મોદી સરકારનો કોરોનાની રસીને લઈને શું છે પ્લાન અને રસી કોને પહેલાં અપાશે?

દેશમાં કોરોના વાઇરસના નવા કેસ વધી રહ્યા છે અને સ્થિતિ ખરાબ થઈ રહી છે, ત્યારે વડા પ્રધાને રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે આ મામલે બેઠક કરી હતી.

આ બેઠકમાં સ્થિતિની ચર્ચાની સાથે સાથે કોરોના વાઇરસની રસી મામલે પણ ચર્ચા થઈ હતી.

ઉપરાંત બેઠકમાં કોરોના વાઇરસની રસી દેશમાં કેવી રીતે પહોંચશે અને કોને મળશે એ મામલે પણ ચર્ચા થઈ હતી.

આ વર્ચ્યુલ બેઠકમાં રસીકરણની વિસ્તૃત યોજના તૈયાર કરવા મામલે રાજ્યોને સૂચના આપવામાં આવી છે.

સતત કોરોના વાઇરસના વધી રહેલા કેસ મામલે વડા પ્રધાને કહ્યું કે કોરોનાના દર્દીઓને ઑક્સિજન મળી રહે અને મૃત્યદર એક ટકાથી પણ ઓછો રાખવો એ પ્રાથમિકતા હોવી જોઈએ.

ભારતને રસી ક્યારે મળશે?

ભારતમાં એપ્રિલ કે મે મહિના સુધીમાં રસી આવી શકે એવા ઘણા અહેવાલો પણ પ્રસારિત થયા હતા અને લોકોમાં પણ એ ઇંતજાર છે કે દેશને રસી ક્યારે મળશે.

આ મામલે બેઠકમાં વાત કરતાં વડા પ્રધાને કહ્યું કે રસી ક્યારે આવશે તેનો સમય અમે નક્કી ન કરી શકીએ. એ વિશે વૈજ્ઞાનિકો કહેશે કે ક્યારે રસી આવશે.

મોદીએ કહ્યું, "હજી એ નક્કી નથી કે રસીની કિંમત કેટલી હશે. ભારતમાં વિકસાવવામાં આવતી બે રસીનું કામ ઘણું આગળ ચાલી રહ્યું છે. ભારત સરકાર વિદેશી કંપનીઓ સાથે પણ રસી અંગે સંપર્કમાં છે. કેટલાક લોકો પર રસીની આડઅસર વર્ષો પછી પણ જોવા મળે છે એટલે આ અંગે વૈજ્ઞાનિકો જ નક્કી કરશે."

"દરેક નાગરિકને કોરોનાની રસી મળે એ અમારી રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા છે. દરેક રાજ્ય અને અન્ય સંસ્થાઓએ આ મિશનને વ્યવસ્થિત રીતે પાર પાડવા માટે ટીમના રૂપમાં કામ કરવું પડશે."

તેમણે રાજ્યોને કોરોનાની રસીને નીચલા સ્તરે પહોંચાડવા માટે રસીકરણની વિસ્તૃત યોજના તૈયાર કરી લેવાનું કહ્યું.

તેમણે ઉમેર્યું, "ભારત પાસે રસીકરણનો જે અનુભવ છે એ દુનિયાના મોટોમોટા દેશો પાસે પણ નથી. ભારત પાસે રસીકરણ માટે જરૂરી ગતિ અને સુરક્ષાના ઉપાયો પહેલાંથી જ છે."

દેશમાં રસી પહોંચશે કેવી રીતે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રસીના વિતરણની વ્યવસ્થા રાજ્યો અને કેન્દ્ર સરકાર સાથે મળીને કરશે.

રાજ્યોને રસીકરણની વ્યવસ્થાની તૈયારી શરૂ કરી દેવાનું કહેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું, "રાજ્ય અને જિલ્લા સ્તરે રસીકરણ માટેની વ્યવસ્થા કરવી જોઈએ. રસીના સંગ્રહ માટે વધારે કોલ્ડ સ્ટોરેજની જરૂર પડશે જેની વ્યવસ્થા રાજ્ય સરકારોએ જિલ્લા અને તાલુકા સ્તરે કરવી પડશે."

તેમણે સ્થાનિક સ્તરે ટાસ્ક ફોર્સ બનાવવાનું સૂચન પણ કર્યું. તેમણે કહ્યું કે રસીકરણની વ્યવસ્થા લાંબા ગાળા સુધી ટકી રહે તેવી હોવી જોઈએ કારણ કે કોરોના સામેની લડત લાંબી ચાલશે.

રસી આપવા માટે બેઠકમાં શું ચર્ચા થઈ?

ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ બેઠકમાં સામેલ થયેલા ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું, "વડા પ્રધાન મોદીએ સ્પષ્ટ કરી દીધું કે આરોગ્યકર્મીઓને પ્રથમ રસી મળશે, બીજા તબક્કામાં પોલીસઅધિકારીઓ, સફાઈકર્મી વગેરે અને ત્રીજા તબક્કામાં 50 વર્ષથી ઉપરના લોકો તથા ચોથા તબક્કામાં એવા લોકોને સામેલ કરવામાં આવશે જેમને કો-મોર્બિડિટી એટલે કે ડાયાબિટીઝ અને હાઇબ્લડપ્રેશર જેવા રોગો છે."

હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે આ વર્ચુઅલ મિટિંગ બાદ કહ્યું કે અમને રસી સામાન્ય જનતા સુધી પહોંચાડવાનું કહેવામાં આવ્યું છે. બધાને એક સાથે જ રસી આપવી એ શક્ય નથી.

ખટ્ટરે કહ્યું, "પ્રથમ તબક્કામાં, રસી આરોગ્યકર્મીઓ અને જેમને સૌથી વધારે જરૂર છે તેમને આ રસી આપવામાં આવશે."

દેશમાં વધતા કોરોના સંક્રમણને જોતાં સોમવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર પાસેથી જવાબ માગ્યો હતો.

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર સાથે દિલ્હી, આસામ, મહારાષ્ટ્ર સરકારોને પણ પૂછ્યું છે કે તેઓ કોરોનાને રોકવા માટે શું કરી રહી છે.

રસી પર રાજકારણ?

અદાલતે કોરોના સંક્રમણમાં ઉછાળાને જોતાં ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ કથળી રહી છે.

ત્યારે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ એનડીએ સરકાર પર નિશાન સાધ્યું હતું.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે વડા પ્રધાને દેશને જણાવવું જોઈએ કે અલગઅલગ રસી વચ્ચે ભારત સરકાર કઈ રસીની પસંદગી કરશે અને કેમ?

તેમણે ચાર પ્રશ્ન કરતા કહ્યું, "કોને પહેલાં રસી મળશે અને રસીના વિતરણની પ્રણાલી શું હશે? શું પીએમ કૅર ફંડમાંથી નાણાનો ઉપયોગ કરીને મફત રસીકરણ કરવામાં આવશે? અને ક્યાર સુધી બધા ભારતીયોને રસી મૂકવામાં આવશે?"

જોકે નરેન્દ્ર મોદીએ મુખ્ય મંત્રીઓ સાથેની બેઠકમાં કહ્યું કે "અમુક લોકો રસી પર રાજકારણ કરી રહ્યા છે. રસી ક્યારે આવશે એ વૈજ્ઞાનિકોના હાથમાં છે. એક-બે કે ત્રણ કેટલા ડોઝ હશે એ પણ વૈજ્ઞાનિકો નક્કી કરશે."

ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા સરકારે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રr કર્ફ્યૂ લગાવ્યો હતો. ત્યારે અમદાવાદમાં શુક્રવાર સાંજથી સોમવાર સવાર સુધી 57 કલાકનો કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો.

કઈ રસીની સફળતાની શક્યતા?

કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને આશા વ્યક્ત કરી હતી કે 2021ના શરૂઆતના મહિનામાં રસી મળવાની શરૂઆત થઈ જશે.

તેમણે કહ્યું હતું કે 'ઑગસ્ટ-સપ્ટેમ્બર સુધી આપણે 30 કરોડ લોકોને રસી આપવાની પરિસ્થિતિમાં હઈશું.'

એટલે ભારતમાં કોરોના વૅક્સીન માટે હવે સરકારે ઊંધી ગણતરી શરૂ કરી દીધી છે.

આની પહેલાં અમેરિકન કંપની મોડર્નાની રસીના ટ્રાયલના શરૂઆતના પરિણામ પછી દાવો કરવામાં આવ્યો હતો કે આ રસી મહામારીની વિરુદ્ધ સુરક્ષા આપવામાં 95 ટકા સુધી સફળ છે.

ત્યારે અન્ય દવા કંપની ફાઇઝરે પોતાની રસી 90 ટકા સુધી અસરકારક હોવાનો દાવો કર્યો હતો.

આ હરોડમાં ઑક્સફર્ડની રસીનાં પરીક્ષણ પછી આશરે 70 ટકા જેટલી સરકારક હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ઑક્સફર્ડ- ઍસ્ટ્રા ઝેનેકાની કોરોનાની રસીનું ઉત્પાદન ભારતમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ઑક્સફર્ડ યુનિવર્સિટીની કોરોના રસીના ટ્રાયલમાં તેના વૃદ્ધજનોમાં ઘણી અસરકારક હોવાનું સામે આવ્યું હતું.

ત્યારે મોડર્નાની રસીને સ્ટોર કરવા માટે માઇનસ 20 ડિગ્રી અને ફાઇઝરની રસી માટે માઇનસ 70થી 80 ડિગ્રી તાપમાનની જરૂર પડશે જેના માટે ભારત સરકારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

જોકે ઑક્સફર્ડની રસી માટે ખાસ નીચા તાપમાનની જરૂર નથી હોતી એવું જણાવવામાં આવ્યું છે.

ભારતમાં જે રસીકરણ કાર્યક્રમ થાય છે તેના માટે દેશમાં રસીને સ્ટોર કરવા માટે સ્ટોરેજ ચેઇન પહેલાંથી ઉપલબ્ધ છે.

એટલે ભારત સરકાર ઑક્સફર્ડ વાળી રસી અને ભારતમાં બનનારી કોવૅક્સિન પર નજર ટકાવીને બેઠી છે. જેમને સામાન્ય ફ્રિજના તાપમાનમાં સંગ્રહ કરીને રાખી શકાય છે.

ભારત સરકારને આશા છે કે આ પરિણામ સારું રહ્યું તો આવતા વર્ષ સુધી કોવૅક્સિન બજારમાં આવી શકે છે જેનું સ્ટોરેજ સહેલું રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો