બાંગ્લાદેશના કન્ટેનર ડેપોમાં આગ લાગતાં 50નાં મૃત્યુ, ચાર કિલોમીટર સુધી ધડાકો સંભળાયો

બાંગ્લાદેશના સીતાકુંડ શહેર નજીકના એક કન્ટેનર ડેપોમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો, જેમાં ઓછામાં ઓછા 50 લોકોનાં મોત થયાં છે અને સેંકડો ઘાયલ થયા છે. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

એક સ્થાનિક દુકાનદારે પત્રકારોને જણાવ્યું હતું કે કાટમાળનો ટુકડો અડધો કિલોમીટર દૂર ઊડીને તેના તળાવમાં પડ્યો હતો

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, એક સ્થાનિક દુકાનદારે પત્રકારોને જણાવ્યું હતું કે કાટમાળનો ટુકડો અડધો કિલોમીટર દૂર ઊડીને તેના તળાવમાં પડ્યો હતો

સ્થાનિક મીડિયાના સમાચાર મુજબ ડેપોમાં રાખવામાં આવેલા કેટલાક કન્ટેનરમાં કેમિકલયુક્ત પદાર્થ રાખવામાં આવ્યો હતો. જેના કારણે આગ લાગી હોવાનું કહેવાય છે.

સ્થાનિક અખબાર પ્રોથોમાલો અનુસાર, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસની કેટલીક ઇમારતોની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા.

લોકોએ જણાવ્યું કે વિસ્ફોટના સ્થળથી લગભગ ચાર કિલોમીટર દૂર સુધી અવાજ સંભળાયો હતો.

એક સ્થાનિક દુકાનદારે પત્રકારોને જણાવ્યું હતું કે કાટમાળનો ટુકડો અડધો કિલોમીટર દૂર ઊડીને તળાવમાં પડ્યો હતો. તેણે વિસ્ફોટ પછી "વરસાદની જેમ અગનગોળા પડતા જોયા"નું વર્ણન કર્યું હતું.

વિસ્ફોટના કેટલાક કલાકો પછી પણ રવિવારે સવારે આગ યથાવત્ હતી. કેમિકલને દરિયામાં વહેતું અટકાવવા સેના તહેનાત કરવામાં આવી છે.

સીતાકુંડ બાંગ્લાદેશના બીજા સૌથી મોટા શહેર ચિત્તાગોંગથી માત્ર 40 કિલોમીટર દૂર છે.

અકસ્માત બાદ શહેરની હૉસ્પિટલો ઘાયલોથી ભરાઈ ગઈ છે અને રક્તદાન માટે અપીલ કરવામાં આવી છે. લશ્કરી દવાખાનાં ઘાયલોની સારવારમાં મદદ કરી રહ્યા છે.

line

ફાયર અને પોલીસકર્મીઓનાં પણ મૃત્યુ

ઘાયલોમાંના ઘણાની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે અને તેમના શરીરનો 60% થી 90% ભાગ દાઝી ગયો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘાયલોમાંન ઘણાની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે અને કેટલાકનાં શરીરનો 60થી 90 ટકા ભાગ દાઝી ગયો હતો

સ્થાનિક મીડિયા અનુસાર, ડેપોના કર્મચારીઓની સાથે આગ ઓલવવા માટે આવેલા અગ્નિશામકો અને સ્થળ પર હાજર પોલીસ કર્મચારીઓ પણ મૃત્યુ પામ્યા છે અને ઘાયલ થયા છે.

ઘાયલોની સારવાર કરી રહેલા ડૉક્ટરને ટાંકીને સમાચાર એજન્સી એએફપી લખે છે કે ઘાયલો પૈકી ઘણાની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે અને કેટલાક ઈજાગ્રસ્તોના શરીરનો 60થી 90 ટકા ભાગ દાઝી ગયો છે.

ડ્રાઇવર તોફૈલ અહમદે એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું, "હું જ્યાં ઊભો હતો, ત્યાંથી લગભગ 10 મીટર દૂર વિસ્ફોટ થયો હતો. હું ફંગાળાઈ ગયો અને મારા હાથ અને પગ બળી ગયા."

અન્ય એક સ્વયંસેવકે એજન્સીને જણાવ્યું કે તેણે આગથી પ્રભાવિત વિસ્તારની અંદર વધુ મૃતદેહો જોયા છે. ફેસિલિટી ડિરેક્ટર મુજીબુર રહેમાને જણાવ્યું કે આ ડેપોમાં 600 જેટલા લોકો કામ કરે છે.

પ્રાદેશિક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, ડેપોમાં પશ્ચિમી દેશોમાં નિકાસ માટે લાખો ડૉલરનાં કપડાંનો સ્ટોક હતો.

ફેસિલિટી ડિરેક્ટર મુજીબુર રહેમાને જણાવ્યું કે આ ડેપોમાં 600 જેટલા લોકો કામ કરે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફેસિલિટી ડિરેક્ટર મુજીબુર રહેમાને જણાવ્યું કે આ ડેપોમાં 600 જેટલા લોકો કામ કરે છે

ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશથી મોટા પાયે પશ્ચિમના દેશોમાં કાપડની નિકાસ થાય છે.

બાંગ્લાદેશમાં આગની ઘટના સામાન્ય બની ગઈ છે. ગત વર્ષે, દેશના દક્ષિણમાં એક ફેરીમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 39 લોકો માર્યા ગયા હતા. તેમજ અન્ય એક અકસ્માતમાં, રાજધાની ઢાકા નજીક રૂપગંજમાં ફેક્ટરીમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 52 લોકોનાં મોત થયાં હતાં.

2020માં ચિતાગોંગ પાસેના પતેંગામાં એક કન્ટેનર સ્ટોરેજ ડેપોમાં ઑઇલની ટાંકીમાં વિસ્ફોટ થતાં ત્રણ કામદારો માર્યા ગયા હતા.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો