ગુજરાત કોરોના : 'મને હવે ત્રીજી વખત વાઇરસનો ચેપ ન લાગે તો સારું'

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં દિવાળી બાદ ફરી વાર કોરોના વાઇરસનું સંક્રમણ વધ્યું છે. કેટલાક લોકોને મહિનામાં બે વાર કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં મદદનીશ તાલુકાવિકાસ અધિકારી તરીકે નોકરી કરતાં અને વઢવાણમાં રહેતા પ્રદીપ સિંધવની ઉંમર 34 વર્ષની છે.

તેમને દોઢ મહિનાની અંદર બીજી વખત કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો.

એવી જ રીતે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા 22 વર્ષના યુવક વત્સલ શાહને પણ બે મહિનામાં બે વખત કોરોના થયો હતો.

વત્સલ હજી પણ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. બીબીસીએ આ બંને યુવકો સાથે વાત કરી હતી.

'મને બીજી વાર કોરોના કેમ થયો?'

પ્રદીપ સિંધવે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે "મને કેવી રીતે ચેપ લાગ્યો તે ખબર નથી. "

"પહેલી વખત કોરોના થયો ત્યારે તાવ, ઉધરસ હતાં. મેં 16 ઑક્ટોબરે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટમાં કોરોના હોવાનું માલૂમ પડતાં પહેલાં તો ખૂબ ડર લાગ્યો હતો."

"મારાં ફેફ્સાંને નુકસાન થશે? હું બચી શકીશ કે નહીં એવો ફફડાટ મનમાં હતો. જોકે મને હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નહોતી."

પ્રદીપ સિંધવ ઘરે એકાંતવાસ - હોમ આઈસોલેશનમાં રહ્યા હતા અને મન મક્કમ કરીને દવાઓ અને ઉકાળા પીધાં હતાં.

તેઓ કહે છે કે દવા પણ તેમને ઘરે બેઠા મળતી હતી.

"પંદર દિવસ ઘેર એંકાતવાસમાં રહ્યા બાદ મેં સોળમા દિવસે ફરી ટેસ્ટ કરાવ્યો ત્યારે હું નૅગેટિવ આવ્યો હતો. જેવો સાજો થયો એવો તરત કામે ચઢી ગયો હતો."

પ્રદીપ સિંધવને બીજી વખત કોરોના પંદર નવેમ્બરે થયો હતો.

એ વખતે બીમારીનાં કેવાં લક્ષણો જણાતાં હતાં એ વિશે જણાવતાં પ્રદીપ સિંધવ કહે છે કે, "બીજી વખત કોરોના થયો ત્યારે મને સખત તાવ આવ્યો હતો. સ્વાદ અને ગંધ પણ જતાં રહ્યાં હતાં."

તેઓ વધુમાં કહે છે, "રીંગણાનો ઓળો મારો ગમતો ખોરાક છે, પણ કોરોના થતાં તીખો તમતમતો ઓળો મને મોળો લાગતો હતો. એ વખતે મને શંકા ગઈ અને ટેસ્ટ કરાવ્યો તો કોરોના જ નીકળ્યો."

"મને આંચકો લાગ્યો કે બીજી વખત કોરોના કેમ થયો? ડૉક્ટરને પણ આશ્ચર્ય થયું કે મને બીજી વખત કોરોના કેમ થયો?"

પ્રદીપ કહે છે, "બીજી વખત પણ મેં ઘરે એંકાતવાસમાં રહીને જ સારવાર કરાવી હતી. પંદર દિવસ પછી મેં ટેસ્ટ કરાવ્યો એટલે મને નૅગેટિવ આવ્યો અને મને રાહત થઈ હતી."

'હવે ત્રીજી વાર કોરોના ન થાય તો સારું'

હવે વાત કરીએ અમદાવાદના વત્સલ શાહની.

વત્સલને પહેલી વખત 29 ઑગસ્ટે કોરોના હોવાનું બહાર આવ્યું હતું.

એ પછી ધનતેરસે એટલે કે 13 નવેમ્બરે ફરી તેમને કોરોનાનો ચેપ લાગ્યો થયો હતો.

હાલ તેઓ હોમ આઇસોલેશનમાં જ છે.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "પહેલી વખત કોરોના થયો ત્યારે મને શરદી, ઉધરસ, તાવ હતાં. હું નજીકના શહેરી અર્બન હેલ્થ સેન્ટરમાં રિપોર્ટ કઢાવવા ગયો હતો. રિપોર્ટમાં કોરોના પૉઝિટિવ આવતાં હું ત્યાંથી જ હૉસ્પિટલ રવાના થયો હતો. હૉસ્પિટલમાં પાંચ દિવસ રહ્યા બાદ હોમ ક્વૉરેન્ટીન હતો."

એ પછી બીજી વખત કોરોના કેવી રીતે થયો એ વિશે જણાવતાં વત્સલ કહે છે કે બીજી વખત કોરોના થયો ત્યારે તેમને ઠંડી લાગતી હતી અને તાવ આવ્યો હતો.

"એક વખત કોરોના થયો છે તેથી હવે કોરોના નહીં હોય એવું માનીને હું ડૉક્ટર પાસે ગયો હતો. ડૉક્ટરે મને ટેસ્ટ કરાવવાનું કહ્યું. મેં ટેસ્ટ કરાવ્યો તો ફરી પૉઝિટિવ આવ્યો."

"મને પણ એ સમજાતું નથી કે બે જ મહિનામાં મને બીજી વખત કોરોના કેવી રીતે થયો. પહેલી વખત કોરોના થયો ત્યારે ડર લાગ્યો હતો પણ બીજી વખત મને ડર નહોતો લાગ્યો."

વત્સલ શાહ હાલમાં ઘરે જ સારવાર લઈ રહ્યા છે. 27 નવેમ્બર સુધી તેઓ ઘરે એકાંતવાસમાં જ છે.

તેઓ કહે છે, "આશા રાખું છું કે હવે સાજો થઈ જાઉં પછી મને ત્રીજી વખત કોરોના ન થાય તો સારું."

વત્સલ એક રૂમ-રસોડાના ઘરમાં તેમનાં માતા સાથે રહે છે.

વત્સલ કહે છે કે, "હું સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ઘરમાં રહું છું. આ સિવાય તો બીજું શું કરી શકાય?"

બીજી વખત કોરોના શા માટે થઈ શકે?

ત્રણ મહિના કરતાં પણ ઓછા સમયમાં જેમને ફરી કોરોના થાય છે એનું કારણ શું છે?

એ વિશે અમદાવાદના ઑન્કોલૉજિસ્ટ ડૉ. પંકજ શાહ કહે છે કે સામાન્ય રીતે જેમને એક વખત કોરોના થયો હોય તેમને છએક મહિના સુધી કોરોના ફરી થતો હોય એવું જોવા મળતું નથી.

"જેમને બે કે દોઢ મહિનાની અંદર ફરી કોરોના થયો હોય તો તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોઈ શકે છે. શક્ય છે કે વાઇરલ લૉડ છે એ બીજી વખત વધુ આવ્યો હોઈ શકે."

"એ પણ શક્ય છે કે પહેલી વખતનું નિદાન કદાચ ખોટું પણ હોઈ શકે."

ડૉ. પંકજ શાહ અનુસાર લોકોને દોઢ-બે મહિનાના ટૂંકા ગાળામાં પણ કોરોના ફરી થતો હોય તો એક જ વાત ધ્યાન રાખવા જેવી છે કે એક વખત કોરોના થયો હોય અને દરદી એમાંથી બહાર આવી ગયો હોય તો તેણે લાપરવાહ ન બનવું જોઈએ.

સાજા થયા બાદ પણ તેણે પૂરતી તકેદારી રાખવી જોઈએ.

ઍન્ટી બૉડી ઘટી જવા પર બીબીસીના આરોગ્ય સંવાદદાત જૅમ્સ ગૅલેઘરનું વિશ્લેષણ

એક વખત કોરોના થયા પછી શરીરમાં ઍન્ટી બૉડી નિર્માણ પામે છે. જે કોરોના સામે રક્ષણ આપે છે.

ઍન્ટી બૉડી આપણી રોગપ્રતિકારક ક્ષમતાનો એક મહત્ત્વનો ભાગ છે અને તે વાઇરસને શરીરના કોષોમાં પ્રવેશતો અટકાવે છે.

શોધકર્તાઓનું કહેવું છે કે કોરોના થયા પછી લોકોમાં પ્રૉટેક્ટિવ ઍન્ટી બૉડી બહુ ઝડપથી ઓછા થઈ જાય છે.

ઇંગ્લૅન્ડની 'ધ ઇમ્પિરિયલ કૉલેજ'ની ટીમનું કહેવું છે કે જૂન અને સપ્ટેમ્બર વચ્ચે ઍન્ટી બૉડી માટે પૉઝિટિવ રિપોર્ટ આવ્યો હોય તેવા લોકોની સંખ્યા 26% જેટલી ઘટી ગઈ છે.

ટીમ અનુસાર લોકોમાં રોગપ્રતિકારક ક્ષમતા ઘટી રહી છે. લોકો એકથી વધુ વખત વાઇરસથી સંક્રમિત થાય તેવું જોખમ વધી ગયું છે.

'રિઍક્ટ -2' શોધ અંતર્ગત ઇંગ્લૅન્ડમાં 3,50,000 લોકોએ અત્યાર સુધી ઍન્ટી બૉડી ટેસ્ટ કરાવ્યો છે.

વિશ્વમાં વધુ ચાર કોરોના વાઇરસ છે, જેનાથી તમે અસંખ્ય વાર સંક્રમિત થઈ શકો છો. આ વાઇરસથી સામાન્ય શરદી અને તાવ થાય છે, જેનો તમે દર 6 અથવા 12 મહિના બાદ ચેપ લાગી શકે છે.

એવા બહુ જૂજ કેસો સામે આવ્યા છે, જેમાં વ્યક્તિ બીજી વાર કોરોના વાઇરસથી સંક્રમિત થઈ હોય.

જોકે શોધકર્તાઓ કહે છે કે માર્ચ અને એપ્રિલમાં જ્યારે સંક્રમણ ટોચ પર હતું ત્યારે જે રીતે રોગપ્રતિકારક ક્ષમતા ઘટવાની શરૂઆત થઈ છે, તેના કારણે આવું થઈ શકે છે.

એવી આશા છે કે બીજી લહેર પહેલાં કરતાં હળવી હશે અને રોગપ્રતિકારક ક્ષમતા ઘટી જાય તો પણ શરીરને પહેલીવાર ચેપ લાગ્યો હશે તો તેની એક 'ઇમ્યુન મૅમરી' હશે અને તેને ખબર હશે કે કઈ રીતે પ્રતિકાર કરવો.

શોધકર્તાઓનું કહેવું છે કે તેમનાં તારણો વૅક્સિનની આશાને ધૂંધળી કરતાં નથી. વૅક્સિન ચેપ સામે વધુ અસકારક પુરવાર થશે.

શોધકર્તા પ્રોફેસર ગ્રૅહામ કુક કહે છે, "વાસ્તિવકતા એ છે કે પ્રથમ લહેર બાદ દેશના મોટા ભાગના લોકોમાં રોગપ્રતિકારક ક્ષમતા હોવાના પુરાવા નથી."

"વૅક્સિનની એટલી જ જરૂરી છે અને ડેટાના કારણે આમાં પરિવર્તન નથી આવી જતું."

'રિઍક્ટ -2'ના નિયામક પ્રોફેસર પૉલ ઇલિયટનું કહેવું છે કે શોધનાં તારણોના આધારે વૅક્સિનની અસર વિશે કોઈ પણ નિર્ણય પર આવવું, એ યોગ્ય નથી.

તેઓ કહે છે, "કુદરતી સંક્રમણના પ્રતિભાવ સામે વૅક્સિનનો પ્રતિભાવ અલગ હોઈ શકે છે."

જોકે તેમનું માનવું છે કે ઘટી રહેલી રોગપ્રતિકારક શક્તિને ફરીથી જીવીત કરવા માટે અમુક વ્યક્તિને જે પણ રસી ઉપલબ્ધ કરાવવામાં આવે તેનો બુસ્ટર ડોઝ આપવો પડશે.

શોધનાં તારણો વિશે વાત કરતા 'યુનિવર્સિટી ઑફ નૉટીંગમ'ના પ્રોફેસર જૉનાથન બૉલ જણાવે છે કે, "શોધ પુરવાર કરે છે કે સમયની સાથે મોટી વયના લોકોમાં ઍન્ટી બૉડીના પ્રતિભાવમાં ઘટાડો આવે છે."

જૂનના છેલ્લા અઠવાડિયા અને જુલાઈના પ્રથમ અઠવાડિયા દરમિયાન પ્રથમ રાઉન્ડનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં 1000 લોકોમાંથી 60 લોકોમાં ઍન્ટી બૉડી જોવા મળ્યા હતા.

પરંતુ સપ્ટેમ્બરમાં કરવામાં આવેલા હાલના પરીક્ષણમાં 1000માંથી માત્ર 44 લોકોનો ઍન્ટી બૉડી ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.

આ સૂચવે છે કે ઉનાળાથી શરદઋતુ વચ્ચે ઍન્ટી બૉડી હોય તેવી વ્યક્તિઓની સંખ્યામાં 25% જેટલો ઘટાડો નોંધાયો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો