You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હિંદુ-મુસ્લિમ વિવાહ : જ્યારે મારી માતાએ કહ્યું, 'એ તને 'તલાક તલાક તલાક' કહી કાઢી મૂકશે'
- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી સંવાદદાતા
રૂપા એક હિંદુ બ્રાહ્મણ છે અને તેઓ પોતાની માતાની પહેલી પ્રતિક્રિયા વિશે વાત કરે છે, જ્યારે તેમણે માતાને જણાવ્યું હતું કે તેઓ મુસ્લિમ છોકરા રાઝી અબ્દી સાથે લગ્ન કરવા માંગે છે.
તેમની માતાએ કહ્યું હતું કે "એ તને તલાક, તલાક, તલાક કહીને હાંકી કાઢશે."
ઇસ્લામમાં ત્રિપલ તલાકની પદ્ધતિને લઈને રૂપાની માતાને ચિંતા હતી. હાલમાં ભારતમાં છૂટાછેડાની આ પદ્ધતિ અમાન્ય થઈ ગઈ છે.
રૂપા સમજાવે છે, "જ્યારે મારાં માતાપિતા રાઝીને મળ્યાં, ત્યારે તેમને ખબર પડી કે તેઓ કેટલી સારી વ્યક્તિ છે. પરિવારની બધી ગેરસમજ દૂર થઈ ગઈ."
રૂપા અને રઝાનાં લગ્નને 30 વર્ષ થયાં છે. તેમને બે પુત્રો છે. આ પરિવાર તેમના ઘરે ઈદ અને દિવાળી બંને ઊજવે છે.
જ્યારે દંપતિને પુછાયું કે આ હિંદુ નામ છે કે મુસ્લિમ?
સલમા સાથેનાં લગ્ન વિશે લખતા પત્રકાર ટી.એમ. વીરરાઘવ કહે છે કે તેમના ઘરે ધર્મ "દહીં ચોખા વિરુદ્ધ મટન બિરયાની જેટલો મહત્ત્વનો નથી"
તેઓ કહે છે, "હું શાકાહારી છું અને તે મટનનો આનંદ માણે છે અને અમારા પુત્ર અનિશને બંને વિશ્વની શ્રેષ્ઠ વસ્તુઓ મળી રહી છે. અનિશ હિંદુ છે કે મુસ્લિમ, તે એ વાત પર નિર્ભર કરે છે કે તેના ઘરે શું રસોઈ બની રહી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાજેતરની એક પોસ્ટમાં, મુસ્લિમ તનવીર એજાઝ અને તેમનાં હિંદુ પત્ની વિનીતા શર્માએ પોતાની પુત્રીનું કુહુનું નામ રાખવાની કહાણી લખી છે.
દંપતીને પૂછવામાં આવ્યું કે તે હિંદુ નામ છે કે મુસ્લિમ? અને મોટી થાય ત્યારે તેમની પુત્રી કયા ધર્મમાં વિશ્વાસ કરશે?
તનવીરે લખ્યું છે, "અમારાં હિંદુ-મુસ્લિમ લગ્ન બિનસાંપ્રદાયિકતાનો એક આદર્શ દાખલો બની શકે છે. પરંતુ, તેઓ નિરાશ છે કે તેમના પ્રેમને લવ કહેવામાં આવશે કે લવ જેહાદ."
આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આંતરજાતિ અને આંતરધર્મ લગ્નની ઘણી વાર્તાઓ છે.
કેરળની મારિયા મંઝિલ ખુલ્લા વિચાર ધરાવતાં કેથલિક પરિવારથી આવે છે. મારિયા એક માંસાહારી છે. તેમણે ઉત્તર ભારતના શાકાહારી સંદીપ જૈન સાથે લગ્ન કર્યાં છે. સંદીપનો પરિવાર રૂઢિચુસ્ત વિચારસણી ધરાવતો હતો.
પોતાનાં 22 વર્ષોના લગ્નગાળામાં જે પડકારોનો સામનો કર્યો છે, તેનું વર્ણન મારિયાએ કર્યું છે. જોકે, તેઓ માને છે કે સંદીપ જૈન સાથે લગ્ન કરવાનો તેમનો નિર્ણય એકદમ બરાબર હતો.
તેઓ લખે છે, "હું તેમનું ચોખ્ખું હૃદય, ભદ્રતા, બૌદ્ધિક સમાનતા અને મારા માટે ઊંડા પ્રેમને જોઈ ગઈ હતી. હું તેમને માત્ર એટલા માટે જ જવા દેવા માંગતી ન હતી કારણ કે તેઓ બીજા ભગવાનની ઉપાસના કરે છે અને બીજી ભાષા બોલે છે."
જ્યારે જાહેરાત પર લાગ્યા લવ જેહાદના આરોપો
ભારતમાં આંતરજાતિય અને આંતરધર્મ લગ્નના કારણે ઘર્ષણ થતાં રહે છે. સમાજમાં આવાં લગ્નોને બહુ ઓછી સ્વીકૃતિ મળે છે.
પરતું આવાં લગ્નોની ઉજવણી કરવા માટે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જ્યાં માન્યતાઓ, જાતિ, ધર્મ, વંશ અને લિંગના ભેદભાવથી ઉપર પ્રેમને મૂકવામાં આવ્યો છે.
આંતરજાતિ અને આંતરધર્મ લગ્ન કાયમ રૂઢિચુસ્ત લોકોના નિશાન પર રહ્યા છે. પરંતુ, હાલના સમયમાં સાંપ્રદાયિકતામાં વધારો થયો છે. મોટા પાયે વિરોધ થતાં ભારતીય ઝવેરાત બ્રાન્ડ તનિષ્કને હાલમાં જ પોતાની જાહેરાત પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી.
આ જાહેરાતમાં એક મુસ્લિમ પરિવારને દર્શાવવામાં આવ્યો હતો, જે તેમની હિંદુ પુત્રવધૂ માટે સીમંત સમારોહનું આયોજન કરે છે, જેને જોઈને પુત્રવધૂ બહુ ખુશ થઈ જાય છે.
કંપનીનું કહેવું હતું કે જાહેરાત દ્વારા તેમને કોમી એકતા વધારવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આ જાહેરાત સામે મોટા પાયે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
જાહેરાતનો વિરોધ કરનાર લોકોનું કહેવું હતું કે આ જાહેરાત 'લવ જેહાદ'ને પ્રોત્સાહન આપે છે. વિરોધ કરનારામાં મોટા ભાગે સાંપ્રદાયિક હિંદુ જૂથો સામેલ હતાં.
'લવ જેહાદ' શબ્દનો ઉપયોગ તે પરિસ્થિતિ માટે થાય છે કે જ્યાં મુસ્લિમ છોકરાઓ હિંદુ છોકરીઓ સાથે માત્ર એટલા માટે લગ્ન કરે છે જેથી તેમનું ઇસ્લામમાં ધર્મ પરિવર્તન કરાવી શકાય.
આ પછી તનિષ્કનો બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી અને ટ્વિટર પર આ ટ્રોપ ટ્રેન્ડ બની ગયું. વિવાદ વકરતા કંપનીએ કહ્યું કે પોતાના કર્મચારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ જાહેરાત પાછી ખેંચી લીધી છે.
'ઇન્ડિયા લવ પ્રોજેક્ટ' કઈ રીતે શરૂ થયો?
તનિષ્ક વિવાદના બે અઠવાડિયાં બાદ પત્રકાર યુગલ સમર હલરંકર અને પ્રિયા રામાણીએ તેમના પત્રકાર-લેખક મિત્ર નિલોફર વેંકટરમણ સાથે મળીને ઇન્સ્ટાગ્રામ પર 'ઇન્ડિયા લવ પ્રોજેક્ટ'હર શરૂ કર્યો.
આ પ્રોજેક્ટનું એક ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ છે જ્યાં એવાં યુગલો પોતાની વાર્તા શૅર કરે છે, જેમણે સામાજિક બંધન તોડીને પ્રેમલગ્ન કર્યાં હોય. સમર હલરંકર કહે છે કે આ ધિક્કાર ભરેલા વાતાવરણમાં આંતરધર્મ અને આંતરજાતિ પ્રેમ અને લગ્નોની ઉજવણી માટે તેમણે આ પ્રોજેક્ટ બનાવ્યો છે.
સમર હલરંકરે બીબીસીને કહ્યું, "અમે એક વર્ષથી આ પ્રોજેક્ટ વિશે વિચારી રહ્યા હતાં અને તનિષ્કની જાહેરાતના વિવાદ બાદ અમને લાગ્યું કે હવે ખરો સમય આવી ગયો છે."
"અમે આ પ્રોજેક્ટને લઈને બહુ ગંભીર હતા અને પ્રેમ અને આંતરધર્મ લગ્નો વિશે ફેલાતાં જુઠ્ઠાણાંથી ઘણાં પરેશના હતાં."
"એક ખોટી વાત ફેલાવામાં આવી રહી છે કે લગ્નમાં છેતરપિંડી થઈ રહી છે અને પ્રેમનો એક સાધન તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ અમે કોઈ પણ વ્યક્તિને ઓળખતા નથી, જેઓ આ પ્રકારની વિચારસણી ધરાવતો હોય અને જેમનો લગ્ન કરવા પાછળ પ્રેમ સિવાય અન્ય કોઈ હેતુ હોય."
તેઓ કહે છે, "ઇન્ડિયા લવ પ્રોજેક્ટ દ્વારા અમે લોકોને ફક્ત એક મંચ પૂરો પાડી રહ્યા છીએ જ્યાં તેઓ પોતાની વાર્તાઓ લોકો સમક્ષ મૂકી શકે."
દરરોજ એક પ્રેમની વાર્તા
28 ઑક્ટોબરના રોજ નીલોફર વેંકટારમણનાં પારસી માતા બક્તાવર માસ્ટર અને હિંદુ પિતા એસ. વેંકટરમણની વાર્તાથી આ પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી. હવે તેના પર દરરોજ એક નવી વાર્તા શૅર કરવામાં આવે છે.
સમર હલરંકર કહે છે કે તેમને બહુ આશ્ચર્યજનક પ્રતિસાદ મળી રહ્યા છે. તેઓ કહે છે, "દરરોજ લોકો અમારો સંપર્ક કરીને જણાવી રહ્યા છે કે તેઓ પોતાની, તેમના માતા-પિતા, નાના-નાની અને દાદા-દાદીની વાર્તા શૅર કરવા માગે છે."
"એટલા બધા લોકો આવી રહ્યા છે કે બધાને સાચવવું મુશ્કેલ બની ગયું છે. આ વાત પૂરવાર કરે છે કે ભારતમાં આંતરજાતિ અને આંતરધર્મ લગ્ન નવાં નથી. આ ઘણા લાંબા સમયથી થતું આવ્યું છે. પરતું હવે આ વિશે વાત કરવી વધારે મહત્ત્વની થઈ ગઈ છે."
ભારતમાં 90 ટકા લગ્નો ઍરેજન્ડ મેરેજ હોય છે, જેમાં પરિવારો પોતાની જાતિ અને ધર્મમાં જ સંબંધ શોધવાનો પ્રયાસ કરે છે. ભારતના હ્યુમન ડેવલપમૅન્ટના સર્વેક્ષણ અનુસાર ફક્ત પાંચ ટકા લગ્ન જ આંતરજાતિ લગ્ન હોય છે અને આંતરધર્મ લગ્ન ભાગ્યે જ થાય છે.
એક સંશોધન મુજબ આંતરધર્મ લગ્નોની ટકાવારી 2.2 ટકાની નજીક છે. જે લોકો આ હદની બહાર લગ્ન કરવાનું નક્કી કરે છે તેમને ઘણીવાર હિંસાનો ભોગ બનવો પડે છે. તેમની હત્યા પણ કરી નાંખવામાં આવે છે.
જ્યારે ધીમે ધીમે વિચારસરણી બદલવા લાગી
ભાજપ સરકારના સમયગાળા દરમિયાન તાજેતરનાં વર્ષોમાં આવાં લગ્નો સામે વધારે પ્રમાણમાં વિરોધ થયો છે. ખાસ કરીને હિંદુ છોકરી અને મુસ્લિમ છોકરાના લગ્ન પાછળનો હેતુ ખોટો છે, તેવી વાત કરવામાં આવે છે.
સમર હલરંકર કહે છે, "ફેબ્રુઆરીમાં સરકારે સંસદમાં કહ્યું હતું કે ન તો કાયદામાં 'લવ જેહાદ' નો ઉલ્લેખ છે કે ન તો સરકારી એજન્સીઓને આવો કોઈ કેસ મળ્યો છે, પરંતુ લોકોમાં આવો મત બનેલો છે."
ભૂતકાળમાં ભાજપની સરકાર હોય એવા ઓછામાં ઓછાં ચાર રાજ્યોએ આ 'સામાજિક બદી' પર કાબૂ મેળવવા કાયદો લાવવાની જાહેરાત કરી હતી."
ઇન્ડિયા લવ પ્રોજેક્ટમાં અંગત વાર્તાઓ દ્વારા 'નફરત'ની આ કલ્પનાને પડકારવામાં આવી રહી છે. તેમની વાર્તાઓને લોકો પ્રેમ અને હાસ્ય સાથે 150 શબ્દોમાં કહે છે અને જણાવે છે કે માનવર્સજીત પ્રેમમાં અવરોધ હોઈ શકે નહીં.
સમર હલરંકર કહે છે કે આ પ્રકારની વાર્તાઓ વિશ્વ અને ભારત વિશે સારો અનુભવ કરાવે છે.
તેઓ કહે છે, "આ બધી ભારતની વૈવિધ્યસભર વાસ્તવિકતાઓની સુંદર વાર્તાઓ છે. લોકો પ્રેમ કરવા માટે ઘણા જુદાજુદા રસ્તા અપનાવે છે. આ યાદ અપાવે છે કે ખરેખર ભારત શું છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો