You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તાલિબાન કેમ ઇચ્છે છે કે ભારત તેની સેનાને તાલીમ આપે?
- લેેખક, મિર્ઝા એબી બેગ
- પદ, બીબીસી ઉર્દૂ, દિલ્હી
તાલિબાનના સંરક્ષણમંત્રી મુલ્લા યાકુબે કહ્યું કે તેમને ભારત સાથે સંરક્ષણ સંબંધો સ્થાપવામાં કોઈ તકલીફ નથી, પરંતુ તેમણે એ વાત પર જોર આપ્યું કે પહેલા બંને દેશો વચ્ચે રાજનૈતિક સંબંધો સ્થાપિત થવા જોઈએ.
તેમણે ભારતીય ટીવી સીએનએન ન્યૂઝ-18 સાથે વાત કરતાં કહ્યું, "જો બંને સરકારો વચ્ચે સંબંધો સામાન્ય થઈ જાય તો તાલિબાન અફઘાન સુરક્ષાબળોને પ્રશિક્ષણ માટે ભારત મોકલવા તૈયાર છે."
મુલ્લા યાકુબે ભારત સરકાર પાસે માગ મૂકી છે કે તેઓ કાબુલમાં પોતાનું દૂતાવાસ શરૂ કરે અને તાલિબાનના રાજદૂતને દિલ્હીમાં અફઘાન દૂતાવાસ સંભાળવાની અનુમતિ આપે.
સંરક્ષણમંત્રીએ કહ્યું કે જો ભારત પોતાના દૂતાવાસના કર્મચારીઓને અફઘાનિસ્તાન પાછા મોકલે તો તાલિબાન તમામ પ્રકારની સુરક્ષા ગૅરન્ટી આપવા તૈયાર છે. આ પહેલાં તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીને પણ દોહામાં આ વાત કરી હતી.
સીએનએન ન્યૂઝ 18ને આપેલા ઇન્ટરવ્યૂમાં મુલ્લા યાકુબે આ વાતનું પુનરાવર્તન કર્યું હતું કે તાલિબાન સરકાર ભારત સહિત વિશ્વમાં તમામ દેશો સાથે સારા સંબંધ ઈચ્છે છે.
તાલિબાનના સંરક્ષણમંત્રીના આ નિવેદન વિશે બીબીસી મૉનિટરિંગના અફઘાન મામલાના વિશેષજ્ઞ તારિક અતા સાથે વાત કરી.
તેમનું કહેવું છે કે તાલિબાન અને અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ ખરાબ છે. ત્યાં આર્થિક ગતિવિધિઓ લગભગ ઠપ થઈ ગઈ છે.
અત્યાર સુધી તેમને સંયુક્ત રાષ્ટ્ર તરફથી માન્યતા મળી નથી. જેથી તેઓ પાકિસ્તાન સહિત વિશ્વના તમામ મુસ્લિમ દેશોથી અપીલ કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અફઘાન સુરક્ષાબળોને ટ્રેનિંગ આપી ચૂક્યું છે ભારત
તાલિબાન સમર્થક પક્ષોએ તાલિબાન સરકારને માન્યતા આપવા માટે ઇસ્લામિક દેશોના સંગઠન ઓઆઈસીને તાલિબાનને સ્વીકૃતિ આપવા અપીલ પણ કરી છે, જેથી અફઘાનિસ્તાનમાં આર્થિક ગતિવિધિ શરૂ થઈ શકે.
તારિક અતાએ કહ્યું, "જ્યાં સુધી સુરક્ષાબળોને પ્રશિક્ષણ આપવાની વાત છે તો તે એક મોટી વાત હશે, કારણ કે તે પાકિસ્તાનને બિલકુલ મંજૂર નહીં હોય. તેમણે કહ્યું કે ટેકનિકલ પ્રશિક્ષણ તો તાલિબાન પહેલાં પણ આપતું હતું પરંતુ ઔપચારિક રીતે સુરક્ષાબળોની ટ્રેનિંગ કંઇક વધારે જ થઈ જાય છે અને આ તાલિબાન તરફથી કહેવામાં આવે તે ચોંકાવનારી બાબત છે."
તારિક અતાનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં ભારત અને પાકિસ્તાન બંનેના સમર્થકોના અલગ-અલગ જૂથ છે.
ભારત તરફથી પહેલી વખત ઔપચારિક રીતે કોઈ પ્રતિનિધિમંડળ તાલિબાનશાસિત અફઘાનિસ્તાનમાં ગયું છે. આ પ્રતિનિધિમંડળ સ્વાભાવિક રીતે માનવતાના ધોરણે આપવામાં આવતી સહાયની સમીક્ષા માટે ગયું છે પરંતુ તેના સિવાય પણ ભારતની અફઘાનિસ્તાનમાં રુચિ રહેલી છે.
આ પહેલાં ભારતે દોહામાં તાલિબાન નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને હાલમાં જ ભારતીય રાષ્ટ્રીય સુરક્ષાસલાહકાર અજિત ડોભાલ તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં હતા, જ્યાં તેમણે કહ્યું હતું કે ભારતનો અફઘાનિસ્તાન સાથે વિશેષ સંબંધ છે અને તે યથાવત્ રહેશે.
દુશાંબેમાં ક્ષેત્રીય સુરક્ષાના મુદ્દે બેઠક યોજાઈ હતી અને તેમાં ભારત સિવાય ચીન, ઇરાન, કઝાખિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, ઉઝ્બેકિસ્તાન અને તાજિકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષાસલાહકારો અને રાજ્ય સુરક્ષાપરિષદના પ્રમુખોએ ભાગ લીધો હતો.
'હિંદુસ્તાન ટાઇમ્સ'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ડોભાલે કહ્યું, "અફઘાનિસ્તાનના લોકો સાથે સદીઓ જૂનો વિશેષ સંબંધ ભારતના દૃષ્ટિકોણને માર્ગદર્શન આપશે. તેને કોઈ બદલી શકતું નથી."
તેના પર ટિપ્પણી કરતાં તારિક અતાએ કહ્યું કે ઐતિહાસિક રીતે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સારા સંબંધ રહ્યા છે અને પહેલી વખતના તાલિબાનનાં શાસન બાદ ભારતે ત્યાં ઘણુ રોકાણ કર્યું છે. ભારતે ત્યાં નિર્માણની ઘણી યોજનાઓ પૂર્ણ કરી છે અને ઘણી હજુ બાકી પણ છે. જો ભારત પોતાની યોજનાઓ ફરીથી શરૂ કરે છે તો ઘણા અફઘાન લોકોને આર્થિક સહાયતા મળશે.
ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા 2 જૂને જાહેર કરાયેલી પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવવામાં આવ્યું છે કે ભારત અત્યાર સુધી 20 હજાર મૅટ્રિક ટન ઘઉં, 13 ટન દવાઓ, કોરોના વૅક્સિનના પાંચ લાખ ડોઝ અને શિયાળામાં પહેરવાનાં કપડાં અફઘાનિસ્તાન મોકલી ચૂક્યું છે.
આ સામાન કાબુલસ્થિત 'ઇન્દિરા ગાંધી ચિલ્ડ્રન હૉસ્પિટલ', ડબલ્યૂએચઓ અને ડબલ્યૂએફપીને સોંપવામાં આવ્યો છે.
બીબીસી મૉનિટરિંગે 'હિંદુસ્તાન ટાઇમ્સને' ટાંકીને અહેવાલ આપ્યો છે કે ભારતે પોતાના 2022-23ના બજેટમાં અફઘાનિસ્તાન માટે 200 કરોડથી વધુ રુપિયાની ફાળવણી કરી છે.
2002થી 2005 સુધી કાબુલમાં કામ કરનારા પૂર્વ ભારતીય રાજદૂત વિવેક કાત્જૂએ ભારતની મુલાકાતને એક "બુદ્ધિશાળી પગલું" ગણાવતા કહ્યું કે "મને આશા છે કે તેનાંથી કાબુલમાં ચોક્કસ સ્તર પર ભારતની સ્થાયી ઉપસ્થિતિનો માર્ગ મોકળો થશે."
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો જમાવ્યો એ બાદથી ઘણા દેશોની જેમ ભારતે પણ કાબુલમાં પોતાનું દૂતાવાસ બંધ કર્યું હતું અને તાલિબાન સાથે રાજનૈતિક સંબંધ રાખ્યા ન હતા.
'અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે નથી આવતા'
પોતાના ઇન્ટરવ્યૂમાં મુલ્લા યાકુબે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારત વચ્ચે ત્રિપક્ષીય સંબંધો અને સુરક્ષા વિશે પણ સંક્ષેપમાં વાત કરી.
તેમણે એ વાત પર જોર આપ્યું કે તાલિબાન સરકારની તરફથી પાકિસ્તાન કે ભારતને એકબીજા વિરુદ્ધ અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કરવાની અનુમતિ આપવામાં આવશે નહીં અને તેમણે આશા વ્યક્ત કરી હતી કે બંને દેશો પોતાના મતભેદોને વાટાઘાટના માધ્યમથી ઉકલવાનો પ્રયત્ન કરશે.
તાલિબાનના સંરક્ષણમંત્રીએ કહ્યું કે તેમને અલ-કાયદા સાથે કોઈ લેવાદેવા નથી અને અફઘાનિસ્તાનમાં આતંકવાદી સંગઠનો અને કથિત ઇસ્લામિક સ્ટેટને કચડી નાખવામાં આવ્યાં છે.
પાકિસ્તાન અને ડૂરંડ રેખા વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે પાકિસ્તાન સાથે તેમના સારા સંબંધો છે અને જો ક્યારેક ડૂરંડ રેખા પર કોઈ ઘટના બને તો તેને ગંભીરતાથી ન લેવામાં આવે.
મુલ્લા યાકુબે અમેરિકાને પણ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર માટે સમસ્યાઓ ઊભી ન કરવા અને તેમની સાથે રાજનૈતિક સંબંધો સ્થાપવાની માગ કરી છે.
જોકે, ભારતને તાલિબાન પર પાકિસ્તાની ઇન્ટેલિજન્સ અને ચરમપંથી સમૂહોના પ્રભાવને લઈને ચિંતા છે અને ભારત નથી ઇચ્છતું કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ભારત વિરુદ્ધ થાય.
જોકે, તાલિબાન સ્પષ્ટપણે કહી રહ્યું છે કે તે પોતાની ધરતીનો ઉપયોગ કોઈ પણ દેશ વિરુદ્ધ નહીં થવા દે.
તાલિબાનના સંરક્ષણમંત્રીએ આ ટિપ્પણી એવા સમયે કરી જ્યારે ભારતના વરિષ્ઠ અધિકારી જેપી સિંહના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ તાલિબાનના વિદેશમંત્રી આમિરખાન મુત્તકીને મળવા કાબુલ પહોંચ્યું હતું.
તાલિબાનના વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે "ભારતીય અધિકારીઓએ તેમને કહ્યું હતું કે તેઓ પહેલેથી અફઘાનિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છી રહ્યા હતા અને પોતાની સહાયતા ચાલુ રાખશે."
વિદેશમંત્રી આમિરખાન મુત્તકીએ કહ્યું કે ભારતે અફઘાનિસ્તાનમાં રોકી દીધેલી યોજનાઓને ફરી વખત શરૂ કરવી જોઈએ. પોતાની રાજનૈતિક પરિસ્થિતિ પાછી શરૂ કરવી જોઈએ અને અફઘાનિસ્તાનના લોકો અને તેમાં પણ ખાસ કરીને વિદ્યાર્થીઓ અને બીમાર લોકો માટે કાઉન્સેલિંગ સેવાઓ પ્રદાન કરવી જોઈએ.
'ડૅક્કન હેરાલ્ડ' અખબારે લખ્યું છે કે ભારતે અંતે અફઘાનિસ્તાનમાં 'મિલેશિયા' સરકારને સીધેસીધા મળવાનો ખચકાટ દૂર કરી દીધો છે.
મલયાલમ ભાષાના એક પ્રમુખ અખબાર 'કેરાલા કોમોડી'એ લખ્યું છે કે "જ્યારથી તાલિબાન સત્તામાં આવ્યું છે, ત્યારથી પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા અફઘાનિસ્તાનમાં ભારતના હસ્તક્ષેપને સમાપ્ત કરવાની યોજના બનાવી રહી છે. જોકે, ભારતીય પ્રતિનિધિમંડળની અફઘાનિસ્તાન મુલાકાતથી તેમની યોજનાને ઝટકો લાગ્યો છે."
આ પહેલાં દોહામાં તાલિબાનના રાજનૈતિક કાર્યાલયના પ્રવક્તા સુહૈલ શાહીને 'ધ પ્રિન્ટ' ન્યૂઝ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં એ વાત પર ભાર આપ્યો હતો કે ભારત રાષ્ટ્રીય અને પારસ્પરિક હિત અંતર્ગત કાબુલમાં તાલિબાન સરકાર સાથે સંબંધ સ્થાપિત કરે અને અશરફ ઘનીની પૂર્વ સરકાર સાથે તમામ સંબંધો ખતમ કરે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો