મહિલાઓ લોકો સામે સવાલો પૂછતાં ખચકાટ અનુભવે છે?

પ્રશ્ન પૂછતાં મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અંજલિ દાસ
    • પદ, બીબીસી માટે

“હું વર્ષોથી અનેક રેડિયો શો કરતી આવી છું અને દર્શકો સામે લાઇવ પબ્લિક ઇવેન્ટ પણ કરી છે.”

“આવા કોઈ પણ કાર્યક્રમમાં લોકો સવાલો પણ પૂછે છે. ત્યાં હું લોકો હળવાશ અનુભવે તેવા પૂરતા પ્રયાસ કરું છું. જેથી તેઓ સવાલો પૂછી શકે. પણ સવાલ પૂછવા જ્યારે પણ હાથ ઊંચા થાય છે તેમાં મહિલાઓની સંખ્યા પુરુષોની સરખામણીએ ઓછી હોય છે.”

“ક્યારેક એવું હોય કે મહિલાઓ પાસે પૂછવા માટે સવાલો જ ઓછા હોય. હોઈ શકે છે આવું. પરંતુ હાથ ઊંચો કર્યા પછી પણ ઘણી વાર તેઓ તેમનો વારો આવે એ પહેલાં હાથ નીચો કરી દે છે. તેમાંથી કેટલાકે જણાવ્યું કે તેઓ સવાલ પૂછવા તો માગતા હતા પણ એ વિચારીને કે તેમનો સવાલ સારો નથી એવું વિચારીને ચુપ રહ્યાં.”

બ્રિટનનાં લેખિકા ક્લાઉડિયા હૈમંડ આવું જણાવે છે.

તેઓ કહે છે, “વર્ષોના આવા અનુભવ પછી મને થયું કે આંકડાઓ જોવા જોઈએ. આ વિષય પર વધારે પ્રમાણમાં શોધ ઍકેડૅમિક સંમેલનમાં લોકોની હાજરી અને તેમણે પૂછેલા સવાલોને જોતા થઈ છે. મારો અનુભવ પણ આનાથી કંઈ અલગ નથી.”

સંશોધન શું કહે છે?

મહિલાઓ

ઇમેજ સ્રોત, Getty Images

બર્કલસ્થિત કૅલિફોર્નિયા યુનિવર્સિટીના શોશના જારવિસે 2022માં સંશોધન કર્યું. આ સંશોધન એક સંમેલન પર આધારિત હતું, જેમાં જીવ વૈજ્ઞાનિક, ખગોળવિદ્ અને અર્થશાસ્ત્રીઓ હતા.

એમાં શોશના જારવિસે જોયું કે સંમેલનમાં કોણે કેટલા સવાલો પૂછ્યા.

સંમેલનમાં લોકોએ તેમની ખુરશી પરથી ઊભા થઈ કતારમાં ઊભા રહી માઇક્રોફોન પર સવાલ પૂછવાનો હતો.

સંમેલનમાં 63 ટકા પુરુષો હતા અને બાકીની મહિલા. પણ પુરુષોએ 78 ટકા સવાલો પૂછ્યા અને મહિલાઓએ માત્ર 22 ટકા. જ્યારે આ ટકાવારી તેમની હાજરી બરાબર હોવી જોઈએ.

આવાં જ પરિણામો યુનિવર્સિટી કૉલેજ લંડનનાં એલિસિયા કાર્ટરને તેમના સંશોધનમાં મળ્યા હતા. એલિસિયાએ આ સંશોધન 10 દેશોમાં આયોજિત 250 ઍકેડૅમિક સેમિનાર દરમ્યાન કર્યું હતું.

એમને જાણવા મળ્યું કે આ સંમેલનોમાં ચોથા ભાગની મહિલાઓએ સવાલો પૂછ્યા. જોકે તેમની હાજરી પુરુષો જેટલી જ હતી.

જારવિસને જાણવા મળ્યું કે મહિલાઓને સવાલ પૂછવામાં વધારે બેચેની અનુભવાય છે.

ભારતમાં મહિલાઓ સવાલ પૂછવામાં સહજતા અનુભવે છે?

મોરોમી દત્તા

ઇમેજ સ્રોત, MORAMI DUTTA

ઇમેજ કૅપ્શન, દિલ્હી વિશ્વવિદ્યાલયમાં રિસર્ચ સ્કોલર મોરોમી દત્તા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતમાં શું આવી સ્થિતિ છે?

દિલ્હી વિશ્વ વિદ્યાલયમાં રિસર્ચ સ્કોલર મોરોમી દત્તા કહે છે, “ભારતમાં સેમિનારમાં મહિલાઓ ઉપસ્થિત તો હોય છે પણ તેઓ સવાલો તો ઓછા જ પૂછે છે.”

આંતરરાષ્ટ્રીય સેમિનારમાં વક્તા તરીકે ઉપસ્થિત રહેનારાં મોરોમી દત્તા કહે છે, “હોઈ શકે કે આવું હું અનુભવતી હોઉં, પણ ભારતની સરખામણીએ આંતરરાષ્ટ્રીય સેમિનારમાં મહિલાઓ વધારે સંખ્યામાં હાજર તો હોય જ છે, સાથે જ તેઓ પ્રશ્નો પણ વધારે પૂછે છે.”

પ્રશ્નો પૂછવાના મામલામાં ભારતીય મહિલાઓના ખચકાટ બાબતે તેઓ કહે છે કે હોઈ શકે કે આની પાછળ તેમનાં પરિવેશ, ઘરનું વાતાવરણ કે કામનું ભારણ જવાબદાર હોય.

વાતચીત દરમ્યાન મોરોમી દત્તા મહત્ત્વપૂર્ણ સવાલ ઉઠાવે છે, “તમે છેલ્લાં કેટલાંક વર્ષોનાં પરિણામો જુઓ તો દસમા કે બારમા ધોરણની પરીક્ષાઓમાં મહિલાઓ અવ્વલ ક્રમે આવતી રહી છે, છતાં હું જે ક્ષેત્રમાં કામ કરું છું ત્યાં પણ મહિલાઓની સંખ્યા હજી પણ એટલા પ્રમાણમાં વધી નથી.”

તેઓ એમ પણ કહે છે કે ડીયુમાં જ રિસર્ચ સ્કોલર છોકરાઓની તુલનામાં છોકરીઓ આજે પણ ઓછી છે.

તો હાલમાં જ યુવા મહિલાઓમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ પર આયોજિત સેમિનારમાં વક્તા તરીકે હાજર રહેલાં વિમલોક તિવારીનો અનુભવ આનાથી વિપરીત રહ્યો છે.

તેઓ કહે છે, “જે સેમિનારમાં મહિલાઓ અને પુરુષો બંને હાજર હોય એમાં મહિલાઓ વધારે સવાલો પૂછતી જોવા મળી છે. જો ટકાવારીની વાત કરીએ તો સેમિનારોમાં 60થી 70 ટકા મહિલાઓ સવાલ પૂછે છે.”

વિમલોક તિવારી

ઇમેજ સ્રોત, VIMLOK TIWARI

વિમલોક તિવારી દિલ્હી યુનિવર્સિટીના આફ્રિકન સ્ટડીઝ વિભાગમાં રિસર્ચ સ્કોલર છે.

ફૂટપ્રિન્ટ ઑફ વુમન ઇન મૅકિંગ ભારત, વુમન ઇન ડેવલપમૅન્ટ, ઇન્ડિક પરસ્પેક્ટિવ ઑફ ફોરેન પૉલિસી, આજના સમયમાં ગાંધી અને આફ્રિકા સાથે ભારતના સંબંધો જેવા અનેક સેમિનારમાં વક્તા તરીકે હાજર રહી ચૂકેલા વિમલોક તિવારી કહે છે, “જે સેમિનારમાં પુરુષ અને સ્ત્રીઓ બંને હાજર હોય ત્યાં સવાલ પૂછનારોમાં મહિલાઓ પણ વધારે હોય છે પણ મોટા ભાગની મહિલાઓ સામાન્ય વિષયો પર સવાલો પૂછે છે જ્યારે પુરુષો વિરોધી સવાલો વધારે પૂછે છે.”

જોકે તેઓ એમ પણ કહે છે, “વિભાગીય સ્તર પરના નાના સેમિનારમાં મહિલાઓની ભાગીદારી અને તેમના તરફથી પૂછાતા સવાલો ઓછા હોય છે. હાલમાં જ મંડેલા અને ગાંધી પર થયેલા એક સેમિનારમાં અમે 20 લોકોને સવાલો પૂછવાની તક આપી. ત્યાં માત્ર ત્રણ મહિલાઓએ સવાલો પૂછ્યા.”

વિમલોક કહે છે, “મહિલાઓમાં ખચકાટ હોય છે કે લોકો તેમના સવાલો વિશે મત બનાવશે. આની પાછળ પારિવારિક અને સામાજિક કારણ પણ હોય છે.”

તેઓ રિસર્ચ ક્ષેત્રમાં પુરુષોના વધારે વર્ચસ્વને પણ કારણ ગણાવે છે.

શું કરીએ તો મહિલાઓ સવાલો પૂછે?

માઈક

ઇમેજ સ્રોત, Getty Images

તો એવું શું કરવું જોઈએ કે જેનાથી મહિલાઓ સવાલો પૂછતી થાય. મહિલાઓમાં પ્રશ્નો પૂછવાનું પ્રમાણ કેવી રીતે વધારવું જોઈએ.

મોરોમી આ સવાલના જવાબમાં કોવિડ મહામારીના સમયને યાદ કરે છે.

તેઓ કહે છે, “કોવિડ મહામારી સમયે યોજાતા ઑનલાઇન સેમિનારમાં મહિલાઓ વધારે સવાલો પૂછતી હતી. શક્ય છે કે ત્યારે તેમની ઓળખ છુપાયેલી રહેતી હતી અને આ કારણે તેઓ સવાલો પૂછી શકતી હોય.”

મોરોમી કહે છે, “જ્યારે સેમિનારના આયોજકોએ મજબૂરીવશ ઑનલાઇન કાર્યક્રમો કરવા પડ્યા ત્યારે એક પણ શબ્દ બોલ્યા વગર જ લોકોને સવાલો પૂછવાની તક મળી હતી. ત્યારે મહિલાઓ ચેટબૉક્સમાં ટાઇપ કરીને અથવા નામ જણાવ્યા વગર જ સવાલો પૂછતી હતી. ત્યાં કોઈ પણ પ્રકારનો ખચકાટ ન હતો.”

પણ સંશોધનમાં શું મળ્યું?

પ્રશ્ન પૂછતાં મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

બાયૉમેડિકલ સંશોધનના પ્રખ્યાત કેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ પાશ્ચરના સંશોધક જુલ્હાન્લુ ઝાંગને વિપરીત અનુભવ હતો.

તેમણે 2021માં બાયૉઇન્ફૉર્મેટિક્સ પરના ઑનલાઇન સેમિનારમાં પુરુષો અને સ્ત્રીઓએ પૂછેલા પ્રશ્નોની ગણતરી કરી.

ઑનલાઇન જતાં પહેલાં આવા સેમિનારોમાં પુરુષોની બહુમતી હતી પરંતુ જ્યારે આ કૉન્ફરન્સનું ઑનલાઇન આયોજન કરાયું ત્યારે તેમાં મહિલાઓની સંખ્યા લગભગ પુરુષો જેટલી થઈ ગઈ. છતાં ત્યાં પુરુષોએ 115 પ્રશ્નો પૂછ્યા જ્યારે મહિલાઓએ 57 પ્રશ્નો પૂછ્યા.

તેઓ એમ પણ કહે છે કે આવા સેમિનારમાં મહિલાઓ કરતાં વરિષ્ઠ પુરુષો વધુ પ્રશ્નો પૂછે છે.

એક રિસર્ચમાં જાણવા મળ્યું કે જો કૉન્ફરન્સના મોડરેટર કે ચૅરમૅન પુરુષ હોય તો તેની પણ અસર પડે છે. પરંતુ ઝાંગના સંશોધનમાં સેમિનારની અધ્યક્ષતા કોણ કરે છે તેનાથી મહિલાઓના પ્રશ્નોમાં કોઈ ફરક પડતો નથી. જોકે તેઓ કહે છે કે મધ્યસ્થીની વ્યૂહરચના ચોક્કસપણે ફરક લાવી શકે છે.

મહિલાઓના પ્રશ્નોની સંભાવના ઓછી કેમ?

મહિલાની પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સંશોધકોએ અમેરિકામાં આયોજિત એક મુખ્ય મનોવિજ્ઞાન પરિષદમાં ભાગ લેનાર 234 સંશોધન વિદ્વાનોનો સર્વે કર્યો.

આ કૉન્ફરન્સમાં 61% સહભાગીઓ મહિલાઓ હતી.

તેમને પૂછાયું કે તેઓ આ કૉન્ફરન્સમાં અને સામાન્ય રીતે અન્ય પરિષદોમાં પ્રશ્નો પૂછવા, તેમનાં મંતવ્યો શેર કરવા અને વક્તા સાથે વાર્તાલાપ કરવામાં કેટલા સહજ છે.

તેમાંની ઘણી મહિલાએ કહ્યું કે તેઓ પ્રશ્નો પૂછવાથી અને તેમની તીવ્ર પ્રતિક્રિયાઓ મેળવવાથી કેટલાં ડરતાં હતાં અને આ વિચારને કારણે તેઓ વારંવાર પ્રશ્નો પૂછવાનું મુલતવી રાખતાં હતાં.

સંશોધકો માને છે કે સ્ત્રીઓ પ્રશ્નો પૂછવામાં અને તેમના વિચારો વ્યક્ત કરવામાં અસ્વસ્થતા અનુભવે છે, કારણ કે તેમાંથી મોટા ભાગની મહિલાઓને પ્રશ્નો પૂછ્યા પછીની કઠોર પ્રતિક્રિયાની ચિંતા હોય છે.

સ્ત્રીઓના પ્રશ્નો ન પૂછવાનાં અન્ય કારણો પણ છે. જેમ કે અગાઉની કૉન્ફરન્સનો તેમનો અનુભવ જ્યાં એ મહિલાના અભિપ્રાયને ઓછો આંકવામાં આવ્યો હોય અથવા તેને અવગણવામાં આવ્યો હોય અથવા તેમણે એવી પરિષદોમાં હાજરી આપી હતી જ્યાં મહિલાઓને ઓછું પ્રતિનિધિત્વ અપાયું હતું.

આવાં કારણોને સારી રીતે સમજીને જ કૉન્ફરન્સના આયોજકો મહિલાઓની સમાન ભાગીદારીમાં આવતાં અવરોધોને દૂર કરી શકશે.