ટી20 વિશ્વકપ : ભારત માટે સેમિફાઇનલમાં પહોંચવું આસાન કેમ નથી, કઈ સમસ્યા નડી શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
આઇસીસી ટી20 વર્લ્ડકપ 2026માં સુપર-8 રાઉન્ડની શરૂઆત 21મી ફેબ્રુઆરીથી થઈ રહી છે. જ્યાં 8 ટીમ સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે એકબીજા સાથે ટકરાશે.
આ ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ભારત, ઝિમ્બાબ્વે, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ ગ્રૂપ-1માં એકબીજાને પડકાર આપશે, જ્યારે કે ચાર ટીમો- શ્રીલંકા, પાકિસ્તાન, ઇંગ્લૅન્ડ અને ન્યૂઝીલૅન્ડ ગ્રૂપ-2માં છે. આ રોમાંચક મુકાબલા પહેલા પૂર્વ પાકિસ્તાની ખેલાડી અને બૉલર મોહમ્મદ આમિરે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
સુપર-8ની શરૂઆત પહેલા મોહમ્મદ આમિરે કહ્યું છે કે ભારત આ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં નહીં પહોંચી શકે. તેમનો દાવો છે કે ભારતની ટીમની સફર સુપર-8માં જ સમાપ્ત થઈ જશે.
ભારત આ ટુર્નામેન્ટનું યજમાન અને વર્તમાન ચૅમ્પિયન છે. ટીમે ગ્રૂપ-એમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ચારેય મૅચ જીતીને ગ્રૂપમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ભારત આ ટુર્નામેન્ટ જીતવા માટેનું ફેવરિટ મનાય છે, પરંતુ આમિરનું માનવું છે કે ભારત સેમિફાઇનલની રેસથી બહાર થઈ જશે.
પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ ભારત વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
મોહમ્મદ આમિરે જિયો ટીવી પર એક શો દરમિયાન કહ્યું, "ભારત ટી20 વર્લ્ડકપ દરમિયાન સેમિફાઇનલમાં નહીં પહોંચી શકે. પાકિસ્તાન સામે રમાયેલી મૅચને છોડીને, ભારતીય બૅટ્સમૅનો તમામ ખેલમાં ધ્વસ્ત થઈ ગયા છે. દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ મજબૂત ટીમ છે. તે કોઈ પણ ટીમને હરાવી શકે છે."
સુપર-8 રાઉન્ડમાં ગ્રૂપ-1 મજબૂત છે. ગ્રૂપ-1ની ચારેય ટીમોએ એક પણ હારનો સામનો નથી કર્યો. ભારત ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝે પણ પોતાના ગ્રૂપમાં ચાર-ચાર મૅચ જીતી છે જ્યારે કે ઝિમ્બાબ્વેએ ત્રણ મૅચ જીતી છે અને એક મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.
સુપર-8 રાઉન્ડમાં ટીમ ઇન્ડિયા 22 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા સામે પહેલી મૅચ રમશે. ત્યાર બાદ 26મી ફેબ્રુઆરીના રોજ ચેન્નાઈમાં ઝિમ્બાબ્વે સામે તેની ટક્કર થશે. ભારતની છેલ્લી સુપર-8 મુકાબલાની મૅચ કોલકાતામાં વેસ્ટ ઇન્ડીઝ સામે થશે. ટીમ ઇન્ડિયાને સેમિફાઇનલમાં પ્રવેશ માટે બે મૅચ જીતવાની રહેશે.
ઑસ્ટ્રેલિયા બહાર, પરંતુ દક્ષિણ આફ્રિકા મોટો પડકાર

ઇમેજ સ્રોત, Getty Images
ટુર્નામેન્ટમાં કોઈને આશા નહોતી કે ઑસ્ટ્રેલિયા આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. ઝિમ્બાબ્વે પણ સુપર-8માં આવશે તેવી લોકોને આશા નહોતી, પરંતુ હવે તસવીર સામે છે. ઑસ્ટ્રેલિયા બહાર થવાથી ભારત માટે રાહતના શ્વાસ લેવા જેવું છે. જોકે ભારત માટે તેના સુપર-8 ગ્રૂપમાં દક્ષિણ આફ્રિકા મજબૂત હરીફ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવે સેમિફાઇનલમાં જગ્યા બનાવવા ભારતે બે મૅચ જીતવાની છે. તેથી તે તેના મજબૂત હરીફ દક્ષિણ આફ્રિકા સામે હારી પણ જાય તો બાકીની બે મૅચ ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝ સામે જીતવી પડશે.
વેસ્ટ ઇન્ડીઝ તેની ચારેય લીગ મૅચ જીતીને સુપર-8માં પ્રવેશ્યું છે. ઝિમ્બાબ્વેએ પણ અપસેટ સર્જીને ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકાને હરાવ્યું છે. તેથી ભારત તેને હળવાશથી નહીં લઈ શકે.
જોકે, ભારતનો રેકૉર્ડ વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વે સામે સારો છે. વળી ભારત પાસે હોમગ્રાઉન્ડમાં રમવાનો ઍડવાન્ટેજ પણ છે. પણ છતાં જે પ્રકારે ભારતની બેટિંગ નબળી પડતી જણાઈ છે તે જોતાં તેણે ઓવરકૉન્ફિડન્સમાં ન રહેવું જોઈએ.
ખાસ તો તેણે પહેલા દક્ષિણ આફ્રિકાને હરાવવાની રણનીતિ પર કામ કરવું પડી શકે છે. તેની સામેની મૅચ અમદાવાદમાં છે અને ભારત અગાઉ અમદાવાદમાં લીગ મૅચ રમી ચૂક્યું છે. તેથી ભારતે અન્ય વેન્યૂ પર જવા માટે સમય અને ઊર્જા નહીં ખર્ચવી પડે.
ઉપરાંત આ પીચ અને ગ્રાઉન્ડનો તેને અનુભવ પણ થઈ ચૂક્યો છે જ્યારે આ ઍડવાન્ટેજ દક્ષિણ આફ્રિકા પાસે નથી, પરંતુ છતાં દક્ષિણ આફ્રિકા મજબૂત ટીમ છે તેથી ભારતના ખેલાડીઓએ સાવધાન રહેવું પડશે.
વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વેને હળવાશથી ન લઈ શકાય

ઇમેજ સ્રોત, Getty Images
પહેલા ગ્રૂપમાં ભારત સાથે ઝિમ્બાબ્વે, વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમ સામેલ છે.
આ તમામ ટીમો પોતાના ગ્રૂપમાં ટોપ પર રહી હતી અને સુપર-8માં જગ્યા બનાવી છે.
ભારતે ચારેય મુકાબલા જીત્યા તો દક્ષિણ આફ્રિકા પણ અપરાજિત રહી છે. વેસ્ટ ઇન્ડીઝે પણ મજબૂત ગણાતી ઇંગ્લૅન્ડને હરાવ્યું છે અને તેની લીગની ચારેય મૅચ જીત્યું છે. વેસ્ટ ઇન્ડીઝની ટીમ આ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી રહી છે.
ઝિમ્બાબ્વે પણ પોતાના ગ્રૂપમાં પ્રથમ ક્રમાંકે હતું. સિકંદર રઝાની આગેવાનીમાં આ ટીમ પણ ઇતિહાસ રચવા થનગની રહી છે. ઑસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને હરાવ્યા બાદ તેનો આત્મવિશ્વાસ આસમાને છે. તેણે શ્રીલંકાને પણ હરાવીની આ વર્લ્ડકપનો બીજો ઊલટફેર કર્યો છે. તેણે તેની ત્રણ મૅચ જીતી છે જ્યારે એક મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.
એટલે ભારત માટે માત્ર દક્ષિણ આફ્રિકા જ મજબૂત સ્પર્ધક નથી, પરંતુ ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝ પણ છે અને તેથી તેને હળવાશથી ન લઈ શકાય.
વેસ્ટ ઇન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામે શું રહેશે રણનીતિ?
ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝને હરાવવા માટે સ્પીન બૉલિંગ પર આધાર રાખવો પડશે. ભારતના ભાથામાં વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને વૉશિંગ્ટન સુંદર જેવા ઊંચા દરજ્જાના સ્પીનરો છે. જેનો સામનો કરવો ખાસ કરીને ઝિમ્બાબ્વેની ટીમના બૅટ્સમૅનો માટે મુશ્કેલ છે.
ભારતનો સામનો ઝિમ્બાબ્વે સાથે 26મીએ ચેન્નાઈમાં થશે. અહીં સ્પીનરોને ઘણી મદદ મળે છે. 1 માર્ચના રોજ સૂર્યાની ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે રમવાની છે. આ મૅચ કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમાશે. જ્યાં પણ સ્પીનરોને મદદ મળશે. ખાસ કરીને મિડલ ઓવરમાં. ભારતની પાસે સારા સ્પીનરો છે. જે વેસ્ટ ઇન્ડીઝની ટીમના બૅટ્સમૅનોને હંફાવી શકે છે.
ભારતની સમસ્યા શું છે?

ઇમેજ સ્રોત, ANI
નેધરલૅન્ડ્સ સામેની મૅચમાં જીત બાદ કૅપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું હતું, "અમે હજુ સુધી તમામ બૉક્સ ટીક કર્યા છે, એવું ન કહી શકાય."
સૂર્યકુમારના આ નિવેદનમાં ટીમ ઇન્ડિયાની તમામ કસોટીઓ છુપાયેલી છે, જે સુપર-8ના મુકાબલામાં તેના માટે ચિંતાનું કારણ છે.
ભલે ગ્રૂપ-એમાં ભારતે ટોચનું સ્થાન જાળવી રાખ્યું અને નેટ રનરેટ તમામ ગ્રૂપોમાં સર્વશ્રેષ્ઠ છે, પરંતુ વર્લ્ડકપની તમામ મૅચો દરમિયાન ભારતના બૅટ્સમૅનોની અને કંઈક અંશો બૉલરોની નબળાઈ પણ છતી થઈ હતી.
ભારતીય બૅટ્સમૅનોનો સંઘર્ષ

ઇમેજ સ્રોત, ANI
વર્લ્ડકપ શરૂ થયો ત્યારે ભારતના ઓપનર અભિષેક શર્માને ભારતની સૌથી મોટી તાકત માનવામાં આવતા હતા, પરંતુ તેઓ અત્યાર સુધીના સૌથી મોટા ફ્લૉપ ખેલાડી સાબિત થયા છે. તેમણે હજુ સુધી વર્લ્ડકપમાં ખાતું સુધ્ધાં નથી ખોલાવ્યું.
તિલક વર્મા પણ તેમની તમામ મૅચોમાં સંઘર્ષ કરી રહ્યા છે અને મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેમની તમામ મૅચો પર નજર કરીએ તો તેઓ ટી20 ક્રિકેટમાં ધીમું રમે છે અને પરિણામે સામેના ખેલાડી પર દબાણ આવે છે.
ઑફ સ્પીન બૉલિંગ સામે તકલીફોને લઈને ભારતના બૅટ્સમૅનોની નબળાઈ છતી થઈ છે.
લીગ મૅચોમાં ભારતના તમામ બૅટ્સમૅનો સ્પીનર્સ સામે સંઘર્ષરત જણાતા હતા. અમેરિકા અને નામીબિયાના સ્પીનરો સામે પણ ભારતના બૅટ્સમૅનો સરળતાથી રન ફટકારી શકતા નહોતા.
પાકિસ્તાનના સાઈમ અયૂબે પણ ભારત સામે ત્રણ વિકેટો લીધી હતી. ઉસ્માન તારિકે પણ ભારતીય બૅટ્સમૅનોને પરેશાન કર્યા હતા.
નબળી ફિલ્ડિંગ, ખરાબ બૉલિંગ અને છેલ્લી ઓવરમાં ખરાબ બેટિંગ

ઇમેજ સ્રોત, Getty Images
નેધરલૅન્ડ્સ સામે પણ ભારતે ખરાબ બૉલિંગ કરી હતી જેને કારણે તેણે 176 રન બનાવ્યા હતા. પાકિસ્તાન સામે ભારતના ફિલ્ડરોએ ચાર કૅચ છોડ્યા હતા. નેધરલૅન્ડ્સ સામે ભારતે બે બૅટ્સમૅનોને જીવતદાન આપ્યું હતું.
પાકિસ્તાન સામેની મૅચમાં તિલક વર્માએ બે, ઈશાન કિશને અને કુલદીપ યાદવે એક-એક કૅચ જ્યારે કે નેધરલૅન્ડ્સ સામેની મૅચમાં સૂર્યા અને રિંકુ ટકરાયા અને કૅચ છૂટી ગયો. વૉશિંગ્ટને પણ એક કૅચ ડ્રૉપ કર્યો હતો. જોકે આ કૅચ હાર્ડ હતો. એટલે ફિલ્ડિંગના મામલે પણ ભારતે કામ કરવાની જરૂર છે. એક પણ ભૂલ ભારે પડી શકે તેમ છે.
સુપર-8માં ભારતનું બૉલિંગ આક્રમણ કેવું રહેશે તેના પર બધાની નજર છે. બુમરાહ લયમાં છે, પરંતુ તેની સાથે બીજા કયા બૉલર ડેથ ઓવર્સમાં બૉલિંગ કરશે તેના પર ઘણો બધો આધાર છે. હવે ભારતનો મુકાબલો મજબૂત ટીમ સાથે છે એટલે લીગ મૅચ જેવું પ્રદર્શન કરવું પોષાય તેમ નથી.
કોઈ એક બૅટ્સમૅન પર નિર્ભર રહેવું ભારતને ભારી પડી શકે છે. અમેરિકા સામેની મૅચમાં સૂર્યાએ 84 રનની તોફાની પારી રમી હતી, પરંતુ અન્ય કોઈ બૅટ્સમૅન 30નો આંકડો પાર નહોતો કરી શક્યો.
નામીબિયાની સામે પણ ઈશાન કિશન તથા હાર્દિક પંડ્યાના બેટથી રન આવ્યા, પરંતુ અન્ય કોઈ બૅટ્સમૅન કમાલ નહોતો કરી શક્યો. પાકિસ્તાન સામેની મૅચમાં માત્ર ઈશાન કિશને પારી સંભાળી. જ્યારે નેધરલૅન્ડ્સની સામેની મૅચમાં શિવમ દૂબે અને હાર્દિકની બેટે કમાલ કરી હતી. પરંતુ જો ભારતે સેમિફાઇનલમાં જગ્યા બનાવવી હશે તો એક-બે બૅટ્સમૅનો પર નિર્ભર રહેવાની આદતથી છુટકારો મેળવવો પડશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












