યાને સાંભળવા અને તેનું સમાધાન કરવા માટે કમિટી બનાવવાની રજૂઆત કરી, જેને ખેડૂતોએ ઠુકરાવી દીધી હતી.
આ મીટિંગ કોઈ પરિણામ વિના પૂર્ણ થઈ હતી.
મંગળવારની વાતચીતમાં બપોરે ત્રણ વાગે પંજાબના 32 ખેડૂત પ્રતિનિધિ સામેલ થયા હતા અને સાંજે સાત વાગે વાતચીતમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બીજા રાજ્યોના પ્રતિનિધિ સામેલ થયા હતા.
બેઠકમાં સામેલ ઑલ ઇન્ડિયા કિસાન ફેડરેશનના અધ્યક્ષ ઍડવોકેટ પ્રેમસિંહ ભંગુએ બીબીસી સંવાદદાતા વાત્સલ્ય રાયને કહ્યું હતું કે સરકારના મંત્રીઓ સાથે વાતચીત સારી રહી, પરંતુ તેમનો મત સાફ છે કે ત્રણેય કાયદા સંપૂર્ણ રીતે ખોટા છે.
પ્રેમસિંહ ભંગુનું કહેવું હતું, "મિટિંગ દરમિયાન કૃષિમંત્રીએ કહ્યું કે કોઈ કાયદો બનાવવામાં 10થી 12 વર્ષ લાગે છે તેમ છતાં પણ એ જરૂરી નથી કે તે સો ટકા પૂર્ણ હોય, તેમાં કેટલીક ખામીઓ રહી જતી હોય છે."
"પરંતુ અમારું કહેવું હતું કે અમે કાયદાની એક-એક કલમ વાંચી છે અને એ અડધો જ નહીં પરંતુ પૂરો ખોટો છે અને તમે માની જાવ કે તેને પૂરેપૂરો જ રદ કરવાનો છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો