રીબડાના મહીપતસિંહ : સત્તા, શક્તિ અને વેરના વળામણાથી ભરપૂર જીવનની કહાણી

મહીપતસિંહ જાડેજા

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA

ઇમેજ કૅપ્શન, મહીપતસિંહ જાડેજા
    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"અત્યારે મારા સમાજના ઘણા મહીપતસિંહ નામ રાખે છે, પણ એને પૂછજો તો ખરા કે કેટલી વખત જેલમાં ગયા? કેટલા દિવસ સુધી ખાધાં-પીધાં વગર રહ્યા? કેટલા દિવસ સુધી મા-બાપને મળવા જાવ તો મા-બાપ આંસુ પાડતા રહે. આ જિંદગી જીવવાની હિંમત છે? તો મહિપતસિંહ બનજો, નહીંતર કોઇકની સેવા કરજો. તોય તમને 'બાપુ' કહેશે."

પોતાના 83મા જન્મદિવસે યોજાયેલા મરસિયાના (હા, મરસિયા) કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરતી વખતે મહીપતસિંહ ભાવુભા જાડેજાએ આ વાત કહી હતી, જેમાં તેમના જીવનના ઊતારચઢાવનો પડઘો પણ ઝિલાય છે.

જીવતા જગતિયું કરનારા મહીપતસિંહ જાડેજાનું એક વર્ષ પહેલાં 1 ફેબ્રુઆરી 2023ના દિવસે દૈહિક અવસાન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને રાજકોટમાં તેમની સારવાર પણ થઈ હતી.

પીઢ ક્ષત્રિય અગ્રણીનું અવસાન થતા તેમની અંતિમયાત્રામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી રાજપૂત આગેવાનો સહિત સેંકડો લોકો એકઠા થયા હતા.

આઝાદી પછી 'બહારવટિયા' જાહેર થયેલા મહીપતસિંહ જાડેજાએ ગામના સરપંચથી લઈને ધારાસભ્ય અને પરાજય સુધીના તડકો-છાંયો તેમના જીવનમાં જોયા હતા.

મહીપતસિંહની રાજકીય કારકિર્દીને આગળ વધારવામાં દીકરા અનિરૂદ્ધસિંહનો મોટો ફાળો હતો અને આ માટે તેણે જેલ પણ વેઠી હતી.

બહારવટિયા મહીપતસિંહની એ દિવાળી

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ

મહીપતસિંહ જાડેજાનો જન્મ તા. 24 મે 1936ના રોજ બ્રિટિશ ભારતમાં હાલના સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો.

આઝાદી પહેલાં લગભગ 222 રજવાડાં ધરાવતા સૌરાષ્ટ્રમાં જમીન રાજ્યની માલિકીની ગણાતી હતી. રાજા ઇચ્છે તો ગમે ત્યારે ગણોતિયા જેવા ખેડૂત પાસેથી જમીન છીનવી લે.

15 એપ્રિલ, 1948ના રોજ કાઠિયાવાડનાં બધાં રાજ્યોની સોંપણી પૂરી થઈ અને સમગ્ર સૌરાષ્ટ્રનો રાજ્યવહીવટ એકતંત્રી રાજ્ય તરીકે ચાલુ થયો કે તેના પ્રથમ કાર્ય તરીકે રાજ્યે એક ક્રાંતિકારી ઉદ્ઘોષણા દ્વારા બધા ખાલસા જમીનના ખેડૂતોને જમીન કબજા હક્કની બક્ષિસ આપી.

તા. પહેલી સપ્ટેમ્બર 1951થી સૌરાષ્ટ્ર જમીન સુધારણા ધારો અને સૌરાષ્ટ્ર બારખલી નાબૂદી ધારો અને ફેબ્રુઆરી-1952થી સૌરાષ્ટ્ર જાગીર પ્રાપ્તિ ધારો અમલમાં આવ્યા.

જમીનવિહોણા પાટીદાર, કોળી, સતવારા તથા અન્ય સમાજના હજારો ખેડૂતોને લાખો વીઘા જમીનના માલિકી અને ભોગવટાના અધિકાર મળ્યા હતા. તેઓ રાજવીઓ-જાગીરદારોના મનસ્વી વલણ તથા અન્યાયી કરભારણથી મુક્ત બન્યા હતા.

ત્યારે સૌરાષ્ટ્ર વિસ્તારના કેટલાક ગિરાસદારો તેની સામે બહારવટે ચઢ્યા હતા અને તત્કાલીન સૌરાષ્ટ્ર સરકારના મંત્રી-અધિકારીઓની હત્યાના પ્રયાસ થયા હતા.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

YouTube કન્ટેન્ટ પૂર્ણ

1949થી 1952 દરમિયાન 'ગરાસદારી ચળવળ' ચાલી હતી, જેમાં મહીપતસિંહ જાડેજા પણ સામેલ હતા. આ અરસામાં તેમની સામે અનેક કેસ દાખલ થયા હતા.

એ પછી તેમને રાજકોટ, જૂનાગઢ અને અમરેલી એમ ત્રણ જિલ્લામાંથી હદપાર કરવામાં આવ્યા હતા. ફરારીના સમયમાં તેમણે ગોવા અને ભાવનગરમાં પણ નોકરીઓ કરી.

1965માં જ્ઞાતિના સન્માન મુદ્દે થયેલી બોલાચાલીમાં મહીપતસિંહની ઉપર હત્યાના આરોપ લાગ્યા. તેમની ઉપર ગૅંગકેસ દાખલ કરીને 'બહારવટિયા' જાહેર કરવામાં આવ્યા.

મહીપતસિંહને આશંકા હતી કે જો તેઓ પોલીસ સમક્ષ હાજર થશે તો તેમનું ઍન્કાઉન્ટર કરી નાખવામાં આવશે, એટલે તેઓ ફરાર થઈ ગયા.

એવામાં દિવાળીનો તહેવાર આવતા મહીપતસિંહને તેમનાં માતા-પિતાના આશીર્વાદ લેવાની ઇચ્છા થઈ. ચાંપતા પોલીસબંદોબસ્તથી વાકેફ મહીપતસિંહે રેલવેમાં નોકરી કરી હતી, એટલે તેના સાંધાવાળાના કપડાં પહેરીને આશીર્વાદ લેવા માટે તેઓ પહોંચ્યા.

એ સમયે માતા-પિતાએ પોલીસના જાપ્તા અને આજુબાજુવાળાને કનડગત થતી હોવાથી કચાવાતા મને તેમને ફરીથી ન આવવા કહ્યું હતું. આ બાબત મહીપતસિંહના જીવનમાં પરિવર્તન લાવનારી હતી.

તાપ અને પશ્ચાતાપ

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ પછીનાં વર્ષોમાં લોન પર ટ્રક લઈને ડ્રાઇવિંગ પણ કર્યું. વાહન ચલાવવાનો આ શોખ જીવનભર સાથે રહેવાનો હતો. જોંગા ગાડી અને મિલિટરી સ્ટાઇલ હેટ એ તેમની આગવી ઓળખ હતી.

કટોકટીકાળમાં સંજય ગાંધીની બહુ વગોવાયેલી નસબંધીની યોજનાને ગોંડલમાં સફળ બનાવવા માટે મહીપતસિંહે પ્રયાસ કર્યા હતા અને એક જ રાતમાં 300 જેટલા ઑપરેશન કરાવડાવ્યા હતા, જેની છેક દિલ્હીમાં નોંધ લેવાઈ હતી.

1986માં સૌરાષ્ટ્રવિસ્તારમાં ચડ્ડી બનિયાનધારી ટોળકીનો ત્રાસ હતો. લૂંટ કરવા નીકળતી વખતે તેઓ ચડ્ડી અને બનિયાન પહેરતા, એટલે તેમને આ નામ મળ્યું હતું. આ ટોળકી તેઓ અડધી રાત્રે પેટ્રોલ-પમ્પ પર ત્રાટકતા અને ઍટેન્ડન્ટને લૂંટી લેતા.

લૂંટારુઓ પકડવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલા પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આને કારણે હાઈવે પરના અનેક માલિકોએ રાત્રે પેટ્રોલ-પમ્પ બંધ કરી દીધા હતા.

17 લૂંટને અંજામ આપ્યા બાદ તેમણે ગોંડલ ખાતે મહીપતસિંહના પેટ્રોલ-પમ્પને ટાર્ગેટ કર્યો હતો. ત્યારે મહીપતસિંહે તેમનો સામનો કર્યો હતો અને તેમાંથી બે ચડ્ડીબનિયાનધારી શખ્સોને પકડીને પોતાની જોંગામાં બેસાડીને પોલીસ સમક્ષ લઈ ગયા હતા. એ પછી ટોળકી સામે કાર્યવાહી થઈ અને રંજાડ ઘટી હતી. એ સમયે તેમની ઉંમર 50 વર્ષની હતી.

વર્ષો પછી એજ પેટ્રોલપમ્પ ખાતે તાલીમાર્થી વન અધિકારીઓ સાથે મારઝૂડ કરવાના કેસમાં તેમની ધરપકડ થવાની હતી.

રીબડામાં જોંગા ચલાવતી વખતે મહીપતસિંહથી એક વખત હનુમાનની ડેરીને નુકસાન થયું હતું. આ ઘટનાથી ખૂબ જ આત્મગ્લાનિ થતાં તેમણે મહિરાજ બજરંબલિની પ્રાણપ્રતિષ્ઠા કરાવી, જેનો કાર્યક્રમ વર્ષ 2022માં તેમના જન્મદિવસના એકાદ અઠવાડિયા પહેલાં યોજાયો હતો અને ધૂમાડાબંધ મહા પ્રસાદનું આયોજન કર્યું હતું.

સૌરાષ્ટ્રમાં લોકવાયકા તરીકે ચર્ચિત આ કિસ્સા હાસ્યકલાકાર સાંઈરામ દવેએ રીબડા ખાતે આયોજિત 'મરસિયાની મોજ' કાર્યક્રમમાં કહ્યા હતા.

ગોંડલમાં હાલ રાજપૂત સમાજની વાડી છે, ત્યાં એક સમયે મોટી ઝૂંપડપટ્ટી હતી. ત્યાં વસતા લોકો માટે રહેણાકની વૈકલ્પિક વ્યવસ્થા કરીને જમીનને ખુલી કરાવી હતી અને નિર્માણકાર્ય હાથ ધર્યું હતું.

પોતાના મરસિયા ગવડાવ્યા

મરસિયાની મોજ કાર્યક્રમમાં તત્કાલીન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ઇમેજ સ્રોત, Twitter

ઇમેજ કૅપ્શન, મરસિયાની મોજ કાર્યક્રમમાં તત્કાલીન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ગુજરાતમાં 'જીવતા જગતિયું' કરવાની પરંપરા છે, જે મુજબ વ્યક્તિ પોતાની હયાતીમાં જ મરણોત્તર ક્રિયાઓ કરાવી લે છે અને તેની સાથે દાન-ભોજન પણ કરે છે. આ સિવાય પરિવારજનો અને સ્નેહીઓને ભોજન કરાવે છે, પરંતુ મહીપતસિંહે પોતાના જીવતા જીવ મરસિયા ગવડાવ્યા હતા.

મરસિયાએ મૃતકની સ્મૃતિમાં કરવામાં આવતું શોકગાન છે. રજવાડાંના સમયમાં રાજિયા આ ગાન કરતા.

મહીપતસિંહ જાડેજાએ પોતાના 83મા જન્મદિવસે (2019) રીબડા ખાતે 'મરસિયાની મોજ' કાર્યક્રમનું આયોજન કરીને પોતાની જ હયાતીમાં પોતાના મરસિયા ગવડાવ્યા હતા, જેનું સ્થાનિક અને પ્રાદેશિક ચેનલોએ જીવંત પ્રસારણ કર્યું હતું.

એની આમંત્રણ-પત્રિકામાં મહીપતસિંહને ટાંકતા લખેલું હતું, 'હું અત્યાચારથી ક્યારેય બીતો નથી. કોઈની સામે નમ્યો નથી. માથું નમે તો માત્ર ઇશ્વરની સામે કે માં કુળદેવીની સામે બીજા કોઈની સામે ન નમે.'

લગભગ 50 વીઘામાં આયોજિત એ કાર્યક્રમમાં હજારો લોકો હાજર રહ્યા હતા. 15 જેટલા ચારણોએ મહીપતસિંહના મરસિયા ગાયા હતા અને દાવો કર્યો હતો કે હમીરજી ગોહિલ પછી પહેલી વખત કોઈ રાજપૂતના જીવત મરસિયા ગવાયા છે.

પ્રચલિત લોકકથા પ્રમાણે, સલ્તનકાળમાં મહમદ બેગડો સોમનાથને ભાંગવાના હેતુથી નીકળ્યા હતા, ત્યારે હમીરજી ગોહિલ તેમના મિત્રો સાથે સોમનાથની સખાતે નીકળ્યા હતા (શંભુપ્રસાદ દેસાઈએ તેના પુસ્તક પ્રભાસ અને સોમનાથમાં પણ આ વાત લખી છે).

રસ્તામાં હમીરજીએ એક વિધવા વૃદ્ધાને મરસિયા ગાતા સાંભળ્યા. તેમનો યુવાન દીકરો થોડા દિવસ પહેલાં મૃત્યુ પામ્યો હતો. કેસરિયા કરવા નીકળેલા હમીરજીએ તેમને પોતાના માટે મરસિયા ગાવા વિનંતી કરી, પરંતુ હમીરજી ગોહિલ કુંવારા રાજપૂત હોય વૃદ્ધાએ તેના માટે મરસિયા ગાવાનો ઇન્કાર કર્યો.

સાથે જ સલાહ આપી કે સોમનાથ જતાં જો કોઈ યુવતી હા પાડે તો તેમની સાથે લગ્ન કરી લે. હમીરજીનો સોમનાથ જવાનો હેતુ સાંભળીને વેગડા નામનો ભીલ સરદાર તેમની સાથે જોડાયા હતા. તેમણે પોતાની દીકરી હમીરજી સાથે પરણાવી હતી.

બંનેએ પોતાના સાથીઓ સાથે સોમનાથમાં કેસરિયા (કેસરી કપડાં પહેરીને અથવા તો છેલ્લો કસુંબો પીને મરણિયા થઈને લડવું) કર્યા હતા. તેમના પાળિયા આજે પણ સોમનાથમાં છે.

ઉપસ્થિતોએ કલાકારો, મહીપતસિંહના દીકરા અનિરૂદ્ધસિંહ તેમના પૌત્ર રાજદીપસિંહ સહિત અન્યો ઉપર નોટો ઉડાવીને તેમને વધાવ્યા હતા.

સૌરાષ્ટ્રમાં સખાવતી ન હોય એવા ડાયરાના કાર્યક્રમ સાત્વિક સાર્વજનિક મનોરજંન હોવા ઉપરાંત આયોજક માટે શક્તિપ્રદર્શનની તક પણ હોય છે. હાજર રહેલા કલાકારો અને મહેમાનો દ્વારા કરવામાં આવેલી જાહેરાતોની ઝીણી નોંધ લેવાય છે.

મહીપતસિંહનો એ કાર્યક્રમ શક્તિપ્રદર્શન પણ હતું, જેમાં ભાજપના સ્થાનિક અધિકારીઓ અને રાજ્યના મંત્રી, અધિકારીઓ, રાજપૂત આગેવાનો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ હાજર રહ્યા હતા.

રીબડા: પાવર સેન્ટર

ગુજરાતના પટેલવાદી આરોગ્યમંત્રી વલ્લભભાઈ પટેલની હત્યા પણ રાજપૂત યુવાન દ્વારા થઈ હતી, યોગાનુયોગ તેમનું નામ પણ અનિરૂદ્ધસિંહ જાડેજા હતું

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA

ઇમેજ કૅપ્શન, ગુજરાતના પટેલવાદી આરોગ્યમંત્રી વલ્લભભાઈ પટેલની હત્યા પણ રાજપૂત યુવાન દ્વારા થઈ હતી, યોગાનુયોગ તેમનું નામ પણ અનિરૂદ્ધસિંહ જાડેજા હતું

અનેક વર્ષો સુધી મહીપતસિંહ રીબડાના સરપંચ રહ્યા હતા અને તેમણે રીબડાને પોતાનું પાવર સેન્ટર બનાવ્યું હતું. સરપંચ બન્યા પછી તેઓ 1980થી 1986 દરમિયાન ગોંડલ તાલુકા પંચાયતના પ્રમુખપદે પણ રહ્યા.

આ દરમિયાન તેમણે વિધવા, ત્યકતા, વિકલાંગ અને નિરાધારોને પેન્શન મળે તે માટે તેમણે પ્રયાસ કર્યા હતા. જેનો હજારોને લાભ થયો હતો.

આ એ સમયગાળો હતો, જ્યારે KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) સમીકરણ સાધીને કૉંગ્રેસે રાજકીય રીતે શક્તિશાળી પાટીદારોને હાંસિયામાં ધકેલવાની વ્યૂહરચના અપનાવી હતી.

હવે, મહીપતસિંહની રાજકીય મહત્ત્વાકાંક્ષા વધી રહી હતી. તેઓ ગોંડલના ધારાસભ્ય બનવા માગતા હતા. સંખ્યાની દૃષ્ટિએ ગોંડલની બેઠક પર પાટીદારો કરતાં ક્ષત્રિય વધારે હતા.

જોકે, પોપટભાઈ સોરઠિયા નામના પાટીદાર આગેવાન ગોંડલના ધારાસભ્ય હતા અને સ્વઘોષિત પટેલવાદી હતા. તેમના કારણે રાજકીય કારકિર્દીમાં અવરોધ ઊભા થાય છે.

તા. 15 ઑગસ્ટ 1988ના રોજ ગોંડલની સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ખાતે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે એક યુવાન ત્યાં આવ્યો હતો અને પૉઇન્ટ-બ્લૅન્ક રેન્જથી સોરઠિયાને ઠાર માર્યા હતા. આ યુવાન એટલે અનિરૂદ્ધસિંહ જાડેજા.

અગાઉ ચાર-ચાર વખત મોતને હાથતાળી આપનારા સોરઠિયા પાંચમી વખત કમનસીબ નીવડ્યા હતા અને તેમનું મૃત્યુ થયું હતું. એ પછી મહીપતસિંહ ધારાસભ્ય બન્યા હતા.

લગભગ એક દાયકા કરતાં વધુ સમય સુધી ધારાસભ્યની હત્યા કરવા છતાં અનિરૂદ્ધસિંહ સુધી કાયદાનો હાથ પહોંચ્યો ન હતો. અનિરૂદ્ધસિંહની હાજરી રાજકોટ, અમદાવાદ, ભાવનગર અને જૂનાગઢ જેવા શહેરોના અલગ-અલગ ધાર્મિક, સામાજિક અને સાર્વજનિક કાર્યક્રમમાં જોવા મળતી.

સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તેની ફરતે કાયદાનો ગાળિયો કસાયો હતો અને જેલવાસ ભોગવવાનો આવ્યો હતો. અનિરૂદ્ધસિંહ સામે આતંકવાદવિરોધી કાયદા ટાડાની કલમો પણ લાગેલી છે. આ સિવાય પણ અનેક કેસ તેમની તથા તેમના પરિવારજનો ઉપર થયેલા છે.

મહીપતસિંહનું બહુચર્ચિત વેર

જયરાજસિંહ જાડેજા

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA

ઇમેજ કૅપ્શન, જયરાજસિંહ જાડેજા

પોતાના સાર્વજનિક જીવન દરમિયાન મહીપતસિંહનું અનેકની સાથે વ્યક્તિગત અને રાજકીય વેર થયું હતું. કેટલીક વખત તેમની ઉપર જીવલેણ હુમલા પણ થયા હતા, જોકે, તેઓ બચી જવા પામ્યા હતા. મહીપતસિંહ માનતા કે તેમના વડવાઓ દ્વારા સાધુ-સંતો માટે વર્ષો સુધી રીબડામાં સદ્દાવ્રત ચલાવવામાં આવતું હતું, એટલે અને માતાજીની કૃપાથી તેઓ બચી જતા.

જોકે, તાજેતરની વિધાનસભા ચૂંટણી સમયથી જે વેરની ચર્ચા સૌથી વધુ થાય છે, તે છે ગોંડલના જયરાજસિંહ જાડેજા જૂથ સાથેની હરીફાઈ.

1990ની વિધાનસભા ચૂંટણી પહેલાં ચીમનભાઈના જનતાદળ અને ભાજપ વચ્ચે ગઠબંધન થયું હતું. અગાઉ ગોંડલની બેઠક પરથી ચૂંટણી લડી ચૂકેલા કેશુભાઈ પટેલ આ ચૂંટણીપરિણામ પછી નાયબમુખ્ય મંત્રી બન્યા હતા.

ગોંડલની બેઠક પરથી જનતા દળે મધુસુદન દોંગાને ટિકિટ આપી હતી, પરંતુ અપક્ષ ઊભેલા મહીપતસિંહ જાડેજા સામે તેમનો પરાજય થયો હતો. દોંગાને 21 હજાર 141 અને મહીપતસિંહને 31 હજાર 119 મત મળ્યા હતા, આમ નવ હજાર 978 મતે તેમનો વિજય થયો હતો. કૉંગ્રેસનો ઉમેદવાર ત્રીજાક્રમે રહ્યો હતો.

1995માં ભાજપતરફી લહેરની વચ્ચે પણ વધુ એક વખત મહીપતસિંહે ભાજપના ઉમેદવાર રમેશભાઈ સોજિત્રાને પરાજય આપ્યો હતો. વધુ એક વખત તેમણે અપક્ષ રહેવા છતાં રાષ્ટ્રીયપક્ષોને પરાજય આપ્યો હતો. કૉંગ્રેસનાં ઉમેદવાર તેમની ડિપોઝિટ બચાવી શક્યા ન હતા. (રમાબહેનને 5.30 ટકા મત મળ્યા હતા. 16.67 ટ ટકાથી વધુ મત હોય તો ડિપોઝિટ બચે) કેશુભાઈ પટેલ મુખ્ય મંત્રી બન્યા.

આઠ વર્ષના ધારાસભ્યકાળ દરમિયાન મહીપતસિંહે ગોંડલ અને તેની આસપાસના વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા હતા.

1998માં ગુજરાતમાં ચૂંટણીજંગ જામ્યો હતો. ભાજપ અને કૉંગ્રેસ ઉપરાંત શંકરસિંહ વાઘેલાની ઑલ ઇન્ડિયા રાષ્ટ્રીય જનતા પાર્ટી મેદાનમાં હતા. વાઘેલા-મોદીની ગેરહાજરીમાં કેશુભાઈ દ્વારા એક-એક બેઠક માટે વ્યૂહરચના ઘડાઈ રહી હતી, ત્યારે ગોંડલની બેઠકની પણ ચર્ચા થઈ હતી.

મહીપતસિંહ જાડેજા સામે પાટીદાર ઉમેદવારને ઊતારવાની વ્યૂહરચના નિષ્ફળ રહી હતી. બાહુબલીની સામે બાહુબલી ઉમેદવાર જ ટક્કર ઝીલી શકે તેવા વિચારથી નવા ઉમેદવારની શોધ હાથ ધરવામાં આવી. ત્યારે એક પાટીદાર નેતા દ્વારા જ હડમતાળાના સંપન્ન ખેડૂત ટેમુભા જાડેજાના દીકરા જયરાજસિંહનું નામ સૂચવવામાં આવ્યું હતું.

કેશુભાઈ પોતે ગોંડલની બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા હતા અને તેઓ સ્થાનિક નેતાઓના બળાબળથી વાકેફ હતા. જયરાજસિંહ તમામ પરિમાણો ઉપર પાર ઊતરતા હતા એટલે તેમને ટિકિટ આપવામાં આવી હતી.

એ વિધાનસભા ચૂંટણીમાં રાજકીય સ્થિરતા માટે ભાજપતરફી પવન ફૂંકાઈ રહ્યો હતો. જૂના જોગી મહીપતસિંહને 28 હજાર કરતાં વધુ મતથી પરાજય આપીને લગભગ 35 વર્ષની ઉંમરે જયરાજસિંહ 'જાયન્ટ કિલર' તરીકે પ્રસ્થાપિત થયા હતા.

ગોધરાકાંડ અને તેના પછી ફાટી નીકળેલાં હુલ્લડોના ઘા હજુ તાજા હતા. ડિસેમ્બર 2002માં ફરી કોમી આધાર પર ચૂંટણી લડાઈ. અનિરુદ્ધસિંહની ગેરહાજરીમાં મહીપતસિંહે રાષ્ટ્રવાદી કૉંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણી લડી. ફરી એક વખત જયરાજસિંહે 14 હજાર 600 જેટલા મતથી મહીપતસિંહને પરાજય આપ્યો હતો.

જો કૉંગ્રેસ અને એનસીપી સાથે મળીને એ ચૂંટણી લડ્યા હોત, તો કદાચ જયરાજસિંહનો વિજય ન થયો હોત અને તેમનું રાજકીય કદ ન વધ્યું હોત. કૉંગ્રેસના ઉમેદવાર કુરજીભાઈ ભલાળાને 15 હજાર 600 જેટલા મત મળ્યા હતા.

આ બે ચૂંટણીને કારણે ગોંડલના રાજપૂતોમાં બે ફાટ પડી ગઈ હતી. એક તરફ જયરાજસિંહના નેતૃત્વમાં ગોંડલ જૂથ હતું, તો બીજી તરફ મહીપતસિંહના નેતૃત્વવાળું રીબડા જૂથ હતું. જયરાજસિંહે ચોક્કસ સમુદાયના ટ્રૅક્ટર માર્કેટિંગ યાર્ડમાં મોડાં આવ્યા હોય તો પણ આગળ નીકળી જાય તેવી પરંપરા બંધ કરાવી હતી.

2007માં મહીપતસિંહે રાજકીય કારકિર્દીને ટકાવી રાખવાના ઇરાદાથી બેઠક બદલી હતી, પરંતુ સફળ રહ્યા ન હતા. દલિતનેતા માયાવતીના બહુજન સમાજ પક્ષની ટિકિટ પર બાબરાની બેઠક પરથી ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું.

એ ચૂંટણીમાં મહીપતસિંહ ત્રીજા ક્રમે રહ્યા હતા. તેમની અને બીજા ક્રમે રહેલા ભાજપના ઉમેદવાર બાવાભાઈ મોવાલિયાની વચ્ચે માત્ર 440 મતનો તફાવત રહ્યો હતો. એ ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર બાવકું ઉધાડ વિજેતા થયા હતા.

સત્તાથી વિમુખ થવા છતાં તેમનો દબદબો યથાવત્ રહેવા પામ્યો હતો. રીબડામાં તેઓ અને અનિરૂદ્ધસિંહ દરરોજ સાર્વજનિક રીતે લોકોને મળતા અને તેમના પ્રશ્નો સાંભળતા. તેમને આર્થિક મદદ કરતા અને ઝગડાઓની પતાવટ પણ કરાવતા.

'ક્ષત્રિય સેના'ના તેઓ સ્થાપક અધ્યક્ષ હતા અને તેના નેજા હેઠળ ક્ષત્રિયોમાં એકતા લાવવાના પ્રયાસ કર્યા હતા. જાડેજા પરિવારે ખેતી, પેટ્રોલપમ્પ ઉપરાંત ગાડીઓના શો-રૂમ અને બીજા વ્યવસાયોમાં ઝંપલાવ્યું છે.

મહીપતસિંહ જાડેજાનો રાજકીય વારસો

મહીપતસિંહ જાડેજા (ડાબે) અને અનિરુદ્ધસિંહ જાડેજા

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA

આમ તો મહીપતસિંહને બ્રજકંવરબા થકી ભગીરથસિંહ, રામદેવસિંહ, રાજેન્દ્રસિંહ, અનિરૂદ્ધસિંહ, જગતસિંહ અને મનસાબા હતાં. પરંતુ અનિરૂદ્ધસિંહને જ તેમના રાજકીય ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા.

અનિરૂદ્ધસિંહને જનમટીપની સજા થઈ છે. ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારો અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તે ચૂંટણી લડી શકે તેમ નથી. આથી, તેમના સૌથી નાના દીકરા રાજદીપસિંહનું નામ આગળ કરવામાં આવી રહ્યું છે.

2022ની ચૂંટણી પહેલાં રીબડા જૂથે રાજદીપસિંહ તથા ગોંડલ જૂથે જયરાજસિંહના દીકરા ગણેશસિંહના પુત્રના નામ આગળ કરવામાં આવ્યા હતા. બંનેને ખબર હતી કે તેમના યુવા દીકરાઓને ભાજપની ટિકિટ મળી શકે તેમ નથી, આમ છતાં રાજકીય કારકિર્દી સુનિશ્ચિત કરવા માટે આમ કરવામાં આવ્યું હતું.

જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહની નજીક હોવાનો દાવો કરતા રાજકોટસ્થિત ક્ષત્રિય આગેવાનના કહેવા પ્રમાણે, "2008 આસપાસ રીબડા જૂથ અને ગોંડલ જૂથ વચ્ચે સમાધાન થયું હતું. જયરાજસિંહને એક-એક મતની કિંમત સમજાઈ ગઈ હતી. બીજી બાજુ, અનિરુદ્ધસિંહ ઉપર આઇપીસી ઉપરાંત ટાડાના કેસ ચાલી રહ્યા હતા. દીકરા પ્રમાણમાં નાના હતા અને મહીપતસિંહની ઉંમર થઈ રહી હતી. આથી અનિરુદ્ધસિંહને રાજકીય ઓથની જરૂર હતી."

"આ સમાધાનથી મહીપતસિંહ ખુશ ન હતા. અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહે સાથે મળીને ક્ષત્રિય સમાજમાં પારિવારિક કેસો, જૂની અદાવતોમાં સમાધાન કરાવ્યાં હતાં. આ સિવાય પણ કેટલાક સમાજસેવાનાં કામ કર્યાં હતાં."

"અનિરૂદ્ધસિંહના સૌથી નાના દીકરા રાજદીપસિંહને દાદા મહીપતસિંહના રાજકીય વારસદાર તરીકે જોવામાં આવે છે. મહીપતસિંહ જોંગામાં ફરતા હતા. એમની જેમ જ રાજદીપસિંહને ગાડીઓનો શોખ છે. રીબડાના ગૅરેજમાં ઔડી, મર્સિડિઝ, બીએમડબલ્યુ, પોર્શ અને લૅન્ડ રોવર જેવી ગાડીઓ ઉપરાંત મસ્ટાંગ પણ જોઈ શકાય છે."

અનિરૂદ્ધસિંહ જાડેજા

ઇમેજ સ્રોત, Bipin Tankariya

ઇમેજ કૅપ્શન, અનિરૂદ્ધસિંહ જાડેજા

2012 અને 2017માં અનિરૂદ્ધસિંહે ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે પ્રયાસ કર્યા હતા. ગુજરાત સરકાર દ્વારા અનિરૂદ્ધસિંહની સજા માફી પણ કરવામાં આવી છે.

2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં જયરાજસિંહની સોપારી લેનારા શખ્સ માટે આયોજિત સાર્વજનિક કાર્યક્રમમાં રીબડાવાળા અનિરૂદ્ધસિંહે ભાગ લીધો હતો, જેના કારણે જયરાજસિંહ તેમના પર ગિન્નાયા હતા.

તાજેતરની ચૂંટણી દરમિયાન જયરાજસિંહ અને મહીપતસિંહ વચ્ચે જે અણબનાવની શરૂઆત થઈ હતી, તે જયરાજસિંહના દીકરા ગણેશસિંહ અને મહીપતસિંહના પૌત્ર રાજદીપસિંહ સુધી આગળ વધતી દેખાઈ હતી.

ચૂંટણીપરિણામો પછી અલગ-અલગ સ્તરે બંને જૂથો વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસ નિષ્ફળ રહ્યા છે અને વર્ચસ્વની લડાઈ ફરી એક વખત ચાલુ થઈ ગઈ છે.

14મી ફેબ્રુઆરીના દિવસે ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશસિંહનું લગ્ન નિર્ધારવામાં આવ્યું છે. તેમને દંપતીના રાજકીયવારસ તરીકે જોવામાં આવે છે.

લગ્ન પહેલાં તા. 12મી ઑગસ્ટના ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેના માટે અનેક વિખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે અને તડામાર તૈયારીઓ હાથ ધવામાં આવી છે.

ડાયરાના અન્ય આયોજનોની જેમ કયા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને કોણ-કોણ હાજર રહ્યું અને ગોંડલજૂથ દ્વારા રીબડાજૂથ પર કોઈ સીધો કે આડકતરો શાબ્દિકપ્રહાર થાય છે કે નહીં તેના ઉપર મીટ મંડાયેલી રહેશે, તે વાત નિઃશંક છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી