સોમાલિયામાં દુકાળ : 40 વર્ષમાં એવો ભયંકર દુકાળ પડ્યો કે બાળકો મરવા પડ્યાં

  • આફ્રિકાનો દેશ સોમાલિયા છેલ્લાં ચાર વર્ષથી દુકાળનો સામનો કરી રહ્યો છે અને એને પરિણામે બાળકો કુપોષણનો ભોગ બની ગયાં છે.
  • નિષ્ણાતોના મતે સોમાલિયા માટે આ પાછલાં 40 વર્ષનો સૌથી કપરો અને ખરાબ દુષ્કાળ છે.
  • એક અંદાજ પ્રમાણે હાલની પરિસ્થિતિ અનુસાર 14 લાખ બાળકો કુપોષિત રહી જવાનો ભય ઊભો થયો છે.

ગરીબીનો માર વેઠી રહેલ આફ્રિકન દેશ સોમાલિયા પાછલાં ચાર વર્ષથી કુદરતના કોપનો પણ સામનો કરી રહ્યો છે.

પાછલાં ચાર વર્ષથી પૂર્વ આફ્રિકામાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે. પાણીની અછતના કારણે દેશના ગરીબોની પરિસ્થિતિ વધુ દયનીય બની ગઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.

દુષ્કાળથી ત્રસ્ત નાગરિકો પોતાનાં ઘરો છોડી રાહત કૅમ્પોમાં જવા મજબૂર બન્યા છે.

પાણી અને ખોરાકની શોધ અને દુષ્કાળમાં કપરું જીવન જાણે અહીંના નાગરિકો માટે રોજની બાબત બની ગઈ છે.

ઘણાં સ્થળોએથી આખા આખા પરિવારો પાણી અને ખોરાકની શોધમાં દક્ષિણ તરફ ડોલોમાં આવેલા કૅમ્પમાં જઈ રહ્યા છે.

નિષ્ણાતોના મતે સોમાલિયા માટે આ પાછલાં 40 વર્ષનો સૌથી કપરો અને ખરાબ દુષ્કાળ છે.

સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ છે કે રાહત અને બચાવનું કામ ચાલુ રખાયું હોવા છતાં લાખો બાળકોને પૂરતો પોષણક્ષમ આહાર ન મળવાનો ભય છે. તાજેતરના અંદાજ પ્રમાણે હાલની પરિસ્થિતિ અનુસાર 14 લાખ બાળકો કુપોષિત રહી જવાનો ભય ઊભો થયો છે.

જે બાળકો અગાઉથી સ્વાસ્થ્યસંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે તેમને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

જોકે, તેમાં પણ મુશ્કેલી પેદા થઈ રહી છે. કારણે કે મોટી સંખ્યામાં બાળકો દાખલ થવાના કારણે હૉસ્પિટલમાં પથારીઓની અછત સર્જાઈ છે.

રશિયા-યુક્રેન યુદ્ધ અસર છેક સોમાલિયા સુધી?

આવા જ બાળકનાં માતા છે હમદી નૂર મહમદ. જેઓ બીમારીમાં સપડાયેલ તેમના બાળકના ઇલાજ માટે મોગાદિશુની બાનાદિર હૉસ્પિટલના ખાસ વોર્ડમાં આવ્યાં છે.

પરંતુ દુર્ભાગ્યે આ હૉસ્પિટલમાં પથારી ખાલી નથી. પથારી ખાલી ન થાય ત્યાં સુધી તેમને રાહ જોવાનું કહેવાયું છે.

હમદી નૂર મહમદ પોતાના બાળકની આવી પરિસ્થિતિના કારણ અંગે વાત કરતાં જણાવે છે કે, "જો અમે ખેતર ખેડીને ખેતી કરી શક્યાં હોત તો પૂરતા પ્રમાણમાં ભોજનની વ્યવસ્થા થવાની આશા હતી. પરંતુ હવે અમે ભોજન ક્યાંથી લાવીએ?"

એવું કહેવાઈ રહ્યું છે કે સોમાલિયામાં સર્જાયેલ આપત્તિનું એક કારણ પાછલા 100 કરતાં વધુ દિવસથી ચાલી રહેલ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ પણ છે.

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ચાલુ રાહત અને સહાયના કામને નકારાત્મક અસર પહોંચી છે. નિષ્ણાતોનું માનવું છે કે સોમાલિયાની પરિસ્થિતિ સુધારવા માટે વધુ સહાયની તાત્કાલિક જરૂરિયાત છે.

પુરવઠો ખૂબ જ ઓછો છે, સોમાલિયાની જરૂરરિયાતની સામે માત્ર 15 ટકા જ ફંડ આવ્યું છે.

હમદી જણાવે છે, "દિવસે ને દિવસે જરૂરિયાત વધી રહી છે. મને લાગે છે કે આ ખૂબ જ ચિંતાની વાતે છે, આપણે એક મોટા જોખમ તરફ આગળ વધી રહ્યા છે."

"જો આર્થિક સહાય નહીં મળે તો ખૂબ જ કપરી સ્થિતિ સર્જાશે."

લાખો લોકોનાં મૃત્યુની આશંકા

સોમાલિયાની સમસ્યા અને આ પરિસ્થિતિના નિવારણ અંગે વાત કરતાં પૂર્વ આફ્રિકાના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામનાં ડેપ્યુટી ડિરેક્ટર રુકિયા યાકૂબ જણાવે છે કે, "સોમાલિયામાં સર્જાયેલા સંકટને પહોંચી વળવા માટે જેટલી સહાય અને ફંડની જરૂરિયાત છે તેની સરખામણીમાં 15 ટકા જ ફંડ મળ્યું છે. તમામ વસ્તુઓનો પુરવઠો ખૂબ ઓછો છે."

"મારા અનુભવના આધારે મને લાગે છે કે આ ખૂબ જ ચિંતામાં મૂકે તેવી વાત છે. આપણે એક ખૂબ મોટા જોખમ તરફ આગળ વધી રહ્યા છીએ. જો તાત્કાલિક ધોરણે વધુ આર્થિક સહાયની જોગવાઈ નહીં કરાય તો આપણે ખૂબ કપરી પરિસ્થિતિમાં મુકાઈ જઈશું."

સોમાલિયાનાં ઘણાં બાળકો હાલ કુપોષણ સામે ઝઝૂમી રહ્યાં છે. પરંતુ કેટલાંક બાળકો કુપોષણ અને ભૂખ સામેનો જંગ ગુમાવી બેઠાં છે.

આવી જ એક બાળકી હતી ફરદોસા. જેઓ દુષ્કાળનો ભોગ બન્યાં.

ફરદોસાનાં દાદી અબ્દિયો મહમદ અલી ફરદોસાની આખરી પળો અને તેમાં આ નાનકડી બાળકીએ ભોગવવી પડેલી યાતના વિશે વાત કરતાં જણાવે છે કે, "ફરદોસા આખી રાત રિબાતી રહી. ભૂખ અને બીમારી સામે લડતાં લડતાં આખરે સવારે તે મૃત્યુ પામી."

"જો આ દુષ્કાળ ન પડ્યો હોત અને જો મારી પાસે પશુઓ હોત તો મારી પૌત્રી હજુ જીવતી હોત. હું તેને ન બચાવી શકી. કારણ કે મારી પાસે તેને બચાવવા માટેનાં સંસાધનો જ નહોતાં."

વર્ષ 2021ના ઑક્ટોબર માસ બાદ આ વિસ્તારમાંથી સાડા સાત લાખ લોકો સ્થળાંતર કરી ચૂક્યા છે. જો દુષ્કાળ હજુ વધુ લંબાશે તો ન માત્ર સ્થળાંતર ચાલુ રહેશે પરંતુ વધુ લોકોનાં મૃત્યુ થવાની પણ આશંકા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો