'ભાડે કોઈ મકાન દેતું નથી, ત્રણ દિવસથી અમે ભૂખ્યાં છીએ અને સામાન ફેરવીએ છીએ', રાજકોટમાં ડિમોલિશન બાદ ઘરવિહોણા થયેલા લોકોએ શું કહ્યું?

રાજકોટ, જંગલેશ્વર, બીબીસી ગુજરાતી, ડિમોલિશન ગુજરાત ન્યૂઝ સમાચાર સૌરાષ્ટ્ર
ઇમેજ કૅપ્શન, રાજકોટમાં એક જ દિવસમાં 1,119 મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા
    • દ્વારા રિપોર્ટિંગ, રાજકોટથી
  • વાંચવાનો સમય: 8 મિનિટ

સોમવારે રાજકોટમાં દિવસની શરૂઆત સામાન્ય કરતાં વહેલી થઈ ગઈ.

સૂર્યોદય પહેલાં જ શહેરના દક્ષિણ-પૂર્વ ભાગમાં આવેલા જંગલેશ્વર વિસ્તારમાં ઘોંઘાટ કરતાં 63 જેસીબી, સાત હિટાચી મશીન્સ, ટ્રૅક્ટરથી ચાલતા 50 બ્રેકર, 42 ગૅસ કટર, 14 ડમ્પર ટ્રક અને 50 ટ્રૅક્ટર-ટ્રેલરો જંગલેશ્વરમાં આવી ગયાં.

પોલીસદળોના રક્ષણમાં આ મશીનોએ આ વિસ્તારમાં આજી અને ખોખડદડી નદીઓના કાંઠેથી તેમ જ જંગલેશ્વરના વિવિધ રસ્તાઓ પરથી કથિત દબાણો દૂર કરવાં માટે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટા ડિમોલિશન ડ્રાઇવ્ઝમાં ગણના પામે તેવા અભિયાનની શરૂઆત કરી દીધી.

રાજકોટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મહેશ જાનીએ મીડિયાને જણાવ્યું હતું કે દિવસના અંત સુધીમાં રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશન (ટૂંકમાં આરએમસી) એટલે રાજકોટ મહાનગરપાલિકાએ 1,119 બાંધકામો તોડી પાડ્યાં.

તેમાંથી મોટાભાગનાં રહેણાક મકાનો હતાં.

જાનીએ વધુમાં જણાવ્યું હતું કે કુલ 1,487 બાંધકામો તોડી પાડવામાં આવનાર છે અને બાકીનાં મકાનો તોડી પાડવાં અને કાટમાળ સાફ કરવા માટે મંગળવારે ઝુંબેશને આગળ ચલાવવામાં આવશે.

જેસીબી અને અન્ય મશીનો સાથે આરએમસીના અધિકારીઓ અને પોલીસ પહોંચ્યાં તે પહેલાં ઘણા રહેવાસીઓ પોતાનો સામાન બચાવવા અને અડધાં કપાતાં મકાનોની માળખાકીય સ્થિરતા જાળવવા માટે પ્રયાસો કરી રહ્યા હતા.

જોકે, ઘણા લોકો રસ્તા પર પોતાના સામાનના ઢગલા કરીને લાચાર બેઠેલા જોવા મળ્યા હતા અને ફરિયાદ કરતા કે તેમને ખબર નથી કે મકાનો તૂટી ગયાં બાદ તેઓ હવે ક્યાં જશે?

રાજકોટ, જંગલેશ્વર, બીબીસી ગુજરાતી, ડિમોલિશન

રાજકોટ મહાનગરપાલિકાએ દબાણ જાહેર કરેલાં મકાનોને બચાવવા જંગલેશ્વરના લોકોએ હાઇકોર્ટમાં અરજી કરીને ગત અઠવાડિયે કોર્ટને વિનંતી કરી હતી કે તેમને વૈકલ્પિક રહેઠાણો ન મળે ત્યાં સુધી મહાનગરપાલિકા બાળપૂર્વકનાં કોઈ પગલાં તેમની સામે ન લે.

પરંતુ હાઇકોર્ટમાંથી તાત્કાલિક કોઈ વચગાળાની રાહત ન મળતા, વાદળછાયા વાતાવરણને કારણે અંધારી લાગતી સવારે બુલડોઝરો આવી ચડ્યાં તે પહેલાં જ કેટલાય લોકોએ તેમના મકાનોના કેટલાક ભાગો જાતે જ પાડી દીધા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે દિવસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી અને ઉમેર્યું કે અસરગ્રસ્ત પરિવારો આ અભિયાનમાં સહકાર આપી રહ્યા છે.

રસ્તામાં બેઠાં માતાએ સરકારને શું સવાલ કર્યો?

રાજકોટ, જંગલેશ્વર, બીબીસી ગુજરાતી, ડિમોલિશન

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, બારણામાં બેઠા દલ દંપતીના રસ્તામાં પડેલા સામાન તરફ સોમવારે આવતું એક જેસીબી

બપોરે સૂર્યના દઝાડતા તાપ વચ્ચે જંગલેશ્વર મેઇન રોડ પર મહેબુબ પાનની દુકાનની સામે આવેલા મકાનના બારણામાં બેઠાં-બેઠાં મુમતાઝ દલ, તેમના પતિ શૌકત દલ અને તેમનાં બે બાળકો તડકાથી બચવા પ્રયાસ કરી રહ્યાં હતાં.

તેમની ઘરવખરીનો સમાન જંગલેશર મેઇન રોડ પર પડ્યો હતો અને બાજુની શેરીમાંથી બુલડોઝરો મકાનો તોડી રહ્યાના કડાકા-ભડાકા સતત સાંભળતા હતા.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં મુમતાઝ દલે કહ્યું, "આવી પોઝિશન છે અમારી. સરકાર જો જમીન દેતા હોય તો જમીન લઈ લઈએ અને તેમાં વયા જઈએ. નહીંતર આ સમાન જો અડધો અહીંયા પડ્યો છે, અડધો બહાર પડ્યો છે."

"કર્વાટર કોઈ દેતું નથી, ભાડે કોઈ મકાન દેતું નથી. ત્રણ દિવસથી અમે ભૂખ્યા છીએ. ત્રણ દિવસથી સામાન ફેરવીએ છીએ."

રાજકોટ, જંગલેશ્વર, બીબીસી ગુજરાતી, ડિમોલિશન

ઇમેજ સ્રોત, RMC

ઇમેજ કૅપ્શન, ડિમોલિશન અભિયાનની ડ્રૉન તસવીર

"થોડોક(સામાન) મારા ભાઈને ત્યાં નાખ્યો અને થોડોક પાડોશીઓને ત્યાં નાખ્યો છે, પણ રહેવાની સગવડતા નથી. તેથી શું કરીએ? પછી રોડ પર રાખી દીધો."

રોડ પર સમાન વચ્ચે પડેલા ચૂલા તરફ ઇશારો કરતાં મુમતાઝ દલે ઉમેર્યું, "આજે સવારે રસ્તા પર જ ચા-નાસ્તો તૈયાર કર્યા અને મારાં છોકરાંને જમાડયાં. મારે 12 વર્ષની દીકરી છે અને 10 વર્ષનો દીકરો છે. પણ આ સંજોગોમાં તેને નિશાળે પણ મોકલી શકતી નથી."

મુમતાઝબહેને જણાવ્યું કે તેમના પતિ શૌકત દલ ટ્રાન્સપૉર્ટ ઉદ્યોગમાં મજૂરી કરે છે જયારે તે પોતે ઇમિટેશન જ્યુલરીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવવામાં પતિને મદદ કરે છે.

તેમણે કહ્યું કે, "મારે 12 વર્ષની દીકરી અને દસ વર્ષનો દીકરો છે. પરંતુ તેમને હાલ નિશાળે મોકલી શકતી નથી. તેમના શિક્ષકોએ કહ્યું છે કે રહેવાની સગવડ થઈ જાય પછી છોકરાંને નિશાળે મોકલજો."

શૌકત દલ દાવો કરે છે કે તેમનો પરિવાર 50 વર્ષથી જે મકાનમાં રહે છે તેને તોડી પાડવા માટે રાજકોટ મહાનગરપાલિકાની નોટિસ મળતા તેઓ રસ્તા પર આવી ગયા છે.

ડિમોલિશનમાં પાડોશીના ઘરના બારણે બેઠેલા પરિવારે શું જોયું?

રાજકોટ, જંગલેશ્વર, બીબીસી ગુજરાતી, ડિમોલિશન

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, પાડોશીના ઓટલે બેઠેલાં શરીફા પીપરવાડિયા અને તેમના દીકરા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બુલડોઝર આવ્યાં એટલે જંગલેશ્વર શેરી નંબર 26ના છેડે આજી નદીના કિનારે આવેલા ઘરમાં રહેતાં શરીફા પીપરવાડિયા નામનાં એક વૃદ્ધ મહિલા અને આધેડ વયના તેમના બે પુત્રો તેમના મકાનથી દસેક મકાન આગળ આવેલા એક પાડોશીના મકાનના ઓટલે બેઠા હતા.

તે મકાનથી આગળ નદી તરફ જવાનો રસ્તો પોલીસે બંધ કર્યો. પછી શરીફા પીપરવાડિયાના મકાન પર બુલડોઝર ફરી વળ્યું.

માતા-પુત્રો લગભગ 50 મીટર દૂરથી પોલીસના ખભા પરથી તેમના મકાન તરફ લાચારીથી જોઈ રહ્યાં.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં શરીફા પીપરવાડિયાએ કહ્યું, "તે ઘર મારા પિતાએ બનાવ્યું હતું. આ શહેરમાં તે એકમાત્ર અમારી માલિકીની જગ્યા હતી. મારા એક દીકરાનો હાથ થોડાં વર્ષો પહેલાં કામ કરતી વખતે અકસ્માતે ભૂંગળામાં ફસાઈ જતા કપાઈ ગયો હતો."

"વૃદ્ધાવસ્થાને કારણે મારા બંને ઘૂંટણ દુ:ખે છે અને હું હવે કામ કરી શકતી નથી. મારો મોટો દીકરો એક ફૅક્ટરીમાં કામ કરે છે."

"પરિવારનો એકમાત્ર કમાઉ સભ્ય તે જ છે. અમે છેલ્લા બે દિવસથી ભાડાનું મકાન શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પણ મકાન ક્યાંય મળતું નથી. સદનસીબે, અમારા સારા પાડોશીએ અમારા સામાન રાખવા માટે તેમના ઘર પાસેની જગ્યા આપી છે અને તેથી અમે અમારા સામાન સાથે અહીં બેઠાં છીએ."

"પણ રહેવા રાત્રે ક્યાં જઈશું?... અને કોઈના ઘરે કેટલા દિવસ આપણે હોઈએ?"

વીડિયો કૅપ્શન, Rajkot Demolition : જંગલેશ્વરમાં પાંચ દાયકાથી રહેતાં સ્થાનિકોની વેદના, 'હવે અમારે જવું ક્યાં?'

જંગલેશ્વર મેઇન રોડ પર ભીમરાવ ચોકમાં, વૃદ્ધ ડાહ્યાભાઈ સાગઠીયા ખુરશી પર બેઠા-બેઠા તેમનું રસોડું પડતા જોઈ પહ્યા.

તેમનાં પુત્રી લાભુબહેન અને પડોશી ઘરોની મહિલાઓ તેમના રસોડાની દીવાલો પર હથોડા મારીને ઈંટો અને પથ્થરો અલગ કરી દીવાલ નજીક ઢગલો કરી રહી હતી.

ડાહ્યાભાઈએ કહ્યું, "હું કડિયાકામ કરું છું. મેં લગભગ 40 વર્ષ પહેલાં ખૂબ જ મુશ્કેલીથી આ ઘર બનાવ્યું હતું."

"પછી RMC અધિકારીઓ આવ્યા અને મને કહ્યું કે રસોડું રસ્તા પરનું દબાણ છે અને તેને તોડી પાડવું પડશે."

ડાહ્યાભાઈનાં કાન નબળા પડી ગયાં છે.

તેઓ કહે છે કે ચારેક વર્ષ પહેલાં તેમની પત્નીનું અવસાન થતા હવે તે એકલા જ રહે છે. લાભુબહેન તેમનું એક માત્ર સંતાન છે તેમ તેમણે ઉમેર્યું.

ડાહ્યાભાઈના પાડોશી ઇમરાન ઉમરેટિયા ચિકન વેચવનો ધંધો કરે છે.

તેમણે તેમના બે માળના ઘરની ઓસરી પરની પાકી છતમાં કટર વડે ઊંડો કાપો મૂકવાનું કામ પૂરું કર્યું ત્યાં જ સોમવારે સવારે બ્રેકર લઈને RMC ની એક ટીમ ત્યાં આવી પહોંચી અને છતને તોડવાનું શરૂ કરી દીધું.

ઇમરાન ઉમરેટિયાએ કહ્યું, "જો મેં સ્લૅબમાં આ કાપો ન પડ્યો હોત તો મને ડર હતો કે જ્યારે RMCના લોકો મારા ઘરનો એક ભાગ તોડી પાડવા આવશે ત્યારે મારું આખું ઘર તૂટી પડશે."

"હાલ તો મારો પરિવાર સુરક્ષિત છે પરંતુ મને મારા છોકરાની ચિંતા છે. મારી દીકરી આઠમા ધોરણમાં ભણે છે અને દીકરો સાતમા ધોરણમાં ભણે છે."

"તેમને નિશાળમાં પરીક્ષા છે પણ આવા વાતાવરણમાં શું નિશાળે જાય!"

મહાનગરપાલિકા આટલાં બધાં મકાનો કેમ પાડી રહી છે?

રાજકોટ, જંગલેશ્વર, બીબીસી ગુજરાતી, ડિમોલિશન

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, ડિમોલિશન દરમિયાન સામાન ફેરવી રહેલો એક પરિવાર

આજી અને ખોખડદડી નદીઓના પશ્ચિમ કિનારા પર એકતા કૉલોની, જંગલેશ્વર, બુદ્ધનગર, રાધાકૃષ્ણનગર, નાળોદાનગર, સિદ્ધાર્થનગર વગેરે જેવી સોસાયટીઓ આવેલી છે.

પરંતુ આ આખા વિસ્તારને બહારના લોકો જંગલેશર તરીકે ઓળખે છે.

જંગલેશર નજીક જ ખોખડદડી અને આજી નદીઓનું સંગમસ્થાન છે. જંગલેશ્વર સોસાયટીમાં 30 શેરીઓ છે અને તેમાં મુસ્લિમોની બહુમતી છે જયારે અન્ય વિસ્તારોમાં હિંદુ ધર્મના લોકોનું પ્રભુત્વ છે.

જંગલેશ્વરમાં રહેતા શિક્ષક અને સામાજિક અગ્રણી ઇરફાન કુરેશી કહે છે કે સમગ્ર વિસ્તારમાં મિશ્ર વસ્તી છે જેમાં હિંદુઓ લગભગ 65 ટકા અને મુસ્લિમો લગભગ 35 ટકા છે.

રાજકોટ મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે જંગલેશ્વર વિસ્તારનાં 1,489 મકાનો રાજકોટ મહાનગરપાલિકાની જમીન કે રસ્તા પરનાં દબાણો છે.

આ રસ્તાઓ 1996માં બનેલી રાજકોટ ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર-6(ટૂંકમાં ટીપી-6)ના વિવિધ ટીપી રોડ તરીકે દર્શાવાયા છે.

હાલના જંગલેશ્વર મેઇન રોડને તેમાં 15 મીટર પહોળા ટીપી રોડ તરીકે દર્શાવવામાં આવ્યો છે. પરંતુ આ હયાત રોડના કેટલાક ભાગ હાલ ત્રણેક મીટર જેટલા જ પહોળા છે.

રાજકોટ, જંગલેશ્વર, બીબીસી ગુજરાતી, ડિમોલિશન
ઇમેજ કૅપ્શન, મંગળવારે જંગલેશ્વરમાં તૂટેલાં મકાનોનો કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાશે

સોમવારે રાજકોટ મહાનગરપાલિકાએ રોડના દબાણ દૂર કરવા જે મકાનો તોડી પડ્યાં તેમાંનાં મોટા ભાગનાં મકાનો આ રોડ પર છે.

શનિવારે એક અખબારી યાદીમાં RMCએ જણાવ્યું હતું કે 1,489 મકાનોમાંથી 992 મકાનો આજી અને ખોખડદડીના પટમાં અને કાંઠે છે જયારે અન્ય 497 મકાનોને વિવિધ રસ્તાઓ પર છે.

RMC એ આ મકાનધારકોને 2022, 2024 અને પછી જુલાઈ 2025માં નોટિસો ફટકારીને જણાવ્યું હતું કે તે RMC ની જમીન અને રસ્તા પરના દબાણો હોવાથી તેને દૂર કરવામાં આવે.

આ મહિનાની શરૂઆતમાં RMCએ જાહેરાત કરી કે તે 23 ફેબ્રુઆરીથી ડિમોલિશન ઝુંબેશ હાથ ધરશે.

ઇરફાન કુરેશી અને આ વિસ્તારના 514 અન્ય લોકોએ 16 ફેબ્રુઆરીએ ગુજરાત હાઇકોર્ટ (HC)માં એક અરજી કરી.

પરિવારોએ કોર્ટને અરજ કરી કે તેમનું યોગ્ય પુનઃવસન ન થાય તે પહેલાં RMC તેમની વિરુદ્ધ કોઈ બળજબરીપૂર્ણ કાર્યવાહી ન કરે તેવો આદેશ કરવામાં આવે.

હાઇકોર્ટમાં તેમની અરજીની 20 ફેબ્રુઆરીએ સુનાવણી થઈ હતી.

પરંતુ હાઇકોર્ટે ડિમોલિશન ઝુંબેશ સામે કોઈ તાત્કાલિક મનાઈ હુકમ આપ્યો ન હતો અને વધુ સુનાવણી માટે 27 ફેબ્રુઆરીની મુદત આપી હતી.

RMC રમજાન મહિનો પૂરો થવાની રાહ જોઈ શક્યું હોત?

રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા, રાજકોટ, જંગલેશ્વર, બીબીસી ગુજરાતી, ડિમોલિશન

મુસ્લિમો હિજરી સંવતના રમજાન મહિનાને પવિત્ર મહિનો માને છે.

આ વર્ષનો રમજાન મહિનો ગત અઠવાડિયે જ શરૂ થયો છે. રમજાનની શરૂઆતમાં જ આ ડિમોલિશન ડ્રાઇવ શરૂ થઈ છે.

રમઝાન મહિના પૂરતું લોકોનાં મકાનો તોડવાનું મોકૂફ રાખી શકાયું હોત કે કેમ તેવા બીબીસી ગુજરાતીના પ્રશ્નનો જવાબ આપતા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ કહ્યું, "રાજકોટ મહાનગરપાલિકાએ લોકોને શક્ય બધી મદદ કરી છે."

"ડિમોલિશન શરુ કરતા પહેલાં ત્રણ દિવસ સુધી લોકોને તેમના માલસામાન સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે અમે વિના મૂલ્યે મજૂરો અને ટ્રૅક્ટરની સુવધા આપી હતી."

"આ મકાનો આજી નદીના પટમાં હતાં. જ્યારે આજી નદીના આ વિસ્તારોમાં 2024માં પૂર આવ્યું ત્યારે ત્યાંના લોકોને બચાવવા રાજકોટ મહાનગરપાલિકાની ટીમો ત્યાં ગઈ હતી."

"પરંતુ પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે તે ટીમો પણ ફસાઈ ગઈ હતી અને તેને બચાવવા એનડીઆરએફ (નૅશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની મદદ લેવી પડી હતી."

"જ્યાં ડિમોલિશન થઈ રહ્યું છે તેવા સાત સેક્ટરમાંથી ત્રણ સેક્ટર આ નદીના તટમાં આવેલાં છે. તેથી, આ આ કામ પ્રાયૉરિટીના ધોરણે હાથ પર લેવું પડ્યું છે."

તેમણે ઉમેર્યું કે દબાણો દૂર થતાં જંગલેશ્વરમાં રસ્તાઓ વધારે પહોળા થશે અને શહેર સાથે તેનું જોડાણ વધશે.

ડિમોલિશન પર રૅપ સૉંગ બાદ યુવકની અટકાયત, પોલીસે શું કહ્યું?

રાજકોટ, જંગલેશ્વર, બીબીસી ગુજરાતી, ડિમોલિશન

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, સોમવારે ડિમોલિશન દરમિયાન પોલીસ બંદોબસ્ત

દરમિયાન, રવિવાર સાંજે રાજકોટ શહેર પોલીસના ભક્તિનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જંગલેશ્વર શેરી નંબર-2માં રહેતા 23 વર્ષીય ચાંદ નામના યુવાનની અટકાયત કરી હતી.

નિર્ધારિત ડિમોલિશન ઝુંબેશના સંદર્ભમાં સરકારની ટીકા કરતું ચાંદનું એક રૅપ સૉન્ગ સોશિયલ મીડિયામાં વાઇરલ થયું તેની થોડી કલાકો બાદ તેને ડિટેઇન કરવામાં આવ્યો હતો.

પરંતુ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમએમ સરવૈયાએ જણાવ્યું હતું કે ચાંદની અટકાયતની તેમના ગીત સાથે કોઈ લેવાદેવા નથી.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ઇન્સ્પેક્ટર સરવૈયાએ કહ્યું, "લગભગ 20 દિવસ પહેલાં તેણે અપશબ્દો બોલતો એક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો."

"રવિવારે, જંગલેશ્વરની બે વ્યક્તિઓએ તેની વિરુદ્ધ ફરિયાદ આપી. તે ફરિયાદના અનુસંધાને અમે તેને ડિટેઇન કર્યો હતો. તેની અટકાયતનો ડિમોલિશન ઝુંબેશ વિશેના તેના ગીત સાથે કોઈ સંબંધ નથી."

રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે સોમવારે ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી.

તેમણે કહ્યું, "અગાઉના દિવસોમાં અમારી કવાયતને કારણે ઘણા લોકોએ સ્વેચ્છાએ તેમનાં મકાનો તોડી પાડ્યાં હતાં અથવા ખાલી કર્યાં હતાં."

"જોકે, આસપાસ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 2,500 પોલીસકર્મીઓ અને મહિલા પોલીસકર્મીઓ તહેનાત છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન