પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર હવાઈ હુમલો, અનેક સ્થળે બૉમ્બમારો

ઇમેજ સ્રોત, Pakistani Security Forces handout via Reuters
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે અફઘાનિસ્તાનના તાલિબાન સામે 'સીધા યુદ્ધ'ની જાહેરાત કરી છે. પાકિસ્તાની સંરક્ષણ મંત્રીએ તાલિબાનને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, "અમારી ધીરજ હવે ખૂટી ગઈ છે અને હવે સીધું યુદ્ધ થશે."
બીબીસી ઉર્દૂ સેવાના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ 'એક્સ' પર જાહેર કરેલા એક નિવેદનમાં તેમણે અફઘાન તાલિબાન પર 'દુનિયાભરના આતંકવાદીઓને અફઘાનિસ્તાનમાં ભેગા કરવાનો' આરોપ મૂક્યો અને કહ્યું કે કાબુલની આ વચગાળાની સરકારે જાણે 'આતંકવાદની નિકાસ' કરી છે.
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે પુષ્ટિ કરી છે કે પાકિસ્તાને રાજધાની કાબુલ, પક્તિકા અને કંદહારમાં અનેક સ્થળોએ બૉમ્બમારો કર્યો છે. જોકે, તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ હુમલાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી.
પાકિસ્તાની સંરક્ષણ મંત્રીએ વધુમાં આરોપ લગાવ્યો કે અફઘાન તાલિબાને તેના નાગરિકોને મૂળભૂત માનવ અધિકારો અને ઇસ્લામે મહિલાઓને આપેલા અધિકારોથી વંચિત રાખ્યા છે.
બીબીસી ઉર્દૂના અહેવાલ મુજબ, પાકિસ્તાન સરકારનો દાવો છે કે તેમની લશ્કરી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં અફઘાન તાલિબાનના 133 સભ્યો માર્યા ગયા છે અને 200 લોકો ઘાયલ થયા છે.
માહિતી મંત્રી અત્તાઉલ્લાહ તરારે 'એક્સ' પરના નિવેદનમાં જણાવ્યું કે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કાબુલ, પક્તિકા અને કંદહારમાં તાલિબાનનાં સંરક્ષણ ઠેકાણાંને નિશાન બનાવ્યાં છે.
તેમણે દાવો કર્યો હતો કે આ કાર્યવાહીમાં બે કૉર્પ્સ હેડક્વાર્ટર, બે હથિયાર ડૅપો, એક લૉજિસ્ટિક્સ ગોદામ, ત્રણ બટાલિયન હેડક્વાર્ટર, બે સેક્ટર હેડક્વાર્ટર અને તાલિબાનની 80થી વધુ ટેન્કોનો નાશ કરવામાં આવ્યો છે. બીબીસી આ દાવાઓની સ્વતંત્ર રીતે ચકાસણી કરી શક્યું નથી. જોકે, અત્તાઉલ્લાહ તરાર જણાવે છે કે પાકિસ્તાની કાર્યવાહી હજુ પણ ચાલુ છે.
મોડી રાત્રે અફઘાનિસ્તાનમાં ધડાકા થયા

ઇમેજ સ્રોત, Getty Images
સમાચાર એજન્સી AFP ન્યૂઝ ટીમના જણાવ્યા મુજબ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં વહેલી સવારે જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. રાત્રે 1:50 વાગ્યાની આસપાસ શહેરમાં વિસ્ફોટો અને ફાઇટર જેટના અવાજો સંભળાયા હતા. વધુમાં મળતી માહિતી મુજબ, મધ્ય કાબુલમાં લગભગ સવારે અઢી વાગ્યા સુધી ગોળીબારનો અવાજ પણ સંભળાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કાબુલ અને કંદહાર પરના હુમલા એ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા સંઘર્ષમાં એક નવો વળાંક છે. ઉલ્લેખનીય છે કે બંને દેશો ગત ઑક્ટોબમાં જ યુદ્ધવિરામ માટે સંમત થયા હતા.
ગત અઠવાડિયે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં રાતોરાત અનેક હવાઈ હુમલા કર્યા હતા, જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 18 લોકોનાં મોત થયાં હોવાનું તાલિબાને જણાવ્યું હતું.
પાકિસ્તાને દાવો કર્યો હતો કે આ હુમલાઓમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ નજીક સાત કથિત 'આતંકવાદી છાવણીઓ' અને 'છુપાયેલાં સ્થળો'ને નિશાન બનાવવામાં આવ્યાં હતાં.
પાકિસ્તાનમાં તાજેતરમાં થયેલા આત્મઘાતી બૉમ્બ વિસ્ફોટોના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી તરફ, તાલિબાન શાસને કહ્યું હતું કે નાગરિકોનાં ઘરો અને એક ધાર્મિક શાળાને નિશાન બનાવવામાં આવ્યાં હતાં.
એક-બીજા પર પ્રત્યારોપ

ઇમેજ સ્રોત, Getty Images
બંને પક્ષોએ એકબીજા પર પહેલો હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે અને ભારે જાનહાનિ પહોંચાડ્યાનો દાવો કર્યો છે.
પાકિસ્તાની અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે 'બિનઉશ્કેરણીજનક અફઘાન હુમલાઓ'ના જવાબમાં કાબુલ અને કંદહાર પર 'જવાબરૂપ હુમલા' કર્યા હતા.
અફઘાનિસ્તાનના તાલિબાને જણાવ્યું કે તેણે ગત હુમલાઓના જવાબમાં 'મોટા પાયે' જવાબી કાર્યવાહી શરૂ કરી છે.
તાલિબાનના લશ્કરી પ્રવક્તા વાહિદુલ્લાહ મોહમ્મદીએ જણાવ્યું કે ગુરુવારે રાત્રે 8 વાગ્યાથી જવાબી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
મુખ્ય પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે દાવો કર્યો હતો કે આ હુમલામાં અનેક પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને કેટલાકને પકડી લેવામાં આવ્યા છે, પરંતુ પાકિસ્તાને આ દાવાને નકારી કાઢ્યો છે.
ડુરંડ લાઇનનો વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને અલગ કરતી સીમારેખાને 'ડુરંડ લાઇન' કહેવામાં આવે છે, પરંતુ અફઘાનિસ્તાન તેને માન્યતા આપતું નથી.
પાકિસ્તાન તેને આંતરરાષ્ટ્રીય સીમા ગણે છે. બ્રિટિશ સરકારે 1893માં અફઘાનિસ્તાન સાથે 2,640 કિમી લાંબી સીમારેખા ખેંચી હતી. આ કરાર સર મોર્ટિમર ડુરંડ અને અમીર અબ્દુર રહમાન ખાન વચ્ચે થયો હતો.
જોકે, અફઘાનિસ્તાનમાં કોઈ પણ શાસન હોય, તેઓ આ લાઇનને સ્વીકારતા નથી. 2021માં તાલિબાનની વાપસી બાદ આ વિવાદ ફરી વકર્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












