સમુદ્રગુપ્ત : એ ભારતીય રાજા જેના રાજ્યમાં ચાંદી-તાબાના નહીં માત્ર સોના જ સિક્કા ચાલતા

ઇમેજ સ્રોત, museumsofindia.gov.in
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિંદી
ચંદ્રગુપ્ત પ્રથમની ઉંમર થઈ એટલે તેમણે પોતાનું રાજપાટ ત્યજી દીધું અને વહીવટની જવાબદારી સમુદ્રગુપ્તને સોંપી દીધી.
સમુદ્રગુપ્ત પાટવી કુંવર ન હતા, છતાં તેઓ યોગ્ય ઉત્તરાધિકારી સાબિત થયા હતા અને પોતાની નિષ્ઠા, ન્યાયપ્રિયતા તથા વીરતા દ્વારા તેમણે પિતા ચંદ્રગુપ્ત પ્રથમનું હૃદય જીત્યું હતું.
ચંદ્રગુપ્તે જ્યારે દીકરા સમુદ્રગુપ્તને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા, ત્યારે શું બન્યું, તેના વિશેનું વર્ણન પ્રયાગરાજસ્થિત (અગાઉનું અલ્લાહબાદ) સ્તંભ શિલાલેખમાં મળે છે. જેમાં જણાવ્યા મુજબ :
"ચંદ્રગુપ્ત પ્રથમ સમુદ્રગુપ્તને ગળે મળ્યા અને કહ્યું કે તમે મહાન આત્મા છો. ચંદ્રગુપ્ત જ્યારે આ વાત કહી રહ્યા હતા, ત્યારે તેમની કોમળ ભાવનાઓથી શરીરના તમામ વાળ ઊભા થઈ ગયા."
"આ જાહેરાત થઈ કે કેટલાક દરબારી હરખાઈ ગયા, પરંતુ કેટલાક લોકોના મોં ઊતરી ગયા. ચંદ્રગુપ્ત પ્રથમે આંસુ ભરી આંખે સમુદ્રગુપ્ત તરફ જોતા કહ્યું કે હવે આ દુનિયાની સુરક્ષા કરવાની જવાબદારી તમારી છે."
સમુદ્રગુપ્તને ઉત્તરાધિકારી ચૂંટવામાં આવ્યા હતા, એ વાતમાં કોઈ શંકા નથી, પરંતુ કેટલાક આધુનિક ઇતિહાસકારોનું માનવું છે કે સમુદ્રગુપ્તે રાજા બનવા માટે સત્તાના અન્ય દાવેદારો સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો.
સંઘર્ષ બાદ સમુદ્રગુપ્તને સત્તા મળી

ઇમેજ સ્રોત, Bhairavi
આ યાદીમાં પ્રથમ નામ કાચનું છે. જેઓ ચંદ્રગુપ્ત પ્રથમના પાટવી કુંવર હતા અને સત્તા માટેના દાવેદાર હતા. કાચના નામના સોનાના સિક્કા મળી આવ્યા છે, એટલે એવું માનવામાં આવે છે કે એણે થોડો સમય માટે સત્તા સંભાળી હતી. જોકે, ઇતિહાસકારો આના વિશે એકમત નથી.
કેપી જાયસવાલ તેમના પુસ્તક 'ઇમ્પિરિયલ હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા'માં લખે છે કે કાચ એ સમુદ્રગુપ્તના બળવાખોર ભાઈ 'ભષ્મ'નું બીજું નામ છે. પરમેશ્વરીલાલ ગુપ્તા, શ્રી રામ ગોયલ તથા લાલતાપ્રસાદ પાંડે પણ માને છે કે કાચ અને ભષ્મ એક જ વ્યક્તિનાં નામ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુપ્તવંશનું સિંહાસન હાંસલ કરવા માટે સમુદ્રગુપ્ત સાથે ભષ્મે યુદ્ધ કર્યું હતું. જોકે, કેટલાકનું માનવું છે કે સમુદ્રગુપ્તએ કોઈ વ્યક્તિનું નામ નથી, પરંતુ ઉપાધિ છે.
રાધાકુમુદ મુખરજી તેમના પુસ્તક 'ધ ગુપ્તા અમ્પાયર'માં લખે છે, "આ ઉપાધિનો અર્થ થાય છે કે સાગર તેમની રક્ષા કરે છે, જેનું સામ્રાજ્ય દરિયાકિનારા સુધી ફેલાયેલું છે. મથુરામાં ચંદ્રગુપ્ત દ્વિતીયના શીલાલેખ ઉપર લખવામાં આવ્યું છે કે સમુદ્રગુપ્તની પ્રસિદ્ધિ ચારેય સાગર સુધી ફેલાયેલી હતી."
પરાક્રમી કવિરાજ

ઇમેજ સ્રોત, Motilal Banarasidas
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એવું માનવામાં આવે છે કે સમુદ્રગુપ્તનો જન્મ સન્ 318માં થયો હતો અને પાંચ વર્ષની ઉંમરે તેમણે લિપિ અને ગણિતનું શિક્ષણ લેવાનું શરૂ કર્યું હતું. સમુદ્રગુપ્તને પ્રારંભિક શિક્ષણ બાદ શાસન તથા નીતિની તાલીમ આપવામાં આવી.
પ્રયાગરાજસ્થિત શિલાલેખમાં સમુદ્રગુપ્ત અનેક શાસ્ત્રોના જ્ઞાતા હોવાનું જણાવવામાં આવ્યું છે. તેઓ કાવ્યકળામાં વિશેષ પારંગત હતા એટલે તેમને 'કવિરાજ'ની આપવામાં આવી હતી.
હરિષેણ તથા વાસુબંધુ જેવી વિખ્યાત હસ્તીઓ તેમના દરબારમાં હતી. એટલે જ તેમને સાહિત્યના મોટા સંરક્ષક માનવામાં આવે છે. પરાક્રમ માટે વિખ્યાત સમુદ્રગુપ્તને અનેક સિક્કામાં વીણાવાદન કરતા દર્શાવવામાં આવ્યા છે.
પ્રયાગરાજના શિલાલેખમાં આપવામાં આવેલાં વિવરણ પ્રમાણે, 'સમુદ્રગુપ્તની શરીર 'પરસુ' એટલે કે ફરસી, 'શર' એટલે કે બાણ, 'શંકુ' એટલે કે ભાલા, 'શક્તિ' એટલે કે બરછી, 'અસિ' એટલે કે તલવાર, 'તોમર' એટલે કે ગદા જેવા અસ્ત્રોના સેંકડો ઘાવોથી સૌભાગ્યવાન તથા અતિ સુંદર થઈ ગયું હતું.'
સમુદ્રગપુત્ને અસાધારણ ક્ષમતાવાળી વ્યક્તિ માનવામાં આવે છે, જેનામાં યૌદ્ધા, શાસક, કવિ, સંગીતજ્ઞ અને પરોપકારીના ગુણ એકસાથે હતા.
સમુદ્રગુપ્તના મનમાં શરૂઆતથી જ ભારતને રાજકીય રીતે એક તાંતણે બાંધવાની તથા પોતાના અધિક્ષારક્ષેત્રનો વિસ્તાર કરવાની જબરદસ્ત મહત્ત્વકાંક્ષા હતી, જેના માટે તેમણે જીવનભર પ્રયાસ કર્યા.
ઉત્તર અને દક્ષિણના રાજાઓ પ્રત્યે અલગ નીતિ

ઇમેજ સ્રોત, Bhairavi
સમુદ્રગુપ્તે ઉત્તર ભારતનાં નવ રાજ્યોને પોતાને અધીન કરવા માટે દૂરદૃષ્ટિ અપનાવી અને તેમના પ્રત્યે કડક વલણ દાખવ્યું અને સૈન્યબળથી તેમને પોતાના રાજ્યમાં ભેળવ્યા.
દક્ષિણ ભારતમાં 12 રાજ્યોમાં જીત મેળવી, પરંતુ તેમને પોતાના રાજ્યમાં ભેળવવા માટે કોઈ પ્રયાસ નહોતા કર્યા.
સાથરોંગલા સંગટમ પોતાનાં પુસ્તક 'સમુદ્રગુપ્ત અ મિલિટરી જીનિયસ'માં લખે છે, "કદાચ એની પાછળનું કારણ હતું કે પાટલીપુત્રથી આ રાજ્યો ઉપર નિયંત્રણ રાખવું એટલું સરળ ન હતો. એ સમયે સંચાર અને પરિવહનના સાધનો ખૂબ જ મર્યાદિત હતાં."
"એટલું જ નહીં, તેમણે માળવા, પંજાબ અને પૂર્વ રાજપૂતાના જેવા છેવાડાના વિસ્તારોને પણ સ્વાયત્તતા આપી હતી. સમુદ્રગુપ્ત આ રાજ્યોનો ઉપયોગ શક તથા કુષાણ જેવા વિદેશી શાસકોના હુમલા સામે 'બફર રાજ્ય' તરીકે કરતા હતા."
સમુદ્રગુપ્તના શાસનકાળ દરમિયાન પાટલિપુત્રે તેનો જૂનો વૈભવ ફરી હાંસલ કરી લીધો હતો. સમુદ્રગુપ્તનો શાસનકાળ જ્યારે તેના ચરમ ઉપર હતો, ત્યારે લગભગ આખી ગંગા ઘાટી ઉપર તેમનું નિયંત્રણ હતું.
પૂર્વ બંગાળ, આસામ એટલે સુધી કે નેપાળના શાસક પણ તેમને નજરાણાં મોકલતાં.
એએલ બાશમ પુસ્તક, 'ધ વંડર ધૅટ વોઝ ઇન્ડિયા'માં લખે છે, "સમુદ્રગુપ્તની શક્તિઓ આસામથી લઈને પંજાની સીમા સુધી ફેલાયેલી હતી. તેમનો ઇરાદો મૌર્યોની જેમ એકજૂટ સામ્રાજ્ય ઊભું કરવું હતું. અલ્લાહબાદના શિલાલેખમાં સ્પષ્ટપણે લખ્યું છે કે તેમણે ઉત્તર ભારતનાં નવ રાજ્યોને પોતાની સાથે જોડ્યાં હતાં."
જોકે, રાજસ્થાનની લડાકુ જનજાતિઓ તથા સરહદી રાજ્યોએ માત્ર તેમના પ્રત્યે શ્રદ્ધા દાખવી હતી અને પોતાની સ્વાયતતા જાળવી રાખી હતી. દક્ષિણમાં સમુદ્રગુપ્તે કાંચીવરમ સુધી પોતાનો વિજયધ્વજ લહેરાવ્યો હતો, પરંતુ નજરાણાં અદા થયા બાદ સમુદ્રગુપ્તે ત્યાંના રાજાઓને બહાલ કરી દીધા હતા અને પોતે નામમાત્રના રાજા બની રહ્યા હતા."
સમુદ્રગુપ્ત અને અશોક બે અલગ-અલગ વ્યક્તિત્વ

ઇમેજ સ્રોત, Getty Images/MAPLE PRESS
ધર્મ પ્રત્યેની સમુદ્રગુપ્તની સેવાઓને કારણે પ્રયાગરાજસ્થિત શિલાળેખમાં તેમના માટે 'ધર્મ-પ્રાચીર બંધૂ' શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે. તેના દ્વારા એ વાતના પુરાવા પણ મળે છે કે સમુદ્રગુપ્ત અન્ય ધર્મો પ્રત્યે સહિષ્ણુતા ધરાવતા હતા.
સમુદ્રગુપ્ત પોતે ભગવાન વિષ્ણુ પ્રત્યે આસ્થા ધરાવતા હતા, પરંતુ શ્રીલંકાના રાજાની વિનંતીને ધ્યાને લઈને તેમણે બોધ ગયામાં મઠની સ્થાપનાને મંજૂરી આપી હતી. જે દર્શાવે છે કે સમુદ્રગુપ્ત અન્ય ધર્મોનું પણ સન્માન કરતા હતા.
સમુદ્રગુપ્તના શાસનકાળમાં આર્થિક સંપન્નતાનો અંદાજ એ વાત પરથી મૂકી શકાય છે કે તેમના રાજ્યમાં માત્ર સોનાના સિક્કાનું ચલણ હતું અને તેમણે ક્યારેય ચાંદીના સિક્કાનો ઉપયોગ નહોતો કર્યો.
રાધાકુમુદ મુખર્જી લખે છે, "સમુદ્રગુપ્તે આઠ પ્રકારના સિક્કા ઘડાવ્યા હોવાનું જાણવા મળે છે. સમુદ્રગુપ્તને પોતાના સિક્કા માટેનું સોનું વિજયઅભિયાનો દરમિયાન મળ્યું હતું."
ડૉ. એચસી રૉયચૌધરીએ સમુદ્રગુપ્ત અને અશોકની રસપ્રદ સરખામણી કરી છે. પોતાના પુસ્તક પોતાના પુસ્તક 'પોલિટિકલ હિસ્ટ્રી ઑફ ઍન્સિયન્ટ ઇન્ડિયા'માં તેઓ લખે છે :
"વૈચારિક રીતે અશોક અને સમુદ્રગુપ્તમાં ધરતી અને આકાશ જેટલો તફાવત હતો. એક તરફ અશોક શાંતિ અને અહિંસાના હિમાયતી હતા, તો બીજી તરફ સમુદ્રગુપ્ત યુદ્ધ અને આક્રમકતામાં વિશ્વાસ ધરાવતા હતા."
"અશોક વિજયને તિરસ્કારની નજરે જોવા લાગ્યા હતા, જ્યારે સમુદ્રગુપ્તને જીત માટે એક પ્રકારે ઝનૂન હતું. અશોકની સરખામણીમાં સમુદ્રગુપ્ત બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. અશોકની મહાનતા માત્ર ધર્મગ્રંથ પૂરતી મર્યાદિત હતી, જ્યારે સમુદ્રગુપ્ત કળા અને સંસ્કૃતિનાં દરેક પાસાંમાં પારંગત હતા."
"અશોકે પોતાના લોકોના આધ્યાત્મિક ઉત્થાન માટે કામ કર્યું, તો સમુદ્રગુપ્તે પોતાની પ્રજાના આર્થિકકલ્યાણ માટે કામ કર્યું હતું. સમુદ્રગુપ્તનું માનવું હતું કે જો લોકો આર્થિક રીતે સંપન્ન નહીં હોય, તો તેમના માટે આધ્યાત્મિક ઉત્થાનનો કોઈ મતલબ નહીં રહે.
ભારતીય ઇતિહાસના સુવર્ણયુગનો સમ્રાટ

ઇમેજ સ્રોત, Sidgwick & Jackson
સમુદ્રગુપ્તે ગાંધાર, કાબુલ, બૅક્ટ્રિયા તથા શ્રીલંકાના રાજાઓ સાથે કૂટનીતિક સંબંધ ધરાવતા હતા, જે દર્શાવે છે કે તેઓ આંતરરાષ્ટ્રીય છાપ ધરાવતા હતા. ઉલ્લેખનીય છે કે તામિલ રાજ્યો સાથે સીધો સંબંધ ન હોવા છતાં શ્રીલંકા સાથે નિકટના સંબંધ હતા.
સમુદ્રગુપ્તને તેમના માનવીય ગુણો માટે પણ યાદ કરવામાં આવે છે. ગરીબો માટે તેમના મનમાં હંમેશાં કરૂણાભાવ રહ્યો. ભારતીય ઇતિહાસના સ્વર્ણિમયુગનું પ્રતિનિધિત્વ કરવાનો શ્રેય સમુદ્રગુપ્તને આપવામાં આવે છે.
અનેક બાબતોમાં સમ્રાટ સમુદ્રગપુતનું વ્યક્તિત્વ અન્ય ગુપ્ત સમ્રાટો જ નહીં, પરંતુ ભારતના અન્ય સમ્રાટોની સરખામણીમાં પણ વધુ ભવ્ય દેખાય આવે છે.
ઇતિહાસકાર ડૉ. રાધેશર તેમનાં પુસ્તક 'સમ્રાટ સમુદ્રગુપ્ત'માં લખે છે, 'સમુદ્રગુપ્ત પોતાના સમયના અનોખા સમ્રાટ હતા. તેમની કાર્યશૈલી અન્ય સમ્રાટોની સરખામણીમાં વધુ વ્યવહારુ હતી. આર્થિક રીતે તેમનું સામ્રાજ્ય કદાચ વિશ્વનું સૌથી સમૃદ્ધ સામ્રાજ્ય હતું.'
એક પણ યુદ્ધ નહીં હારનાર સમ્રાટ

ઇમેજ સ્રોત, Radha Publication
સમુદ્રગુપ્તે ત્રણ સદી અગાઉ લુપ્ત થઈ ગયેલા મૌર્ય સામ્રાજ્યની સેના જેટલું મોટું સૈન્યબળ ફરી ઊભું કર્યું હતું. સમુદ્રગુપ્તે તેમનું જીવન મોટાભાગે સૈન્યઅભિયાનો તથા પોતાના સૈનિકો સાથે વીતાવ્યું.
ડૉ. વિસેન્ટ સ્મિથ સમુદ્રગુપ્તને ભારતના નેપોલિયન કહે છે. તેઓ કહે છે કે સમુદ્રગુપ્તમાં યોગ્ય સેનાનાયક તરીકેના તમામ ગુણ હતા. સમુદ્રગુપ્ત અન્ચ સેનાપતિઓની જેમ દૂરથી સેનાનું સંચાલન નહોતા કરતા.
પ્રયાગરાજના શિલાલેખમાં થયેલા ઉલ્લેખ મુજબ, સમુદ્રગુપ્તે સેંકડો લડાઈઓમાં ભાગ લીધો હતો. તેમનું સામ્રાજ્ય ઉત્તરમાં હિમાલય અને અને દક્ષિણમાં લંકાના ટાપુઓ સુધી, પશ્ચિમ ભારતથી આગળ અને પૂર્વમાં બંગાળ, આસામ અને નેપાળ સુધી ફેલાયેલુ હતું.
ઉપરોક્ત શિલાલેખમાં ઉલ્લેખ મુજબ, ભારતમાં સમુદ્રગુપ્તનું કોઈ હરીફ ન હતું. સમુદ્રગુપ્તે પોતાના સામ્રાજ્યના વ્યાપક ભૂભાગને સ્વાયત રહેવા દીધો હતો. આ એકમો પોતાનો આંતરિક વહીવટ કરવા માટે સ્વંત્ર હતા, છતાં આદરપૂર્વક સમ્રાટનું પ્રભુત્વ સ્વીકારતા હતા.
ઇતિહાસકાર બાલકૃષ્ણ ગોવિંદ ગોખલે તેમનાં પુસ્તક 'સમુદ્રગુપ્ત: લાઇફ ઍન્ડ ટાઇમ્સ'માં લખે છે, "નિઃસંદેહ નેપોલિયન યોગ્ય વિજેતા હતા, પરંતુ બંને સમ્રાટોની સમકાલીન પરિસ્થિતિઓ, વિજયઅભિયાનો તથા હેતુઓ ઉપર નજર કરીએ તો જણાય આવે છે કે નેપોલિયન કરતાં સમુદ્રગુપ્ત ક્યાંય આગળ હતા."
"સમુદ્રગુપ્ત વિજેતા તરીકે માત્ર સીમા વિસ્તારક જ ન હતા, પરંતુ તેમણે વિજયના નૈતિકમૂલ્યો ઉપર પણ પૂરતું ધ્યાન આપ્યું હતું. નેપોલિયનની જેમ જ સમુદ્રગુપ્તે પણ ક્યારેય સૈન્ય પરાજયનો સામનો નહોતો કરવો પડ્યો. વકટકોં સામેના અભિયાન દરમિયાન સમુદ્રગુપ્તને કેટલીક મુશ્કેલીઓ પડી હતી, પરંતુ છેવટે તેમનો જ વિજય થયો હતો."
ભારતીય ઇતિહાસના સર્વશ્રેષ્ઠ સૈન્ય કમાન્ડર

ઇમેજ સ્રોત, Getty Images
સમુદ્રગુપ્તે પોતાના પરાક્રમની જાહેરાત કરવા માટે અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું હતું. પ્રયાગરાજનો શિલાલેખએ સમ્રાટ સમુદ્રગુપ્તના ઇતિહાસ વિશેનો મોટો સ્રોત છે, આમ છતાં તેમાં અશ્વમેઘ યજ્ઞ વિશેનો ઉલ્લેખ જોવા નથી મળતો.
એનાથી એવું જણાય આવે છે કે પ્રયાગરાજ ખાતે શિલાલેખ લખવામાં આવ્યો, તે પછી અશ્વમેઘ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હશે.
બીજી ગોખલે પોતાનાં ઉપરોક્ત પુસ્તકમાં લખે છે, "પ્રાચીનકાળમાં અશ્વમેઘ યજ્ઞને સાર્વભૌમ પ્રભૂતાનો સૂચક માનવામાં આવતો. એવું લાગે છે કે સમુદ્રગુપ્તે પોતાના અનેક વિજયો બાદ વિધિવત્ રીતે અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું હશે."
"આ યજ્ઞની સ્મૃતિમાં અનેક સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા. આ સિક્કાના આગળના ભાગમાં એક આભૂષણોથી સજ્જ ઘોડો યજ્ઞસ્તંભ પાસે ઊભો છે. અશવની પીઠ ઉપર મોતીઓની હારમાળા સ્પષ્ટપણે જોઈ શકાય છે."
સમુદ્રગુપ્તના કાર્યકલાપોને જોતા તેઓ બહુમુખી પ્રતિભાવાન જણાય આવે છે. તેમના સમકાલીન હરિષેણનું માનવું હતું, 'એવો કયો ગુણ છે, જે એમનામાં નથી.'
સમુદ્રગુપ્તે જે સિક્કા બહાર પાડવામાં આવ્યા, તેમાંથી અમુક ઉપર તેમનાં ચિત્ર જોવા મળે છે. જેના કારણે તેમની કદકાઠી અને શારીરિક સૌષ્ઠવ અજોડ હોવાનું જણાય આવે છે.તેમને કસાયેલું સંતુલિત અને લાંબું શરીર હશે, એવો અંદાજ મૂકી શકાય છે.
સમુદ્રગુપ્તે તમામ લડાઈઓ અગ્રીમ પંક્તિના સૈનિકની જેમ લડી હતી. રાધાકુમુદ મુખરજી લખે છે, "સમુદ્રગુપ્ત નિડર યૌદ્ધા હતા. જેનામાં ચિત્તા જેવી સ્ફૂર્તી હતી. મધ્ય પ્રદેશના એરાન ખાતેના શિલાલેખમાં નોંધવામાં આવેલી વિગતો મુજબ, સમુદ્રગુપ્ત અજય શક્તિઓના માલિક હતા. તેમના મોટાભાગના કામ કોઈ સામાન્ય માણસ જેવા નહીં, પરંતુ અસામાન્ય માણસ જેવા હતા. સમુદ્રગુપ્તને સર્વકાલીન મહાન સમ્રાટોમાંથી એક તથા ભારતીય ઇતિહાસના સર્વશ્રેષ્ઠ સૈન્ય કમાન્ડર માનવામાં આવે છે."
45 વર્ષ સુધી શાસન કર્યા બાદ ભારતના મહાન યૌદ્ધા અને શાસકે સન્ 380માં છેલ્લા શ્વાસ લીધા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












