24 દિવસમાં અનેક મોત : 'તાવ આવે અને ચાર-પાંચ દિવસમાં માણસ ખતમ'

- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા, પલવલથી
- વાંચવાનો સમય: 9 મિનિટ
સવારની ઠંડી હવાની સાથે ધીમે ધીમે ફઝરની અજાનનો અવાજ આવી રહ્યો હતો. નલ્હડ મેડિકલ કૉલેજ હૉસ્પિટલના આઇસીયુની બહાર બેઠેલાં આશૂબીની આંખો દરવાજા પર ચોંટેલી હતી.
થોડાક કલાક પહેલાં સુધી તેમને વિશ્વાસ હતો કે તેમનો 14 વર્ષનો પુત્ર શારિક જલદી સાજો થઈ જશે. તેમના માટે તો એ માત્ર સામાન્ય તાવ જ હતો.
પરંતુ, તે સવારે ડૉક્ટરોએ તેમને જણાવ્યું કે હવે કંઈ કરી શકાય તેમ નથી. તેઓ ધીમા અવાજમાં કહે છે, "રાત સુધી તો ઠીક હતો… સવારે જોયું તો ડૉક્ટર પમ્પિંગ કરી રહ્યા હતા."
14 વરસના શારિક 25 જાન્યુઆરીએ અચાનક બીમાર પડ્યા તે પહેલાં સુધી બિલકુલ સ્વસ્થ હતા. તાવ આવ્યાના 48 કલાકની અંદર જ તેમનું મૃત્યુ થઈ ગયું. શારિકનું લિવર ફેઇલ થઈ ગયું હતું.
હરિયાણાના પલવલ જિલ્લાનું છાંયસા ગામ છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી આવી જ કહાણીઓથી ભરેલું છે. અચાનક બીમારી, ઝડપથી ખરાબ થતી તબિયત અને થોડા જ દિવસોમાં મૃત્યુ.
19 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરીની વચ્ચે છાંયસામાં ઓછામાં ઓછાં 15 મૃત્યુ થયાં, તેમાં ચાર બાળકો છે. વહીવટી તંત્રે આ મૃત્યુમાંથી ઓછામાં ઓછા સાતને કમળા અને હેપેટાઇટિસ-બી સાથે સાંકળ્યાં છે.
હવે છાંયસાની હવામાં માત્ર ધૂળ જ નહીં, પરંતુ અનિશ્ચિતતા અને ડર પણ ભળેલાં જોવા મળે છે.
ગામમાં ભયનો માહોલ અને સવાલ

ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી લગભગ 90 કિલોમીટર દૂર આવેલા છાંયસા ગામની કુલ વસ્તી લગભગ 6 હજાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગામની ગલીઓમાં બાળકો રમી રહ્યાં છે, પરંતુ અહીંના મોટા લોકોની વાતચીતમાં 'મૃત્યુ' અને 'ડર' જેવા શબ્દો વારંવાર સાંભળવા મળે છે.
જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયાથી ગામમાં અચાનક ઘણા લોકો બીમાર થવા લાગ્યા. પરિવારો અનુસાર, શરૂઆત મોટા ભાગે તાવથી થતી હતી; કેટલાકને પેટમાં દુખાવો, કેટલાકને કમળા જેવાં લક્ષણો જણાતાં હતાં; પછી અચાનક સ્થિતિ બગડી જતી હતી.
11 વર્ષના હોઝૈફનાં માતા જણાવે છે, "એક દિવસ તાવ આવ્યો હતો. દવા લીધી તો સારું લાગતું હતું. એ જ રાત્રે તબિયત બગડી ગઈ. હૉસ્પિટલ પહોંચ્યાં, તો કહ્યું, લિવર કામ નથી કરતું."
ડૉક્ટરોએ લિવર ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી, તો હુઝૈફાનાં માતા તરત તૈયાર થઈ ગયાં, પરંતુ એના માટે પણ સમય નહોતો.
આંખોમાં આંસુ સાથે તેઓ કહે છે, "હું મારું લિવર આપવા માટે તૈયાર હતી, પરંતુ પછી ડૉક્ટરોએ કહ્યું કે બાળક હવે નહીં બચી શકે."
48 કલાકમાં મૃત્યુ અને વધતી બેચેની

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ટિન પડેલા પ્લાસ્ટર વગરના અડધા બનેલા મકાનના ખુલ્લા દરવાજામાંથી મોટા પરદા પડેલા જોવા મળે છે.
22 વર્ષના દિલશાદનાં લગ્ન થોડા મહિના પહેલાં જ થયાં હતાં. તેમનાં પત્ની હવે ઇદ્દત કરી રહ્યાં છે.
દિલશાદ ચેન્નાઈમાં કામ કરતા હતા અને 9 ફેબ્રુઆરીએ તાવ સાથે ઘરે પાછા આવ્યા હતા. પરિવારજનોએ પહેલાં ગામમાં જ તેમની સારવાર કરાવી અને પછી નલ્હડ મેડિકલ કૉલેજ લઈ ગયા.
તેમનાં માતા કહે છે, "આઇસીયૂમાં રાખ્યો… 48 કલાકમાં બધું ખતમ થઈ ગયું."
તેમના પિતા હકીમુદ્દીન કહે છે, "અમે આવું ક્યારેય નથી જોયું. તાવ આવે અને ચાર-પાંચ દિવસમાં માણસ ખતમ."
બીજા મૃત્યુ પામેલા લોકોની જેમ જ દિલશાદનું પણ 'લિવર ફેઇલ' થયું હતું.
ગામમાં મૃત્યુની સંખ્યા બાબતમાં જુદી-જુદી વાતો પણ સાંભળવા મળે છે. કેટલાક લોકો કહે છે કે 15, તો કેટલાક 20 સુધી મૃત્યુ થયાં હોવાનો દાવો કરે છે.
બીબીસી ન્યૂઝ હિન્દીને 19 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરીની વચ્ચે ગામમાં ઓછામાં ઓછાં 15 મૃત્યુ થયાંનું જાણવા મળ્યું છે, જેમાંના ઘણા વૃદ્ધ હતા, જેમનાં મૃત્યુ ઘરે જ બીમારીના કારણે થયાં.
પરંતુ વહીવટી તંત્ર અનુસાર, ઓછામાં ઓછાં સાત મૃત્યુ અચાનક બીમાર થવાથી થયાં છે અને હજુ સુધી આ મૃત્યુનાં સ્પષ્ટ કારણોની પૃષ્ટિ નથી કરી શકાતી.
અહીંથી શરૂ થાય છે તપાસ અને ઊભા થાય છે કેટલાક સવાલો પણ.
વહીવટી તંત્ર શું કરી રહ્યું છે?

આરોગ્ય વિભાગે 2 ફેબ્રુઆરીથી ગામમાં હેલ્થ કૅમ્પ શરૂ કર્યો છે અને અત્યાર સુધીમાં 1,000થી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરાયું છે. બ્લડ સૅમ્પલ લેવાઈ રહ્યાં છે, જેથી તપાસ કરી શકાય.
સહાયક મુખ્ય તબીબી અધિકારી ડૉક્ટર સંજય શર્મા જણાવે છે, "લગભગ 1,100 સૅમ્પલ લેવાયાં છે. 2,100થી વધુ ઘરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે."
તેઓ કહે છે, "અમે ગામમાં ક્લોરીનેશન પણ કર્યું છે, બીમારીથી બચાવવા માટે 209 લોકોને હેપેટાઇટિસ-બીની વૅક્સિન પણ લગાવી દીધી છે. ઉપરાંત, પાણીની તપાસ પણ કરાઈ રહી છે, હેવી મેટલ ટેસ્ટ કરાયા છે."
જિલ્લા નાયબ કમિશનર ડૉક્ટર હરીશ વશિષ્ઠ કહે છે, "અત્યાર સુધીમાં સાત મૃત્યુ થયાં છે. મૃતકોમાં ચાર કેસ હેપેટાઇટિસ-બી પૉઝિટિવ હતા. તે સિવાય તપાસ દરમિયાન ગામમાંથી હેપેટાઇટિસ-સીના 17 કન્ફર્મ કેસ મળ્યા છે. અત્યારે સ્થિતિ કાબુમાં છે."
પરંતુ વહીવટી તંત્રના દાવા અને ગામના લોકોની બેચેની વચ્ચે એક ફરક જોવા મળે છે.
ગામના લોકો પૂછી રહ્યા છે, જો બીમારી પહેલાંથી હતી, તો અચાનક આટલાં મૃત્યુ કેમ થયાં?
શું મૃત્યુનું કારણ પાણી છે?

છાંયસામાં મીઠું પાણી નથી. ગામમાં લગભગ દરેક ઘરની બહાર પાણીની ટાંકી જોવા મળે છે.
શારિકનાં માતા આશૂબી એક ડોલમાંથી લોટા દ્વારા પાણી કાઢી બતાવતાં કહે છે, "પીવાનું પાણી ખરીદવું પડે છે."
તેઓ ગામમાંની એક ટાંકીમાંથી દરરોજ બે ડોલ પાણી ભરીને લાવે છે.
ઘરો સુધી પાઇપલાઇન તો નાંખેલી છે, પરંતુ લોકોનું કહેવું છે કે તેમાં પીવાનું પાણી નથી આવતું.
દિલશાદના પિતા હકીમુદ્દીન કહે છે, "મૃત્યુનું એક કારણ પાણી પણ હોઈ શકે છે. અમારા ગામમાં લોકો વાસી પાણી પીએ છે. એક વખત ટૅન્કમાં પાણી નખાવે છે અને મહિનાઓ સુધી તેના ઉપર જ ગુજારો કરવાનો હોય છે."
એટલું જ નહીં, છાંયસા ગામની આજુબાજુ ભરેલું પાણી પણ એક મોટી સમસ્યા છે. ગામની બહાર એક મોટા વિસ્તારમાં વરસાદનું પાણી ભરાયેલું છે.

ગામની નજીકથી પસાર થતી ગુરુગ્રામ નહેર પર ઊભા રહીને પાણીને જોતાં સ્પષ્ટ સમજાય છે કે લોકો શા માટે ચિંતિત છે. પાણી કાળું અને દુર્ગંધવાળું છે.
સ્થાનિક કાર્યકર રામેશ્વર કહે છે, "તેમાં ઇન્ડસ્ટ્રિયલ કેમિકલ આવે છે. જો પાણીમાં હાથ નાખી દો, તો ખંજવાળ આવે છે. છાંયસા અને આસપાસનાં ગામોની 50 હજાર એકર જમીન વરસાદના પાણીમાં ડૂબેલી છે. પાણી અહીંથી બહાર નીકળી જ નથી શકતું."
શું આ પાણીનો લિવરની બીમારી સાથે કશો સંબંધ છે? વહીવટી તંત્ર હજી તેની પુષ્ટિ નથી કરતું.
જોકે, જિલ્લા નાયબ કમિશનર ડૉક્ટર હરીશ વશિષ્ઠ કહે છે, "અમે પાણીના ટેસ્ટ કરાવ્યા છે, હજી રિપોર્ટ નથી આવ્યો."
ગામની બહાર વરસાદનું પાણી ભરાયેલું છે. ખેતરોમાં પાણી ભરેલું છે. કેટલાક ખેડૂતો જણાવે છે કે ખેતી પ્રભાવિત થઈ ગઈ છે.
એક સ્થાનિક વ્યક્તિ કહે છે, "બારે મહિના પાણી ભરાઈ રહે છે. ખેતી ખતમ થઈ ગઈ."
ગામની ભૌગોલિક સ્થિતિ અને પર્યાવરણમાં ફેરફાર બીમારીની કહાણીમાં એક નવું પાસું ઉમેરે છે.
સ્થાનિક કૉંગ્રેસ ધારાસભ્યના પુત્ર નાઝિમ ચૌધરી કહે છે, "આ સમસ્યાનું મૂળ નહેરમાં આવી રહેલું પ્રદૂષિત પાણી છે. ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટના કારણે વિસ્તારમાં જમીનમાં એક આવરણ બની ગયું છે અને જમીન પાણીને શોષી નથી શકતી. જ્યાં સુધી દૂષિત પાણી સાફ નહીં થાય, અહીં સમસ્યા જેમની તેમ રહેશે."
બજેટની રાહ

જ્યારે જિલ્લા નાયબ કમિશનર ડૉક્ટર હરીશ વશિષ્ઠ દાવો કરે છે કે સરકાર લોકો સુધી સ્વચ્છ પાણી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.
ડૉક્ટર વશિષ્ઠ કહે છે, "મુખ્ય મંત્રીનું સૂચન સ્પષ્ટ છે, જ્યાં પણ આ પ્રકારનું પ્રદૂષિત પાણી આવે છે, ત્યાં એસટીપીઝ બનાવવામાં આવશે. સરકાર તેના પર કામ કરી રહી છે. અમને આશા છે કે પાણી સ્વચ્છ કરવાના પ્લાન્ટ લગાવવા માટે અમને વધુ બજેટ મળશે, જેથી પાણીને સ્વચ્છ કરીને જ અમે આગળ ખેતરમાં અને લોકોના ઉપયોગ માટે મોકલી શકીએ."
પરંતુ નાઝિમ ચૌધરી કહે છે કે જ્યાં સુધી દિલ્હીથી પ્રદૂષિત પાણી આવવાનું અટકશે નહીં, ત્યાં સુધી આ ગ્રામીણ વિસ્તારોમાં પ્રદૂષિત પાણીનો નિવેડો નહીં આવે.
જોકે, એવો કોઈ વૈજ્ઞાનિક સંશોધન રિપોર્ટ નથી જે પલવલનાં ગામોમાં થઈ રહેલાં મૃત્યુ કે પાણીના ભરાવાને સીધી રીતે યમુના નદીના પ્રદૂષણ સાથે જોડતો હોય.
ગામમાં સરકારી હૉસ્પિટલ, પરંતુ સારવાર કરી રહ્યા છે 'નકલી ડૉક્ટરો'

ગામથી લગભગ એક કિલોમીટર દૂર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે. ત્યાં સુધી જતો રસ્તા કાચો છે.
ગામલોકો કહે છે કે ડૉક્ટર નિયમિત નથી મળતા.
મુસ્તકીમ નામના એક ગ્રામીણ કહે છે, "અહીં સુધી પહોંચવાનો રસ્તો જ પાણીથી ભરેલો રહે છે, લોકો કોઈક રીતે હૉસ્પિટલ પહોંચી પણ જાય, તો ડૉક્ટર હાજર નથી રહેતા. મજબૂરીમાં લોકો નકલી પાસે સારવાર કરાવે છે."
અહીં હાજર બીજા કેટલાક ગ્રામજનો પણ આવો જ આરોપ કરે છે.
મુસ્તકીમ કહે છે, "બધા કહી રહ્યા છે કે પાણીના કારણે લોકો મર્યા છે. આ એક કારણ હોઈ શકે છે, પરંતુ એવું પણ થઈ શકે છે કે સંક્રમણ નકલી ડૉક્ટરોના ત્યાંથી ફેલાયું હોય."
ગામમાં તાજેતરના દિવસોમાં જીવ ગુમાવનારા લોકોમાં એક સમાનતા છે – લગભગ બધાએ પહેલાં ગામમાં 'ગેરકાયદે ડૉક્ટર' પાસે સારવાર કરાવી હતી.
વહીવટી તંત્ર પણ મૃત્યુ 'ખોટી સારવાર' સાથે જોડાયેલાં હોવાની આશંકાનો ઇન્કાર નથી કરતું.
સહાયક મુખ્ય તબીબી અધિકારી સંજય શર્મા કહે છે, "અમે નકલી ડૉક્ટર સામે પણ કાર્યવાહી કરી રહ્યા છીએ. એવી તપાસ પણ કરાઈ રહી છે કે ક્યાંક સંક્રમણ તેમના ત્યાંથી તો નથી ફેલાયું."

જિલ્લા નાયબ કમિશનર ડૉક્ટર હરીશ વશિષ્ઠ કહે છે, "હેપેટાઇટિસ-બી અને સી બ્લડ બૉર્ન સંક્રમણ છે. એવી આશંકા પણ છે કે નકલી ડૉક્ટરોએ એક જ સીરિંજનો વારંવાર ઉપયોગ કર્યો હોય. અમે કેટલાક નકલી ડૉક્ટર સામે કાર્યવાહી પણ કરી છે."
મૃત્યુના કારણ સુધી પહોંચવા માટે અહીં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રની ટીમે પણ તપાસ કરી છે. દિલ્હીની આરએમએલ હૉસ્પિટલની ટીમોએ પણ ગામની મુલાકાત લીધી છે.
ડૉક્ટર વશિષ્ઠ કહે છે, "કેટલીક વખત કોઈ આઉટબ્રેક હોય છે તો તેને તરત ડાયગ્નોઝ કરવા એટલું સરળ નથી હોતું, કેમ કે જે મૃત્યુ થયાં છે, તે પહેલાં થઈ ચૂક્યાં છે. બધી ટીમો ત્યાં છે, નૅશનલ સેન્ટર ફૉર ડિસિસ કન્ટ્રોલની ટીમ છે, ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ નલ્હટની ટીમે પણ સૅમ્પલ લીધાં છે, દિલ્હીની રામમનોહર લોહિયા હૉસ્પિટલની ટીમે પણ મુલાકાત લીધી છે. બધા ડૉક્ટરો અને એપિડેમિઑલોજિસ્ટ પોતાનું કામ કરી રહ્યા છે."
તેઓ કહે છે, "જ્યાં સુધી બધા રિપોર્ટ ન આવી જાય, ત્યાં સુધી નક્કર રીતે ન કહી શકાય કે અચાનક થયેલાં આ મૃત્યુનું સાચું કારણ શું છે."
'મારો પુત્ર સૌથી તંદુરસ્ત હતો'

કમળો, હેપેટાઇટિસ-બી અને લિવર ફેઇલ થવાથી અચાનક થયેલાં આ મૃત્યુ માત્ર છાંયસા ગામ સુધી સીમિત નથી.
જિલ્લા નાયબ કમિશનર ડૉક્ટર હરીશ વશિષ્ટ અને તબીબી અધિકારી સંજય શર્મા અનુસાર, આસપાસનાં ગામોમાંથી આવો કોઈ કેસ રિપોર્ટ નથી થયો.

હાલ તો છાંયસા ગામમાં ઉપરાઉપરી થતાં મૃત્યુ બંધ થઈ ગયાં છે, પરંતુ એ સવાલ વધુ ગંભીર બનતો જાય છે કે એક જ ગામમાં અચાનક આટલાં મૃત્યુ થઈ રીતે થયાં?
ગામના જે પરિવારોએ સ્વજન ગુમાવ્યા છે, તેમનું જીવન વેરાન થઈ ગયું છે.
આશૂબી સવાલ કરે છે, "મારો પુત્ર ગામમાં સૌથી તંદુરસ્ત હતો, તેના અબ્બા તેને પહેલવાન બનાવવા માગતા હતા. હું કઈ રીતે માની લઉં કે તે તાવથી મૃત્યુ પામ્યો, તેનું લિવર અચાનક કઈ રીતે ફેઇલ થઈ ગયું?"
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












