કોરોના વાઇરસ : ગુજરાતમાં માસ્ક નહીં પહેરનાર લોકો માટે ડૉક્ટરો કેવી સજાની ભલામણ કરે છે?

    • લેેખક, હરિતા કાંડપાલ
    • પદ, બીબીસી ગુજરાતી

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના એ નિર્દેશ પર સ્ટે આપ્યો હતો જેમાં હાઈકોર્ટ કહ્યું હતું કે માસ્ક નહીં પહેરનાર લોકોને કોવિડ-19 કૅર સેન્ટર્સમાં સામુદાયિક સેવાની સજા આપવામાં આવે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતીન પટેલે કહ્યું કે ગુજરાત હાઈકોર્ટનો આદેશ વ્યવહારુ નથી એટલે કાયદાકીય અભિપ્રાય લીધા બાદ સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો હતો.

નીતીન પટેલે કહ્યું કે માસ્ક નહીં પહેરનારને કમ્યુનિટી સેન્ટરમાં મોકલવા સંભવ નથી. જેના કારણો સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી પીઠે નિર્દેશ આપ્યો કે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ ખાતરી કરશે કે પોલીસ અધિકારીઓ દ્વારા રાજ્યમાં માસ્ક પહેરવા અંગેની કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકાનો "જોરશોરથી અમલ કરવામાં આવે".

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ગુજરાત સરકાર વતી રજૂઆત કરતા કહ્યું હતું, "લોકો માસ્ક ન પહેરે તે ઘટના ગંભીર છે, પરંતુ તેમને કોરોના વાઇરસના સેન્ટરમાં મોકલીને સજા કરવી તે ઉકેલ નથી."

સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટે જે નિર્દેશ કર્યો છે તેને લાગુ કરવો ઘણો અઘરો છે.

બુધવારે ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જે લોકો માસ્ક પહેરતા નથી એ લોકોને કોવિડ-19 કૅર સેન્ટર્સમાં સામુદાયિક કેન્દ્રમાં સેવા આપવા માટે સરકાર રૂપરેખા તૈયાર કરે.

ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે બી પારડીવાલાની બેન્ચે રાજ્ય સરકારને કોવિડ-19 કૅર સેન્ટર્સ પર સેવા આપવાનું ફરજિયાત કરવા માટે નોટિફિકેશન બહાર પાડવાનો નિર્દેશ આપ્યો હતો.

એક જનહિતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી જેના પર સુનાવણી કરતા હાઈકોર્ટે આ આદેશ આપ્યો હતો.

વકીલ વિશાલ અવતાનીની આ જનહિતની અરજીમાં કહેવામાં આવ્યું હતું માસ્ક ન પહેરવા સામે માત્ર એક હજાર રૂપિયાનો દંડ ફટકારવાથી પરિસ્થિતિ નહીં બદલાય અને વારંવાર માસ્ક ન પહેરતા પકડાયેલા લોકોને કોવિડ કૅર સેન્ટરમાં કમ્યુનિટી સર્વિસ કરવાની સજા આપવી જોઈએ.

અદાલતે જ્યારે આ બાબતે ગુજરાત સરકારનો મત માગ્યો ત્યારે ગુજરાત સરકારના પ્રતિનિધિએ આ પ્રકારની પૉલિસીને લાગુ કરવામાં મુશ્કેલી વિશે જણાવ્યું હતું જેના પર હાઈકોર્ટને નારાજગી દર્શાવી હતી.

અદાલતે કહ્યું હતું કે જે રાજ્યને કોરોના મહામારીને કારણે સક્રિયતા બતાવવાની સૌથી વધારે જરૂર છે એ રાજ્યની સરકારનું આવું વલણ દુર્ભાગ્યપૂર્ણ છે એટલે પરિસ્થિતિની ગંભીરતા અને વ્યાપકતાને જોતાં સરકારને નિર્દેશ આપ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

ગુજરાત સરકારને ફટકાર

ગુજરાત હાઈકોર્ટના આદેશમાં કહેવાયું હતું કે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં 5થી 15 દિવસ સુધી ફરજિયાન 5-6 કલાક સેવા કરવી પડશે.

આમાં કહેવાયું હતું કે જે લોકો જાહેર સ્થળે માસ્ક નહીં પહેરે અથવા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું ઉલ્લંઘન કરતા પકડાશે તેમને સ્થાનિક પ્રશાસન દ્વારા સંચાલિત કોઈ પણ કોવિડ-19 કૅર સેન્ટર પર સામુદાયિક કામ કરવું પડશે.

જે લોકોને સજા મળશે તે લોકોને ઉંમર, લાયકાત અને બાકીની બાબતો ધ્યાને લઈને જવાબદારી સોંપવામાં આવશે.

અદાલતના આદેશ મુજબ સામુદાકિક સેવામાં નૉન-મેડિકલ પ્રકારની હશે જેમકે સાફ-સફાઈ, હાઉસકીપિંગ, રસોઈ વગેરે આપવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટે જે નિર્દેશ કર્યો છે તેને લાગુ કરવો ઘણો અઘરો છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર. શાહે વધુમાં કહ્યું, "અમલીકરણની વાત છે ત્યાં સુધી ઇચ્છાશક્તિનો અભાવ છે અને જેની ગુજરાત હાઇકોર્ટે આની નોંધ લીધી છે."

ત્યારે સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં સગાઈ-લગ્ન પ્રસંગમાં હજારો લોકો એકઠા થવાના બનાવ પર પણ પ્રશ્ન કર્યો હતો.

જસ્ટિસ એમ.આર. શાહે ટિપ્પણી કરતા કહ્યું કે, જે લોકો માસ્ક નથી પહેરતા તેઓ અન્ય વ્યક્તિઓનાં મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

ત્યારે ગુજરાતમાં માસ્ક ન પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરવાની છે ત્યારે ગુજરાતના નિષ્ણાતો શું માને છે?

શું કહે છે ડૉક્ટરો?

માસ્ક પહેરવું કેટલું જરૂરી છે એ વાતનો ખ્યાલ ડૉક્ટરોનો મત જાણવાથી આવે છે.

બીબીસી ગુજરાતીએ આ બાબતે અલગઅલગ ડૉક્ટરો સાથે વાત કરી જેમનું કહેવું હતું કે લોકો પાસે પોતાનો અને અન્ય લોકોનો જીવ બચાવવાનો એક જ રસ્તો છે માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરો.

ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવેલી વરિષ્ઠ ડૉક્ટરોની કોરોના ટાક્સફોર્સના સભ્ય અને ઝાઇડસ હૉસ્પિટલના સ્થાપક અને ડાયાબિટીઝ નિષ્ણાત ડૉ વી એન શાહે બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા માસ્ક ન પહેરનાર લોકોને માત્ર પૈસા ભરવાના દંડ સિવાય સજા કરવાની વાતને ટેકો આપ્યો.

તેમણે કહ્યું કે માસ્ક ન પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સિંગ ન કરનાર લોકોને દંડ સિવાય પણ સજા આપવી જ જોઈએ કારણકે લોકો પૈસા આપીને છૂટી જાય છે અથવા ગરીબ વ્યક્તિ પૈસા ન હોય તો પોલીસ પાસે બેસી રહે પરંતુ તેઓ તેમનો ગુનો સમજતા નથી. આ અંગે અમે પહેલાં પણ સરકારને સૂચન કર્યું હતું કે ભલે લોકોને સરકારી સ્થળોએ સફાઈનું કામ કે પછી શૌચાલયોમાં ડ્યૂટી આપવામાં આવે પરંતુ તેમને પૈસા ભરવાના દંડ સિવાય કોઈ અન્ય સજા જરૂરથી કરવામાં આવે.

“આપણે દરરોજ સમાચારોમાં જોઈએ છીએ કે લોકો ચાની કિટલીએ ભેગા થઈને ચા પીવે છે, ગપ્પાં મારે છે, પાનના ગલ્લે ભેગા થાય ત્યારે માસ્ક ન હોય, સોશિયલ ડિસ્ટન્સિંગ તેમને સમજાવવા માટે કડક પગલાં લેવા જરૂરી છે. શિયાળામાં હજી કોરોના સંક્રમણ વધવાનું છે.”

અમદાવાદના વરિષ્ઠ કન્સલ્ટેન્ટ ફિઝિશિયન ડૉ રાકેશ શર્માએ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહ્યું કે કોવિડ-19 સેન્ટરમાં ‘કમ્યુનિટી સર્વિસ’થી તો લોકોના જીવ જોખમમાં નખાવાની શક્યતા છે. આપણે લોકોને માસ્ક એટલે પહેરાવવા માગીએ કે કોવિડથી બચાવીએ, પણ જો એમને જ કોવિડ સેન્ટરમાં મોકલીએએ તો તેઓ વધારે ખતરામાં મૂકાશે.

જોકે તેઓ માસ્કના નિયમોને લઈને પ્રશ્ન કરે છે.

ડૉ રાકેશ શર્મા માસ્ક ન પહેરતા પૈસા ભરવાના દંડને યોગ્ય માને છે. તેઓ કહે છે કે બહુ તો સરકાર માસ્ક પહેરવા પર દંડ વધારે પરંતુ કોવિડ-19 સેન્ટરમાં સેવા માટે મોકલવા એ ઉકેલ નથી.

તેઓ માસ્ક ન પહેરતા લોકોને પકડાવવા પર 14 દિવસના ક્વોરન્ટીનની સજા આપવાની સલાહ આપે છે.

ત્યારે જાહેર સ્થળ પર માસ્ક ન પહેરવું એ કેટલું ગંભીર ઉલ્લંઘન છે એ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ ગઢવી કહે છે કે અદાલતે માસ્ક ન પહેરનારા લોકોને થોડા દિવસ કોવિડ ડ્યૂટી આપવાની વાત કહી એનો હેતુ હોઈ શકે કે જે લોકો ગુનાપાત્ર છે તેમને સબક મળે કે કોરોના સંક્રમણ કેવું હોય છે.

તેમનું કહેવું છે કે લોકો કદાચ આવી સજાથી માસ્કનું મહત્ત્વ સમજવા લાગે પરંતુ સરકાર માટે આ પ્રકારની રૂપરેખા તૈયાર કરવી સહેલી નથી. કોવિડ સેન્ટર એવી જગ્યા છે જ્યાં ડૉક્ટરો, નર્સો તથા અન્ય સ્ટાફને પીપીઈ કિટ પહેરવી પડે છે. એવામાં બહારના લોકોને શું ડ્યૂટી આપી શકાય? કોઈ પણ કોવિડ સેન્ટર પર કામ કરવા માટે પ્રશિક્ષણમાં જ 15 દિવસનો સમય લાગી જાય ત્યારે પાંચથી 15 દિવસની ડ્યૂટી કેવી રીતે થાય?

તેઓ કહે છે કે ગેરજવાબદાર લોકો જ માસ્ક નથી પહેરતા કારણકે તેઓ નથી સમજતા કે કોરોના સંક્રમણને કારણે કેવી મુશ્કેલીઓ વેઠવી પડે છે. એક વખત કોરોના થાય પછી બે–ત્રણ મહિના નબળાઈ લાગે, રોગપ્રતિકારક શક્તિ નબળી પડે, અમુક લોકોને ફેફસાની તકલીફ થાય છે, આ વાત તેઓ નથી સમજતા જે લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગને જરૂરી નથી માનતા.

કડક પાલન કરાવવું જરૂરી

ગુજરાતમાં સતત વધતા કોરોના સંક્રમણ વિશે અમદાવાદના ફૅમિલી ફિઝિશિયન ડૉ પ્રવીણ ગર્ગ કહે છે કે એવું લાગે છે કે લોકોમાં કોઈ ડર નથી.

તેઓ કહે છે કે, કડક પગલાં લેવામાં આવે ત્યારે લોકો ફરી કોરોના સંક્રમણને ગંભીરતાથી લેવા લાગે છે જેમકે શનિવાર-રવિવારનો કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે ત્યારથી લોકોમાં થોડો ડર છે.

ડૉ ગર્ગ પણ પૈસા ભરવાના દંડની જગ્યાએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન ન કરતા લોકોને સજા આપવાના પક્ષમાં છે.

તેમનું કહેવું છે કે નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોની ઉંમર અને લાયકાત જોઈને ડ્યૂટી લગાવવી જોઈએ. નવ મહિનાથી ડૉક્ટરો અને નર્સો પણ દરરોજ કલાકો સુધી પીપીઈ કિટ પહેરીને કોવિડ સેન્ટરોમાં કામ કરી જ રહ્યા છે. પોલીસ, આરોગ્યકર્મીઓ, સફાઈકર્મીઓ, મીડિયાકર્મીઓ મહિનાઓથી દર્દીઓની સેવા કરી રહ્યા છે અથવા જાગરૂકતા ફેલાવી રહ્યા છે, મેડિકલના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પણ કોવિડ ડ્યૂટી કરી રહ્યા છે તો સામાન્ય લોકોને પણ કોઈ કામ આપી શકાય.

તેઓ કહે છે કે, આ મહામારી એવી છે જેમાં માત્ર સરકાર, આરોગ્યકર્મીઓએ જ નહીં બધાએ પોતાની જવાબદારી નિભાવવાની છે.

તેઓ દાખલો આપે છે કે જો ડૉક્ટર માસ્ક વગર પકડાય તો તેને કોવિડ સેન્ટરમાં ડ્યૂટી આપો, એન્જીનિયર પકડાય તો તેને ટૅક્નિકલ કામ આપો. કોઈ વૃદ્ધજન પકડાય તો તેમના ઘરેથી કોવિડ-19ના દર્દી માટે જમવાની વ્યવસ્થા કરવાની સજા આપવામાં આવે.

ડૉ ગર્ગ કહે છે કે લોકોને સંક્રમણની ગંભીરતા સમજાવવા માટે ભય બેસાડવો જરૂરી છે જેના માટે અનુશાસન જરૂરી છે.

નિયમો અસરકારક છે કે નહીં?

ગુજરાતમાં દિવાળી પછી કોરોના સંક્રમણમાં ઉછાળો જોવા મળ્યો હતો.

દિવાળી પહેલાં રાજ્યમાં રોજિંદા કોરોના સંક્રમણના નવા કેસની સંખ્યા એક હજારની આસપાસ આવી હતી તે દિવાળી પછી વધીને 1500 સુધી પહોંચી ગઈ હતી. ત્યાર બાદ ગુજરાત સરકારે અમદાવાદમાં 57 કલાકનો કર્ફ્યૂ લાદ્યો હતો.

એ સિવાય અમદાવાદા સહિત અન્ય મહાનગરો જેમકે સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂ લાદવાની ફરજ પડી હતી.

એ સિવાય ભાજપના નેતા કાંતિ ગામિતની પૌત્રીનાં સગાઈસમારોહમાં હજારો લોકો એકઠા થયા હોવાની ઘટના સામે આવતા લોકો અને પ્રશાસનની ઘોર બેદરકારી જોવા મળી હતી.

ડૉક્ટર રાકેશ શર્મા કહે છે કે જ્યાં લગ્ન પ્રસંગ વગેરેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થાય છે તેમાં કાર્યવાહી કરીને દંડ બેસાડવો જોઈએ. કાયદો છે પણ કાર્યવાહી થશે તો લોકો નિયમોને ગંભીરતાથી લેશે.

તેઓ કહે છે કે રાત્રિ કર્ફ્યૂ લાદવાથી પણ બહુ ફેર નહીં પડે કારણકે રાત્રે વધારે લોકો બહાર નથી હોતા.

"હાલના નિયમોને તેઓ તર્કવિસંગત માને છે. તેઓ કહે છે કે એક તરફ થિયેટર- મૉલ અને બજારો ખૂલી ગયા છે, લગ્ન પ્રસંગ મેળાવડાને પરવાનગી મળી ગઈ છે તેવામાં એક જ પરિવારના લોકો જો એક કાર કે બાઇક પર આવતા હોય અને માસ્ક ન પહેર્યો હોય તો એ લોકોને એકબીજાથી એટલો ખતરો નથી હોતો કારણકે એ લોકો એકબીજાને પહેલેથી એક્સપોઝ થયેલા છે. "

"પરંતુ સરકારે એવા નિયમો બનાવવા જોઈએ કે અલગઅલગ રહેતા લોકો મળે અથવા એક કાર-બાઇકમાં બેસે તો માસ્ક જરૂરી છે. એ સિવાય મેળાવડામાં 50 કે 100 લોકોને પરવાનગી આપવાથી કોરોના સંક્રમણ અટકવાનું નથી કારણકે પ્રસંગમાં સામેલ 50 લોકોથી વધારે લોકોમાં વાઇરસ ફેલાઈ શકે છે. મેળાવડામાં બહુ જ ઓછાં લોકોને પરવાનગી આપવી જોઈએ. "

આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે જે લોકો માસ્ક નથી પહેરતા એ લોકો નથી સમજી રહ્યા છે આ જ એક રસ્તો છે જેનાથી દેશ કોવિડ-ફ્રી થઈ શકે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે કોરોના સંક્રમણમાં સરકાર નિયમ બનાવે એનું પાલન કરવું લોકોની જવાબદારી અને ફરજ છે કારણકે આનાથી તેઓ પોતાનો અને બીજાનો જીવ બચાવી શકે છે. જો લોકો નિયમોને ગંભીરતાથી ન લે તો સરકારને જવાબદાર ઠેરવવી એ પણ યોગ્ય નથી.

અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ કિરીટ ગઢવી કહે છે કે કોઈ પણ પ્રસંગમાં નિમંત્રણ આપે તો લોકોએ સામેથી જ સાવચેતી રાખતા કહેવું જોઈએ કે એક વર્ષ રોકાઈ જજો, નહીં તો થોડાં લોકોની હાજરીમાં પ્રસંગ પતાવો.

તેઓ કહે છે કે, છેલ્લા છ મહિનામાં નિયંત્રણમાં લીધેલી સંક્રમણની લહેરને 15 દિવસની ઢીલ મળી એટલે પરિસ્થિતિ બગડી ગઈ. લોકોએ પાઠ શીખવો જોઈએ. આમાં ગમે તેટલા કાયદા બને પણ જેમના માટે કાયદો બનાવ્યો છે, એણે જ ન પાલન કરવાનું છે, જો નિયમોનું પાલન કરશું તો જ જીવીશું .

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો