અલ મેન્ચો : ઍન્કાઉન્ટરમાં માર્યો ગયો મોસ્ટ વૉન્ટેડ ડ્રગ માફિયા, 136 કરોડનું હતું ઇનામ, મૅક્સિકોમાં હિંસા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બીબીસી મુંડો
- વાંચવાનો સમય: 4 મિનિટ
મૅક્સિકન ડ્રગ ટ્રાફિકર નેમેસિયો ઓસેગુએરા સર્વાન્ટેસ આ રવિવારે જાલિસ્કોની રાજધાની ગુઆડાલહારાથી 130 કિલોમીટર દક્ષિણમાં આવેલા તાપલપા શહેરમાં લશ્કરી કાર્યવાહીમાં માર્યો ગયો.
અલ મેન્ચોના નામથી જાણીતા આ ડ્રગ લૉર્ડના મૃત્યુ બાદ મૅક્સિકોમાં ઠેકઠેકાણે હિંસક અથડામણો થઈ છે.
પ્રત્યક્ષદર્શીઓએ ગુઆલદાહારા સહિત અનેક શહેરોમાં ધુમાડો જોયો. મૅક્સિકોમાં ફેલાયેલી અંધાધૂંધીને કારણે પ્યૂર્તો વાલાર્તા નામના પ્રવાસનસ્થળમાં હજારો પર્યટકો ફસાયેલા છે. રવિવારે જાલિસ્કો અને અન્ય શહેરોમાં રસ્તાઓ પર બંદૂકધારીઓ જોવા મળ્યા હતા અને કેટલાંક શહેરોમાં આગચંપીની ઘટનાઓ જોવા મળી હતી.
"અલ મેન્ચો" તરીકે જાણીતો, 59 વર્ષીય ઓસેગુએરા સર્વાંટેસ, મૅક્સિકોનાં સૌથી હિંસક અને વ્યાપક ગુનાહિત સંગઠનોમાંના એક, જાલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ (CJNG)નો ટોચનો નેતા હતો.
અલ મેન્ચોના કાર્ટેલને ગયા વર્ષની શરૂઆતમાં યુએસ સરકારે આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું હતું.

ઇમેજ સ્રોત, DEA
ઓસેગુએરા સર્વાન્ટેસને મૅક્સિકો અને યુ.એસ.ના ન્યાયતંત્રએ મોસ્ટ વૉન્ટેડ જાહેર કર્યો હતો અને તે ડ્રગ તસ્કરી કરતાં સંગઠનોના ખૂંખાર નેતાઓમાંનો એક ગણાતો હતો.
"અલ મેન્ચો" ને 2020 માં યુએસ ડ્રગ ઍન્ફોર્સમેન્ટ ઍડમિનિસ્ટ્રેશન (ડીઈએ) એ મોસ્ટ વૉન્ટેડ ભાગેડુઓની યાદીમાં મૂક્યો હતો.
ત્યારથી, તેને પકડવા માટે મદદરૂપ થાય એવી માહિતી માટે 15 મિલિયન ડૉલરનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે CJNG ને આતંકવાદી સંગઠનોની યાદીમાં મૂક્યું હતું. જેથી યુ.એસ. એજન્ટો કાર્ટેલ સામે કેસ બનાવવાની રીત બદલી નાખે છે, કારણ કે પહેલાં તેમને યુ.એસ. નાગરિક માટેના ખતરાને યોગ્ય ઠેરવવો પડતો હતો, જ્યારે હવે જૂથ સાથેની કોઈપણ લિંક તપાસનો આધાર બની ગઈ છે.
અલ મેન્ચો પૂર્વ પોલીસ અધિકારીમાંથી ડ્રગ ટ્રાફિકર કેવી રીતે બન્યો

ઇમેજ સ્રોત, SFPD
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
2017 માં જોઆક્વિન "અલ ચાપો" ગુઝમૅનની ધરપકડ અને અમેરિકામાં પ્રત્યાર્પણ પછી, અલ મેન્ચો મૅક્સિકોનાં નાર્કોટિક્સ વિરોધી દળોના ટાર્ગેટ પર હતો.
તેને નેમેસિયો ઓસેગુએરા રામોસ અથવા રુબેન ઓસેગુએરા સર્વાન્ટેસ પણ કહેવામાં આવે છે, અને તેને "અલ મેન્ચો" અને "ધ લૉર્ડ ઑફ ધ રુસ્ટર્સ" જેવાં અનેક ઉપનામો પણ આપવામા આવ્યાં છે.
તેનો જન્મ ક્યાં થયો એ મામલે સ્પષ્ટતા નથી પરંતુ માનવામાં આવે છે કે તેનો જન્મ મિચોઆકાનમાં ટિએરા કેલિએન્ટે તરીકે ઓળખાતા વિસ્તારમાં થયો અથવા ઉરુઆપન કે એગુઇલીલામાં થયો હોઈ શકે.
1980ના દાયકામાં અલ મેન્ચો યુનાઇટેડ સ્ટેટ્સ સ્થળાંતરિત થયો. કૅલિફોર્નિયામાં અલ મેન્ચોની ધરપકડ નાના ગુનાઓ માટે ઘણી વખત કરવામાં આવી હતી.
જોકે, 1990ના દાયકાની શરૂઆતમાં તે ડ્રગ્સની હેરાફેરીમાં સામેલ થઈ ગયો હતો, જેના કારણે તેને દેશનિકાલ આપવામાં આવ્યો હતો.
મૅક્સિકો પાછા ફર્યા પછી, તે જાલિસ્કોની એક મ્યુનિસિપાલિટીના પોલીસ દળમાં જોડાયો, અને પછી વેલેન્સિયા (અથવા મિલેનીયો) કાર્ટેલના બૉસ ડ્રગ ટ્રાફિકર "એલ મેરાડોના" આર્માન્ડો વેલેન્સિયા કોર્નેલિયોના રક્ષણમાં સામેલ થયો.
આ જૂથ સિનાલોઆ કાર્ટેલ સાથે જોડાયેલું હતું. આગળ જતાં આ જૂથો પણ અલગ થઈ ગયાં.
2010 માં તેના સ્થાપકોમાંના એક, ઇગ્નાસિયો "નાચો" કોરોનેલના મૃત્યુ પછી બંને સંગઠનોના રસ્તા જુદા થઈ ગયા.
તેમના સાળા, એબીગેઇલ ગોન્ઝાલેઝ વેલેન્સિયા, "એલ કુઇની" સાથે, તેને એક ભાગ વારસામાં મળ્યો.
ત્યારથી, CJNG નો જન્મ થયો. અને "અલ મેન્ચોની" ગુનાહિત કારકિર્દીએ વેગ પકડ્યો.
અલ મેન્ચોનું કાર્ટેલ કેવી રીતે મોટું બન્યું

ઇમેજ સ્રોત, Getty Images
CJNG એ જાલિસ્કો અને કોલિમા રાજ્યોમાં સ્થાનિક ગૅંગમાંથી એક સંગઠન બન્યું જેની હાજરી અડધાથી વધુ મૅક્સિકન પ્રદેશોમાં હતી.
તેમનો મુખ્ય વ્યવસાય અમેરિકા અને યુરોપમાં ગેરકાયદેસર ઍમ્ફેટામાઇન બજારમાં કેન્દ્રિત હતો.
સીજેએનજીની કડીઓ એશિયામાં ડ્રગ્સની હેરફેર સાથે પણ જોડાયેલી જોવા મળી છે.
સીજેએનજી આટલો ઝડપી વિસ્તાર થયો એની પાછળ પણ કેટલાંક કારણો છે.
આમાં એક મહત્ત્વનું પાસું હતું તેની હરીફ કાર્ટેલના નેતાઓની ધરપકડ. જેના કારણે કેટલીક કાર્ટેલનું વિભાજન થયું અથવા તો અન્ય કેટલી કાર્ટેલ ખતમ થઈ ગઈ. જેમ કે મિકોઆકન રાજ્યમાં નાઇટ્સ ટેમ્પલર.
સીજેએનજીને એ બજારોની ખાલી જગ્યાઓ ભરવાની તક મળી જે તેના હરીફોની અનુપસ્થિતિને કારણે ખાલી થઈ ગઈ હતી.
કાર્ટેલમાં ફાઇનાન્સ અને કેમેસ્ટ્રીના નિષ્ણાતોની ભરતી

ઇમેજ સ્રોત, Getty Images
અલ મેન્ચોની ગૅંગમાં ફાઇનાન્સ અને રસાયણશાસ્ત્રના નિષ્ણાતોની ભરતી કરાઈ હતી.
આ નિષ્ણાતો પર કૃત્રિમ ડ્રગ્સ બનાવવા માટે નવાં મિશ્રણો ડિઝાઇન કરવાની જવાબદારી હતી.
કાર્ટેલની હિંસા પ્રવૃત્તિઓએ પણ તેના વિસ્તારમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. છેલ્લાં દસ વર્ષોમાં અધિકારીઓએ અલ મેન્ચોને અત્યંત ખતરનાક વ્યક્તિ તરીકે ઓળખાવ્યો છે. કેટલાક નિષ્ણાતોનો દાવો છે કે ઓસેગુએરા સર્વાન્ટેસ હરીફ જૂથોને કચડીને ટોચ પર પહોંચ્યો હતો.
સીજેએનજી અને અલ મેન્ચોનાં હિતો ડ્રગની તસ્કરી સુધી જ મર્યાદિત નહોતાં.
તેણે જાલિસ્કોમાં પશુધન, ખેતી અને બાંધકામમાં આવેલી આર્થિક તેજીનો લાભ લીધો અને આ ક્ષેત્રોમાં ધંધો જમાવ્યો.
આ વ્યવસાયનો ઉપયોગ કે બ્લૅક મનીને વ્હાઇટ કરવામાં કરતો હતો.
અલ મેન્ચોના બીજા ધંધા

ઇમેજ સ્રોત, US State Department
સ્થાનિક સત્તાવાળાઓ અને કસ્ટમ અધિકારીઓ પર તેના ભ્રષ્ટ પ્રભાવ દ્વારા CJNG એ પોતાને અલગ પાડ્યું છે.
ડ્રગ ટ્રાફિકિંગના મામલાઓમાં નિષ્ણાતો કહે છે કે આનાથી મૅક્સિકોના પશ્ચિમ તટે આવેલા કોલિમામાં મંઝાનિલો અને મિચોઆકાનમાં લાઝારો કાર્ડેનાસ બંદરો પર કૃત્રિમ ડ્રગ્સના ઉત્પાદન માટે વપરાતાં રસાયણો અથવા કાચો માલ ઘુસાડવાનો રસ્તો સરળ બનાવ્યો.
પશ્ચિમ મૅક્સિકોમાં નાના અને મધ્યમ કદના વ્યવસાયીઓ પાસેથી ગેરકાયદેસર વસૂલી પણ અલ મેન્ચોના કાર્ટલની કમાણીનો બીજો મુખ્ય સ્રોત છે.
2002માં અલ મેન્ચોના સ્વાસ્થ્ય વિશે અફવાઓ ફેલાવા લાગી હતી. એવું પણ કહેવામાં આવ્યું કે તેનું મૃત્યુ થઈ ગયું છે. જોકે તેની આધિકારિક પુષ્ટિ નહોતી થઈ શકી.
નિષ્ણાતો અનુસાર "અલ મેન્ચો" કદાચ તેના કાર્ટેલનો કાર્યભાર સીધો નહોતો સંભાળતો.
માનવામાં આવેલ છે કે અલ મેન્ચોનો એક દીકરો રૂબેન ઓસેગુએરા ગોન્ઝાલેઝ કર્ટેલનો બીજા નંબરનો નેતા છે.
2020માં મૅક્સિકોથી પ્રત્યાર્પણ કરીને તેને અમેરિકા લઈ જવાયો હતો. અલ મેન્ચોની હત્યા પહેલાં તેના દીકરાનું પ્રત્યાર્પણ કાર્ટેલ સામેની સૌથી કડક કાર્યવાહી માનવામાં આવે છે
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












