ખેડૂતોને કુષિકાયદામાં આખરે વાંધો કયા મુદ્દે છે?

આશરે બે મહિનાથી દિલ્હીની સિંધુ બૉર્ડર, ટિકરી બૉર્ડર, ગાઝીપુર બૉર્ડર સહિતની જગ્યાઓએ ખેડૂતોનું વિરોધપ્રદર્શન ચાલુ છે.

કકડતી ઠંડી અને દિલ્હીની અનિર્ધારિત આબોહવામાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોના ખેડૂતો વિરોધપ્રદર્શનમાં ભાગ લેવા પહોંચ્યા છે.

26 જાન્યુઆરીના રોજ યોજાયેલી ટ્રૅક્ટર રેલીમાં ખેડૂતોએ દિલ્હીના લાલ કિલ્લા પર શીખ ધર્મનો ઝંડો 'નિશાન સાહેબ' ફરકાવ્યો હતો.

હાલમાં ખેડૂતોનું આંદોલન માત્ર દિલ્હીની ઉપર જણાવેલી સરહદો પૂરતું જ સીમિત નથી રહ્યું. હવે ઉત્તર ભારતના મોટાં ભાગનાં રાજ્યોમાં ખેડૂતો મહાપંચાયતોનું આયોજન કરી રહી છે અને કૃષિ કાયદાને રદ કરવાની માગ કરી રહ્યા છે.

ખેડૂતો એક જ માગ કરી રહ્યા છે કે સરકારે બનાવેલા ત્રણ કૃષિ કાયદા રદ થાય.

કાયદામાં શું છે જોગવાઈ?

કૃષક ઊપજ વ્યાપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) કાયદો, 2020

આમાં એક એવી ઇકૉસિસ્ટમ બનાવવાની જોગવાઈ છે કે જ્યાં ખેડૂતો અને વેપારીઓને મંડીથી બહાર પાક વેચવાની આઝાદી હશે.

જોગવાઈમાં રાજ્યની અંદર અને બે રાજ્ય વચ્ચે વેપારને વધારવા માટેની વાત કરાઈ છે. માર્કેટિંગ અને ટ્રાન્સપૉર્ટશન પર ખર્ચ ઓછો કરવાની વાત કરાઈ છે.

કૃષક (સશક્તીકરણ તેમજ સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિસેવા પર કરાર, 2020

આમાં કૃષિ કરારો પર રાષ્ટ્રીય ફ્રેમવર્કની જોગવાઈ કરવામાં આવી છે.

આ બિલ કૃષિ ઉત્પાદકોનું વેચાણ, ફાર્મસેવાઓ, કૃષિ બિઝનેસ ફાર્મો, પ્રોસેસર્સ, જથ્થાબંધ વિક્રેતાઓ, મોટા રિટેઇલ વેપારીઓ અને નિકાસકારોને ખેડૂતો સાથે જોડવા સશક્ત કરે છે.

અનુબંધિત ખેડૂતોને ગુણવત્તાવાળા બીજની આપૂર્તિ સુનિશ્ચિત કરવી, તકનીકી સહાય અને પાકરક્ષણનું આકલન, ઋણની સુવિધા અને પાકવીમાની સુવિધા અપાશે.

આવશ્યક વસ્તુ (સંશોધન) કાયદો, 2020

આમાં અનાજ, કઠોળ, ખાદ્યતેલ, ડુંગળી, બટાકાને જરૂરી વસ્તુઓની સૂચિમાંથી દૂર કરવાની જોગવાઈ છે.

માનવામાં આવે છે કે આ જોગવાઈથી ખેડૂતોને યોગ્ય ભાવ મળશે, કેમ કે બજારમાં સ્પર્ધા વધશે.

દેશના ખેડૂતો કેમ વિરોધ કરી રહ્યા છે?

આ કૃષિકાયદાનો દેશભરના ખેડૂતો વત્તેઓછે અંશે વિરોધ કરી રહ્યા છે. જોકે, ખાસ કરીને પંજાબ, હરિયાણા, તેલંગણા, પશ્ચિમ બંગાળમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.

ખેડૂતોનું માનવું છે કે આ કાયદા ધીમેધીમે એપીએમસી (એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી) એટલે કે સાદી ભાષામાં કહીએ તો મંડીને ખતમ કરી દેશે અને પછી ખાનગી કંપનીઓને પ્રબલન મળશે, જેનાથી ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ નહીં મળે.

ખેડૂત સંગઠનોનો આરોપ છે કે નવા કાયદા લાગુ થતાં જ કૃષિક્ષેત્ર પણ મૂડીપતિઓ કે કૉર્પોરેટના હાથમાં ચાલ્યું જશે અને તેનું ખેડૂતોને નુકસાન થશે.

જોકે સરકારનું કહેવું છે કે તે એપીએમસી બંધ નથી કરી રહી, પરંતુ ખેડૂતો માટે એવી વ્યવસ્થા કરી રહી છે, જેમાં તેઓ ખાનગી ખરીદદારોને પોતાના પાકો સારા ભાવે વેચી શકશે.

બીબીસી સંવાદદાતા મોહમ્મદ શાહિદ સાથે વાત કરતાં અંબાલાના એક ખેડૂત કિશન હરકેશ સિંહ મંડી સિસ્ટમ સમાપ્ત થવાનો ડર વ્યક્ત કર્યો.

તેમણે કહ્યું કે એક વર્ષ ખાનગી કંપનીઓ સારા ભાવે તમારી પાસેથી પાક ખરીદશે, બાદમાં જ્યારે મંડીઓ બંધ થઈ જશે ત્યારે કૉર્પોરટ કંપનીઓ મનફાવે તેવા ભાવે પાક ખરીદશે.

બિહારમાં 2006માં એપીએમસી ઍક્ટને ખતમ કરી દેવાયો હતો. એવું અનુમાન લગાવાઈ રહ્યું હતું કે ખેડૂતોને રાજ્યમાં પોતાના પાકને મનપસંદ ભાવે વેચવામાં મદદ મળશે.

બિહારના હવાલો આપીને કૃષિ વિશેષજ્ઞ દેવિન્દર શર્મા બીબીસી સંવાદદાતા મોહમ્મદ શાહિદ સાથે વાત કરતાં કહે છે કે જો ખેડૂતોને લઈને બજારની સ્થિતિ સારી હોત તો હજુ સુધી બિહારની સ્થિતિ કેમ નથી સુધરી, ત્યાં પ્રાઇવેટ મંડીઓ, રોકાણ વગેરેની વાત કરવામાં આવી હતી, પરંતુ દર વર્ષે ખેડૂતો પોતાના પાક પંજાબ-હરિયાણામાં લાવીને વેચે છે.

સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત

અત્યાર સુધી ખેડૂતો અને સરકાર વચ્ચે કૃષિ કાયદા મુદ્દે 11 વખત બેઠકો યોજાઈ પરંતુ તે તમામ બેઠકો નિરર્થક નીવડી.

ગૃહમંત્રી અમિત શાહ પણ આ મુદ્દે ચર્ચા થાય એ વાત પર ભાર મૂકી ચૂક્યા છે.

હાલમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યકમ 'મન કી બાત'માં ખેડૂતોનો ઉલ્લેખ કર્યો હતો અને સરકાર વાતચીત કરવા તૈયાર છે એવું કહ્યું હતું.

'દિલ્હી ચલો'નો કૉલ કેમ આપવામાં આવ્યો હતો?

અંદાજે બે મહિનાથી પંજાબ સહિત અલગ-અલગ રાજ્યના ખેડૂતો તેમના રાજ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ સુધારા કાનૂનો સામે વિરોધ કરી રહ્યા હતા, પરંતુ કેન્દ્ર સરકારે કોઈ પ્રતિસાદ આપ્યો નથી.

પંજાબના ખેડૂતોએ રેલ્વે ટ્રેક અને હાઈવે ઉપર બેસીને પણ વિરોધ કર્યો હતો.

ઘણા દિવસો સુધી પંજાબમાં ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. પરંતુ આખરે કેન્દ્ર સરકારે કોઈ પ્રત્યુત્તરના આપતા ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી.

ખેડૂતોની ફરીયાદ છે કે કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિ સુધારા કાયદાને કારણે તેમની ખેતી પડી ભાંગશે અને તેઓ મોટી કંપનીઓને પોતાનો પાક વેચવા માટે મજબૂર થઈ જશે.

ખેડૂતો મુજબ સંશોધન થયેલા કાયદાથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી જેવી હિતકારી સંસ્થા પણ ખતમ થઈ જશે.

કેન્દ્ર સરકારે ફાર્મ્સ (એમ્પાવરમૅન્ટ એન્ડ પ્રૉટેકશન) ઍગ્રીમેન્ટ ઑફ પ્રાઇસ ઍશોરેન્સ એન્ડ ફાર્મ સર્વિસેસ ઍક્ટ 2020, ફાર્મ્સ પ્રૉડ્યુસ ટ્રેડ એન્ડ કૉમર્સ (પ્રૉમોશન એન્ડ ફૅલિસિટેશન) ઍક્ટ 2020 અને ઇસેન્શ્યિલ કોમોડિટિસ (ઍમેન્ડમેન્ટ) ઍક્ટ 2020 પસાર કર્યો છે.

27 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રણેય બીલ પર સહી કરતા તે કાયદો બની ગયાં છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો