You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : ગુજરાતમાં ફરીથી લૉકડાઉન લાગુ કરવામાં આવશે? - ફૅક્ટ ચેક
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતમાં દિવાળી બાદ કોરોના વાઇરસના સંક્રમણમાં ઉછાળો આવ્યો છે. જેને પગલે સરકાર દ્વારા તકેદારીનાં પગલાં ભરાઈ રહ્યાં છે. જોકે, આના લીધે લોકોમાં રાજ્યમાં ફરીથી લૉકડાઉન લાગુ કરાશે કે એવી ચર્ચા પણ જન્મી છે.
અમદાવાદમાં વધી રહેલા કોરોના વાઇરસના કેસને જોતાં ગુરુવારે સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા શહેરમાં રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીના રાત્રીકર્ફ્યુની જાહેરાત કરવામાં આવી હતી.
આ કર્ફ્યુ 20 નવેમ્બરથી જ્યાં સુધી બીજો આદેશ ન આવે ત્યાં સુધી લાગુ કરવામાં આવ્યો છે.
મોડી રાત્રે અમદાવાદમાં 'સંપૂર્ણ કર્ફ્યુ'ની જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સાથે સંકળાયેલા અધિક મુખ્ય સચિવ ડૉક્ટર રાજીવકુમાર ગુપ્તાએ ટ્વીટ કરીને કરી હતી.
તેમણે ટ્વીટ કરી કહ્યું, "મોડી રાત્રે કોરોના વાઇરસની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને આવતી કાલ રાતે 9 વાગ્યાથી સોમવાર સવારે છ વાગ્યા સુધી 'સંપૂર્ણ કર્ફ્યુ'ની જાહેરાત કરવામાં આવી છે. આ સમય દરમિયાન, દૂધ અને દવાની દુકાન ખુલ્લી રહેશે."
અમદાવાદમાં કર્ફ્યુની જાહેરાત કરાયા પછી શહેરનાં બજારોમાં મોટા પ્રમાણમાં ભીડ ઊમટેલી જોવા મળી હતી.
અમદાવાદના પત્રકાર જનક દવેએ કાલુપુર માર્કેટનો એક વીડિયો ટ્વીટ કરીને લખ્યું છે, "અમદાવાદના કાલુપુર બજારમાં જામ, ભીડના કારણે થયો ટ્રાફિક જામ"
આ દરમિયાન શહેરમાં વધી રહેલા સંક્રમણને જોતાં લોકો મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ કરાવતા પણ નજરે પડ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમદાવાદસ્થિત બીબીબી ગુજરાતીના સંવાદદાતા સાગર પટેલના જણાવ્યા અનુસાર અમદાવાદમાં વકરી રહેલી કોરોના વાઇરસની પરિસ્થિતિને જોતાં લોકો મોટા પ્રમાણમાં પરીક્ષણો કરાવી રહ્યા છે.
સાગર પટેલ જણાવે છે, "અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા શહેરમાં મૂકવામાં આવેલાં 'ફ્રિ કોરોના ટેસ્ટિંગ બૂથ'માં હાલ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે."
"અઠવાડિયા પહેલાં આ જ બૂથો પર પાંખી હાજરી જોવા મળતી હતી."
સાગર પટેલના જણાવ્યા અનુસાર અમદાવાદમાં લોકો દ્વારા મોટા પ્રમાણમાં કરાઈ રહેલાં કોરોના ટેસ્ટિંગને પગલે બોપલ ખાતેના ટેસ્ટિંગ બૂથમાં બુધવારે બપોરે બાર વાગ્યે જ ટેસ્ટિંગ કિટનો જથ્થો ખતમ થઈ ગયો હતો.
શાળા-કૉલેજો ખોલવાનો નિર્ણય મોકૂફ રખાયો
ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળાઓ અને કૉલેજો ખોલવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી.
જે નિર્ણયને રાજ્ય સરકાર દ્વારા કોરોના વાઇરસની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવ્યો હતો.
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે "વર્તમાન પરિસ્થિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવો પડ્યો છે."
આ પહેલાં ચુડાસમાએ ગુરુવારે સવારે રાજ્યના તમામ જિલ્લા-શિક્ષણાધિકારીઓ, શાળાસંચાલકો તેમજ સરકારી-ખાનગી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાથે બેઠક કરીને શાળાઓ ખોલવા માટે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજરની જાહેરાત કરી હતી.
ગુજરાતમાં કેન્દ્રની ટીમ આવશે
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યા બીજાં રાજ્યો કરતાં વધારે હોવાથી કેન્દ્ર સરકારની હાઈ-લેવલની ટીમ ગુજરાતની મુલાકાત લેશે.
સરકારે જાહેર કરેલાં નિવેદન પ્રમાણે 'નેશનલ સેન્ટર ડિસીઝ કંટ્રોલ'ના ડૉક્ટર એસ.કે.સિંઘ ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ જે જિલ્લામાં કોરોના વાઇરસના કેસ વધારે છે તેની મુલાકાત લેશે.
ગુજરાતમાં કોરોનાના દરદીઓનો સાજા થવાનો દર 91.50 ટકા છે. જે રાષ્ટ્રીય ઍવરેજ કરતાં (93.58 ટકા) ઓછો છે.
કેન્દ્ર સરકારે દેશનાં ચાર રાજ્યો હરિયાણા, રાજસ્થાન, મણિપુર અને ગુજરાતમાં ટીમ મોકલવાનું નક્કી કર્યું છે. જેમાં ગુજરાતની સ્થિતિ વધારે ચિંતાજનક છે.
દેશમાં જ્યારે પૉઝિટિવીટી રેટ સાત ટકા છે ત્યારે ગુજરાતમાં પૉઝિટિવીટી દર 3.1 ટકા છે. જ્યારે હરિયાણામાં 6.8 ટકા, રાજસ્થાનમાં 6.3 ટકા અને મણિપુરમાં 6.4 ટકા છે.
અમદાવાદમાં કર્ફ્યુ કેમ?
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને પોતાની પ્રેસ નોટમાં કર્ફ્યુનું કારણ જણાવતા લખ્યું છે :
"દિવાળીનો તહેવાર લોકોએ આનંદથી ઉજવ્યો છે. ખરીદી માટે બજારોમાં ખૂબ જ ભીડ જોવા મળી. હરવા-ફરવાની જગ્યાઓમાં બહુ મોટી સંખ્યામાં લોકો ગયા. શિયાળાની ઋતુનો પ્રારંભ થયો. આ બધાના કારણે કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી હતી."
અમદાવાદમાં કૉર્પોરેશનના હદ વિસ્તારમાં ગત નવમી તારીખે 169 કેસ નોંધાયા હતા.
જ્યારે 19 નવેમ્બરે તે કેસની સંખ્યા વધીને 230એ પહોંચી હતી.
અમદાવાદમાં 18 નવેમ્બરે 218 કેસ નોંધાયા હતા. આ પહેલાં 17 નવેમ્બરે 210 કેસ નોંધાયા હતા. આમ અમદાવાદમાં કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે.
અમદાવાદ કૉર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન અમૂલ ભટ્ટે બુધવારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું :
"જે પ્રમાણે દિવાળી દરમિયાન તહેવાર અને ખરીદી માટે જે ભીડ જોવા મળી એને લીધે કોરોનાનો થોડો વ્યાપ વધ્યો છે. અમદાવાદના કોઈ ચોક્કસ વિસ્તારમાં નહીં પણ દરેક વિસ્તારમાં કોરોનાના કેસ જોવા મળ્યા છે."
લૉકડાઉનને લઈને વિજય રૂપાણીએ શું કહ્યું?
ગુજરાતમાં વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણને પગલે અમદાવાદમાં લદાયેલા કર્ફ્યુ બાદ ગુજરાતમાં ફરીથી લૉકડાઉન કરાશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
જોકે, આવી ચર્ચાઓનો છેડ ઉડાડી દેતાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં લૉકડાઉન કરવાનો કોઈ જ વિચાર ન હોવાની વાત કરી છે.
પત્રકારો સાથેની વાતચીતમાં રૂપાણીએ જણાવ્યું, "લૉકડાઉનની કોઈ જ વાત નથી. સાવચેતીનાં પગલાં રૂપે વિકૅન્ડ દરમિયાન અમદાવાદ પૂરતો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે."
જોકે, તેમણે એમ પણ કહ્યું કે "સૌએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું. માસ્ક ન પહેરનાર વિરુદ્ધ દંડની જોગવાઈનું પાલન કરાવવાના પણ આદેશ આપી દેવાયા છે."
મુખ્ય મંત્રીએ એવી પણ આશા વ્યક્ત કરી કે "100 ટકા લોકો માસ્ક પહેરે, ભીડ ન થાય એનું ધ્યાન રાખે, હાથને સતત સૅનિટાઇઝ કરવામાં આવે તો ચોક્કસથી કોરોનાને હરાવી દઈશું"
કેસ વધવાની આશંકા વ્યક્ત કરાઈ હતી
તહેવાર દરમિયાન દરદીઓને ફોનકૉલ પર તબીબી સેવા આપી રહેલા અમદાવાદનાં કુબેરનગર વિસ્તારનાં ડૉ. મનોજ કોડવાણીએ બીબીસીને જણાવ્યું હતું કે, "તહેવાર છે ત્યારે લોકો ખરીદી વગેરે માટે બહાર નીકળ્યા છે. સાથે જ ઠંડી પણ શરૂ થઈ ગઈ છે. આને લીધે કેસ પણ વધી રહ્યા છે."
"દસેક દિવસ અગાઉ પંદરેક દરદી મારે ત્યાં તપાસ માટે આવતા હતા. એની સંખ્યા હવે બમણી થઈ ગઈ છે. ચિકનગુનિયા તેમજ કોરોનાના શંકાસ્પદ દરદીની સંખ્યા વધુ જોવા મળે છે."
મનોજ કોડવાણીએ દિવાળી બાદ કેસ વધવાની ભીતી પણ વ્યક્ત કરી હતી.
દિવાળી અગાઉ 'અમદાવાદ હૉસ્પિટલ્સ ઍન્ડ નર્સિંગ હોમ્સ ઍસોસિયેશન'ના પ્રમુખ ડૉ. ભરત ગઢવી લોકોની બેદરકારીને અમદાવાદ શહેરમાં વધતા જતા કેસોનું મુખ્ય કારણ ગણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું "આગામી તહેવારોની સિઝનને કારણે અમદાવાદનાં બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ભીડવાળા વિસ્તારોમાં લોકો જાણે કોરોનાનું અસ્તિત્વ મટી ગયું હોય એમ વર્તી રહ્યા છે."
ડૉક્ટર ગઢવીએ જણાવ્યું હતું, "લોકો ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવાને બદલે તેનાથી સાવ ઊલટું વર્તી રહ્યા છે. આ વલણ કોરોનાની પરિસ્થિતિ માટે ખતરનાક સાબિત થઈ શકે છે."
અમદાવાદની હૉસ્પિટલોમાં બેડની સ્થિતિ
અમદાવાદના રસ્તાઓ પર ફરતી ઍમ્બ્યુલન્સની સંખ્યાઓ વધી રહી છે.
દિવાળી પહેલાં રસ્તાઓ પર ઍમ્બ્યુલન્સ ઓછી જોવા મળતી હતી. પરંતુ દિવાળી બાદ તેની સંખ્યામાં વધારો થયો છે.
ગુરુવારે ઇન્ડિયન એક્સપ્રેસે સિવિલ હૉસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર સંજય કપાડિયાને ટાંકીને લખ્યું હતું કે "અમદાવાદમાં ગંભીર સ્થિતિવાળા દરદીઓની સંખ્યા વધવાના કારણે 229 આઇસીયુ બેડ ભરાઈ ગયાં છે."
તેઓએ કહ્યું હતું કે દરદીઓ વધવાના કારણે સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરાતો નથી કારણ કે માણસો કામ કરવા માટે ખૂટી પડે છે.
એક બીજા સિનિયર ડૉક્ટરે "100થી વધારે કોરોના વાઇરસના દરદી રોજ દાખલ" થઈ રહ્યા હોવાની વાત કરી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને દરદીઓની સંખ્યા વધતા અસારવા સિવિલ કૅમ્પસમાં આવેલ કૅન્સર હૉસ્પિટલ અને કિડની હૉસ્પિટલમાં 400 બેડ અને સોલા સિવિલ હૉસ્પિટલમાં પણ 400 વધારે બેડની વ્યવસ્થા કરી હોવાની જાહેરાત કરી હતી.
સાબરમતી, ચાંદખેડા અને મોટેરા વિસ્તારમાં આવતા કેસ માટે ગાંધીનગર હૉસ્પિટલમાં 100થી વધુ પથારીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ અમદાવાદમાં 900 પથારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો