કોરોના વાઇરસ : એ વૃક્ષ જે લોકોને બચાવવામાં મદદ કરી રહ્યું છે

    • લેેખક, લુસિઓ બ્લાસ્કો
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

ફાઇઝરની "90% અસરકારક" કોરોના વૅક્સિનના સમાચાર આવ્યા છે. બીજી પણ ઘણી વૅક્સિન તૈયાર થઈ રહી છે અને તેમાંની એકનો આધાર માપૂચે પ્રજાની ઔષધી છે.

ચીલીના મૂળ રહેવાસીઓ માપૂચેના વિસ્તારમાં ઉગતી આ ઔષધી કદાચ ઉપયોગી થાય.

સ્વિડિશ-અમેરિકન ફાર્મા કંપની નોવાવૅક્સ તેના આધારે બનેલી વૅક્સિનનો મનુષ્યો પર પ્રયોગ શરૂ પણ કરી દીધો છે.

આ વૅક્સિનને ફાસ્ટ ટ્રેક મંજૂરી અપાઈ છે અને યુકેમાં તેની ક્લિનિકલ ટ્રાયલનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. આ મહિને અમેરિકા, મૅક્સિકો અને પ્યૂર્તો રિકોમાં પણ તેની આખરી ટ્રાયલ શરૂ થશે.

માપૂચે પ્રજા પ્રાચીન સમયથી આ ઔષધીનો ઉપયોગ કરતી આવી છે અને તે વૃક્ષમાં મળતા મુખ્ય પદાર્થમાંથી વૅક્સિન બનાવાઈ છે.

પેટનો દુખાવો હોય કે શ્વાસ ચડતો હોય કે ત્વચાની બીમારી હોય માપૂચે પ્રજા આ ઔષધી વાપરતી આવી છે. કૉસ્મેટિક, ફૂડ અને ફાર્મા કંપનીઓ પણ તેનો ઉપયોગ દાયકાઓથી કરતી આવી છે.

વૃક્ષનું વૈજ્ઞાનિક નામ Quillaja saponaria એવું છે, જેને સ્થાનિક લોકો કુલય તરીકે ઓળખે છે. તેને સાબુનું વૃક્ષ પણ કહે છે કે કેમ કે તેના પદાર્થને પાણીમાં નાખવામાં આવે ત્યારે ફીણ વળવા લાગે છે.

તેના પર પ્રયોગો કરવામાં નોવાવૅક્સ પણ જોડાઈ છે, જેમને ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર તરફથી કોવીડ-19 વૅક્સિન માટેનું સૌથી મોટું ફંડ મળ્યું છે.

ફીણ કાઢતા આ વૃક્ષની ખાસિયત શું છે કે તેમાંથી વૅક્સિન બનાવવાના પ્રયોગો થાય છે?

પ્રતિકારકશક્તિમાં વધારો

આ વૃક્ષમાંથી Adjuvants (સહાયક પદાર્થ) મળે છે જે વૅક્સિનની અસરકારકતા વધારી શકે છે. જોકે તેને મેળવવાની પ્રક્રિયા સંકુલ છે.

"આ પદાર્થ વર્ષોથી તૈયાર થાય છે અને તેનાથી વૅક્સિનની પ્રતિકારકશક્તિ વધે છે, તેની ગુણવત્તા સુધરે છે," એમ નોવાવૅક્સના સંશોધન વિભાગના વડા ડૉક્ટર ગ્રૅગરી ગ્લૅને બીબીસીને જણાવ્યું હતું.

ગ્લૅનના જણાવ્યા અનુસાર આ પદાર્થ "આપણી પ્રતિકારકશક્તિને અગત્યનો સંદેશ આપે છે જેથી વૅક્સિનને શરીર સમજી શકે."

"ઈન્ફ્લુએન્ઝા કે કોવીડ જેવા શ્વાસના ચેપ લગાવતા વાઇરસ સામે પ્રતિકારકશક્તિ મજબૂત થવી જોઈએ, કેમ કે ઍન્ટી બૉડી છતાંય આપણે બીમાર પડીએ છીએ. કેમ કે કોવીડ સામે આપણી પ્રતિકારકશક્તિ ઓછી કે બિલકુલ કામ કરતી નથી," એમ ગ્લૅન કહે છે.

"કોવીડ વૅક્સિન સાથે આવા સહાયક પદાર્થ જોડવા જરૂરી છે", એમ તેઓ ઉમેરે છે.

"વાઇરસના જેનોમમાંથી આપણે ચોક્કસ પ્રોટિન મેળવીએ છીએ અને તેને પાર્ટિકલમાં દાખલ કરીએ છીએ. સાથે જ વૃક્ષમાંથી મળેલા સહાયક પદાર્થને બીજા પાર્ટિકલમાં ઉમેરીએ છીએ. આપણું શરીર આ પદાર્થને પારખે અને પ્રોટીનને પણ ઓળખે અને પ્રતિકાર કરે તે જરૂરી હોય છે."

Saponins ઘણા વૃક્ષોમાંથી મળે છે, પણ કુલયમાંથી મળતો પદાર્થ ફાર્મા ઉદ્યોગોમાં વધારે ઉપયોગી જણાયો છે. વર્ષોના સંશોધન પછી તેને બિનઝેરી બનાવીને મનુષ્યના ઉપયોગ માટે તૈયાર કરાયો છે.

નોવાવૅક્સ કંપનીને આ પદાર્થ પૂરો પાડનારી કંપની 'ડેઝર્ટ કિંગે' વૃક્ષમાંથી પદાર્થ મેળવવાની રીત વિકસાવેલી છે. વૃક્ષના લાકડામાંથી ભૂકા તરીકે તેને મેળવાય છે અને નોવાવૅક્સને અપાય છે.

"એક મોટા વૃક્ષમાંથી 30થી 50 કિલો saponinનો ભૂકો મળી શકે છે. વૃક્ષમાં કાપા કરીને તે મેળવાતો હતો, પણ તેનાથી વૃક્ષ નાશ પામતું હતું. તેમ ના થાય તે માટે તેના લાકડામાંથી મેળવવાની રીત અમે વિચારેલી અને તે રીતે અમારી કંપની શરૂ થયેલી", એમ ચીલીના સંશોધક રિકાર્ડો સાન માર્ટિન કહે છે.

માર્ટિન સાને ડિયેગોમાં આવેલી 'ડેઝર્ટ કિંગ'ના સંશોધન વિભાગના વડા છે.

વૃક્ષનું વર્ષો સુધી સંશોધન

સાન માર્ટિને પોતાની આખી જિંદગી કુલય વૃક્ષમાંથી વૅક્સિન ઉપયોગી પદાર્થ શોધવામાં કાઢી નાખી છે.

"1990ના દાયકામાં નવા ચેપ ફેલાયા ત્યારે જોવા મળ્યું કે જૂના સહાયક પદાર્થો કામ કરતા નથી. ચેપ લાગ્યો તે શરીર પારખી શકતું નથી અને પ્રતિકારકશક્તિ જાગતી નથી. તેથી નવા સહાયક પદાર્થો શોધવાની હોડ લાગી હતી," એમ માર્ટિન કહે છે.

"1950ના દાયકામાં એ ખ્યાલ આવી ગયો હતો કે કુલયમાંથી મળતો પદાર્થ ઉપયોગી થાય તેમ છે. બાદમાં ડૅન્માર્કના સંશોધક ક્રિશ્ચિયન ડાલ્સેગાર્ડ અને મેં તેના પર કામ કર્યું. "

"પશુમાં પ્રયોગો કરાયા તે અસરકારક લાગ્યા હતા. 1995થી હું તેના પર કામ કરી રહ્યો છું," એમ સાન માર્ટિને બીબીસીને જણાવ્યું.

"બાદમાં અમેરિકામાં સંશોધન થયું હતું કે તે પદાર્થનો ઉપયોગ માણસો માટેની વૅક્સિનમાં થઈ શકે છે. તે રીતે આ વૃક્ષના પદાર્થને QS21 એવું નામ અપાયું છે".

"લગભગ 10 વર્ષ પહેલાં ફાર્મા કંપની ગ્લૅક્સો સ્મિથ ક્લાઇન (GSK)એ આ પદાર્થનો ઉપયોગ મનુષ્યોની વૅક્સિનમાં કરવા માટેની મંજૂરી મેળવી હતી. હર્પિઝ અને મલેરિયાની દવામાં તેનો ઉપયોગ થાય છે."

તેમને નોવાવૅક્સની વૅક્સિન પર આશા છે અને કહે છે કે "આ પદાર્થ ઉમેર્યા વિના તે બનવાની નથી."

અન્ય વૅક્સિનમાં સહાયક પદાર્થ ના હોય ત્યાં તે RNA (ribonucleic acid)માંથી બનાવાયેલી હોય છે.

ઍસ્ટ્રાઝેનેકાની રસી એ રીતે જ તૈયાર થઈ રહી છે. પરંતુ આ રસીને સાચવવા માટે રેફ્રિજરેટરમાં રાખવી પડે અને તેથી તેની હેરફેર મુશ્કેલ છે એમ માર્ટિન માને છે.

મનુષ્યો માટેની રસીમાં સહાયક તરીકે ઉપયોગમાં આવે તેવા પાંચેક પદાર્થો છે.

તેમાંથી QS21 આધુનિક ગણાય છે. ગ્લૅન કહે છે કે ઘણા સહાયક પદાર્થો છે, પણ કુલયમાંથી મળતો આ પદાર્થ સૌથી વધુ અસરકારક છે અને તેથી જ કોવીડની રસી માટે આશા છે.

'સ્પેનિશ વૅક્સિનેશન ઍસોસિયેશન' (AEV)ના જૅઇમે પેરીઝ માર્ટિન માને છે કે નોવાવૅક્સની વૅક્સિન માટે આશા એટલા માટે છે કે આ પદાર્થ સહેલાઈથી મેળવી શકાય છે અને ઝડપથી રસી બનાવી શકાય છે.

"નોવાવૅક્સની રસીનો આ સહાયક પદાર્થ નવીન શોધાયેલો છે તેનામાં પ્રતિકારકશક્તિ જગાવવાની સારી ક્ષમતા રહેલી છે", એમ તેઓ વધુમાં જણાવે છે.

સમય સામે હોડ

નોવાવૅક્સની ફેઝ 3ની ટ્રાયલ અમેરિકામાં નવેમ્બરમાં શરૂ થશે.

"રસીના પ્રયોગો યુકેમાં થઈ રહ્યા છે તે સફળ રહેશે તો મોટી શોધ ગણાશે. ક્લિનિકલ ટ્રાયલનાં પરિણામો 2021ના પ્રથમ ત્રિમાસિકમાં આપણને મળશે," એમ ગ્લેન કહે છે.

બીજી તરફ જરૂરી પ્રમાણમાં પદાર્થ મેળવવા માટેની મથામણમાં સપ્લાયરો લાગ્યા છે.

સાન માર્ટિનના જણાવ્યા અનુસાર "વૅક્સિનની પ્રથમ ટ્રાયલ માટે જ મારા અંદાજ પ્રમાણે 5000થી 7000 વૃક્ષોની જરૂર પડશે."

"જૂનાં વૃક્ષોનાં લાકડાંમાંથી તેને મેળવવાનો વિકલ્પ છે પણ પૂરતા પ્રમાણમાં તે ઉપલબ્ધ નથી."

"બે વિકલ્પો છેઃ પદાર્થને સિન્થેટિક રીતે તૈયાર કરવો. તેના પર કામ ચાલી રહ્યું છે, પણ તેમાં સમય લાગશે. બીજો વિકલ્પ નાના છોડમાંથી તે મેળવવાનો છે," એમ તેઓ કહે છે.

"સમય સામે હોડ લાગી છે. પ્રથમ વર્ષે ચીલીમાંથી પદાર્થનો પુરવઠો મળી રહેશે, પણ તે પછીના વર્ષ માટે કંપનીએ વિકલ્પો વિચારવા પડશે. બીજા જે પણ વૃક્ષોમાં સહાયક પદાર્થો મળતા હોય તેની પણ શોધ કરવી પડે".

"તેને ક્લૉન કરીને નાના છોડ તૈયાર કરી શકાય છે અને અમે અત્યારે તેના પર કામ કરી રહ્યા છીએ."

સાન માર્ટિનના જણાવ્યા અનુસાર કૅલિફોર્નિયામાં પણ આવા છોડ વાવવાનો પ્રયોગ થઈ રહ્યો છે.

માપૂચે સમાજમાં નારાજગી

જોકે કુલય વૃક્ષની ઔષધીમાં સંશોધકો, ફાર્મા કંપનીઓ, સૌને રસ પડ્યો છે તેની સામે કેટલાકને નારાજગી પણ છે.

માપૂચેના મુખી મિનરવા તેગુલ્ડા મેલિનેન કાસ્ટાનેડા માને છે કે માપૂચે પ્રજાની ઔષધીઓની જાણકારીને ઇન્ટલૅક્ચુઅલ પ્રૉપર્ટી ગણીને તેનો લાભ આપવામાં આવતો નથી.

"અમારા વડવાઓની ઔષધીના જ્ઞાનનો ઉપયોગ અને દુરુપયોગ બંને થઈ રહ્યો છે" એમ તેઓ કહે છે.

"ફાર્મા કપંનીઓએ તેની પેટન્ટ લઈને અમારી ઔષધીનો અને અમારા પ્રાચીન જ્ઞાનનો ફાયદો ઉઠાવ્યો છે," એમ તેમણે બીબીસી સાથે ટેલિફોન પર વાત કરતાં બળાપો કાઢ્યો હતો.

તેઓ કહે છે કે કુલય વૃક્ષનો ઔષધી તરીકે માપૂચે પ્રજા પ્રાચીન સમયથી કરતી આવી છે અને તેનો ઉપયોગ માથું ધોવા તથા સાબુ બનાવવામાં પણ થતો આવ્યો છે. દવા તરીકે પણ તે કામ આવે છે.

"અમારા જ્ઞાનનો ઉપયોગ વૈજ્ઞાનિકો અને દવાકંપનીઓ કરી રહી છે તે ખોટું છે."

"કુદરત તરફ અમે માપૂચે લોકો સન્માન રાખીએ છીએ. તેનો ઔષધી તરીકે ઉપયોગ કરતાં પહેલાં અમે ધરતી માતાને પ્રમાણ કરીને મંજૂરી માગીએ છીએ. કુલય પવિત્ર વૃક્ષ છે, પણ લૅબોરેટરીમાં તેનો ઉપયોગ સન્માનથી થતો નથી અને નફા માટે થાય છે."

"હું રસીનો વિરોધ કરતો નથી, પરંતુ કુલય ઔષધીનો ઉપયોગ થાય ત્યારે તેની ઇન્ટેલેક્ચુઅલ પ્રૉપર્ટીનો હક માપૂચે પ્રજાને આપવો જોઈએ તે દવાકંપનીઓએ આપ્યો નથી", એવી તેમની ફરિયાદ છે.

સાન માર્ટિન કહે છે કે માપૂચે પ્રજાએ ક્યારેય પ્રતિકારકશક્તિ તરીકે કુલયનો ઉપયોગ કર્યો નહોતો અને દવા કંપનીઓ યોગ્ય રીતે જ તેનો ઉપયોગ કરી રહી છે એમ માને છે.

"માત્ર કોવીડની વૅક્સિન માટે નહીં અન્ય ઉપયોગ માટે પણ કુલય ઔષધીની માગ હંમેશાં રહેવાની છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો