મુગલ બાદશાહ અકબરને જોધાબાઈ નામે હિંદુ પત્ની હોવાની વાત કેટલી સાચી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારત પર 300 વર્ષ શાસન કર્યા છતાં ભારતના ઇતિહાસનાં પુસ્તકો અને મીડિયામાં મુગલોનાં ચિત્રણમાં ઘણી ખામીઓ જોવા મળે છે.
આઝાદીનાં 75 વર્ષ બાદ મુગલ બાદશાહ અકબરને કેન્દ્રમાં રાખીને મોટા ફલકની બે હિન્દી ફિલ્મો બનાવવામાં આવી છે.
પહેલી કે. આસિફની 'મુગલ-એ-આઝમ' અને બીજી આશુતોષ ગોવારીકરની 'જોધા અકબર'.
ફિલ્મ 'જોધા અકબર'માં અકબર અને એમનાં પત્ની જોધાની કાલ્પનિક વાર્તાનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે.
આ કથાનું ફિલ્માંકન કરતાં પહેલાં ફિલ્મના નિર્માતા ગોવારીકરે ઘણા ઇતિહાસકારોની સલાહ લીધી હતી.
એ બધાએ એક સ્વરમાં કહેલું કે અકબરની જોધાબાઈ નામની કોઈ પત્ની નહોતી. પરંતુ એની 'જોધા અકબર'ની કથા પર કશી અસર દેખાઈ નહોતી.
બીજા શબ્દોમાં કહીએ તો એક સારી બૉલીવુડ કહાણીનું ફિલ્માંકન કરવામાં તથ્ય આડાં નહોતાં આવ્યાં.
તાજેતરમાં જ પ્રકાશિત અકબરના જીવનચરિત્ર 'અલ્લાહુ અકબરઃ અંડરસ્ટૅન્ડિંગ ધ ગ્રેટ મુગલ ઇન ટુડેઝ ઇન્ડિયા'માં મણિમુગ્ધ એસ. શર્માએ લખ્યું છે, "ફિલ્મ 'જોધા અકબર'માં જોધાબાઈને રાજા ભારમલનાં પુત્રી અને અકબરનાં એકમાત્ર પત્ની તરીકે દેખાડવામાં આવ્યાં છે. વાસ્તવમાં આમેરનાં રાજકુંવરી હીરાકંવર કે હરખાબાઈ અકબરનાં ચોથાં પત્ની હતાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શર્મા અનુસાર, "અકબર પોતાનાં પહેલાં પત્ની રુકૈયાની સૌથી નજીક હતા. એનું કારણ એ હતું કે તેઓ એમના બાળપણનાં સાથી અને કાકાનાં દીકરી બહેન હતાં. તેઓ હોદ્દા અને સ્તરની રીતે એમના સમકક્ષ હતાં. તેઓ લગ્ન કરીને મુગલ નહોતાં બન્યાં બલકે જન્મથી મુગલ હતાં."

મુગલ બાદશાહ અકબરનાં જોધાબાઈ નામનાં કોઈ પત્ની હતાં કે નહીં?

- ઇતિહાસકારો એક સ્વરે એ વાત માટે સંમત થાય છે કે મુગલ બાદશાહ અકબરનાં જોધાબાઈ નામનાં કોઈ પત્ની નહોતાં
- પરંતુ ફિલ્મો અને પૉપ્યુલર કલ્ચરમાં મુગલ બાદશાહ અકબરનાં લગ્ન રાજા ભારમલનાં પુત્રી જોધાબાઈ સાથે થયાં હોવાનું જણાવાય છે
- ભારત પર 300 વર્ષ શાસન કર્યા છતાં ભારતના ઇતિહાસનાં પુસ્તકો અને મીડિયામાં મુગલોનાં ચિત્રણમાં ઘણી ખામીઓ જોવા મળે છે
- અકબરનું જીવનચરિત્ર લખનાર લેખક મણિમુગ્ધ એસ. શર્માના મતે આમેરનાં રાજકુંબરી હીરાકંવર કે હરખાબાઈ અકબરનાં ચોથાં પત્ની હતાં
- હરખાબાઈ આમેરના રાજા ભારમલ કછવાહાનાં પુત્રી હતાં

અકબરની મદદના બદલામાં ભારમલે હરખાનાં લગ્ન એમની સાથે કરાવ્યાં

ઇમેજ સ્રોત, BLOOMSBURY
હરખાબાઈ આમેરના રાજા ભારમલ કછવાહાનાં પુત્રી હતાં. આમેર એક નાનું રાજ્ય હતું, જ્યાં વારસાની લડાઈ ચાલતી હતી.
આમેરની ગાદી પર અધિકાર માટે રાજા ભારમલ પોતાના ભાઈ પૂરનમલ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. એમના પડોશી રાઠોડ ઘરાણા પણ એમના રાજ્ય પર નજર ટાંપીને બેઠું હતું.
રાજા ભારમલના ભાઈને મુગલ ગવર્નર મિર્ઝા શરફુદ્દીન હુસૈનનું સમર્થન મળતું હતું.
અકબરનું બીજું એક જીવનચરિત્ર 'અકબર ધ ગ્રેટ મુગલઃ ધ ડેફિનિટિવ બાયોગ્રાફી' લખનારાં ઇરા મુખોટીએ નોંધ્યું છે, "રાજા ભારમલ એક સારા વ્યૂહરચનાકાર હતા. એમણે પોતાના ભાઈથી પીછો છોડાવવા માટે અકબર પાસે સહાય માગી અને પોતાની પુત્રી હરખા સાથે એમનાં લગ્નનો પ્રસ્તાવ કર્યો. આની પહેલાં પણ ઘણી વાર રાજપૂત પરિવાર વિજયી હરીફો સાથે પોતાની પુત્રીઓનાં લગ્ન કરતા હતા."
આની પહેલાં મારવાડના રાવ માલદેવે પોતાનાં એક પુત્રીનાં લગ્ન ગુજરાતના સુલતાન મહમૂદ અને બીજાં પુત્રીનાં લગ્ન ઇસ્લામશાહ સૂર સાથે કર્યાં હતાં.
અકબરે રાજા ભારમલનો સંદેશ સ્વીકારી લીધો હતો અને પોતાના ગવર્નર મિર્ઝા શરફુદ્દીન હુસૈનને સૂચના આપી હતી કે રાજા ભારમલના બંદી બનાવાયેલા સંબંધીઓને મુક્ત કરી દે.

અકબરે હરખાનું ધર્માંતરણ નહોતું કરાવ્યું

ઇમેજ સ્રોત, ALEPH
અજમેરથી પાછા ફરતાં સાંભરમાં અકબરે 20 વર્ષીય હરખાબાઈ સાથે લગ્ન કર્યાં હતાં. અકબરે ત્યાંથી આગ્રા સુધીનો 200 કિલોમીટરનો રસ્તો 3 દિવસમાં પૂરો કર્યો હતો.
હરખાબાઈની સાથે એમના ભાઈ ભગવંતદાસ અને ભત્રીજા માનસિંહ પણ આગ્રા આવ્યા હતા. આ લગ્નથી એ સુનિશ્ચિત થઈ ગયું કે હરખાબાઈના પિતાને એમનું રાજ્ય પાછું મળી ગયું અને એમના વિરોધીઓની બાજી ઊંધી પડી ગઈ.

ઇમેજ સ્રોત, Getty Images
ઇરા મુખોટીએ પોતાના બીજા પુસ્તક 'ડૉટર્સ ઑફ ધ સન'માં લખ્યું છે, "હરખા એક ભારે, ઘેરદાર, પગની ઘૂંટી સુધીનો ઘાઘરો અને ચોળી" પહેરીને આગ્રા આવ્યાં હતાં, એમનું માથું અને ખભા એક ચમકદાર ઓઢણીથી ઢંકાયેલાં હતાં પરંતુ એમનાં બાવડાં પર કપડાં નહોતાં."
હરખાબાઈને અકબરે 'મરિયમ-ઉઝ-ઝમાની' એવું નવું નામ આપ્યું.
વર્ષ 1562માં અકબરના જનાનખાના (હરમ / મહિલાકક્ષ)માં પ્રવેશનારાં હરખાબાઈને પોતાની બધી પ્રથાઓ અને આસ્થાઓનું પાલન કરવાની મંજૂરી આપવામાં આવી.
તેઓ અકબરનાં પહેલાં બિન-મુસ્લિમ પત્ની હતાં જેમનું ધર્માતરણ કરવામાં નહોતું આવ્યું.

ઇમેજ સ્રોત, ALEPH
અબ્દુલ કાદિર બદાયૂંનીએ પોતાના પુસ્તક 'મુંતખબ-ઉત-તવારીખ'માં લખ્યું છે, "હરખાના ભાઈ અને ભારમલના ઉત્તરાધિકારી ભગવંતદાસ અને એમના 11 વર્ષના ભત્રીજા માનસિંહ પણ અકબરના દરબારમાં સામેલ થઈ ગયા. જ્યારે હરખાના પુત્ર સલીમ મિર્ઝાએ રાજા ભગવંતદાસનાં પુત્રી અને એમનાં ભત્રીજી સાથે લગ્ન કર્યાં ત્યારે અકબરે પુત્રવધૂના ઘરમાં બધાં હિન્દુ રીતરિવાજોમાં ભાગ લીધો."
તેમણે લખ્યું છે, "બાદશાહે રાજકુમારીના ઘરેથી રાજમહેલ સુધીના આખા રસ્તે સોનાના સિક્કા ઉછાળવાનો આદેશ આપ્યો, જેને વીણતાં લોકોના હાથ દુખવા લાગ્યા."

હરખાબાઈના કારણે અકબરે ગોમાંસ ખાવાનું છોડ્યું
હરખાબાઈની જ અસર હતી કે અકબરે પોતે ગોમાંસ ખાવાનું છોડ્યું, પોતાના દરબારના લોકો પર ગોમાંસ ખાવા સામે પ્રતિબંધ મૂકી દીધો.
અકબરના આ નિર્ણયથી દુઃખી થઈને ઇતિહાસકાર બદાયૂંનીએ લખ્યું, "અકબરનું હિન્દુઓની સાથે હોવું એ કારણે જ એમણે ગોમાંસ, લસણ અને ડુંગળી પર પ્રતિબંધ મૂકી દીધો. તેઓ એવા લોકોનો સંપર્ક કરવાનું ટાળવા લાગ્યા જેમને દાઢી હતી."
તેમણે લખ્યું છે, "અકબરે એક ટેવ પાડી દીધી - એ હતી, વર્ષના કેટલાક મહિના માંસ નહીં ખાવું."
અબુલ ફઝલે 'અકબરનામા'માં અકબરની આ નવી ટેવનાં વખાણ કરતાં લખ્યું, "મહામહિમને હવે ગોશ્ત (માંસ) ગમતું નથી અને એ વિશે તેઓ સ્પષ્ટ વાત કરે છે. તેઓ માત્ર ગંગાજળ પીએ છે જે ખાસ એમના માટે કાસગંજની પાસે સોરોથી મંગાવવામાં આવે છે. તેઓ પહેલાંથી જ ઉપવાસ કરતા હતા. પછીથી ધીરે ધીરે એમણે એની સંખ્યા વધારી દીધી હતી."

ઇમેજ સ્રોત, MURTY CLASSICAL LIBRARY
અકબરે હિન્દુ ધર્મગ્રંથ મહાભારત અને રામાયણના અનુવાદ કરાવવાનું બીડું ઉઠાવ્યું. મહાભારતનો અનુવાદ કરવાની જવાબદારી એમણે જાણીજોઈને સંકુચિત માનસિકતાવાળા બદાયૂંનીને સોંપી.
ઇરા મુખોટીએ લખ્યું છે, "અકબરનામા માટે બિશનદાસ દ્વારા બનાવાયેલા મિનિએચર પેન્ટિંગમાં હમીદાબાનો બેગમને પોતાનાં પુત્રવધૂ હરખાબાઈની બાજુની ખુરશી પર બેઠેલાં બતાવવામાં આવ્યાં છે. પેન્ટિંગમાં બતાવાયું છે કે હરખાબાઈના હાથમાં નાનું બાળક સલીમ છે. પોતાની સાસુની સરખામણીએ હરખાબાઈનો રંગ શ્યામ છે. આ કદાચ એકમાત્ર પેન્ટિંગ છે જેમાં મુગલ મહારાણીને પડદા વગરનાં બતાવાયાં છે."

બલિષ્ઠ શરીરના માલિક હતા અકબર

ઇમેજ સ્રોત, ALEPH
જહાંગીરે પોતાના પિતાના ચહેરાનું વિવરણ આપતાં જણાવેલું કે એમનો રંગ ઘઉંવર્ણો હતો. એમની આંખો અને પાંપણો કાળી હતી. એમનું કદ સાધારણ હતું અને એમનું શરીર બલિષ્ઠ હતું. એમના હાથ લાંબા હતા અને છાતી પહોળી હતી.
એમના નાકની ડાબી બાજુ અડધા વટાણા જેટલો એક મોટો તલ હતો જેને સારા નસીબની નિશાની માનવામાં આવતો હતો. એમનો અવાજ ઘણો ભારે હતો, જે સાંભળવામાં સારો લાગતો હતો.
જહાંગીરે આત્મકથા 'તુઝક-એ-જહાંગીરી'માં લખ્યું છે. "અકબરનું માથું પહોળું હતું. એમનાં નેણ લાંબાં હતાં. એમનાં નસકોરાં પણ પહોળાં હતાં. એમણે પોતાની દાઢી કપાવી નાખી હતી પરંતુ એમને નાની મૂછો રહેતી હતી. એમના વાળ લાંબા રહેતા હતા. તેઓ પોતાના ડાબા પગે લંગડાતા ચાલતા હતા. એમને ઊંટો, અરબી ઘોડા, કબૂતર અને શિકારી કૂતરા ખૂબ ગમતાં હતાં."
જહાંગીરે લખ્યું છે, "બંદૂકથી નિશાન તાકવામાં એમની બરોબરી કરી શકે એવા કોઈ નહોતા. હુમાયુએ જ્યારે એમને એક હાથી ભેટમાં આપ્યો ત્યારથી એમને હાથી પર સવારી કરવાનો શોખ થઈ ગયો હતો. બાદશાહ બન્યા પછી જ્યારે એમની ઉંમર માત્ર 14 વર્ષની હતી ત્યારે એમણે એક 'મસ્ત' હાથીની સવારી કરી હતી."

શાહી ભોજનશાળામાં જાત જાતનાં વ્યંજન

ઇમેજ સ્રોત, Getty Images
અકબરની યાદદાસ્ત ગજબની હતી. તેઓ દિવસમાં માત્ર એક વાર ભોજન કરતા હતા. એના માટે પણ કશો સમય નક્કી નહોતો.
ખાદ્ય ઇતિહાસકાર સલમા હુસૈને લખ્યું છે, "અકબરના શાહી હકીમ નક્કી કરતા હતા કે તેઓ ભોજનમાં શું ખાશે. ભોજનમાં યખની (અકની), શેકેલો ભરેલો મરઘો, બે ડુંગળી અને ધીમી આંચે પકવેલું માંસ 'દમપુખ્ત', નાન, દહીં, લીંબુ અને આ બધું લગભગ 30 પ્રકારનાં અથાણાં અને ચટણીઓની સાથે પીરસવામાં આવતું હતું."
તેમણે લખ્યું છે, "એમના દસ્તરખાન (ભોજનશાળા)નું એક ખાસ વ્યંજન રહેતું હતું 'મુર્ગ ઝમીંદોઝ' જેમાં મરઘાને લોટનું આવરણ ચડાવીને જમીનમાં અંદર પકવવામાં આવતો હતો."
અકબરના ભોજનમાં લાલ મરચું, બટાટા અને ટામેટાં નહોતાં નખાતાં, કેમ કે, એ સમય સુધી તે ઉત્તર ભારતમાં પહોંચ્યાં નહોતાં. એ સિવાય કલૌંજી (એક ગરમ મસાલો), રાઈ, તલ અને મીઠા લીમડાનો ઉપયોગ પણ શાહી બાવર્ચીખાના (ભોજનશાળા)માં નહોતો થતો.
અબુલ ફઝલે લખ્યું છે, "અકબરને ટેટી ખૂબ ભાવતી હતી અને આખું વર્ષ દુનિયાના દરેક ખૂણેથી એમના માટે ટેટી મંગાવવામાં આવતી હતી."
અકબરનો આદેશ હતો કે દરેક દિવસે એમના માટે બનાવાયેલા ભોજનનો થોડોક ભાગ ગરીબોને ખવડાવી દેવાય.
દર વર્ષે અકબર માટે એક હજાર જોડી કપડાં સિવડાવવામાં આવતાં હતાં. એમાંથી 120 જોડી કપડાંને હંમેશાં 10-10નાં બંડલમાં પહેરવા માટે તૈયાર રાખવામાં આવતાં હતાં.
ફાધર એન્ટની મૌંસરેટનું ધ્યાન એ તરફ ગયું હતું કે અકબર મોટા ભાગે સિલ્કનાં કપડાં પહેરતા હતા જેના પર સોનાના તારથી ભરત ભરેલું રહેતું. અકબરને મોતી પહેરવાનો પણ શોખ હતો.

અકબરનું ઝરૂખાદર્શન

ઇમેજ સ્રોત, ALEPH
અકબર રાત્રે ખૂબ ઓછું સૂતા હતા. એમને એમના દરેક જન્મદિવસે બાર પ્રકારની વસ્તુઓથી, જેમાં સોનું, કપડાં, ઘી અને મીઠાઈઓ સામેલ રહેતાં, તોલવામાં આવતા. પછી એ બધી વસ્તુઓ ગરીબોમાં વહેંચી દેવામાં આવતી હતી.
એસ એમ બર્કેએ પોતાના પુસ્તક 'અકબર ધ ગ્રેટેસ્ટ મુગલ'માં લખ્યું છે, "પ્રત્યેક સવારે અકબરનો પહેલો સાર્વજનિક સમારોહ થતો હતો - પોતાના મહેલની બારીએથી લોકોને દર્શન આપવાનો. એમની એક ઝલક જોવા માટે મહેલની બહાર પહેલેથી જ લોકોની ભીડ થઈ જતી હતી."

ઇમેજ સ્રોત, CORONET BOOKS
તેમણે લખ્યું છે, "ફતેહપુર સિક્રીમાં એવી પરંપરા હતી કે જ્યાં સુધી લોકો સમ્રાટનાં દર્શન ન કરી લે ત્યાં સુધી તેઓ પોતાનું મોં નહોતા ધોતા અને ન તો કશું ખાતા-પીતા હતા. આ વિધિથી લોકોને માત્ર આભાસ જ નહોતો થતો કે સમ્રાટ જીવિત છે, બલકે, તે (દર્શન) લોકોને એમની વધારે નજીક લાવતાં હતાં. જ્યારે પણ અકબરનો દરબાર ભરાતો હતો, નગારાં વગાડીને લોકોને એની જાણકારી આપવામાં આવતી હતી."
દરેક દિવસે ભળભાંખળું થતાં પહેલાં અકબરને સંગીતના સૂરોથી જગાડવામાં આવતા હતા. સૂતાં પહેલાં અકબર પોતાનો સમય દાર્શનિકો, સૂફીઓ અને ઇતિહાસકારો સાથે વિતાવતા હતા. એમને પોતાનાં દરેક હાથી, ઘોડા, હરણ અને કબૂતરોનાં નામ યાદ હતાં, એમની પાસે હજારો હાથી હતા તોપણ.

અકબરના દરબારનો પ્રોટોકૉલ
જ્યારે અકબરનો ખુલ્લો દરબાર ભરાતો હતો ત્યારે ઉપસ્થિત બધા લોકો એમની સમક્ષ 'કુર્નિશ'માં માથું નમાવતા હતા અને પોતાની પૂર્વનિર્ધારિત જગ્યાએ ઊભા રહેતા હતા.
એસ એમ બર્કેએ લખ્યું છે, "સિંહાસનની પાસે વય પ્રમાણે વરિષ્ઠ શાહજાદાઓની જગ્યા રહેતી પરંતુ આ નિયમને અવારનવાર તોડવામાં આવતો હતો, કેમ કે, ઘણી વાર અકબર નાની ઉંમરના શાહજાદાઓને પોતાની પાસે બોલાવી લેતા હતા. દરબાર દરમિયાન અકબર પોતાની નજીક સોના અને ચાંદીના સિક્કાનો એક ઢગલો રાખતા હતા, જેને તેઓ થોડી થોડી વારે પોતાની મુઠ્ઠીમાં ભરીને દાન અને ભેટ તરીકે આપતા રહેતા હતા."

ઇમેજ સ્રોત, Getty Images
બદાયૂંનીએ એક ઘટનાનું વર્ણન કર્યું છે કે જ્યારે હલ્દીઘાટીની લડાઈ પછી એમણે રામપ્રસાદ હાથીને અકબર સમક્ષ રજૂ કર્યો હતો ત્યારે એમણે એમને મુઠ્ઠી ભરીને સોનાના સિક્કા ભેટમાં આપ્યા હતા.
બદાયૂંનીએ લખ્યું છે, "અકબરે અશરફીઓના ઢગલામાં હાથ નાખીને મારા હાથમાં 96 અશરફીઓ મૂકી દીધી હતી."
"અકબરને કબૂતર ઉડાડવાનો ખૂબ શોખ હતો. એમની પાસે 20 હજાર કરતાં વધારે કબૂતર હતાં. અકબરના પક્ષીઓના શોખને જોતાં ઈરાન અને તુરાનના શાસક એમના માટે ભેટ રૂપે કબૂતરો મોકલ્યા કરતા હતા અને પોલો રમવું એ અકબરનું મુખ્ય મનોરંજનનું સાધન હતું."
અબુલ ફઝલે 'આઇન-એ-અકબરી'માં લખ્યું છે, "હજારો લોકોને એક મોટા વિસ્તારમાંનાં જાનવરોને ઝેલમ નદી તરફ હાંકવા માટે રોકવામાં આવતા હતા. આ ઝુંબેશ એક મહિના સુધી ચાલતી હતી. જ્યારે આ જાનવરો લગભગ 10 માઈલના ઘેરામાં આવી જતાં ત્યારે અકબર એમનો શિકાર કરવા નીકળતા હતા અને આ સિલસિલો લગભગ પાંચ દિવસ સુધી ચાલતો હતો. અકબર શિકાર માટે તીર, તલવાર, બરછીઓ અને બંદૂકોનો ઉપયોગ કરતા હતા."

અકબરનો આકરો ગુસ્સો

ઇમેજ સ્રોત, Getty Images
આમ તો અકબર ખૂબ મિલનસાર હતા પરંતુ જ્યારે એમને ગુસ્સો આવતો ત્યારે એમને એના પર કાબૂ કરવાનું ઘણું અઘરું પડતું હતું.
એમનાં નસકોરાં ફૂલી જતાં હતાં અને એમની આંખો અંગારા વરસાવવા લાગતી હતી. તેઓ ક્યારેક ક્યારેક હિન્દીમાં ભદ્દી ગાળો બોલતા હતા જેને એમના જીવનચરિત્રકાર અબુલ ફઝલે જાણીજોઈને રૅકૉર્ડમાંથી નથી હટાવી.
દરબારમાં કોઈ પણ પ્રકારની અસભ્યતા માટે આકરી સજા આપવામાં આવતી હતી. એમણે પોતાના પિતા હુમાયુના અંગત મિત્ર શાહ અબ્દુલ માલીને એટલા માટે સજા કરી કે તેઓ અકબરનું સન્માન કરવાના સમયે પોતાના ઘોડા પરથી નીચે નહોતા ઊતર્યા.
અન્ય એક દરબારી લશકરખાંને આના કરતાં પણ આકરી સજા મળી હતી, જ્યારે તેઓ દિવસના સમયે, દરબારમાં દારૂ પીને પહોંચી ગયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
અબુલ ફઝલે એક ઘટનાનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે, "અકબરે એક વાર ખુદ પોતાના હાથે આધમખાંને મુક્કો માર્યો હતો અને એમને મહેલની બાલ્કનીથી નીચે ફેંકાવીને મરાવી નાખ્યા હતા. આધમખાંને આ સજા અટકાખાંની હત્યા કરવા માટે આપવામાં આવી હતી."
તેમણે લખ્યું છે, "એક વાર જ્યારે તેઓ સિંહાસન કક્ષમાં જણાવ્યા વગર પહોંચી ગયા તો ત્યાં એમને બધા સેવકો ગેરહાજર જણાયા. માત્ર મશાલ સળગાવવાવાળી એક વ્યક્તિ જ ત્યાં હાજર હતી અને તે પણ સૂઈ રહી હતી. આ દૃશ્ય જોઈને અકબર એટલા નારાજ થયા કે એમણે મશાલ સળગાવનારને મિનાર પરથી ધક્કો મારવાનો મૃત્યુદંડ આપ્યો હતો."

ઇમેજ સ્રોત, Getty Images
ઇરા મુખોટીએ લખ્યું છે, "જ્યારે અકબરે પોતાની કોઈ ખાસ વ્યક્તિને પોતાની પાસે બોલાવવાના હોય ત્યારે તેઓ એમના માટે 'ખિલઅત' (શાસક તરફથી મોકલવામાં આવતું વસ્ત્ર / ભેટ) મોકલતા હતા જે ક્યારેક લાંબા ગાઉન તો ક્યારેક પાઘડી, શૉલ કે સ્કાર્ફના રૂપમાં રહેતું. બાદશાહી નિયમ હતો કે જ્યારે કોઈને ખિલઅત (વસ્ત્ર) મળે ત્યારે એણે એની સામે એ જ રીતે દંડવત્ થવું પડતું હતું જાણે એ બાદશાહ સમક્ષ ઊભા હોય, ભલે ને તે સમયે એ ગમે ત્યાં હોય."
તેમણે લખ્યું છે, "ક્યારેક ક્યારેક અકબર ભાવુક પણ થઈ જતા હતા અને પોતાના કોઈ નિકટતમ અને પરિવારના સદસ્યના મૃત્યુ સમયે ખુલ્લેઆમ રડતા હતા."

અકબરના જમાનામાં જ હતા તુલસીદાસ, સૂરદાસ અને તાનસેન

ઇમેજ સ્રોત, Getty Images
અકબરના જમાનામાં જ હિન્દીના મહાન કવિ તુલસીદાસ હતા. જોકે, શાહી દરબાર સાથે એમને કશો સંબંધ નહોતો પરંતુ એમને એ વાતાવરણની મદદ જરૂર મળી હતી, જ્યાં બધા પ્રકારની સાહિત્યિક પ્રવૃત્તિઓની કદર કરવામાં આવતી હતી.
અકબરના જમાનામાં એક અન્ય હિન્દી કવિ સૂરદાસ પણ હતા. પોતાની રચનામાં અબુલ ફઝલે એમનો ઉલ્લેખ કર્યો છે. અકબરને સંગીતમાં પણ રુચિ હતી. એમના દરબારના સૌથી નામી સંગીતજ્ઞ તાનસેન હતા.અકબરને પક્ષીઓનો શોખ હતો અને કબૂતર ઉડાવવાં એમને ખૂબ ગમતા હતા. વિદેશના બાદશાહો અકબર માટે ભેટમાં કબૂતરો મોકલાવતા હતા
અબુલ ફઝલે એમના વિશે લખ્યું છે કે ભારતમાં એમના જેવા સંગીતકાર છેલ્લાં એક હજાર વર્ષમાં જન્મ્યા નહોતા. તાનસેને જ્યારે શાહી દરબારમાં પહેલી વાર પોતાની રચનાઓ સંભળાવી હતી ત્યારે અકબરે એમને બે લાખ રૂપિયાનું ઇનામ આપ્યું હતું. જ્યારે માળવાના રાજા બાઝબહાદુરનું રાજપાટ જતું રહ્યું ત્યારે તેઓ અકબરના દરબારમાં આવી ગયા.
અબુલ ફઝલની દરબારી સંગીતજ્ઞોની સૂચિમાં બાઝબહાદુરનું નામ પણ જોવા મળે છે. અકબરના દરબારમાં આવેલા ફ્રૅન્ચ યાત્રી ફાધર પિયે દૂ જારિકે લખ્યું હતું કે 'જેમ જેમ સમય પસાર થતો ગયો અકબરે નાસ્તિક બનતા જવાના સંકેત આપવાના શરૂ કર્યા હતા.'

ઇમેજ સ્રોત, ALEPH
પોતાના શાસનકાળ દરમિયાન અકબરનું સત્તાવાર નામ જલાલુદ્દીન મહમદ અકબર હતું, પરંતુ પોતાના જીવનના અંતિમ પડાવમાં એમણે ચૂપચાપ પોતાના નામમાંથી મહમદ હઠાવી દીધું હતું અને તેઓ માત્ર જલાલુદ્દીન અકબર રહ્યા હતા.
એમનું અનુસરણ કરતાં એમના વારસ અને પુત્ર જહાંગીરે પણ પોતાના નામની આગળ મહમદ નહોતું લગાડ્યું અને તેઓ પોતાને માત્ર નૂરુદ્દીન જહાંગીર કહેતા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













