પાકિસ્તાન : એક મૉડલે 'મિસ યુનિવર્સ' સ્પર્ધામાં ભાગ લીધો તો દેશભરમાં હોબાળો કેમ થઈ ગયો?

એરિકા રૉબિન

ઇમેજ સ્રોત, SUPPLIED

    • લેેખક, સહર બલોચ
    • પદ, બીબીસી ઉર્દૂ

પાકિસ્તાનમાં 'જમાત-એ-ઇસ્લામી'ના સેનેટર મુશ્તાક અહમદે આ વાતને શરમજનક ગણાવી છે. કાર્યકારી વડા પ્રધાન અનવર ઉલ હક કાકડે તપાસના આદેશ આપ્યા છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાની પુરુષો તીખી ટિપ્પણીઓ કરી રહ્યા છે.

આ આક્રોશ કેમ ભડકી રહ્યો છે?

કારણ છે, 24 વર્ષીય એક યુવતી

કરાચીનાં રહેવાસી એરિકા રૉબિન ખ્રિસ્તિ છે. તેઓ ‘મિસ યુનિવર્સ’ સ્પર્ધામાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી પામ્યાં છે.

માલદીવમાં આયોજિત સ્પર્ધામાં એરિકા રૉબિનને ‘મિસ યુનિવર્સ પાકિસ્તાન’ પસંદ કરવામાં આવ્યાં હતાં. આ સ્પર્ધાની ફાઇનલમાં પાંચ સ્પર્ધકો પહોંચ્યાં હતાં.

સ્પર્ધાનું આયોજન દુબઈના 'યૂગેન સમૂહે' કર્યું હતું. આ સમૂહ પાસે જ ‘મિસ યૂનિવર્સ બેહરીન’ અને ‘મિસ યુનિવર્સ ઇજિપ્ત’ના આયોજનની ફ્રેન્ચાઇઝી છે. તેમનું કહેવું છે કે ‘મિસ યુનિવર્સ પાકિસ્તાન’ સ્પર્ધા માટે મોટી સંખ્યામાં અરજીઓ આવી હતી.

‘મિસ યુનિવર્સ’ સ્પર્ધાની ફાઇનલ આ વર્ષે નવેમ્બરમાં અલ-સાલ્વાડોરમાં યોજાશે.

ગ્રે લાઇન

‘મિસ પાકિસ્તાન વર્લ્ડ’ શું છે?

એરિકા

ઇમેજ સ્રોત, YUGEN GROUP

એરિકા રૉબિને બીબીસીને કહ્યું, “પાકિસ્તાનનું પ્રતિનિધિત્ત્વ કરવું સારું લાગે છે. પરંતુ મને સમજાઈ નથી રહ્યું કે બધી પ્રતિક્રિયાઓ આવી ક્યાંથી રહી છે. મને લાગે છે કે લોકોની સમસ્યા એ છે કે હું પુરુષોથી ભરેલા રૂમમાં સ્વિમસૂટ પહેરીને ચાલવાની છું.”

એરિકા રૉબિનના ટીકાકારોનું કહેવું છે કે તેઓ એક એવા દેશનું પ્રતિનિધિત્ત્વ કરી રહ્યાં છે, જે દેશ પ્રતિનિધિત્ત્વ નથી ઇચ્છતો. મુસ્લિમ બહુમતીવાળા પાકિસ્તાનમાં સૌંદર્ય સ્પર્ધા દુર્લભ છે.

‘મિસ પાકિસ્તાન વર્લ્ડ’ એ વિશ્વભરમાં રહેતા પાકિસ્તાન મૂળનાં મહિલાઓની સૌંદર્ય સ્પર્ધા છે, જે સૌથી વધુ પ્રસિદ્ધ છે.

આ સ્પર્ધા પહેલીવાર 2002માં ટોરોન્ટોમાં આયોજિત કરાઈ હતી. 2020માં એ લાહોરમાં યોજાઈ હતી.

ગ્રે લાઇન

પાકિસ્તાનનાં પ્રથમ પ્રતિસ્પર્ધી

‘મિસ યુનિવર્સ’ સ્પર્ધાનાં 72 વર્ષના ઇતિહાસમાં પાકિસ્તાને ક્યારેય પોતાનું પ્રતિનિધિ નથી મોકલ્યું.

એરિકા રૉબિને જણાવ્યું કે બીજા તબક્કાની પસંદગી સ્પર્ધા ઝૂમ (ઑનલાઇન) પર યોજાઈ હતી. તેમાં તેમાં તેમને એક વાત પૂછવામાં આવી હતી કે તેઓ તેમના દેશ માટે તેઓ શું કરવા માગે છે.

એ વિશે એરિકા રૉબિને જવાબ આપ્યો હતો, “હું એ માનસિકતાને બદલવા માગું છું કે પાકિસ્તાન એક પછાત દેશ છે.”

તેમના નામાંકન વિશે જે તીખી પ્રતિક્રિયાઓ આવી છે તેને જોતાં એ મુશ્કેલ બની શકે છે. જોકે, આ દરમિયાન કેટલાંક મૉડલ, લેખકો અને પત્રકારોએ એરિકા રૉબિનને શુભેચ્છા પાઠવી છે.

પત્રકાર મારિયાના બાબરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર રૉબિનની સુંદરતા અને બુદ્ધિની પ્રશંશા કરી હતી. પાકિસ્તાની મૉડલ વનીઝા અહમદે એરિકા રૉબિનને મૉડલિંગના ક્ષેત્રમાં આવવા માટે પ્રોત્સાહિત કર્યાં હતાં.

તેમણે ‘વૉઇસ ઑફ અમેરિકા ઉર્દૂ’ને જણાવ્યું, “જ્યારે આ લોકો ‘મિસ્ટર પાકિસ્તાન’ નામની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સાથે સંમત છે, તો તેમને મહિલાઓની ઉપલબ્ધિથી શું મુશ્કેલી છે?”

ગ્રે લાઇન

વિરોધ અને સમર્થન

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કરાચીમાં રહેતા લેખક અને ટિપ્પણીકાર રાફે મહમૂદે બીબીસીને જણાવ્યું, “આપણે ઘણો વિરોધાભાસ ધરાવતો દેશ છીએ અને મહિલાઓ તથા હાંસિયામાં ધકેલાયેલો સમાજ આપણને સૌથી વધુ પરેશાન કરે છે.”

તેઓ કહે છે, “મોટા સ્તર પર પાકિસ્તાન સર્વસત્તાવાદી રાષ્ટ્ર છે અને એ તેનાં પિતૃસત્તાક મૂલ્યોમાં જોવા મળે છે, જેને તે સંસ્થાગત તથા સામાજિક રૂપે થોપી દે છે. એરિકા રૉબિને જે પ્રકારની મૉરલ પૉલિસિંગનો તેમણે સામનો કર્યો છે, એ તેનો જ વિસ્તાર છે.”

અખબાર ‘ડૉન’ની 1950થી 1970 વચ્ચેની પ્રતઓ જોઈએ તો માલૂમ પડે છે કે કરાચીના એલફિસ્ટન સ્ટ્રીટ પર સ્થિત એક ક્લબમાં કૅબરે અને બૅલે ડાન્સ રજૂ કરતા હતા. આ નાઇટક્લબોમાં ઍક્ટિવિસ્ટ, રાજનેતા, ઍર હોસ્ટેસ અને યુવાઓ જતાં હતાં.

કરાચીની ઐતિહાસિક મેટ્રોપોલ હૉોટલ પણ સંગીત અને જાઝની પ્રસ્તૂતિની જાણીતી જગ્યા હતી. પરંતુ 1973માં પાકિસ્તાનમાં પાકિસ્તાનની સંસદે એક બંધારણ બનાવ્યું, જેમાં પાકિસ્તાનને એક ઇસ્લામિક ગણરાજ્ય જાહેર કરાયું અને ઇસ્લામને રાજધર્મ બનાવી દેવાયો.

તેના ચાર બાદ સેનાધ્યક્ષ જનરલ ઝિયા-ઉલ-હકે વડા પ્રધાન ઝુલ્ફિકાર અલી ભુટ્ટોની સરકારનો તખ્તાપલટ કરી દીધો. ત્યાર બાદના દાયકામાં જે કંઈ થયું તેને કાર્યકર્તાઓ અને કાનૂનના જાણકારોએ ‘તાનાશાહી યુગ’ ગણાવ્યો કેમ કે આ દરમિયાન ઇસ્લામી કાનૂન લાગુ કરાયો હતો અને પાકિસ્તાની સમાજ નાટકીય રૂપે બદલાયો હતો.

જનરલ ઝિયાએ 1980ના દાયકાના મધ્ય સુધી ઇસ્લામી કાયદા પ્રતિ પોતાની પ્રતિબદ્ધતા બતાવવા માટે જાહેરમાં કોરડા મારવાની સજાને પણ લાગુ કરી દીધી હતી. આજે નાઇટ ક્લબ અને બાર ખતમ થઈ ચૂક્યાં છે. મેટ્રોપોલ હોટલ એવી લાગે છે કે જાણે ઢળી ગઈ છે. માર્ગના એકદમ નીચે જેને પહેલા કસીનો માનવામાં આવતો હતો, ત્યાં હવે માત્ર માખળું બચ્યું છે.

તેમ છતાં એક સ્વતંત્ર અને વધુ સહિષ્ણુ પાકિસ્તાનની આશા દૂર નથી થઈ. એરિકા રૉબિન એ લોકોમાંથી એક છે જે એ વાતની મર્યાદા ઓળંગી રહ્યાં છે કે શું સ્વીકાર્ય છે અને શું નહીં!

સેન્ટ પેટ્રિક હાઈ સ્કૂલ અને ગવર્નમેન્ટ કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સનાં સ્નાતક એ વાત પર અડગ છે કે તેમણે કંઈ જ ખોટું નથી કર્યું. તેઓ કહે છે, “આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવમાં હું કોઈ કાનૂન નથી તોડી રહી. હું રૂઢિવાદને ખતમ કરવા માટે પોતાની રીતે થોડો પ્રયાસ કરી રહી છું.”

રેડ લાઇન
રેડ લાઇન