ભારતમાં ચોમાસું કેવું રહેશે અને ગુજરાતમાં આ વર્ષે ક્યાં કેટલો વરસાદ પડશે, હવામાન વિભાગ શું કહે છે

ગુજરાત હવામાન, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

વાંચવાનો સમય: 3 મિનિટ

ભારતના હવામાન વિભાગે 13 એપ્રિલ 2026 રોજ આગામી ચોમાસાનું પૂર્વાનુમાન જારી કર્યું છે. આ પૂર્વાનુમાન પ્રમાણે હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ચોમાસામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે.

આ પહેલાં ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરે પણ પોતાનું પૂર્વાનુમાન જારી કર્યું હતું. એ પૂર્વાનુમાનમાં પણ કહેવામાં આવ્યું હતું કે આ વર્ષે ચોમાસું નબળું રહેવાની સંભાવના છે. એટલે કે સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગ મુજબ આ વખતે પ્રશાંત મહાસાગરમાં અલ-નીનોની સ્થિતિ બનવાની શક્યતા છે. એટલે કે ભારતમાં જ્યારે દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું હશે ત્યારે જ અલ-નીનો બનવાની શક્યતા છે.

સામાન્ય રીતે જ્યારે પ્રશાંત મહાસાગરમાં અલ-નીનો બને છે ત્યારે તેની ભારતના ચોમાસા પર નકારાત્મક અસર જોવા મળે છે.

હવામાન વિભાગનું ચોમાસાનું પૂર્વાનુમાન શું કહે છે?

વીડિયો કૅપ્શન, આ વર્ષે ભારતમાં ચોમાસું કેવું રહેશે? હવામાન વિભાગે શું માહિતી આપી?

હવામાન વિભાગનું પ્રમાણે આ વર્ષે ચોમાસું લગભગ 92 ટકા રહેવાની સંભાવના છે. એટલે કે ચાર મહિનાના લાંબાગાળા દરમિયાન સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે.

ભારતમાં જૂનથી શરૂ થતા અને સપ્ટેમ્બરમાં પૂરા થતા ચોમાસાના ચાર મહિના દરમિયાન સરેરાશ 96થી 104 ટકા વરસાદ થાય તો તેને સામાન્ય વરસાદ ગણવામાં આવે છે. એટલે 92 ટકા એ સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના દર્શાવે છે. જોકે, હવામાન વિભાગે તેમાં 5 ટકાની ત્રુટી રાખી છે, એટલે કે 92થી 5 ટકા વધારે અથવા ઓછો વરસાદ થઈ શકે છે.

મે મહિનાના અંત પહેલાં હવામાન વિભાગ ચોમાસાને લઈને વધારે માહિતી સાથેનું પૂર્વાનુમાન જારી કરે તેવી સંભાવના છે. ભારતમાં દક્ષિણ-પશ્ચિમના ચોમાસા દરમિયાન 70 ટકા જેટલો વરસાદ થતો હોય છે.

ગુજરાતમાં આ વર્ષે કેટલો વરસાદ થશે?

ગુજરાત હવામાન, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

હવામાન વિભાગે હાલ જારી કરેલા નક્શા પ્રમાણે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. જોકે, પૂર્વોત્તર ભારત, દક્ષિણ ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તરોમાં સામાન્ય અથવા સામાન્ય કરતાં થોડો વધારે વરસાદ થવાની સંભાવના છે.

આ પૂર્વાનુમાન પ્રમાણે સમગ્ર દેશમાં વરસાદની એકસરખી સ્થિતિ નહીં હોય, ક્યાંક સારો તો ક્યાં વધારે વરસાદ થવાની પણ સંભાવના છે. સ્કાયમેટ વેધર પ્રમાણે ચોમાસાની શરૂઆત સારી રહેવાની સંભાવના છે અને ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અલ-નીનોની અસર દેખાશે. એટલે કે ચોમાસાનો પાછળના દિવસોમાં વરસાદ ઓછો થઈ શકે છે.

ગુજરાતમાં પણ સરેરાશ વરસાદ ઓછો થવાની સંભાવના છે પરંતુ કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે. રાજ્યમાં પણ તમામ વિસ્તારોમાં એક પ્રકારની સ્થિતિ નહીં રહે અને કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે.

ચોમાસા પર અલ-નીનોનો ખતરો?

ગુજરાત હવામાન, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

હવામાન વિભાગ અને આ પહેલાં સ્કાયમેટ વેધરે પણ ભારતના ચોમાસામાં અલ-નીનોની અસર થવાની સંભાવના વ્યક્ત કરી છે. હાલની સ્થિતિ પ્રમાણે ભારતમાં ચોમાસાની શરૂઆત થઈ ગયા બાદ અલ-નીનોની સ્થિતિ મજબૂત બનશે.

જ્યારે અલ-નીનો બને છે ત્યારે તેની અસર દુનિયાભરના હવામાન પર થાય છે અને સમુદ્રનું તાપમાન વધી જાય છે. ભારતના ચોમાસા પર સામાન્ય રીતે તેની નકારાત્મક અસર થાય છે એટલે કે અલ-નીનો દરમિયાન ચોમાસામાં વરસાદ ઓછો પડે છે. જોકે, તેની અસર વર્ષ અને પ્રદેશ પ્રમાણે અલગ અલગ જોવા મળે છે.

જો, ભૂતકાળનો સંદર્ભ જોઈએ તો ઘણાં એવાં વર્ષો ગયાં છે જ્યારે અલ-નીનો હોય ત્યારે ભારતમાં ચોમાસું નબળું રહ્યું હોય અથવા વરસાદ ઓછો થયો હોય. જો વરસાદ ઓછો થાય તો તેની સીધી અસર ખરીફ અને રવિ પાક પર જોવા મળે છે અને અંતે દેશભરમાં થઈ રહેલા ખેત ઉત્પાદન પર તેની અસર જોવા મળે છે.

જોકે, ભારતના ચોમાસા પર અલ-નીનો સિવાય પણ બીજાં પરિબળો અસર કરતાં હોય છે અને વિવિધ પરિબળોને કારણે પણ ચોમાસામાં વધારે કે ઓછો વરસાદ થઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન