મૉડર્ના કોરોના વૅક્સિન: 95 ટકા મળી સફળતા પણ હજી શું સવાલો બાકી?

    • લેેખક, જેમ્સ ગેલાઘર
    • પદ, સ્વાસ્થ્ય અને વિજ્ઞાન સંવાદદાતા

અમેરિકન કંપની મૉડર્નાના વૅક્સિન ટ્રાયલના ડેટાના શરૂઆતનાં પરિણામો જણાવે છે કે કોવિડ મહામારી વિરુદ્ધ સુરક્ષા આપનાર નવી વૅક્સિન 95 ટકા સુધી સફળ છે.

થોડા દિવસ પહેલાં જ દવા કંપની ફાઇઝરે પોતાની વૅક્સિન 90 ટકા લોકો પર સફળ રહેવાની જાણકારી આપી હતી.

હવે આશા છે કે આ વૅક્સિન મહામારીનો અંત કરવામાં મદદરૂપ સાબિત થશે.

મૉડર્નાનું કહેવું છે કે આ કંપની માટે એક ઐતિહાસિક દિવસ છે અને તેઓ આગામી અમુક અઠવાડિયાંમાં વૅક્સિનનો ઉપયોગ શરૂ કરવાની અનુમતિ મેળવવા જઈ રહી છે.

જોકે, વૅક્સિન વિશે હજુ સુધી શરૂઆતનો ડેટા જ ઉપલબ્ધ છે અને ઘણા મહત્ત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ મળવાનું બાકી છે.

આ વૅક્સિન કેટલી બહેતર છે?

આ ટ્રાયલ અમેરિકામાં ત્રીસ હજાર લોકો પર થઈ છે, જેમાં અડધા લોકોને ચાર અઠવાડિયાંના અંતરે વૅક્સિનના બે ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે અન્ય લોકોને ડમી ઇંજેક્શન આપવામાં આવ્યાં છે.

જે વિશ્લેષણ રજૂ કરાયું છે તે એ પહેલા 95 લોકો પર આધારિત છે જેમાં કોવિડ-19ના લક્ષણ જોવા મળ્યાં હતાં.

જે લોકોને વૅક્સિન અપાઈ હતી તે પૈકી માત્ર પાંચને સંક્રમણ થયું, જ્યારે બાકીના 90 લોકોને સંક્રમણ થયું તેમને ડમી ઇંજેક્શન આપવામાં આવ્યાં હતાં.

કંપનીનો દાવો છે કે વૅક્સિન 94.5 ટકા લોકોને વાઇરસ સામે સુરક્ષા આપે છે.

ડેટા પરથી એ વાતની પણ ખબર પડી છે કે ટ્રાયલ દરમિયાન 11 લોકોમાં કોવિડનું ગંભીર સંક્રમણ થયું. જોકે તે પૈકી કોઈ પણ એવું નહોતું જેને વૅક્સિન અપાઈ હોય.

મોડર્નાના ચીફ મેડિકલ ઑફિસર ટેલ જેક્સે બીબીસીને કહ્યું, "વૅક્સિનનો સંપૂર્ણ પ્રભાવ શાનદાર છે."

કંપનીના પ્રમુખ ડૉ. સ્ટીફન હોગે કહ્યું છે કે, "જ્યારે પરીણામો આવ્યાં ત્યારે મારા ચહેરા પર સ્મિત હતું."

તેમણે બીબીસીને જણાવ્યું કે, "મને નહોતું લાગતું કે અમારામાંથી કોઈએ વિચાર્યું હશે કે વૅક્સિન 94 ટકા કામયાબ રહેશે. આ એક આશ્ચર્યચકિત કરનાર પરિણામ છે."

ક્યારે મળશે આ વૅક્સિન?

તે એ વાત પર આધાર રાખે છે કે તમારી ઉંમર શું છે અને તમે વિશ્વના કયા ભાગમાં રહો છો.

મૉડર્નાનું કહેવું છે કે તેઓ અમેરિકામાં વૅક્સિનના ઉપયોગની અનુમતિ લેવા માટે અમુક અઠવાડિયાંમાં અરજી કરશે. કંપનીને આશા છે કે અમેરિકા માટે બે કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવી શકશે.

કંપનીને આશા છે કે સમગ્ર વિશ્વના ઉપયોગ માટે આગામી વર્ષે સો કરોડ ડોઝ તૈયાર કરી શકશે. કંપની બીજા દેશોમાં પણ અનુમતિ લેવાની તૈયારી કરી રહી છે.

બ્રિટનનું કહેવું છે કે આગામી વર્ષે માર્ચ માસ સુધી 25 લાખ લોકો માટે મૉડર્ના રસી ઉપલબ્ધ હશે.

બ્રિટને સૌથી પહેલા સૌથી મોટી ઉંમરના લોકોને રસી આપવાની યોજના પર કામ શરૂ કરી દીધું છે.

અત્યાર સુધી આપણને શું ખબર નથી?

અત્યાર સુધી આપણને એ નથી ખબર કે આ રસીને કારણે પેદા થનાર રોગપ્રતિકારક ક્ષમતા કેટલી વાર સુધી શરીરમાં રહેશે કારણ કે તેનું વિશ્લેષણ કરવા માટે સ્વયંસેવકોને લાંબા સમય સુધી ફૉલો કરવા પડશે.

એ વાતના સંકેત જરૂર મળ્યા છે કે વૅક્સિન વૃદ્ધને પણ કોવિડ-19 સામે સુરક્ષા આપી રહી છે. વૃદ્ધ આબાદી પર જ આ મહામારીનો સૌથી મોટો ખતરો છે. જોકે, તે વિશે હજુ સુધી સંપૂર્ણ ડેટા ઉપલબ્ધ નથી.

જેક્સે બીબીસીને કહ્યું કે હજુ સુધી જે ડેટા ઉપલબ્ધ છે તેના પરથી ખબર પડી છે કે વૅક્સિનનો પ્રભાવ ઉંમર સાથે ઓછો નથી થતો.

અને હજુ એ પણ ખબર નથી કે વૅક્સિન માત્ર લોકોને ગંભીરપણે બીમાર પડવાથી બચાવે છે કે તેમનાથી ફેલાતા સંક્રમણને પણ રોકી શકે છે.

અને આ પ્રશ્નોનો જવાબ વૅક્સિન ના ઉપયોગને પ્રભાવિત કરશે.

શું છે આની સાઇડ ઇફેક્ટ?

અત્યાર સુધી સુરક્ષાને લઈને મહત્ત્વપૂર્ણ ચિંતા વ્યક્ત નથી કરાઈ, પરંતુ કોઈ દવા સો ટકા સુરક્ષિત નથી, પેરાસીટામોલ પણ સો ટકા સુરક્ષિત નથી.

કેટલાક દર્દીઓમાં ઇંજેક્શન બાદ થાક, માથાનો દુખાવો અને શરીરમાં દુખાવાની ફરિયાદો જોવા મળી છે.

ઇંપીરિયલ કૉલેજ લંડનના પ્રોફેસર પીટર ઓપનશૉ જણાવે છે કે, "એક વૅક્સિન જે બહેતર રોગપ્રતિકારક શક્તિ વિકસિત કરવા માટે કામ કરે છે તેનાથી આવા પ્રભાવ જોવાની આશા અમે રાખીએ છીએ."

ફાઇઝર બાયોનટેકની તુલનામાં ક્યાં છે?

બંને વૅક્સિન શરીરમાં વાઇરસને ઇંજેક્ટ કરીને રોગપ્રતિકારક શક્તિ વિકસિત કરવાના સિદ્ધાંત પર કામ કરે છે.

બંને વૅક્સિનનો શરૂઆતનો ડેટા લગભગ સમાન છે. ફાઇઝર બાયોનડેકની વૅક્સીન 90 ટકા સુરક્ષા આપે છે જ્યારે મૉડર્નાની વૅક્સિન લગભગ 95 ટકા.

જોકે, બંને વૅક્સિનના ટ્રાયલ હજુ સુધી ચાલી રહી છે અને અંતિમ આંકડા બદલાઈ શકે છે.

પરંતુ મૉડર્નાની વૅક્સિનનું ભંડારણ કરવું સરળ લાગે છે કારણ કે તે શૂન્યથી વીસ ડિગ્રી સેલ્સિયસ નીચા તાપમાન પર સ્થિર રહી શકે છે. તેને સ્ટાન્ડર્ડ ફ્રિઝમાં મહિના સુધી અને ડીપ ફ્રિજરમાં છ મહિના સુધી રાખી શકાય છે.

ફાઇજરની વૅક્સિનને શૂન્ય કરતાં 75 ડિગ્રી સેલ્સિયસ નીચે રાખવી પડે છે અને તેને ફ્રિજમાં પાંચ દિવસ સુધી રાખી શકાય છે.

તેમજ રશિયામાં બનેલી સ્પૂતનિક વી વૅક્સિનનો શરૂઆતનો ડેટા પણ જારી થયો છે. તે લગભગ 92 ટકા સુરક્ષા આપે છે.

આ કેવી રીતે કામ કરે છે?

મોડર્નાએ RNA વૅક્સિન બનાવી છે. તેનો અર્થ એ થયો કે કોરોના વાઇરસના જેનેટિક કોડનો એક ભાગ શરીરમાં ઇંજેક્ટ કરાશે.

તે શરીરમાં વૉયરલ પ્રોટીન બનાવે છે ના કે સંપૂર્ણ વાઇરસ. આવું કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિને વાઇરસ પર હુમલો કરવાનું શીખવવામાં આવે છે.

તે કોરોના વાઇરસ સામે લડવા માટે શરીરને એન્ટિબૉડી અને રોગપ્રતિકારક શક્તિનાં તત્ત્વ ટી-સેલનું નિર્માણ કરવા શીખવશે.

ક્યારે ખતમ થશે કોરોનાની મહામારી?

એક અઠવાડિયાની અંદર ફાઈઝર, મૉડર્ના અને રશિયાની વૅક્સિન વિશે જાણકારી આપીને વાઇરસને સમાપ્ત કરવાની આશા અને સંભાવનાઓ મજબૂત થઈ છે.

આ પરિણામો પહેલાં જે વૅક્સિનની વાત કરાઈ રહી હતી તે 50 ટકા સુરક્ષા આપી રહી હતી. હવે આશાઓ વધી ચૂકી છે. ન માત્ર વૅક્સિન સંભવ છે પરંતુ તે અસરકારક પણ લાગી રહી છે.

અત્યાર સુધી જે ડેટા મળ્યો છે તેના પરથી આશા જાગૃત થઈ છે કે જે વૅક્સિન હાલ પ્રક્રિયામાં છે તે પણ સફળ નીવડશે.

એક પડકાર પૂરો થતો દેખાઈ રહ્યો છે તો બીજો સામે આવી રહ્યો છે.

સમગ્ર વિશ્વમાં અબજો લોકોને વૅક્સિન આપવી એક બહુ મોટું કામ હશે. કેટલાક વિશેષજ્ઞોને લાગે છે કે આગામી વર્ષે માર્ચ સુધી પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. તો કેટલાકને લાગે છે વિશ્વને પાટા પર લાવવા માટે હજુ આગામી વર્ષના શિયાળા સુધી રાહ જોવી પડશે.

તેનો જવાબ એ વાત પર આધાર રાખશે કે દેશ કેટલી જલદી આશાની આ રસી લોકો સુધી પહોંચાડી શકે છે.

આ વૅક્સિનને લઈને શું પ્રતિક્રિયાઓ છે?

ઇમ્પિરીયલ કૉલેજ લંડનના પ્રોફેસર પીટર ઓપનશૉ જણાવે છે કે, "મૉડર્નાના આ સમાચાર ઉત્સાહજનક છે અને તેનાથી આશા જાગૃત થઈ છે કે આગામી કેટલાક મહિનાઓમાં આપણી પાસે વૅક્સિન સારા વિકલ્પ હશે. અત્યારે આપણે પત્રકારપરિષદમાં અપાયેલ જાણકારીઓ કરતાં વધુ જાણકારીઓ જોવાની રહેશે, પરંતુ આ જાહેરાત ખૂબ જ હકારાત્મક છે."

યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડના પ્રોફેસર ટ્રૂજી લૅંગ કહે છે કે, "ગત સપ્તાહે કામયાબીની ખબર બાદ વધુ એક વૅક્સિન આવવાની આ ખબર ખૂબ જ સારી છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો