You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું પુતિને ઇસ્લામ અને મહમદ પયગંબર મુદ્દે ભારતને સલાહ આપી?
- લેેખક, પ્રશાંત શર્મા
- પદ, બીબીસી ડિસઇન્ફૉર્મેશન યુનિટ
પયગંબર મહમદ વિશે ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણીઓ અંગે મુસ્લિમ દેશો સતત આપત્તિ વ્યક્ત કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પ્રમાણે હવે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણે ભારત સરકારને પયગંબર મહમદ અંગે કરાયેલી વિવાદિત ટિપ્પણી મામલે નારાજગી વ્યક્ત કરી છે.
પાછલા 24 કલાકમાં ભારત અને આરબ દેશોના સોશિયલ મીડિયા પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના હવાલાથી એક નિવેદન વાઇરલ થઈ રહ્યું છે.
જે અનુસાર પુતિને ગત ગુરુવારે પોતાની વાર્ષિક પ્રેસ-કૉન્ફરન્સ દરમિયાન ભારતને સલાહ આપતાં કહ્યું છે કે, "પયગંબર મહમદનું અપમાન ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે અને ઇસ્લામને માનનારા લોકોની પવિત્ર ભાવનાઓને ઠેસ પહોંચાડે છે."
ટ્વિટર અને ફેસબુક જેવાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર જે તસવીર વાઇરલ થઈ રહી છે તેમાં પુતિન અને સાઉદી કિંગ સલમાનને એકસાથે જોઈ શકાય છે.
આ તસવીરમાં નીચેની તરફ રાષ્ટ્રપતિ પુતિનના હવાલાથી પયગંબર મહમદ અને ઇસ્લામ પર અપાયેલું નિવેદન છે, જેને અમુક યૂઝર પુતિનના ભારત અંગેના નિવેદન તરીકે શૅર કરી રહ્યા છે.
વાઇરલ થઈ રહેલી પોસ્ટ ભારત અને આરબ દેશોમાં સોશિયલ મીડિયાનાં અલગ-અલગ પ્લૅટફૉર્મ પર અત્યાર સુધી 50 હજાર કરતાં વધુ વખત શૅર કરાઈ છે.
શૅર કરનારમાં તામિલનાડુ કૉંગ્રેસ અને તેના નેતા પણ સામેલ છે.
બીબીસીએ જ્યારે આ મામલા અંગે તપાસ કરી ત્યારે ખબર પડી કે વાઇરલ થઈ રહેલ તસવીર અને તેની સાથે કરાઈ રહેલ દાવા ભ્રામક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું છે સમગ્ર મામલો?
ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ એક ટીવી ડિબેટ શોમાં પયગંબર મહમદને લઈને વિવાદાસ્પદ ટિપ્પ્ણી કરી હતી. જેના વિરોધમાં દેશના મુસ્લિમ સમુદાય તરફથી વિરોધપ્રદર્શન ચાલુ હતું.
આ વિરોધપ્રદર્શનની કડીમાં 4 જૂનની સાંજે ઘણા આરબ દેશોના સોશિયલ મીડિયા પર પણ પયગંબર મહમદ અને નૂપુર શર્મા વિવાદને લઈને ત્યાંના આક્રોશમાં આવેલા લોકોએ આરબ દેશોમાંથી ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની ચળવળ ચાલુ કરી દીધી.
આ કડીમાં સોશિયલ મીડિયા પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને સાઉદી કિંગ સલમાનની એક જૂની તસવીર અને તેની સાથે પુતિનના હવાલાથી અપાયેલ નિવેદન વાઇરલ થવા લાગ્યું. જેને સોશિયલ મીડિયા પર એવી રીતે પ્રસ્તુત કરાઈ રહ્યું છે કે જાણે પુતિને પયગંબર મહમદ અને નૂપુર શર્મા વિવાદને લઈને મુસ્લિમ દેશોનો સાથ આપતાં ભારતની નિંદા કરી હોય.
પુતિને ઇસ્લામ અંગે શું કહ્યું અને ક્યારે?
મીડિયા રિપોર્ટ પ્રમાણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગત વર્ષે 23 સપ્ટેમ્બર 2021ના રોજ પોતાની વાર્ષિક પ્રેસ-કૉન્ફરન્સમાં ફ્રાન્સના ચાર્લી હેબ્દો અને ઇસ્લામ વિવાદના સંદર્ભે નિવેદન આપતાં કહ્યું હતું કે "પયગંબર મહમદનું અપમાન ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે અને ઇસ્લામમાં શ્રદ્ધા રાખનાર લોકોની પવિત્ર ભાવનાને ઠેસ પહોંચાડે છે."
રાષ્ટ્રપતિ પુતિનનું વાઇરલ થઈ રહેલ નિવેદન ફ્રાન્સમાં ઇસ્લામ અને ચાર્લી હેબ્દો વચ્ચે સર્જાયેલા વિવાદને લઈને અપાયું હતું. જેનું ભારતના હાલના વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને નૂપુર શર્મા અને પયગંબર મહમદના વિવાદ પર હજુ સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપી.
સાઉદી કિંગ સલમાન સાથે જૂની તસવીર
પુતિન અને સાઉદી કિંગ સલમાનની જે તસવીર જે દાવા સાથે શૅર કરાઈ રહી છે, ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચથી ખબર પડે છે કે આ તસવીર વર્ષ 2019ની છે જ્યારે ઑક્ટોબર માસમાં રશિયાના રાષ્ટ્રપતિ સાઉદી અરેબિયાના પ્રવાસ પર હતા.
બીબીસીની તપાસમાં અમને વાઇરલ થઈ રહેલ ફોટો અને તેની સાથે કરાઈ રહેલ દાવા, બંને ભ્રામક હોવાની ખબર પડી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો