You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓબામાએ મનમોહન સિંહ અને સોનિયા ગાંધી અંગે પોતાના પુસ્તકમાં શું લખ્યું છે?
- લેેખક, સૌતિક વિશ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનાં સંસ્મરણો પર આધારિત પુસ્તક જ્યારે પ્રકાશિત થયું ત્યારે એણે ભારતમાં હળવી એવી હલચલ મચાવી હતી.
ભારતની મુખ્ય વિપક્ષી પાર્ટીના કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગેની તેમની સ્પષ્ટ વાતોએ કૉંગ્રેસ સમર્થકોમાં ખીજ પેદા કરી હતી, તો રાહુલ ગાંધીના વિરોધીઓને બોલવાનો મોકો મળી ગયો હતો.
'એ પ્રૉમિસ્ડ લૅન્ડ' નામનું પુસ્તક ઓબામાના રાજકીય જીવન પર આધારિત સંસ્મરણોની લેખનશૈલી રસપ્રદ છે. તેઓએ આમાં અંદાજે 1400 શબ્દો નવેમ્બર 2010ની તેમની પહેલી ભારતયાત્રા પર લખ્યા છે.
વર્તમાન વિપક્ષ કૉંગ્રેસ ત્યારે સત્તામાં હતી. ઓબામાએ એ સમયના વડા પ્રધાન મનમોહનસિંહ અને કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
મનમોહનસિંહ અંગે શું લખ્યું છે?
ઓબામાએ પોતાના સંસ્મરણમાં લખ્યું છે કે જ્યારે તેઓ મનમોહન સિંહને મળ્યા ત્યારે સિંહે ઓબામાને કહ્યું કે તેમને આશંકા છે કે "મુસ્લિમવિરોધી ભાવનાઓ વધવાથી હિન્દુ રાષ્ટ્રવાદી પાર્ટી ભાજપનો પ્રભાવ વધી રહ્યો છે." ભાજપ ત્યારે મુખ્ય વિપક્ષી પક્ષ હતો.
મનમોહન સિંહે દેશની આર્થિક રાજધાની મુંબઈ પર હુમલા બાદ પાકિસ્તાન સામે કાર્યવાહીની માગને લઈને સંયમ દર્શાવ્યો હતો. મુંબઈ હુમલામાં 166 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ઓબામાએ લખ્યું છે, "આ સંયમભર્યા વલણની તેમને રાજનીતિક કિંમત ચૂકવવી પડી."
મનમોહન સિંહે તેમને કહ્યું હતું, "મિસ્ટર પ્રૅસિડન્ટ, અનિશ્ચિતતાભર્યા સમયમાં ધાર્મિક અને જાતીય એકજૂથતાનું આહ્વાન લોકોને બહેકાવી શકે છે. એવામાં રાજનેતાઓ માટે તેનું દોહન વધુ મુશ્કેલ હોતું નથી. પછી તે ભારતમાં હોય કે પછી અન્ય કોઈ સ્થળે."
ઓબામાએ તેના પર સહમતી દર્શાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમને પ્રાગની યાત્રા દરમિયાન 'વેલવેટ રેવોલ્યૂશન' બાદ ચેક ગણરાજ્યના પહેલા રાષ્ટ્રપતિ બનેલા વાત્સ્લાફ હાવેલ સાથે થયેલી વાતચીત 'અને યુરોપમાં ઉદારવાદની લહેર આવવાથી તેનાથી સંબંધિત ચેતવણી' યાદ આવી ગઈ. ઓબામાએ લખ્યું છે, "જો વૈશ્વીકરણ અને ઐતિહાસિક આર્થિક સંકટ અપેક્ષાકૃત ધનિક મુલકોમાં આ ટ્રૅન્ડને ગતિ આપી રહ્યો છે- અને હું તેને અમેરિકા સુધી જોઈ રહ્યો છું, તો ભારત તેનાથી કેવી રીતે બચી શકે છે?"
ઓબામાની દિલ્હીયાત્રાની પહેલી સાંજે મનમોહનસિંહે તેમના સન્માનમાં રાત્રીભોજન આપ્યું હતું. મનમોહનસિંહે 'ક્ષિતિજ પર નજર આવતાં વાદળોને લઈને ખૂલીને વાત કરી.'
મનમોહનસિંહે આર્થિક મંદીનો ઉલ્લેખ કર્યો. વર્ષ 2007માં અમેરિકામાં શરૂ થયેલા આર્થિક સંકટથી આખી દુનિયા ડામાડોળ થવા લાગી હતી. ઓબામાએ લખ્યું છે કે ભારતીય વડા પ્રધાન પરમાણુ હથિયારથી સજ્જ પડોશી દેશ પાકિસ્તાન સાથે સતત બનેલા તણાવથી લઈને ચિંતિત હતા.
"ત્યારે પાકિસ્તાનની પણ સમસ્યા હતી. વર્ષ 2008માં મુંબઈની હોટલો અને અન્ય જગ્યાએ થયેલા આતંકવાદી હુમલાની ભારતની સાથે તપાસ કરવાના કામમાં તે સતત નિષ્ફળ સાબિત થઈ રહ્યું હતું. તેનાથી બંને દેશમાં તણાવ ઉલ્લેખનીય રીતે વધી રહ્યો હતો, કેમ કે માનવામાં આવતું હતું કે હુમલા માટે જવાબદાર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબના પાકિસ્તાનની ઇન્ટેલિજન્ટ સર્વિસ સાથે સંબંધ છે."
ઓબામાએ મનમોહન સિંહને 'ભારતના આર્થિક બદલાવના મુખ્ય આર્કિટેક્ટ, બુદ્ધિમાન, વિચારવાન અને નિષ્ઠાપૂર્વક ઈમાનદાર' ગણાવ્યા છે.
ઓબામાએ લખ્યું છે કે "મિસ્ટર સિંહ એક વિનમ્ર ટેકનોક્રેટ છે, જેમણે ન માત્ર ભારતના લોકોની ભાવનાઓને મૂર્ત રૂપ આપીને વિશ્વાસ જીત્યો, પણ તેમના જીવનના સ્તરને ઊંચું લાવ્યું છે અને આ દરમિયાન બેઈમાન ન હોવાની પોતાની છબિને પણ યથાવત્ રાખી છે."
ઓબામાએ લખ્યું છે, "વિદેશનીતિને લઈને તેઓ સતર્ક હતા."
"ઐતિહાસિક રીતે અમેરિકાના ઈરાદાઓને શંકાની નજરે જોનારી ભારતીય નોકરશાહીની વિચારધારાથી તેઓ બહુ આગળ જવા માગતા નહોતા. અમે સાથે જે સમય વિતાવ્યો તેનાથી તેમના અંગે મારી શરૂઆતની ધારણાઓને પુષ્ટ કરી કે તેઓ અસાધારણ બુદ્ધિમાન અને શાલીન વ્યક્તિ છે."
સોનિયા ગાંધી અંગે શું લખ્યું છે?
તત્કાલીન સત્તાધારી પાર્ટી કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધીને ઓબામાએ 'સાઠ વરસથી ઉપરની ઉંમરનાં આકર્ષક મહિલા'ના રૂપમાં યાદ કર્યાં છે. 'જેમણે પારંપરિક સાડી પહેરેલી હતી. તેમની મર્મભેદી આંખો અને ઉપસ્થિતિ શાહી અંદાજ જેવી હતી.'
"યુરોપીય મૂળનાં આ મહિલા પહેલાં માતાની જવાબદારી નિભાવતાં ઘર સુધી સીમિત હતાં. 1991માં શ્રીલંકાના અલગાવવાદી આત્મઘાતી હુમલાખોરના હાથે પતિના મૃત્યુ બાદ, પોતાના દુખથી ઉપર ઊઠીને પરિવારની રાજનીતિક વિરાસતને સંભાળીને મહત્ત્વનાં રાષ્ટ્રીય નેતાના રૂપમાં ઊભર્યાં."
ઇટાલીમાં જન્મેલાં સોનિયા ગાંધીના પતિ રાજીવ ગાંધી ભારતના વડા પ્રધાન રહ્યા હતા. 1991માં તામિલનાડુ રાજ્યની એક રેલીમાં એક આત્મઘાતી હુમલાખોરે તેમની હત્યા કરી હતી.
ઓબામાએ લખ્યું છે કે ડિનર દરમિયાન સોનિયા ગાંધી ઓછું બોલતાં હતાં અને વધુ સાંભળતાં હતાં.
"નીતિગત મુદ્દાઓને તેઓ સાવધાનીથી મનમોહનસિંહ તરફ વાળતાં હતાં અને ઘણી વાર ચર્ચાને પોતાના પુત્ર તરફ લઈ જવાની કોશિશ કરતાં હતાં. જોકે મને એ ખ્યાલ આવી ગયો છે કે તેમની સત્તાનો આધાર ચતુરાઈ અને શક્તિસંપન્ન બુદ્ધિમત્તા છે."
રાહુલ ગાંધી અંગે શું લખ્યું છે?
ઓબામાએ રાહુલ ગાંધીને 'સ્માર્ટ અને ઉત્સાહી' ગણાવ્યા છે. જેમની "મુખાકૃતિ પોતાના માતાને મળતી આવે છે."
ઓબામાએ લખ્યું છે, "તેઓએ ભવિષ્યના પ્રગતિશીલ રાજકારણ પર પોતાના વિચારો મૂક્યા. ક્યારેકક્યારેક તેઓએ મારા 2008ના ચૂંટણીઅભિયાન અંગે પણ જાણકારી મેળવી હતી. પરંતુ તેઓ નર્વસ જણાયા હતા. એટલે કે એક એવા વિદ્યાર્થી, જેણે પોતાના કોર્સ પૂરો કરી લીધો છે અને તે પોતાના ટીચરને પ્રભાવિત કરવા માગે છે, પરંતુ અંદરખાને કે તે વિષયમાં પારંગત થવા માટે યોગ્ય નથી કે પછી તેમનામાં એટલું ઝનૂન નથી."
(રાહુલ ગાંધી અંગેની આ ટિપ્પણી ન્યૂ યૉર્ક ટાઇમ્સમાં આવેલી સમીક્ષા છપાઈ હતી. તેને લઈને કૉંગ્રેસના કેટલાક કાર્યકરો નારાજ થઈ ગયા હતા.)
ભારતના ભવિષ્ય વિશે શું લખ્યું?
ઓબામા લખે છે કે આજે ભારત "એક સફળ વાર્તા છે, જે કેટલીય સરકારોનો બદલાવ, રાજકીય દળો વચ્ચેની તીખી તકરાર, કેટલીય સશસ્ત્ર અલગતાવાદી ચળવળ અને તમામ પ્રકારના ભ્રષ્ટાચારનાં કૌભાડો સહન કરી ચૂક્યું છે. "
જોકે, ઉન્નત લોકતંત્ર અને મુક્ત અર્થવ્યવસ્થા છતાં ભારત હજુ પણ 'ગાંધીની કલ્પનાવાળા સમતાવાદી, શાંતિપૂર્ણ અને સહઅસ્તિત્વવાળા સમાજની છબિ સાથે મેળ ઓછો ખાય છે. અસમાનતા ચરમ પર છે અને હિંસા 'ભારતીય જીવનનો હિસ્સો' બની ગઈ છે. '
ઓબામા લખે છે કે નવેમ્બરની એ સાંજ મનમોહન સિંહને ઘરે છોડતી વખતે તેઓ વિચારી રહ્યા હતા કે જ્યારે 78 વર્ષના વડા પ્રધાન પોતાની જવાબદારીમાંથી મુક્ત થશે ત્યારે શું થશે?
ઓબામા લખે છે, "શું મશાલ સફળતાપૂર્વક રાહુલ ગાંધી સુધી પહોંચી જશે, તેમનાં માતાએ જે નિયતિ નક્કી કરી છે એ પૂર્ણ થશે અને ભાજપે જે વિભાજનકારી રાષ્ટ્રવાદ જન્માવ્યો છે, એને હાંસિયામાં ધકેલતા કૉંગ્રેસનો દબદબો કાયમ રહેશે?"
"ખબર નહીં કેમ પણ મને શંકા હતી. આ મિસ્ટર સિંહની ભૂલ નહોતી. તેમણે પોતાની ભૂમિકા ભજવી, શીતયુદ્ધ બાદ તમામ ઉદારવાદી પ્રજાસત્તાક દેશોના રસ્તે ચાલતાં, બંધારણીય વ્યવસ્થાને કાયમ રાખતાં, રોજિંદા કામ અને હંમેશાં જીડીપીને ઉપર લાવવાની તકનીક પર કામ કરતાં સામાજિક સુરક્ષાની મર્યાદા વિસ્તારતાં."
"મારી જેમ તેઓ પણ ભરોસો કરતા આવ્યા હતા કે આપણે સૌ લોકતંત્ર પાસેથી જ આ જ આશા રાખી શકીએ. ખાસ કરીને ભારત અને અમેરિકા જેવા બહુજાતિય, બહુધાર્મિક સમાજમાં."
જોકે, ઓબામાએ જાતે જોયું કે, "હિંસા, લાલચ, ભ્રષ્ટાચાર, રાષ્ટ્રવાદ, વંશભેદ અને ધાર્મિક અસહિષ્ણુતા જેવી માનવીય લાલચ પોતાની અનિશ્ચિતતા અને નૈતિકતાને પાછળ છોડીને બીજાને નાના ગણવાની નિરર્થકતા, જેવા તમામ કારક એટલા મજબૂત છે કે કોઈ પણ લોકતંત્ર માટે આના પર કાયમી રીતે રોક લગાવવી શક્ય નથી."
"આ દરેક જગ્યાએ રાહ જુએ છે, જ્યારે પણ પ્રગતિની ગતિ ઘટે કે પછી વસતીનું સ્વરૂપ બદલે કે કોઈ કરિશ્માઈ નેતા લોકોના ડર અને અસંતોષની લહેર પર સવાર થાય છે, આ ઊભરીને ઉપર આવી જાય છે."
ઓબામાના સવાલનો જવાબ 2014માં મળ્યો જ્યારે નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની હિંદુ રાષ્ટ્રવાદી પાર્ટી ભાજપે જબરદસ્ત વિજય હાંસલ કર્યો.
ઓબામા 2015માં ફરીથી આવ્યા. ત્યારે નરેન્દ્ર મોદી વડા પ્રધાન હતા અને ઓબામા રાષ્ટ્રપતિના પદે રહેતાં બે વખત ભારતનો પ્રવાસ કરનારા અમેરિકાના પહેલા રાષ્ટ્રપતિ બન્યા.
જોકે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિનાં સંસ્મરણોનો પ્રથમ ભાગ 2011માં ઓસામા બિન લાદેનના મૃત્યુ સાથે ખતમ થઈ જાય છે.
આશા સેવાઈ રહી છે કે બીજા ભાગમાં તેઓ નરેન્દ્ર મોદીને લઈને પોતાનો મત જાહેર કરશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો