ક્લાઇમેટ ચેન્જ: વઘતી ગરમીને કારણે ઘરે કામ કરીને રોજગાર મેળવતી મહિલાઓની આવક કેવી રીતે અડધી થઈ રહી છે, શું છે ઉપાય?

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
"પહેલા હું સિલાઈ મશીન પર પાંચથી છ કલાક બેસી શકતી હતી. પોલકાં-બ્લાઉસ બનાવીને રોજના અઢીસો – ત્રણસો રૂપિયા કમાઈ લેતી હતી. હવે ગરમી એટલી ભયંકર હોય છે કે બપોર પછી કામ થઈ શકતું નથી. તેથી મારી આવક પણ અડધી થઈ ગઈ છે. રોજના સો રુપિયા માંડ મળે છે."
આ શબ્દો રેખાના છે. તેઓ અમદાવાદમાં જૂના વાડજ વિસ્તારની એક ચાલીમાં રહે છે.
તેમના પતિનું અવસાન થઈ ગયું છે. ઘરના બે છેડા ભેગા કરવા તેઓ ઘરે સીવણકામ કરે છે. રેખાનું ઘર પતરાંવાળું છે.
ગરમીના દિવસોમાં વધારે તાપ અનુભવાય છે. બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં રેખા કહે છે કે "હું છેલ્લાં છ વર્ષથી ઘરમાં સીવણકામ કરું છું. મને લાગે છે કે ગરમી ઉત્તરોત્તર વધી રહી છે."
અમદાવાદમાં એપ્રિલ મહિનામાં એવા પણ દિવસો હતા જ્યારે તાપમાન 45 ડીગ્રી સેલ્સિયસને આંબી ગયું હોય.
રેખા કહે છે કે, "હું ઘરની અંદર છાયામાં કામ કરતી હોઉં છું તો પણ ગરમીથી બચી શકાતું નથી. પંખો ગરમ હવા ફેંકે છે. બપોર પછી તો શરીરનો સોથ વળી જાય છે. ક્યારેક ચક્કર જેવું લાગે છે."
રેખાની જેમ દેશમાં ઘણી મહિલાઓ છે જેઓ ઘરે બેસીને બે પૈસા કમાય છે, પણ ઉનાળાના આકરા દિવસોમાં તેમની આવક પર 'બ્રેક લાગી જાય' છે.
વધી રહેલી ગરમીને લીધે ઘરે રહીને કામ કરીને રોજગારી મેળવતાં રેખા જેવાં અનેક મહિલાઓની 'આવક અડધી' થઈ રહી છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં લૂ (હિટ વેવ)ના દિવસો ઉત્તરોતર વધી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આબોહવા પરિવર્તન - ક્લાઇમેટ ચેન્જને કારણે ભારતનું સરેરાશ તાપમાન વર્ષ 1901થી વર્ષ 2018 વચ્ચે 0.7 ટકા વધ્યું છે.
ઘરે કામ કરીને કમાતી લાખો મહિલાઓની હાલત ઉનાળામાં ખરાબ

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કોઈ ઘરે બેસીને પતંગ બનાવે છે તો કોઈ ફૂલોના ગુલદસ્તા બનાવે છે. કોઈ મોતીકામ કરે છે તો કોઈ અગરબત્તી બનાવે છે.
અમદાવાદ હોય કે કોલકાતા કે પછી મુંબઈ કે રાજકોટ. એવાં અનેક મહિલાઓ છે જેઓ ઘરે રહીને આ પ્રકારનાં કામો કરીને રોજગારી મેળવે છે.
આ એ મહિલાઓ છે જે ઘરનું કામ કરે છે સાથે સંતાનોને મોટાં પણ કરે છે અને એ ઉપરાંત બે પૈસા કમાઈને ઘરનો ચૂલો પેટાવવામાં પણ મદદરૂપ થાય છે.
ઘરે રહીને કામ કરીને રોજગારી મેળવતા એટલે કે હોમ બેઝ્ડ વર્કર્સનું 'હોમનેટ સાઉથ એશિયા' નામનું સંગઠન છે.
'હોમનેટ સાઉથ એશિયા'ના રીપોર્ટને ટાંકીએ તો ભારત, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન એમ દક્ષિણ એશિયાના ચાર દેશોમાં 6 કરોડ 70 લાખ જેટલા હોમ બેઝ્ડ વર્કર્સ છે.
જેમાં મહિલાઓનો નોંધપાત્ર હિસ્સો છે. આ મહિલાઓ આબોહવા પરિવર્તનની અસરનો ગંભીર સામનો કરી રહી છે.
જાહેર આરોગ્ય નિષ્ણાત અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના(IIPH)ના પૂર્વ ડિરેક્ટર ડૉ. દિલીપ માવળંકર કહે છે કે "હવામાન વિભાગનાં સાધનો ઍરપૉર્ટ પર હોય છે આપણને હવામાનની જે વિગતો મળે છે તે ઍરપૉર્ટને આધારે મળે છે. શહેરમાં ઘણી વખત તેના કરતાં ચાર કે પાંચ ડીગ્રી વધારે તાપમાન હોય છે."
"તેમાં પણ ઝૂપડપટ્ટીમાં અને ખાસ કરીને પતરાનાં છાપરાં હોય ત્યાં ગરમ પેટી – હીટ બૉક્સ જેવી સ્થિતિ થતી હોય છે. એવામાં અમુક ઠેકાણે તો પચાસ ડીગ્રી સુધી તાપમાન જઈ શકે છે."

અમદાવાદ ઉનાળામાં ગરમીથી તપતું શહેર છે.
અમદાવાદમાં મે 2010માં જ્યારે તાપમાન 46 ડિગ્રીને પાર ગયું હતું, ત્યારે એ મહિનાના એક અઠવાડિયામાં 800 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
અમદાવાદ શહેરમાં ગરમીને કારણે આ પ્રકારે એક જ અઠવાડિયામાં આટલી મોટી સંખ્યામાં લોકોનાં મૃત્યુ થયાં હોય તેવો આ એક અલાયદો કિસ્સો હતો.
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં રહેતાં ગાયત્રીબહેન ઠાકોરના ઘરમાં પંખો ગરમ હવા ફેંકી રહ્યો છે. ગાયત્રીબહેન ઠાકોર ઘરની ઓસરીમાં મહિલાઓના ડ્રેસનો ઢગલો પડ્યો છે.
એક પછી એક ડ્રેસ લઇને તેઓ એમાંથી દોરા છોડવાનું કામ કરી રહ્યાં છે. તેમની બાજુમાં પાણી ભરેલો કળશ પડ્યો છે. જેમાંથી થોડી થોડી વારે તેઓ પાણી પીધાં કરે છે. તેમની પાછળના પાણીયારે જે માટલું છે તેના પર ભીનું સફેદ કપડું વિંટાળ્યું છે.
ગરમી એટલી છે કે માટલાનું પાણી ગરમ થઈ જાય છે. તેથી માટલા ફરતે વિંટાળેલું કપડું જેવું સૂકાય કે તરત એના પર પાણી છાંટી દે છે.
ગાયત્રીબહેન બીબીસી ગુજરાતીને કહે છે કે "પહેલાં દોરા તોડીને રોજનું બસ્સો રૂપિયાનું મહેનતાણું મેળવી લેતી હતી. ગરમીને લીધે એટલો થાક લાગે છે કે હવે સો રૂપિયા જેટલું જ કામ થઈ શકે છે."
ડૉ. માવળંકરે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું, "ભારે ગરમી કે લૂને લીધે થાક લાગે છે અને તેની સીધી અસર કાર્યક્ષમતા પર પડે છે. આ ઉપરાંત, એને લીધે ડાયાબિટીસ કે બ્લડપ્રેશરની સમસ્યા હોય તો એ વધે છે."
તેઓ વધુમાં જણાવે છે, "અળાઈ, ફંગલ ઇન્ફૅક્શન જેવા ચામડીના રોગ થવાની શક્યતા હોય છે. ગરમીની વધારે અસર થાય તો હાથપગ દુ:ખવા, ચક્કર આવવા અને એનાથી પણ વધુ અસર થાય તો જેને આપણે લૂ લાગવી કે હીટસ્ટ્રોક કહીએ છીએ તે થાય છે. એ વખતે તરત સારવાર ન મળે તો તે જીવલેણ બની શકે છે."
ગરમીને કારણે મહિલાઓની ઘટતી કાર્યક્ષમતા વધારવા પ્રોજેક્ટ

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC
ગુજરાત સહિત દેશભરમાં આ વર્ષે માર્ચથી મે મહિના દરમ્યાન સામાન્ય કરતાં વધુ ગરમીની આગાહી હવામાન વિભાગે કરી હતી.
લૂ એટલે કે હીટ વેવના દિવસો પણ આ વખતે વધારે જોવા મળશે એવું હવામાન વિભાગે પૂર્વાનુમાન કર્યું હતું. ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાથી જ ગરમી વધી ગઈ હતી.
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં સાંકડી ગલીમાં પતરાવાળા એક રૂમ રસોડાના મકાનમાં સલમા રહે છે.
રસોડામાં એક તરફ ચૂલો છે અને પડખે સિલાઈનો સંચો છે. સલમા રસોઈ કર્યાં પછી પણ રસોડામાં જ કામ કરે છે.
સંચા પર દુપટ્ટાની કોર પર સિલાઈનું કામ કરતાં તેઓ કહે છે કે, "હું દુપટ્ટા સીવું છું, કિનારીઓ વાળું છું. લેસ લગાવું છું. એક દુપટ્ટાના કોઈ અઢી રૂપિયા આપે છે તો કોઈ ત્રણ રૂપિયા. રોજના પચ્ચીસેક દુપટ્ટા બનાવી લઉં છું."
ઘરમાં બફારા વચ્ચે તેઓ કામ કરે છે. સલમા કહે છે કે "ગભરામણ થાય છે. ચક્કર આવે છે. અડધી કલાકે સંચા પરથી ઊઠી જવું પડે છે. આવક તો અડધી થઈ જ ગઈ છે."

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC
સલમાના કાંડા પર ઘડીયાળ જેવું ફિટબીટ ડીજીટલ ઉપકરણ લગાવેલું છે.
તેમના ઘરની દીવાલ પર સેન્સર લગાવેલું છે. એ સેન્સર તાપમાન તેમજ ઘરના વાતાવરણમાં રહેલા ભેજનું માપ દર્શાવે છે. ફિટબીટ એ કામ કરતી મહિલાના દિવસ દરમિયાનના હ્રદયના ધબકારા, ઊંઘવાના કલાક વગેરેનું માપ કાઢે છે.
અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી અને અમદાવાદની સેલ્ફ એમ્પ્લૉઇડ વિમૅન્સ ઍસોસિએશન સંગઠન એટલે કે 'સેવા' વગેરેએ મળીને કૉમ્યુનિટી હીટ ઍડપ્શન ઍન્ડ ટ્રીટમેન્ટ સ્ટ્રૅટજીઝ સ્ટડીનો પાઇલટ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે.
જે અંતર્ગત અમદાવાદમાં સલમા સહિત સીવણકામ કરતાં એકસો મહિલા કામદારોનાં ઘરોમાં તાપમાન અને ભેજ માપતું સેન્સર મૂકવામાં આવ્યું છે, તેમજ મહિલાને કાંડે ફીટબીટ નામનું ડીજીટલ ઉપકરણ પહેરાવવામાં આવ્યું છે.
તેમને એક મોબાઇલ ફોન પણ આપવામાં આવ્યો છે. જેમાં બધો ડેટા ભેગો થતો રહે છે. ગરમી અને ભેજને લીધે તેમની તે મહિલાની કાર્યક્ષમતા અને આરોગ્ય અને સરવાળે તેની આવક પર શું અસર થાય છે તેનો આ મારફતે અભ્યાસ થઈ રહ્યો છે.
આ પ્રોજેકટ સાથે સંકળાયેલા સેવાનાં સિનિયર કો-ઑર્ડિનેટર પૃથાબહેન બીબીસી ગુજરાતીને જણાવે છે કે, "ફીટબીટમાં જે ડેટા ભગો થાય છે એમાં એક તારણ એ નીકળીને આવ્યું છે કે, દિવસ-રાતની ગરમી ઉપરાંત ભેજને લીધે ઊંઘવાના કલાક ઘટી રહ્યા છે. જેની સીધી અસર કામ, આવક અને આરોગ્ય પર થઈ રહી છે. આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ પણ ગરમી અને બફારાને લીધે બહેનો આઠ કલાકની ઊંઘ પણ નથી થઈ શકતી."
ડૉ. માવળંકર કહે છે કે "રાતે ઠંડી હવા આવવી જોઈએ અથવા ઠંડુ વાતાવરણ રહેવું જોઈએ પરંતુ એ શહેરોમાં થતું નથી. તેથી રાતનું તાપમાન પણ વધી રહ્યું રહ્યું છે. એને લીધે રાતની ઊંઘ બરાબર થતી નથી. તેથી કાર્યક્ષમતા ઘટે છે."
ઉજાસક : ઉજાસ અને હવાની અવરજવરનો ઉપાય

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC
ઝૂપડપટ્ટી કે ચાલીમાં જે મહિલા રહેતાં હોય છે તેમને એક મોટી સમસ્યા એ હોય છે કે લોકોના ઘરની દીવાલ આસપાસ જોડાયેલી હોય છે જેથી બારી હોતી નથી. જેને લીધે હવાની અવરજવર નથી થતી અને બફારો ખૂબ અનુભવાય છે.
આ પ્રકારનાં ઘરોની છત પર હવાની અવરજવર તેમજ પ્રકાશ મળી રહે તે માટે ઉજાસકો મૂકવામાં આવ્યા છે.
મમતાબહેન ચાવડા કપડાં પર ટીકીનું કામ કરે છે. પતરાંવાળા તેમના ઘર પર સેવા સંસ્થાના સહયોગથી ઉજાસક તૈયાર કરવામાં આવ્યું છે.
મમતાબહેનનું કહેવું છે કે, "ઉજાસક કરાવ્યું તે પહેલાં બફારો લાગતો હતો અને અકળામણ થતી હતી. ઉજાસક કરાવ્યાં પછી ગરમી ઓછી લાગે છે. એને લીધે ટીકીનું કામ પણ સારી રીતે થઈ શકે છે. પહેલાં બે ડ્રેસ પર ટીકી ભરી શકતી હતી તો હવે ત્રણ કે ચાર ડ્રેસ પર ભરી શકું છું."
ઉજાસક મૂકવાના કામ સાથે સંકળાયેલા સેવા સંસ્થાના કો-ઑર્ડીનેટર ફૌઝીયાબહેને બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે "અમે સર્વે કર્યો. એ પછી ખબર પડી કે જેમના ઘરમાં ઉજાસક મૂકવામાં આવ્યા છે ત્યાં હવાની અવરજવરને લીધે બફારો અને ભેજ ઘટ્યા છે. ઘરે રહીને રોજગારી કામ કરતાં બહેનોને રાહત મળી છે. જેને લીધે ઉનાળામાં તેમની ઘટી જતી કાર્યક્ષમતાને પણ બ્રેક લાગી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












