શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ બાળ યૌનશોષણ મામલે એફઆઈઆર, શું છે સમગ્ર વિવાદ?

ઇમેજ સ્રોત, Santosh Kumar/Hindustan Times via Getty Images
ઉત્તર પ્રદેશ પોલીસે જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય સ્વામી મુકુંદાનંદ બ્રહ્મચારી તથા બીજા બે-ત્રણ અજાણ્યા લોકો સામે બાળ યૌન શોષણના આરોપો હેઠળ એક એફઆઈઆર દાખલ કરી છે.
પ્રયાગરાજની પૉક્સો કોર્ટે શનિવારે ઝુંસી પોલીસ સ્ટેશનના એસએચઓને નિર્દેશ આપ્યા હતા કે તેઓ જાતીય અપરાધ સામે બાળકોના સંરક્ષણના ધારા એટલે કે પૉક્સો કાયદાની કલમો હેઠળ આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરે.
પૉક્સો કોર્ટના એડિશનલ સેશન જજ વિનોદ કુમાર ચોરસિયાએ પોલીસને પોતાના આદેશમાં જણાવ્યું કે તેઓ પૉક્સો એક્ટ હેઠળ તટસ્થ રીતે કેસની તપાસ કરે.
સાથે સાથે કોર્ટ પીડિતની ઓળખ અને સન્માન જાળવવા આદેશ આપ્યો હતો. આ ઉપરાંત કોર્ટે કહ્યું કે આ નિર્દેશોનું તાત્કાલિક પાલન કરીને કોર્ટને જણાવવામાં આવે.
શંકરાચાર્યએ એ નિર્ણય અંગે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
કોર્ટના આ આદેશ પછી શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે દાવો કર્યો છે કે આ કેસ ખોટો છે.
તેમણે કહ્યું કે, "અમારી સામે દાખલ કરવામાં આવેલા ખોટા કેસની હકીકત બધા સામે આવી જશે અને દોષીઓને સજા મળશે. તેથી કેસ થાય અને આગળની તપાસ થાય તે જરૂરી છે."
"કોર્ટે આના પર ઝડપથી કાર્યવાહી કરવી જોઈએ અને વધુ સમય લગાડવો ન જોઈએ. કારણ કે ઘણા લોકો આ મામલાને જોઈ રહ્યા છે. સાક્ષીઓનાં નિવેદનો લઈને જલ્દી નિર્ણય લેવો જોઈએ. જે ખોટું હશે તે ખોટું રહેશે. જે ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો છે, તે અંતે ખોટો સાબિત થશે."
અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સામે ફરિયાદની માંગણી કરતી અરજી સાથે કોર્ટમાં ગયેલી વ્યક્તિનું નિવેદન પણ બહાર આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું કે, "અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય મુકુંદાનંદ સામે એફઆઈઆર કરવાનો આદેશ આપ્યો છે. પ્રથમ દૃષ્ટિએ અમને ન્યાય મળ્યો છે. અવિમુક્તેશ્વરાનંદ નાનાં બાળકો સાથે કુકર્મ કરતા હતા, યૌન અપરાધ કરતા હતા. કોર્ટે અમે આપેલા પુરાવાની તપાસ કરવા પણ કહ્યું છે."
યોગી અને અવિમુક્તેશ્વરાનંદ વચ્ચે તકરાર

ઇમેજ સ્રોત, ANI
આ વર્ષે જાન્યુઆરીમાં ઉત્તરાખંડ જ્યોતિર્મઠના વડા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પ્રયાગરાજમાં ચાલતા માઘ મેળામાં એક વિવાદના કારણે ચર્ચામાં હતા.
અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી 18 જાન્યુઆરીએ મૌની અમાસના પ્રસંગે સંગમમાં સ્નાન કરવા જતા હતા.
તે વખતે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા પછી તેઓ ધરણા પર બેસી ગયા હતા. તેમણે પહેલાં માંગ કરી હતી કે દોષી અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે, પછી જ તેઓ સ્નાન કરશે.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ 28 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે તેઓ આ માઘ મેળામાં સ્નાન નહીં કરે અને તેમણે દુખી મને મેળામાં જવું પડી રહ્યું છે.
તેમણે મીડિયામાં આપેલા નિવેદનમાં દાવો કર્યો કે ઇતિહાસમાં પહેલી વખત એવું થયું છે જ્યારે કોઈ શંકરાચાર્ય સ્નાન કર્યા વગર મેળો છોડીને ભાગ્યા હોય.
આને લઈને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે એક્સ પોસ્ટ કરીને આના માટે ભાજપને જવાબદાર ગણાવ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ મામલે ભાજપ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી. પરંતુ રાજ્યના ઉપમુખ્ય મંત્રી કેશવપ્રસાદ મૌર્યએ તેમને સ્નાન કરવાની અપીલ કરી હતી.
મુખ્ય મંત્રી આદિત્યનાથે આ મામલે કોઈનું નામ લીધા વગર કહ્યું કે 'કેટલાક લોકો કાલનેમિ' છે.
મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે હરિયાણાના સોનીપતમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા આ નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું હતું, "એવા તમામ કાલનેમિ હશે જેઓ ધર્મની આડશમાં સનાતન ધર્મને નબળો પાડવાનું ષડયંત્ર રચી રહ્યા હશે. આપણે તેમનાથી સાવધાન રહેવું પડશે. આપણે સતર્ક રહેવું પડશે."
યોગી આદિત્યનાથે 14 ફેબ્રુઆરીએ યુપી વિધાનસભામાં કહ્યું હતું કે 'ગમે તે વ્યક્તિ શંકરાચાર્ય ન બની શકે'.
તેમણે કાયદાના શાસન પર ભાર મૂકતા કહ્યું કે કોઈ પણ વ્યક્તિ કોઈ પીઠના આચાર્ય તરીકે ગમે ત્યાં વાતાવરણ ખરાબ કરી ન શકે.
તેના પર અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે "આદિત્યનાથ ઉપર 40થી વધારે કેસ હતા અને હવે તેઓ મુખ્ય મંત્રી બન્યા ત્યારે પોતાના પરના તમામ કેસ હટાવી લીધા."
"આ કેવા કાયદાનું પાલન છે? શું કાયદામાં એવું લખ્યું છે કે કોઈ વ્યક્તિ ઊંચા પદ પર પહોંચી જાય તો તેની સામેના બધા કેસ હટાવી લેવા જોઈએ? આવું ક્યાં લખ્યું છે?"
તેમણે કહ્યું, "ઉત્તર પ્રદેશની વિધાનસભામાં ઊભા થઈને તમે કહ્યું છે કે હું રાજ્યમાં કાયદાનું પાલન કરવાનો છું."
"તમે કાયદાનું પાલન કરવાના હોવ તો 45 કેસનો કોર્ટમાં સામનો કરો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન












