You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાંગ્લાદેશના કન્ટેનર ડેપોમાં આગ લાગતાં 50નાં મૃત્યુ, ચાર કિલોમીટર સુધી ધડાકો સંભળાયો
બાંગ્લાદેશના સીતાકુંડ શહેર નજીકના એક કન્ટેનર ડેપોમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો, જેમાં ઓછામાં ઓછા 50 લોકોનાં મોત થયાં છે અને સેંકડો ઘાયલ થયા છે. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
સ્થાનિક મીડિયાના સમાચાર મુજબ ડેપોમાં રાખવામાં આવેલા કેટલાક કન્ટેનરમાં કેમિકલયુક્ત પદાર્થ રાખવામાં આવ્યો હતો. જેના કારણે આગ લાગી હોવાનું કહેવાય છે.
સ્થાનિક અખબાર પ્રોથોમાલો અનુસાર, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસની કેટલીક ઇમારતોની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા.
લોકોએ જણાવ્યું કે વિસ્ફોટના સ્થળથી લગભગ ચાર કિલોમીટર દૂર સુધી અવાજ સંભળાયો હતો.
એક સ્થાનિક દુકાનદારે પત્રકારોને જણાવ્યું હતું કે કાટમાળનો ટુકડો અડધો કિલોમીટર દૂર ઊડીને તળાવમાં પડ્યો હતો. તેણે વિસ્ફોટ પછી "વરસાદની જેમ અગનગોળા પડતા જોયા"નું વર્ણન કર્યું હતું.
વિસ્ફોટના કેટલાક કલાકો પછી પણ રવિવારે સવારે આગ યથાવત્ હતી. કેમિકલને દરિયામાં વહેતું અટકાવવા સેના તહેનાત કરવામાં આવી છે.
સીતાકુંડ બાંગ્લાદેશના બીજા સૌથી મોટા શહેર ચિત્તાગોંગથી માત્ર 40 કિલોમીટર દૂર છે.
અકસ્માત બાદ શહેરની હૉસ્પિટલો ઘાયલોથી ભરાઈ ગઈ છે અને રક્તદાન માટે અપીલ કરવામાં આવી છે. લશ્કરી દવાખાનાં ઘાયલોની સારવારમાં મદદ કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફાયર અને પોલીસકર્મીઓનાં પણ મૃત્યુ
સ્થાનિક મીડિયા અનુસાર, ડેપોના કર્મચારીઓની સાથે આગ ઓલવવા માટે આવેલા અગ્નિશામકો અને સ્થળ પર હાજર પોલીસ કર્મચારીઓ પણ મૃત્યુ પામ્યા છે અને ઘાયલ થયા છે.
ઘાયલોની સારવાર કરી રહેલા ડૉક્ટરને ટાંકીને સમાચાર એજન્સી એએફપી લખે છે કે ઘાયલો પૈકી ઘણાની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે અને કેટલાક ઈજાગ્રસ્તોના શરીરનો 60થી 90 ટકા ભાગ દાઝી ગયો છે.
ડ્રાઇવર તોફૈલ અહમદે એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું, "હું જ્યાં ઊભો હતો, ત્યાંથી લગભગ 10 મીટર દૂર વિસ્ફોટ થયો હતો. હું ફંગાળાઈ ગયો અને મારા હાથ અને પગ બળી ગયા."
અન્ય એક સ્વયંસેવકે એજન્સીને જણાવ્યું કે તેણે આગથી પ્રભાવિત વિસ્તારની અંદર વધુ મૃતદેહો જોયા છે. ફેસિલિટી ડિરેક્ટર મુજીબુર રહેમાને જણાવ્યું કે આ ડેપોમાં 600 જેટલા લોકો કામ કરે છે.
પ્રાદેશિક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, ડેપોમાં પશ્ચિમી દેશોમાં નિકાસ માટે લાખો ડૉલરનાં કપડાંનો સ્ટોક હતો.
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશથી મોટા પાયે પશ્ચિમના દેશોમાં કાપડની નિકાસ થાય છે.
બાંગ્લાદેશમાં આગની ઘટના સામાન્ય બની ગઈ છે. ગત વર્ષે, દેશના દક્ષિણમાં એક ફેરીમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 39 લોકો માર્યા ગયા હતા. તેમજ અન્ય એક અકસ્માતમાં, રાજધાની ઢાકા નજીક રૂપગંજમાં ફેક્ટરીમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 52 લોકોનાં મોત થયાં હતાં.
2020માં ચિતાગોંગ પાસેના પતેંગામાં એક કન્ટેનર સ્ટોરેજ ડેપોમાં ઑઇલની ટાંકીમાં વિસ્ફોટ થતાં ત્રણ કામદારો માર્યા ગયા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો