એ મુસ્લિમ મહિલાની કહાણી જે હિંદુ દંપતીનું દુઃખ જોઈ સરોગેટ માતા બન્યાં

    • લેેખક, ઋષિ બેનરજી
    • પદ, બીબીસી ગુજરાતી

"મને હિંદુ ધર્મ વિશે કોઈ માહિતી નહોતી અને ગર્ભમાં રહેલા બાળકને હિંદુ સંસ્કાર મળે તે માટે હું યૂટ્યૂબ અને ગુગલ પર સર્ચ કરીને હિંદુ ધર્મ વિશે માહિતી મેળવતી અને ભજનો સાંભળતી હતી. સારી રીતે સુવાવડ થાય તે માટે મેં માનતા પણ રાખી હતી."

"હિંદુ ધર્મ પાળનાર દંપતીનું બાળકને જન્મથી સારા સંસ્કાર મળે એટલા માટે હું મોબાઈલમાં ગીતાના શ્લોકો વાંચતી અને સાંભળતી હતી. નવ મહિના દરમિયાન મેં માત્ર શાકાહારી ભોજન લીધું છે. હું બાળક માટે દરરોજ પ્રાર્થના કરતી હતી."

આ શબ્દો રાજકોટમાં રહેતાં અફસાના (બદલાવેલું નામ)ના છે, જેઓ હિંદુ દંપતી માટે સરોગેટ માતા બન્યાં છે. 20 નવેમ્બર રોજ બાળકના જન્મને ત્રણ મહિના થઈ જશે.

ગજેન્દ્ર સિંહ અને તેમનાં પત્ની આરતી સિંહ માટે અફસાનાએ સરોગસી થકી પુત્રને જન્મ આપ્યો છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં અફસાના જણાવે છે કે, "જ્યારે ડૉક્ટર ભાવેશ વિઠલાણીએ મને દંપતી વિશે જણાવ્યું અને કહ્યું કે તેમના 19 વર્ષના પુત્રનું મૃત્યુ થયું છે ત્યારે મને બહુ દુઃખ થયું હતું. "

"તેમણે મને કહ્યું કે ગજેન્દ્ર સિંહ અને તેમનાં પત્નીને બાળકની ઇચ્છા છે અને તે માટે એક સરોગેટ માતાની જરૂર છે, મેં ખુશી-ખુશી હા પાડી દીધી."

"દંપતીને ફરીથી બાળકનું સુખ મળે માત્ર એટલા માટે હું સરોગસી માટે તૈયાર થઈ. મેં પૈસા અથવા બીજી કોઈ વસ્તુ માટે આ કામ કર્યું નથી. હું કોઈના જીવનમાં ખુશી લાવી શકી, એ વાતનો મને આનંદ છે."

પુત્રના મૃત્યુ બાદ ફરી માતાપિતા બનવાનું નક્કી કર્યું

અફસાના અને સિંહ દંપતીના ડૉક્ટર ભાવેશ વિઠ્ઠલાણી બીબીસી ગુજરાતીને કહે છે, "અફસાના જે દંપતી માટે સરોગેટ માતા બન્યાં છે, તેમની ઉંમર 50 વર્ષની નજીક છે. બાળકનાં પિતા ભારતીય સૈન્યની 16 બિહાર રેજિમૅન્ટમાં હતા અને હવે નિવૃત્ત થઈ ગયા છે."

"તેમના પુત્રને બલ્ડ કૅન્સરની બીમારી હતી અને 2019માં 19 વર્ષના વયે મૃત્યુ નીપજ્યું હતું. પુત્રના મૃત્યુ બાદ તેમને ફરી માતા-પિતા બનવાનું નક્કી કર્યું હતું."

"જુલાઈ 2019માં તેઓ મારી પાસે આવ્યાં હતાં. મહિલાની ઉંમર વધુ હોવાથી જોખમ વધારે હતું પણ તેમ છતાં મેં સારવાર શરૂ કરી."

'ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન' (આઈવીએફ) દ્વારા મહિલાને ગર્ભ રહ્યો પરતું ઑક્ટોબર 2019માં તેમને કસુવાવડ થઈ ગઈ.

"દીકરાના મૃત્યુ બાદ મહિલા માનસિક રીતે પડી ભાંગ્યાં હતાં અને એટલા માટે તેમની કસુવાવડ થઈ ગઈ. મહિલા માનસિક રીતે બીજીવાર આઈવીએફ માટે તૈયાર નહોતાં અને એટલા માટે સરોગસી દ્વારા દંપતીની ઇચ્છા પૂર્ણ કરવાનું નક્કી કર્યું."

ડૉક્ટર વિઠ્ઠલાણી કહે છે કે અફસાના તેમની હૉસ્પિટલમાં સારવાર માટે આવ્યાં હતાં.

તેમણે જ્યારે દંપતી વિશે અફસાનાને જણાવ્યું અને સરોગેટ માતા બનવા વિશે પૂછ્યું તો તેમને તરત હા પાડી દીધી.

"અફસાનાએ પળનો પણ વિલંબ કર્યા વગર કહ્યું કે તે દંપતીની મદદ કરવા માટે તૈયાર છે."

"અફસાનાના પરિવારના સભ્યો અને દંપતીની એક-બીજા સાથે મુલાકાત કરાવ્યા બાદ અમે આગળ વધવાનું નક્કી કર્યું. ડિસેમ્બર 2019માં અમે ભ્રૂણને અફસાનાને ગર્ભમાં મૂકી દીધો."

'પોતાના બાળકની જેમ સંભાળ લીધી'

રાજકોટમાં રહેતાં અફસાના ઘરની જવાબદારી સાચવવાની સાથેસાથ પરિવારની આર્થિક રીતે મદદ કરવા માટે 15 વર્ષથી સિલાઈનું કામ પણ કરે છે.

સરોગેટ માતા બન્યાં બાદ તેમની જવાબદારીઓ વધી ગઈ હતી પરતું તેમ છતાં તેઓ મક્કમ રહ્યાં અને બધાં કામો સમયસર પુર્ણ કરતાં રહ્યાં.

તેઓ જણાવે છે, "હું ડૉક્ટરનાં સૂચનોનું ચુસ્ત રીતે પાલન કરતી હતી અને એવું કોઈ પણ કામ કરતી નહોતી, જેનાથી ગર્ભમાં ઊછરી રહેલા બાળકને કોઈ તકલીફ થાય. "

"નવ મહિના દરમિયાન ભોજન, દવાઓ અને દરેક ટેસ્ટની પૂરતી કાળજી લીધી છે."

35 વર્ષનાં અફસાના એક બાળકનાં માતા છે અને તેમને પોતાનું ધ્યાન રાખવાની સાથોસાથ પરિવારનું પણ ધ્યાન રાખવાનું હતું.

ડૉ. વિઠ્ઠલાણી કહે છે, "અફસાનાએ સગી માતાની જેમ ગર્ભમાં ઊછરી રહેલા બાળકની સંભાળ રાખી હતી."

"તેમણે ખાવા-પીવામાં બહુ કાળજી રાખી હતી જેના કારણે એકદમ સ્વસ્થ બાળકનો જન્મ થયો છે. "

"આ અમારા માટે પણ સુખદ આશ્ચર્ય છે. દંપતીનું પણ કહેવું છે કે અફસાનાએ જે પ્રકારે કાળજી લીધી છે તે તેમના માટે પણ અશક્ય હતી."

ગજેન્દ્ર સિંહ કહે છે, "અફસાના એટલી સારી રીતે દરેક વાતની કાળજી લેતાં કે અમને પણ નવાઈ લાગતી હતી. અમારા માટે જે કઈ પણ કર્યું છે, તે માટે હું તેમનો આભારી છું. તેમના કારણે આજે અમારા ઘરે પારણું બંધાયું છે."

'દેશની સેવા કરનારી વ્યક્તિ માટે મારે કંઈક કરવું હતું'

અફસાના જણાવે છે, "જ્યારે ખબર પડી કે બાળકના પિતા ભારતીય સેનામાં હતા તો મને વિચાર આવ્યો કે દેશની સેવા કરનારી વ્યક્તિ માટે કંઈક કરવું છે. "

"દેશની સેવા કરતી વખતે એક સૈનિક નથી વિચારતો કે તે ક્યા ધર્મના લોકો માટે પોતાનું બલિદાન આપી રહ્યો છે."

"ત્યારે મારું માનવું છે કે આવા લોકોની સેવા કરવી જોઈએ. માનવતા ખાતર મેં આ કામ કર્યું છે અને માનવતામાં ધર્મ અને જાતિ જેવું કંઈ હોતું નથી."

અફસાના જણાવે છે કે હજુ પણ સમાજની રૂઢીઓને કારણે તેઓ બધાને આ વિશે જણાવી શક્યાં નથી. જોકે, તેમના પરિવારના અમુક લોકો આ વિશે ચોક્કસથી જાણે છે.

"શરૂઆતમાં જ્યારે પરિવારના સભ્યોને મારા નિર્ણય વિશે ખબર પડી ત્યારે બધાએ વાંધો લીધો હતો પરતું હું મક્કમ હતી. એટલે તેઓ માની ગયા."

"માનવતામાં વિશ્વાસ કરનાર કોઈ પણ વ્યક્તિ બીજા વ્યક્તિની મદદ કરશે અને મેં પણ તે કર્યું છે. ડૉક્ટરે જ્યારે જણાવ્યું કે દંપતીનો જુવાનજોધ પુત્ર મૃત્યુ પામ્યો છે, ત્યારે મને લાગ્યું કે તેમની મદદ કરવી જોઈએ. આજે પરિવારના સભ્યોને પણ લાગે છે કે મારો નિર્ણય એકદમ બરાબર હતો."

'હિંદુ-મુસ્લિમ એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ'

બીબીસી ગુજરાતીને ગજેન્દ્ર સિંહ જણાવે છે, "કોઈ મુસ્લિમ મહિલા માત્ર હિંદુ દંપતીની મદદ કરવા માટે સરોગેટ માતા બને અને હિંદુ ધર્મના પુસ્તકો વાંચે અને ભજન સાંભળે, એ જવલ્લે જોવા મળતી ઘટના છે. "

"અફસાના આજના સમયમાં હિદું-મુસ્લિમ એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને સમાજ માટે દાખલારૂપ છે."

"મેં ક્યારેય વિચાર નહોતો કર્યો કે અફસાના જેવાં મહિલા અમારા જીવનમાં પ્રવેશ કરશે અને તેમના કારણે અમારા ઘરમાં પારણું બંધાશે."

"હજુ સુધી મેં મારા પુત્રનું નામકરણ કર્યું નથી. હું એવું નામ પસંદ કરીશ, જેમાં હિંદુ-મુસ્લિમ એકતાનાં દર્શન થતાં હોય."

ગજેન્દ્ર સિંહ કહે છે કે તેઓ પોતાના પુત્રને ભારતીય સૈન્યમાં મોકલશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો