‘વીર્યદાન’થી જન્મેલી યુવતીએ પિતાની શોધ આદરી અને હચમચાવનારો ભેદ ખૂલ્યો

ઇમેજ સ્રોત, EVE WILEY
ઈવ વિલી 16 વર્ષનાં થયાં ત્યારે તેમને ખબર પડી હતી કે તેમનો જન્મ સ્પર્મ ડોનેશનને લીધે થયો છે. અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં રહેતાં ઈવા માટે તે આશ્ચર્યજનક હતું, પરંતુ અસલી પિતા વિશેની જિજ્ઞાસાને કારણે તેમને અનેક ચોંકાવનારી બાબતો જાણવા મળી હતી.
વાસ્તવમાં ઈવ જેમને બાળપણથી પોતાના પિતા માનતાં હતાં, તેમનું ઈવ સાત વર્ષનાં હતાં ત્યારે જ હૃદયની બીમારીને કારણે મૃત્યુ થયું હતું.
એ પછી ઈવની મુલાકાત તેમના સ્પર્મ ડોનર પિતા સાથે કરાવવામાં આવી હતી. એ પછી ઈવા એ વ્યક્તિને પણ પપ્પા કહીને સંબોધિત કરવા લાગ્યાં હતાં. એટલું જ નહીં, ઈવે પોતાના લગ્નમાં એ વ્યક્તિને પોતાના પિતા તરીકેનું સન્માન પણ આપ્યું હતું.
જોકે, સમય જતાં ઈવનો પુત્ર બીમાર પડ્યો ત્યારે ઈવના જન્મ સમયે જે અવિશ્વસનીય નાટક થયું હતું તે ઉઘાડું પડી ગયું હતું. ઈવની આ જીવનકથા એક ફિલ્મી કહાણી જેવી છે. વાંચો, ઈવના જ શબ્દોમાં...

પારિવારિક રહસ્ય

ઇમેજ સ્રોત, EVE WILEY
હું એ સમયે કૉલેજમાં અભ્યાસ કરતી હતી. એક દિવસ મેં અમસ્તાં જ મારી મમ્મીના ઈ-મેઇલ ચેક કર્યા હતા. ખાસ કોઈ કારણ ન હતું, પરંતુ હું મેઇલ ચેક કરી રહી હતી.
મેં જોયું કે મારી મમ્મીને કેલિફોર્નિયા ક્રાયોબેંક નામના અકાઉન્ટમાંથી સતત મેઇલ આવતા હતા. એક મેઇલમાં તો મારા જન્મદિવસનો ઉલ્લેખ પણ હતો. એ મેઇલ વાંચીને મને આશંકા થઈ હતી કે કંઈક ગડબડ તો જરૂર છે.
એ પછી તરત જ મેં ગૂગલ પર કેલિફોર્નિયા ક્રાયોબૅન્ક વિશે સર્ચ કરી ત્યારે મને ખબર પડી હતી કે તે કૃત્રિમ ગર્ભાધાનકેન્દ્ર હતું. તેથી, મારા જન્મ પણ એ હૉસ્પિટલમાં કૃત્રિમ ગર્ભાધાનને લીધે થયો હતો એ સમજવામાં મને જરાય વિલંબ થયો ન હતો. એ સમજ્યા પછી પહેલાં તો મને થોડું આશ્ચર્ય થયું હતું. હું થોડી ભ્રમિત પણ હતી.
દરેક પરિવારનાં કેટલાંક રહસ્ય હોય છે, પરંતુ અમારા પરિવારનું સૌથી મોટું રહસ્ય હું હતી તેની અનુભૂતિ મને ત્યારે થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

મારા પિતા કોણ છે?

ઇમેજ સ્રોત, EVE WILEY
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મારા પિતાનું નામ ડાઉગ હતું. હું તેમને જ કાયમ મારા પિતા માનતી હતી. તેઓ મૃત્યુ પામ્યા હતા, તેથી મારા પાસે ફરીથી મારા પિતાને પરત મેળવવા માટેની આ એક તક હતી. તેથી મારા પિતાની શોધ કરવા હું ઘણા દિવસો સુધી વિચારતી રહી હતી.
હું 18 વર્ષની થઈ એ સમયથી મેં તેમને શોધવાનું શરૂ કર્યું હતું. મેં મારી મમ્મીની અને મારી મેડિકલ હિસ્ટ્રી સંબંધી તમામ દસ્તાવેજ ચેક કર્યા હતા.
હું 1980ના દાયકામાં મારી મમ્મીના ગર્ભમાં હતી. એ સમયે હૉસ્પિટલમાં સ્થાનિક દાતાઓની મદદથી જ કૃત્રિમ ગર્ભાધાન કરવામાં આવતું હતું. એ વખતે સ્પર્મ ડોનર વિશે સ્ત્રીઓને કોઈ માહિતી આપવામાં આવી ન હતી.
વાસ્તવમાં અમારું ગામ બહુ નાનું હતું. તેમ છતાં એ સમયે સ્થાનિક સ્પર્મ ડોનરને શોધવાનું કામ ઘાસની ગંજીમાંથી સોઈ શોધવા જેવું હતું. એ ઉપરાંત ચારે તરફ તપાસ કરવા છતાં હું એ જાણી શકી ન હતી કે મારા પિતા કોણ હતા. તેથી અમે હૉસ્પિટલમાં તપાસ કરવાનો નિર્ણય કર્યો હતો.
કેલિફોર્નિયાની ક્રાયોબૅન્કમાં સ્ત્રીને સ્પર્મ ડોનર પસંદ કરવાની છૂટ હોય છે. અલબત્ત, સંબંધિત દાતાનું નામ અજ્ઞાત હોય છે. તેની શારીરિક સ્થિતિ, શોખ, રુચિ, શિક્ષણ, બ્લડ ગ્રૂપ અને મહત્ત્વની અન્ય માહિતી દર્દીને જણાવવામાં આવે છે. આ એક એવી વ્યવસ્થા છે, જેમાં સ્ત્રી તેને ગમતો પ્રોફાઇલ પસંદ કરી શકે છે અને તેની મારફત કૃત્રિમ ગર્ભાધાન કરાવી શકે છે.
મને મળેલી માહિતી મુજબ, મારાં માતાપિતાએ પ્રોફાઇલ નંબર 106ની પસંદગી કરી હતી. મારી મમ્મીએ તેની રસીદ જાળવી રાખી હતી. પહેલાં તો હું એ જાણવા ઉત્સુક હતી કે તે વ્યક્તિ કોણ છે, પરંતુ બાદમાં મને એમ થયું હતું કે તેઓ મારા પિતા છે એ રીતે મારે તેમને મળવું જોઈએ.
મેં કેલિફોર્નિયા ક્રાયોબૅન્કમાં પ્રોફાઇલ નંબર 106 વિશે પૂછપરછ કરી હતી. એક વર્ષ સુધી મહેનત કર્યા બાદ આખરે મને તેમનું ઇ-મેઇલ આઇડી મળ્યું હતું.
પહેલાં ઇ-મેઇલ મારફત અને પછી ફોનથી અમારી વચ્ચે વાતચીત શરૂ થઈ હતી.
મારા પિતાનું નામ સ્ટીવ હતું. અથાક પ્રયાસો પછી હું તેમને શોધી શકી હતી. તેમનું વ્યક્તિત્વ બહુ જ સારું હતું. તેઓ શાંત હતા, મારી કાળજી રાખતા હતા. આ બધું ખરેખર મજેદાર હતું. મને એ બધું એક સુંદર સપનાં જેવું લાગતું હતું. હોરર ફિલ્મોમાં જોવા મળે છે એવું કશું જ મારી સાથે થયું ન હતું.

મારા પુત્રના ડીએનએમાં મળી ચાવી

ઇમેજ સ્રોત, EVE WILEY
લગ્ન પછી ટૂંક સમયમાં જ હું ગર્ભવતી થઈ હતી અને મેં પુત્ર, હટનને જન્મ આપ્યો હતો. તેને સ્વાસ્થ્યસંબંધી અનેક સમસ્યા સર્જાઈ હતી. તેની બીમારીનું રહસ્ય ડૉક્ટરો ઉકેલી શક્યા ન હતા.
હટન ત્રણ વર્ષનો હતો ત્યારે અમે વધુ વિસ્તૃત જેનેટિક અને ડીએનએ પરીક્ષણ કરાવ્યું હતું. તેમાં જાણવા મળ્યું હતું કે હટન સેલિયાક હતો. (સેલિયાક પાચન અને રોગપ્રતિકારક તંત્ર સંબંધી રોગ છે. આ રોગ ગ્લુટનયુક્ત ખોરાક ખાવાથી થાય છે અને તે નાના આંતરડાને નુકસાન પહોંચાડે છે)
આ ઓટોઇમ્યુન રોગ વારસાગત છે અને મને કહેવામાં આવ્યું હતું કે મારામાં રીસેસિવ જીન્સ હોવાથી તે મને ક્યારેય થયો ન હતો. મારા માટે હટનના રોગના સમાચાર આશ્ચર્યજનક હતા, કારણ કે મારા કે સ્ટીવના પરિવારમાં કોઈ પણ આ પ્રકારના ઓટોઇમ્યુન રોગથી પીડાતું ન હતું.
આ ટેસ્ટના રિઝલ્ટમાં મારી સાથે સંબંધિત ત્રણ હજાર લોકોની યાદી સામેલ હતી.
જાણે કોઈએ કહ્યું હોય, “આ રહ્યાં તમે અને તમારા ત્રણ હજાર નિકટના સંબંધીઓ.” મારું માથું ભમી ગયું હતું.
એક દિવસ મારાં મમ્મીએ મને કહ્યું કે, “ઇવ, મને લાગે છે કે એ તારા સાવકા ભાઈઓ હોઈ શકે છે.”
મેં પહેલા સાવકા ભાઈનો સંપર્ક કર્યો હતો. અમે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે તે અમારા જૈવિક પિતાને ઓળખે છે. તે મારી મમ્મીના ડૉક્ટર કિમ મૅકમોરીસ હતા.
મને થયું કે એ માણસ કશું જાણતો નથી. મૅકમોરીસે તો કૃત્રિમ ગર્ભાધાનની પ્રક્રિયા કરી હતી.
એ પછી મેં મારા બીજા અને ત્રીજા સાવકા ભાઈ સાથે વાત કરી હતી. ત્રીજાએ મને જણાવ્યું હતું કે તેઓ મારા સાવકા ભાઈ હોય એવું તેઓ માનતા નથી. “હું મારા પપ્પા જેવો દેખાઉં છું,” એમ કહીને તેમણે સવાલ કર્યો હતો કે “આપણે પિતરાઈ ભાઈ-બહેન ન હોઈ શકીએ?”
આના જવાબમાં મેં કહ્યું, “ઠીક છે. મને તમારા કાકાઓ વિશે જણાવો.” તેમણે કહ્યું હતું કે “મારા એક જ કાકા છે અને તેઓ વાસ્તવમાં તમે જે વિસ્તારમાં ઊછર્યાં છો ત્યાં જ રહે છે. તેમનું નામ કિમ મૅકમોરિસ છે.” અને એ સાથે જ મારી દુનિયા એક ક્ષણ માટે થંભી ગઈ હતી.
ડોળ કરવો કે સત્યનો સામનો કરવો?

ઇમેજ સ્રોત, EVE WILEY
ડીએનએના પરિણામનો વિચાર કરું છું તો એક જ વાત સમજાય છે કે હકીકતમાં મારી મમ્મીના ફર્ટિલિટી ડૉક્ટર કિમ મૅકમોરિસે, મારાં માતાપિતાએ પસંદ કરેલા દાતાને બદલે પોતાના શુક્રાણુનો ઉપયોગ કર્યો હતો.
એ જાણવું બહુ અકળાવનારું અને ઉદ્વેગજનક હતું. તે ક્ષણ સુધી હું એમ માનતી હતી કે મારા પિતા સ્ટીવ સાથેનું જીવન અત્યંત સુંદર અને ખુશાલ છે. ડૉક્ટર સાથે એવું ક્યારેય શક્ય ન હતું એ હું જાણતી હતી, કારણ કે તેમણે જે કર્યું એ કરવું જોઈતું ન હતું.
એ વાત જાણ્યા પછી હું ડરી ગઈ હતી કે મારા પિતા સ્ટીવ સાથેની સ્મૃતિ ગુમાવવી પડશે અને તેનાથી મારાં મમ્મીને કેટલી પીડા થશે!
મમ્મીને હકીકત જણાવવાનું મુશ્કેલ હતું. મેં મારા પિતરાઈ ભાઈ સાથે વાત કર્યા પછી ફોન મૂક્યો અને મારી જાતને પૂછ્યું કે “આનું હું શું કરીશ?” હું કશી ખબર જ ન હોવાનો ડોળ કરી શકું અને અમે બધા ખુશ રહી શકીએ.
જોકે, હું તેવું કરી શકી ન હતી. હું તરત જ ઉપરના માળે ગઈ હતી અને મારી મમ્મીને કહ્યું હતું કે, “મારે તમારી સાથે વાત કરવી છે. સ્ટીવ મારા પિતા નથી. મારા પિતા કિમ મૅકમોરીસ છે.”
તેમને આઘાત લાગ્યો હતો. તેઓ એટલી હદે ધ્રૂજી રહ્યાં હતાં કે મારા પતિએ તેમને હૉસ્પિટલે લઈ જવા માટે ઍમ્બુલન્સ બોલાવવાની વાત પણ કરી હતી.
મમ્મીએ કહ્યું હતું કે, “એ શક્ય જ નથી. કિમ મૅકમોરીસ એવું કરે જ નહીં. તેઓ સારા માણસ છે અને મારા મેડિકલ રેકૉર્ડમાં પણ એવું કશું નથી.”
તેમણે મારી મમ્મીની નિર્ણય લેવાની શક્તિ છીનવી લીધી હતી અને કોઈ અધિકાર વિના અમારા જીવનમાં પ્રવેશ કર્યો હતો.

કિમ મૅકમોરીસની માફી અને આડકતરું પરિણામ
કિમ મૅકમોરીસ સામે કાયદેસર પગલાં લઈ શકાય તેવો કોઈ સ્પષ્ટ માર્ગ ન હતો એ જાણીને મને આશ્ચર્ય થયું હતું.
મેં તેમને એક પત્ર લખ્યો હતો અને શું થઈ શકે, એવો સવાલ હળવાશથી પૂછ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “તમને મારા જેનેટિક્સ વારસામાં મળ્યાં હોય એવું બની શકે.”
પછી તેમણે મને જણાવ્યું હતું કે તેમની પાસે રેકૉર્ડ નથી, કારણ કે તે સાત વર્ષ સુધી જ સાચવવાના હોય છે, પરંતુ ક્રાયોબૅન્કના દાતાના શુક્રાણુ અસરકારક ન હતા એટલે સલાહકારે તેમને જુદા જુદા સૅમ્પલ મિક્સ કરવાનું કહ્યું હતું.
તેથી તેમણે 13 કે 14 વર્ષ પહેલાં શુક્રાણુનું દાન કર્યું હતું તેનાં એમ્પ્યુલ્સ શોધી કાઢ્યાં હતાં અને તેનો ઉપયોગ કર્યો હતો. મારાં મમ્મી ગર્ભવતી થવા અને સંતાનને જન્મ આપવા ઇચ્છતાં હતાં, એવું તેમણે પોતાના બચાવમાં જણાવ્યું હતું.
તેમણે તેમના પોતાના શુક્રાણુઓનો ઉપયોગ કર્યો તે યોગ્ય હતું? તેમણે એવું કેમ જણાવ્યું ન હતું કે, “મારા શુક્રાણુના ઉપયોગથી વધુ સફળતા મળે છે.” આ બાબતે તેમણે સંપૂર્ણ નિખાલસ રહેવાની જરૂર હતી, પરંતુ તેમણે એવું કર્યું ન હતું, કારણ કે એવું કર્યું હોત તો મારાં મમ્મીએ ઇનકાર કર્યો હોત.
મારી એક સાવકી બહેન વિશેની મેડિકલ નોંધમાં મૅકમોરીસે લખ્યું હતું કે તેમણે ફ્રેશ સ્પેસીમેનનો ઉપયોગ કર્યો હતો. એ બહેન મારા કરતાં થોડા મહિના મોટી છે. તેથી અમને ખાતરી છે કે તેમણે ઑફિસમાં જ વીર્ય કાઢ્યું હશે અને તરત જ, માતા બનવા ઇચ્છતી સ્ત્રીને ઇનસેમિનેટ કરી હશે.
ઈવ વિલીના કેસને પગલે આવી પ્રવૃત્તિને દંડિત કરવા માટે અમેરિકાનાં અનેક રાજ્યોએ કાયદામાં સુધારા કર્યા હતા.
તેમણે બીબીસી વર્લ્ડ સર્વિસના રેડિયો શો 'આઉટલૂક'માં ભાગ લીધો હતો. તેનો પ્રભાવ એટલો વ્યાપક પડ્યો કે સંખ્યાબંધ લોકોએ ઈવ વિલીનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ પણ આવી જ પરિસ્થિતિ અનુભવી રહ્યા છે.
વિલીની કાયદાકીય લડાઈ તેમના ગૃહ રાજ્ય ટેક્સાસમાંથી શરૂ થઈ હતી, પરંતુ વિલીને કારણે સમગ્ર દેશનાં 11 રાજ્યોએ કાયદા બદલી નાખ્યા છે.
ઈવ વિલીએ બીબીસી ન્યૂઝ, મુન્ડોને જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ પ્રજનન-ઉદ્યોગમાં જવાબદારીના અભાવને ખતમ કરવાનો છે. ઈવ વિલીએ કહ્યું હતું કે, “મેં મારી પીડાનું પ્રયોજન શોધી કાઢ્યું છે. ખુદને રાહત આપવા અને ગર્વ અનુભવવા મારે આ કરવું જરૂરી હતું.”
કિમ મૅકમોરીસ તેમના પરના આક્ષેપોનો જવાબ આપવા ઇચ્છે છે કે કેમ તે જાણવા બીબીસીએ પોતાના વકીલ મારફત તેમનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમનો કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો.














