નરેન્દ્ર મોદીની સરકાર અને ખેડૂતો વચ્ચે આટલો અવિશ્વાસ કેમ?

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

કેન્દ્ર સરકાર અને નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોના પ્રતિનિધિઓની વચ્ચે વાતચીતની પહેલ પણ મોડેથી શરૂ કરવામાં આવી હતી. પરંતુ સામાન્ય સહમતીની વાત માટે એકમાત્ર જરૂરી વિકલ્પ વાતચીત છે.

મંગળવારે થયેલી વાતચીતમાં સરકારે ખેડૂતોની સમસ્યાને સાંભળવા અને તેનું સમાધાન કરવા માટે કમિટી બનાવવાની રજૂઆત કરી, જેને ખેડૂતોએ ઠુકરાવી દીધી. આ મીટિંગ કોઈ પરિણામ વિના પૂર્ણ થઈ. હવે સરકાર અને ખેડૂતોના પ્રતિનિધિ ગુરુવારે 12 વાગે ફરી મુલાકાત કરવાના છે.

મંગળવારની વાતચીતમાં બપોરે ત્રણ વાગે પંજાબના 32 ખેડૂત પ્રતિનિધિ સામેલ થયા હતા અને સાંજે સાત વાગે વાતચીતમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બીજા રાજ્યોના પ્રતિનિધિ સામેલ થયા હતા.

વાતચીત તો ઠીક છે, પરંતુ અનેક લોકોનું માનવાનું છે કે સરકાર અને ખેડૂતોની વચ્ચે વિશ્વાસમાં ઘટાડો જોવા મળે છે. બંનેને એક-બીજાની વાતો અને તર્ક પર જરા પણ વિશ્વાસ નથી અને ત્યાં સુધી કે કેન્દ્ર સરકાર અને તે રાજ્ય સરકારોની વચ્ચે પણ વિશ્વાસ ઓછો જોવા મળે છે જે આ ત્રણ નવા કાયદાઓથી ખુશ નથી.

મુંબઈસ્થિત આર્થિક વિશેષજ્ઞ વિવેક કૌલ કહે છે કે કેન્દ્ર સરકારે કાયદો લાવી તે પહેલાં ખેડૂતો અને રાજ્યની સરકારોને આના માટે રાજી કરવા જેવી હતી.

તેમના કહેવા પ્રમાણએ કૃષિ કાયદાઓમાં સુધારાની જરૂરિયાત છે આને કોઈ નકારી શકે તેમ નથી પરંતુ મોદી સરકાર જમીની વાસ્તવિકતાનો સંપૂર્ણપણે અભ્યાસ કરી રહી નથી અને સંસદમાં ઉતાવળમાં બિલ રજૂ કર્યું હતું.

તેઓ કહે છે, “હંમેશાની જેમ, કેન્દ્ર સરકાર વિગતોમાં ન ગઈ. તેમણે માત્ર આ અંગે વાત કરી કે ખેડૂતો કેવી રીતે આ કાયદાનો લાભ મેળવશે અને પોતાની વાત આક્રમકતાથી મૂકી રહ્યા છે. પરંતુ ખેડૂતોને જે સમસ્યાઓનો સામનો કરવાનો છે અને કાયદાને લાગુ કર્યા પછી ઊભી થનારી પરેશાનીઓની કોઈ વાત ન કરી.”

તેમણે બીબીસીને કહ્યું, “વિશ્વાસમાં ઘટાડાથી વધારે, સરકાર ઑપરેટ કરવા માટેનો એક રસ્તો પસંદ કર્યો છે અને એક નિર્ણય લીધો છે. સરકાર કાયદો લાગુ કરવા ઉતાવળ કરી રહી છે. વાતચીત અને ચર્ચા કરવી આ સરકારની ઉપલબ્ધિ નથી.”

તે સરકારના આ નિર્ણયનો નોટબંધી અને જીએસટી જેવા ઉતાવળા નિર્ણયો સાથે તુલના કરે છે.

છેવટે સરકાર પર ખેડૂતોનો ભરોસો કેમ નથી?

મહારાષ્ટ્રના ખેડૂત દિનેશ કુલકર્ણીના અનુસાર તેમની સંસ્થા ભારતીય કિસાન સંઘ અને સરકારની વચ્ચે વાતચીત જૂનમાં શરૂ થઈ હતી. આરએસએસ સાથે જોડાયેલા ભારતીય કિસાન સંઘનો પક્ષ એ છે કે નવા કાયદામાં તમામ વાતો ખેડૂતોના પક્ષમાં નથી પરંતુ તેના વિરોધમાં રસ્તાઓ પર ઉતરવાની જગ્યાએ સરકાર સાથે વાતચીત ચાલુ રાખવી જોઈએ.

દિનેશ કુલકર્ણી કહે છે, “અમારા ઉત્તર ભારતના અનેક ખેડૂત ભાઈઓને સરકાર પર વિશ્વાસ નથી. બંનેની વચ્ચે ગેરસમજ છે જેનું સમાધાન વાતચીતથી થઈ શકે છે.”

પરંતુ પશ્ચિમી ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર શહેરમાં ભારતીય કિસાન સંઘના પ્રવક્તા ધર્મેન્દ્ર મલિક કહે છે, “ખેડૂતોને સરકાર પર વિશ્વાસનો મુદ્દો જ નથી. મુદ્દો એ છે કે આ ત્રણ નવા કાયદાઓ ખેડૂત વિરોધી છે. આમાં સરકારની વાત અથવા મોદીના આશ્વાસન પર ભરોસો ન કરવાની કોઈ વાત જ નથી.”

તેમનું કહેવું હતું કે કાયદો લાવતા પહેલાં સરકારે તમામ ખેડૂત, તેમની સંસ્થાઓ, ખેતી સાથે સંકળાયેલા વિશેષજ્ઞો અને ખેડૂત નેતાઓ સાથે વાતચીત કરવી જોઈએ અને જમીની વાસ્તવિક્તાઓને ધ્યાનમાં રાખવા જેવી હતી.

ધર્મેન્દ્ર મલિક કહે છે, “સરકારે માત્ર ભાજપ સમર્થિત ખેડૂતો સાથે જ વાતચીત કરી અને વિચાર્યું કે તેમણે બધાની સાથે વાતચીત કરી લીધી છે. હવે અમારા આકરા વિરોધથી તેમને અમારી તાકાતનો અંદાજો આવી ગયો છે.”

વડા પ્રધાનની વાત પર ભરોસો નથી?

બીજી તરફ ખેડૂતોને પોતાના તર્કને મનાવવા માટે સરકાર મીડિયા અને સોશિયલ મીડિયાનો આક્રમક રીતે ઉપયોગ કરતા દેખાઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર કહ્યું છે કે આ નવા કાયદાઓ ખેડૂતોની આવક વધારવામાં મદદ કરશે.

સરકારનું એક લક્ષ્ય છે કે 2022 સુધી ખેડૂતોની આવક બેવડી થઈ જાય. સરકારનું આ પગલું આ ઉદ્દેશ્યને હાસલ કરવા માટેનો એક પ્રયાસ કહેવામાં આવી રહ્યો છે.

સરકારના અનેક વિભાગ પણ વડા પ્રધાનના આદેશને આગળ વધારવા અને સરકારની ‘સારી નિયત’ના પ્રચારમાં લાગેલા છે.

નીતિ આયોગના કૃષિ સમિતિના એક સભ્ય રમેશ ચંદે બે દિવસ પહેલાં ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે એક વાતચીતમાં કહ્યું કે ખેડૂતોએ નવા કૃષિ કાયદાઓને યોગ્ય રીતે સમજ્યા નથી. તેમણે જોર આપીને કહ્યું છે કે આ નવા કાયદાઓથી ખેડૂતોની આવક વધશે.

કેન્દ્ર સરકાર અને કેટલીક રાજ્ય સરકારોની વચ્ચે પણ ભરોસાની ઉણપ જોવા મળી છે.

ગત મહિને, 180થી વધારે ખેડૂત સમૂહો પર આધારિત કિસાન સભા, રાષ્ટ્રીય કિસાન મહાસંઘ (આરકેએમ)એ પણ રાજ્યોના મુખ્ય મંત્રીઓને પત્ર લખીને માગ કરી હતી કે તે ત્રણ કૃષિ સુધાર કાયદાઓનો વિરોધ કરે.

આરકેએમે રાજ્ય સરકારોને કૃષિ સંબંધિત મુદ્દાઓ પર મોદી સરકાર દ્વારા કાયદો બનાવવા માટે રાજ્યોના અધિકારોનું ઉલ્લંઘન કરવાના કારણે કેન્દ્રની સામે સુપ્રીમ કોર્ટમાં કેસ કરવાની માગ કરી.

ખુદ કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન એનડીએમાં સામેલ અકાલી દળે પોતાની જ સરકાર પર ભરોસો ન કરીને ગઠબંધનથી અલગ થઈ ગયા.

રાજસ્થાનમાં ભાજપની એક બીજી સમર્થક રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સંસદ સભ્ય હનુમાન બેનીવાલે એનડીએ છોડી દેવાની ધમકી આપતા કહ્યું, “આરએલપી એનડીએનું ઘટક દળ છે, પરંતુ તેની તાકાત ખેડૂત અને સૈનિક છે. જો મોદી સરકાર કોઈ ત્વરિત કાર્યવાહી નહીં કરે, તો મારે એનડીએના સહયોગી હોવા પર વિચાર કરવો પડી શકે છે.”

તેમણે એક ટ્વીટ કર્યું, “શ્રી અમિત શાહજી, દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની ભાવનાને જોતા હાલમાં જ ખેતી સાથે સંબંધિત લાવવામાં આવેલા ત્રણ બિલોને તત્કાળ પરત લેવામાં આવે અને સ્વામીનાથન આયોગની સંપૂર્ણ ભલામણોને લાગુ કરે અને ખેડૂતોને દિલ્હીમાં ત્વરિત ચર્ચા માટે તેમની ઇચ્છા અનુસાર યોગ્ય સ્થાન આપે.”

વિવેક કૌલ કહે છે કે આ માટે “આ મુદ્દે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વચ્ચે સંવાદ થવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.”

ખેડૂતોને સરકારની કઈ વાત પર ભરોસો નથી?

ખેડૂત ઇચ્છે છે કે સરકાર ન્યૂનતમ સમર્થન મૂલ્ય(એમએસપી)ને ચાલુ રાખે. ધર્મેન્દ્ર મલિક કહે છે કે નવા કાયદામાં સંશોધન કરીને સરકારે એ નિશ્ચિત કરવા માટે તેની જોગવાઈને કાયદામાં સામેલ કરવામાં આવે.

મોદીએ આશ્વાસન આપ્યું છે કે આ ચાલુ રહેશે પરંતુ ખેડૂત ઇચ્છે કે કાયદામાં આની કોઈ ગૅરન્ટી આપવામાં આવે. પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ઘઉં અને ચોખાની સૌથી વધારે ખરીદારી સરકાર પોતે કરે છે.

પંજાબમાં 90 ટકા ચોખા અને ઘઉં ખેડૂતો પાસેથી સરકાર ખરીદે છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતોને ડર એ વાતનો છે કે સરકારી લાઇસન્સવાળી મંડી એટલે એપીએમસી હેઠળ જે તે તેમના ઉત્પાદનની ખરીદી કરે છે તે નવા કાયદા હેઠળ નહીં ખરીદે. તેમને એ વાતનો પણ ડર છે કે સરકાર એમએસપીને પણ ખતમ કરી નાખશે.

પરંતુ વિવેક કૌલના કહેવા પ્રમાણે સરકાર માટે એક વખતમાં આવું કરવું સરળ નથી. તે કહે છે, “સરકાર માટે સંભવ એ છે કે ખેડૂતો પાસેથી પોતાની ખરીદી ઓછી કરી દે, જેથી ભારતીય ખાદ્ય નિગમ(એફસીઆઈ)ને જરૂરિયાતથી વધારે ઉત્પાદનને સ્ટૉકમાં ખરીદવાની જરૂરિયાત ન પડે.”

આ ઉપરાંત એમએસપી અને સરકાર દ્વારા ખરીદવાની પ્રક્રિયા સિક્કાની એક બાજુ જેવી છે જેનો સંબંધ સપ્લાયથી છે. સિક્કાની બીજી બાજુ માગ સાથે જોડાયેલી છે.

સરકાર ઉત્પાદનને સામાન્ય ભાવે વેચે છે જેના કારણે માગમાં ઘટાડો થતો નથી. ખાનગી વેપારી રાહત દરે ક્યાં વેચશે.

ધર્મેન્દ્ર મલિક કહે છે કે ખેડૂતોની માગ એ છે કે કૃષિ ઉપજ મંડી સમિતિની બહાર પણ ખાનગી વેપારીઓ પર એજ પ્રકારે ટૅક્સ લગાવવામાં આવે જે આની અંદર લાગે છે. નવા કાયદામાં આ જોગવાઈ નથી.

ખેડૂતોને નવા કાયદામાં બીજો મોટો વાંધો ‘કૉન્ટ્રાક્ટ ફાર્મિંગ’ અથવા ‘ટ્રેડ માર્કેટ’ને સામેલ કરવાને લઈને છે. ખેડૂત આનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે કારણ કે તેમને લાગે છે કે ‘અંબાણી અને અદાણી જેવા ઉદ્યોગપતિઓને ખેતી ક્ષેત્રમાં આવવાનું ખુલ્લું આમંત્રણ છે.’

મલિક કહે છે કે ઉદ્યોગપતિઓ માટે મેદાન સાફ કરવામાં આવી રહ્યું છે. સરકારનું આગામી પગલું તેમના માટે જ હશે.

સરકારના કહેવા પ્રમાણે તેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે અને તેમને વચેટિયાઓના શોષણમાંથી બચાવી શકાશે. પરંતુ ખેડૂતોને તેમની પર ભરોસો નથી.

વિવેક કૌલ કહે છે, “આ વાતની સંભાવના ઓછી છે કે મોટા ઉદ્યોગપતિ અને કૉર્પોરેટની દુનિયાની મોટી કંપનીઓ રાજ્ય સરકારના સહયોગ વિના કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ કરી શકશે અથવા ટ્રેડ માર્કેટ સ્થાપિત કરી શકશે. નાના ખેડૂતો સાથે સીધો સંપર્ક કરવો તેમના માટે અસંભવ હશે.”

તો હવે જ્યારે ખેડૂતો સરકાર સાથે વાતચીત કરવા લાગ્યા છે તો એક બીજા પર ભરોસો સ્થાપિત થઈ શકશે?

ધર્મેન્દ્ર મલિક કહે છે મંગળવારે વાતચીતનો પહેલો દોર સંપન્ન થયો, હવે અનેક રાઉન્ડની વાતચીત થઈ શકે છે.

“મોદીજી દબાણમાં છે અને તેમણે અમારી માગ પૂરી કરવી પડશે.”

બીજી તરફ વડા પ્રધાન મોદીએ સોમવારે વારાણસીમાં નવા કૃષિ કાયદાઓનો ફાયદો એકવખત ફરીથી ગણાવ્યો અને એવો કોઈ સંકેત ન આપ્યો કે તે ખેડૂતોની માગ સ્વીકારી લેશે.

તમામની નજર હવે આગળની વાતચીત પર છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો