1971ના યુદ્ધમાં કરાચી બંદરને તબાહ કરવામાં રૉના જાસૂસોને પારસી ડૉક્ટરે કેવી રીતે મદદ કરી હતી?

ઇમેજ સ્રોત, INDIAN NAVY
1971માં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ શરૂ થયાના લગભગ બે મહિના પહેલાં દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં તત્કાલીન સંરક્ષણ મંત્રી જગજીવનરામ, નૌકાદળ અધ્યક્ષ ઍડ્મિરલ એસ. એમ. નંદા અને ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સી રિસર્ચ ઍન્ડ ઍનાલિસિસ વિંગના પ્રમુખ રામનાથ કાવ હાજર રહ્યા હતા.
ભારતીય નૌકાદળને ગુપ્ત માહિતી મળી હતી કે પાકિસ્તાને કરાચી બંદર પર એક અત્યાધુનિક નેવલ સર્વિલન્સ સિસ્ટમ તહેનાત કરી છે.
ઍડ્મિરલ નંદાએ કાવને પૂછ્યું કે શું તમે તમારાં સૂત્રો દ્વારા આના વિશે વધારે માહિતી ઉપલબ્ધ કરાવી શકો છો?
કાવ જાણતા હતા કે તેમને પાકિસ્તાની સર્વિલન્સ સિસ્ટમની ક્ષમતાઓની તપાસ કરવા માટે ત્યાંની તસવીરોની જરૂર પડશે. આ પ્રકારની માહિતી સામાન્ય જાસૂસ એકઠી કરી શકતા નહોતા; તેથી, સ્પેશિયલ ઍક્સ્પર્ટ જાસૂસોની જરૂર હતી.
ગુપ્ત મિશન માટે એક પારસી ડૉક્ટરનું જહાજ પસંદ કરાયું

ઇમેજ સ્રોત, HARPER COLLINS
કાવના ડેપ્યુટી શંકરન નાયરે તેના માટે મુંબઈમાં રૉના ટોચના જાસૂસ સાથે સંપર્ક કરીને તેને આ મિશનની જવાબદારી સોંપી.
પાંચ દિવસ પછી એ એજન્ટે નાયરનો સંપર્ક કરીને તેમને પોતાનો પ્લાન સમજાવ્યો અને એમ પણ કહ્યું કે તેઓ એક એવી વ્યક્તિને જાણે છે જે આમાં મદદ કરી શકે તેમ છે. નાયર આ યોજનાને અંતિમ રૂપ આપવા જાતે મુંબઈ ગયા.
નાયર પોતાની આત્મકથા 'ઇનસાઇડ આઇબી ઍન્ડ રૉ, ધ રોલિંગ સ્ટોન ધૅટ ગૅધર્ડ માસ'માં લખે છે, "મને મારા મુંબઈના એજન્ટે જણાવ્યું કે આ કામમાં ત્યાં રહેતા પારસી ડૉક્ટર કાવસજી મારી મદદ કરી શકે એમ હતા, જેઓ પોતાના કામના સંબંધમાં પોતાના જહાજથી અવારનવાર કુવૈત થઈને પાકિસ્તાન જતા હતા."
રસપ્રદ વાત એ છે કે, કોઈને એ ખબર નહોતી કે કાવસજીના જહાજને પાકિસ્તાની પોતાના બંદર પર શા માટે અને કેમ આવવા દેતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના અનુસાર, "તેનું કારણ કદાચ એ હતું કે કાવસજીનો પરિવાર 1880ના દાયકાથી શિપિંગના વ્યવસાયમાં હતો. તેઓ કરાચી પૉર્ટ પરથી ઑપરેટ કરતા હતા. તેમનો પરિવાર પણ કરાચીમાં રહેતો હતો. દેશના ભાગલા થયા પછી પણ આ સમૃદ્ધ પારસી પરિવારના લોકો કરાચીમાં પણ હતા અને મુંબઈમાં પણ."
"બે મહિના પહેલાં કાવસજી એક મુશ્કેલીમાં ફસાઈ ગયા હતા, જ્યારે મુંબઈના કસ્ટમ અધિકારીઓએ તેમના જહાજ પરથી જાહેર ન કરાયેલો માલ પકડ્યો હતો. હવે તેમની વિરુદ્ધ કસ્ટમની એક તપાસ ચાલતી હતી. શક્યતા એવી હતી કે એ માટે ડૉક્ટરે મોટો દંડ ભરવો પડે. મને ખબર હતી કે મારે શું કરવાનું છે."
શંકરન અને કાવસજીની મુલાકાત

ઇમેજ સ્રોત, MANAS PUBLICATION
મુંબઈ કસ્ટમના પ્રમુખ શંકરન નાયરના મિત્ર હતા. તેમણે ફોન ઉપાડીને તેમનો નંબર ડાયલ કર્યો. સામાન્ય શિષ્ટાચાર પછી નાયરે તેમને પોતાની સમસ્યા જણાવી.
10 મિનિટ પછી નક્કી થઈ ગયું કે રૉ પોતાના 'ગુપ્ત ફંડ'થી ડૉક્ટરને કરાનારા દંડની રકમ ભરી દેશે અને કસ્ટમ વિભાગ એક પત્ર દ્વારા જણાવશે કે ડૉક્ટર વિરુદ્ધનો કેસ પૂરો થઈ ગયો છે.
નાયર એ પત્ર અને પોતાના બે વિશ્વાસુ જાસૂસને લઈને ડૉક્ટર કાવસજીના ડીએન રોડ સ્થિત ક્લિનિક પર ગયા.
તેમણે ભારતીય નૌકાદળના કમાન્ડર મેનન તરીકે પોતાનો પરિચય આપ્યો. તેમણે ડૉક્ટરને કહ્યું, "હું તમને કસ્ટમ વિભાગનો આ પત્ર આપી શકું છું, જેમાં લખ્યું છે કે તમારી વિરુદ્ધનો કેસ પાછો ખેંચી લેવાયો છે. બદલામાં શરત એ છે કે તમે મારું એક નાનકડું કામ કરી આપો."
કમાન્ડર મેનન બનેલા શંકરન નાયરે ડૉક્ટરને કહ્યું, "એ માટે તમે ના પણ પાડી શકો છો. એ સ્થિતિમાં હું આ પત્રને સળગાવી દઈશ અને તમારી વિરુદ્ધ તપાસ શરૂ થઈ જશે."
ડૉક્ટર કાવસજીને અંદાજો આવી ગયો હતો કે તેમની પાસે નાયરના પ્રસ્તાવનો સ્વીકાર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
કાવસજી રૉના બે જાસૂસ સાથે કરાચી રવાના થયા

ઇમેજ સ્રોત, RK YADAV
અનુષા નંદાકુમાર અને સંદીપ સાકેત પોતાના પુસ્તક 'ધ વૉર ધૅટ મેડ આર ઍન્ડ એ ડબ્લ્યુ'માં લખે છે, "ડૉક્ટર કાવસજીએ નાયરને કહ્યું, તમે મારી પાસેથી શું ઇચ્છો છો? નાયરે કહ્યું કે, તમે પાકિસ્તાનના તમારા આગામી પ્રવાસમાં તમારા જહાજમાં મારા બે માણસો લઈ જશો. આ મુસાફરી બે દિવસ પછી શરૂ થશે. ડૉક્ટરે તેમને પૂછ્યું, કમ સે કમ મને એ લોકોનાં નામ તો જણાવો. નાયરે કહ્યું કે, તેમનાં નામ 'રૉડ' અને 'મૉરિયાર્ટી' છે. તેમનાં સાચાં નામ રાવ અને મૂર્તિ હતાં. રાવ નાયરના નેવલ આસિસ્ટન્ટ હતા, જ્યારે મૂર્તિ રૉના ફોટોગ્રાફી વિભાગના નિષ્ણાત હતા."
બે દિવસ પછી યોજના અનુસાર કાવસજી પોતાના બે નવા સાથીઓ 'રૉડ' અને 'મૉરિયાર્ટી'ને સાથે લઈને પાણીના નાના જહાજથી કરાચી માટે રવાના થયા. પાકિસ્તાની જળક્ષેત્રમાં પ્રવેશવા સુધી કોઈ ખાસ ઘટના ન બની.
અનુષા અને સંદીપ પોતાના પુસ્તકમાં લખે છે, "ત્યાં સુધી પાકિસ્તાનીઓને ખબર પડી ગઈ હતી કે ભારતે એક નવી જાસૂસી એજન્સી બનાવી છે, જેમાં સાહસિક અને મુશ્કેલ મિશન પૂરાં કરવાની ક્ષમતા છે. જોકે, ત્યાં સુધી તેમને નવી એજન્સીના નામની ખબર નહોતી પડી.
બંને જાસૂસ બીમારોની કૅબિનમાં

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કાવસજીનું જહાજ જેવું કરાચી બંદર પર લાંગર્યું કે તરત પાકિસ્તાની સીઆઇડીના ઇન્સ્પેક્ટર પોતાના બે સાથીઓ સાથે તેમના જહાજ પર ચડી ગયા.
તેમને જોતાં જ ડૉક્ટર નર્વસ થઈ ગયા. મિનિટોમાં જ પાકિસ્તાની અધિકારીઓએ જહાજનું નિરીક્ષણ કર્યું. જ્યારે તેમને કાગળમાં નોંધાયેલા બે લોકો તેમની બર્થ પર ન મળ્યા, ત્યારે તેમણે તેમના વિશે પૂછપરછ કરી.
અનુષા નંદાકુમાર અને સંદીપ સાકેત લખે છે, "તે લોકો જહાજમાં જ સંતાયેલા હતા; કેમ કે, એ લોકો નહોતા ઇચ્છતા કે ઇન્સ્પેક્ટરની નજર તેમના પર પડે. ઇન્સ્પેક્ટરે પૂછી જ નાખ્યું, 'એ લોકો ક્યાં છે?' કાવસજીએ કહ્યું, 'સિક બૅ.' એટલે કે બીમારોના રૂમમાં છે. ઇન્સ્પેક્ટરે પોતાના હાથ નીચેના અધિકારીઓને કહ્યું, 'ત્યાં જાઓ અને તેમને ચેક કરો.'"
"આ સાંભળીને ડૉક્ટરે કહ્યું, 'હું તમને એવી સલાહ નહીં આપું. તે બંને ચિકનપૉક્સના દર્દી છે. મુસાફરી દરમિયાન પહેલાં એકને આ બીમારી થઈ. તેનાથી બીજાને પણ ચેપ લાગ્યો. અમે તેમને અલગ કરીને જ્યાં સુધી તેઓ સાજા ન થઈ જાય ત્યાં સુધી સિક બૅમાં રાખ્યા છે.' ઇન્સ્પેક્ટરે ડૉક્ટરની વાત માની લીધી."
"કરાચીમાં કાવસજીની સતત આવનજાવન રહેતી હતી. તેમની પાસે તેમનો અવિશ્વાસ કરવા માટેનું કોઈ કારણ નહોતું. ઇન્સ્પેક્ટર જેવા જહાજમાંથી નીચે ઊતર્યા કાવસજીના જીવમાં જીવ આવ્યો."
જાસૂસોએ કરાચી બંદરની તસવીરો લીધી

ઇમેજ સ્રોત, HARPER COLLINS
મધરાતે કાવસજીના જહાજે ફરી આગળ વધવાનું શરૂ કર્યું અને થોડી વારમાં તેઓ બંદરના પ્રવેશદ્વાર પર બે ખડકો વચ્ચે પહોંચી ગયા. આ જગ્યા પહેલાંથી નક્કી કરાયેલી હતી. 'રૉડ' અને 'મૉરિયાર્ટી'એ પૉર્ટહોલ્સમાંથી પોતાના કૅમેરા દ્વારા તસવીરો લેવાનું શરૂ કરી દીધું.
વાઇસ ઍડ્મિરલ જી. એમ. હીરાનંદાની પોતાના પુસ્તક 'ટ્રાન્ઝિશન ટૂ ટ્રાયમ્ફ (1965-1975)'માં લખે છે, "રૉના એજન્ટોએ પહેલાં એકબીજા સામે જોયું અને પછી પોતાની સામેના લક્ષ્યને જોયું. રૉડે કહ્યું, લાગે છે આને તાજેતરમાં જ બનાવાયું છે. તે ખરેખર તાજેતરમાં જ બનેલું હતું અને તેની ઉપર વિમાનભેદી તોપો રાખવામાં આવી હતી."
"એનો અર્થ એ હતો કે પાકિસ્તાન કરાચી બંદરને યુદ્ધ માટે તૈયાર કરી રહ્યું હતું. ઝડપભેર કામ કરીને બંને એજન્ટોએ તે જગ્યાની સેંકડો તસવીરો પાડી લીધી."
"જ્યાં જરૂર પડી ત્યાં તેમણે લેન્સને ઝૂમ કરીને તોપો અને દરેક પ્રકારની કિલ્લેબંધીને પણ પોતાના કૅમેરામાં કંડારી લીધાં. આ ઉપરાંત, તેમણે બંદર પર લાંગરેલાં પાકિસ્તાની નૌકાદળનાં જહાજોની પણ તસવીરો લીધી."
દિલ્હીમાં તસવીરોનું અધ્યયન

ઇમેજ સ્રોત, BHARATRAKSHAK.COM
લગભગ અડધા કલાક પછી જહાજના ચાલકોને પાછા વળવાનું કહેવામાં આવ્યું. ત્યાર પછી બંને જાસૂસી એજન્ટ ફરીથી સિક બૅમાં જતા રહ્યા, જ્યાં તેઓ બીજા દિવસ સુધી રહ્યા. એક દિવસ પછી એ જહાજે કરાચી બંદર છોડી દીધું. જ્યારે જહાજ બંદરની બહાર નીકળી રહ્યું હતું ત્યારે ફોટોગ્રાફરોએ ખડકની બીજી તરફની તસવીરો પણ ખેંચી. ત્યાર પછી જહાજ અરબ સાગરમાં જતું રહ્યું અને કુવૈત તરફ આગળ વધી ગયું.
કુવૈત પહોંચતાં જ રાવ અને મૂર્તિ જહાજમાંથી ઊતરી ગયા અને સીધા ભારતીય દૂતાવાસ ગયા. ત્યાંથી કરાચીમાં લેવાયેલી કૅમેરાની ફિલ્મો દિલ્હી મોકલવામાં આવી. બીજા દિવસે રાવ અને મૂર્તિ વિમાન દ્વારા દિલ્હી જવા રવાના થઈ ગયા.
અનુષા નંદાકુમાર અને સંદીપ સાકેતે લખ્યું, "વૉર રૂમમાં જગજીવનરામ, રામનાથ કાવ અને ઍડ્મિરલ નંદાએ એ તસવીરોનું અધ્યયન કર્યું. મૂર્તિએ તેમને કરાચી હાર્બરનું 360 ડિગ્રીનું દૃશ્ય બતાવ્યું. ત્યાં હાજર દરેક વ્યક્તિએ એ તસવીરોને આશ્ચર્ય અને પ્રશંસાના ભાવ સાથે જોઈ."
"એવું પહેલી વાર બન્યું હતું જ્યારે કરાચી બંદરની અંદરની તસવીરો ભારતના હાથમાં આવી હતી. હવે ભારતીય નૌકાદળને ખબર પડી ગઈ હતી કે પાકિસ્તાને કઈ કઈ જગ્યાએ રક્ષાત્મક માળખાં ઊભાં કર્યાં છે અને તેની ક્ષમતા કેટલી છે."

ઇમેજ સ્રોત, Getty Images
તેમને એ પણ ખબર પડી ગઈ કે ઈંધણના જથ્થાનો સંગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો છે અને નૌકાદળનાં કયાં કયાં જહાજ કરાચીમાં ઊભાં છે
3 ડિસેમ્બર 1971એ જ્યારે યુદ્ધની સત્તાવાર જાહેરાત થઈ, તેની પહેલાં ભારત પાસે કરાચી બંદરનો પૂરો નકશો પહોંચી ચૂક્યો હતો. પાકિસ્તાને પોતાની સૌથી સારી ડૉલ્ફિન ક્લાસની સબમરીનો તહેનાત કરી રાખી હતી. તેના 8,000 નૌસૈનિકોમાંથી માત્ર 5,000ને યુદ્ધમાં ઉતાર્યા હતા.
ઍડ્મિરલ નંદાએ પોતાના પુસ્તક 'ધ મૅન હૂ બૉમ્બ્ડ કરાચી'માં લખ્યું છે, "યુદ્ધ શરૂ થતાં પહેલાં પાકિસ્તાની નૌકાદળના સૈનિકોની સંખ્યા વધારે ઓછી થઈ ચૂકી હતી; કેમ કે, બંગાળી સૈનિકો કાં તો નૌકાદળ છોડીને ભાગી ગયા હતા અથવા તો પાકિસ્તાનીઓનો તેમના પરનો વિશ્વાસ ઊઠી ગયો હતો."
"યાહ્યા ખાનનું વલણ એવું હતું કે 29 નવેમ્બર સુધી તેમને પાકિસ્તાની નૌકાદળ અધ્યક્ષ સુધ્ધાંને એ જણાવવાનું યોગ્ય નહોતું લાગ્યું કે ચાર દિવસમાં યુદ્ધ શરૂ થવાનું છે."
ઍડ્મિરલ નંદાએ ઇંદિરા ગાંધીની મંજૂરી લીધી

ઇમેજ સ્રોત, Getty Images
3 ડિસેમ્બર 1971એ જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે ભારતીય નૌકાદળે કરાચી પર હુમલા કરવાની પોતાની યોજનાનો અમલ શરૂ કરી દીધો હતો.
આની પહેલાં ઑક્ટોબરમાં ઍડ્મિરલ નંદા ઇંદિરા ગાંધીને મળવા ગયા હતા.
તેમણે નૌકાદળની તૈયારીઓ વિશે જણાવ્યા પછી ઇંદિરા ગાંધીને પૂછ્યું હતું, જો નૌકાદળ કરાચી પર હુમલો કરે, તો શું તેનાથી સરકારને રાજકીય રીતે કોઈ વાંધો આવી શકે?
નંદા પોતાની આત્મકથામાં લખે છે, "ઇંદિરાએ હા કે ના કહેવાને બદલે મને જ સવાલ પૂછી નાખ્યો, 'તમે આવું શા માટે પૂછો છો?' મેં જવાબ આપ્યો, '1965માં નૌકાદળને ખાસ કહેવામાં આવ્યું હતું કે તે ભારતીય સમુદ્રી સીમાની બહાર કોઈ કાર્યવાહી ન કરે; જેનાથી આપણી સામે ઘણી સમસ્યાઓ ઊભી થઈ હતી'."
"ઇંદિરાએ થોડી વાર વિચાર કર્યો અને પછી કહ્યું, 'વેલ ઍડ્મિરલ, ઇફ ધેર ઇઝ અ વૉર, ધેર ઇઝ અ વૉર.' એટલે કે, જો યુદ્ધ છે, તો યુદ્ધ છે. મેં તેમનો આભાર માન્યો અને કહ્યું, 'મેડમ મને મારો જવાબ મળી ગયો'."
પાકિસ્તાનનું ધ્યાન ભટકાવવામાં આવ્યું

ઇમેજ સ્રોત, ADMIRAL NANDA FAMILY
કરાચી પર નૌકાદળના હુમલા પહેલાં ભારતીય વાયુદળે કરાચી, માહિર અને બાદિનનાં હવાઈ થાણાં પર બૉમ્બ ફેંકવાનું શરૂ કરી દીધું હતું. તેણે કરાચી બંદર પર પણ સતત બૉમ્બમારો કર્યો હતો.
ઍડ્મિરલ નંદા લખે છે, "હકીકતમાં, આ બધું યોજના હેઠળ થઈ રહ્યું હતું, જેથી પાકિસ્તાનનું ધ્યાન હવાઈ યુદ્ધ તરફ જતું રહે અને તે એવું અનુમાન પણ ન કરી શકે કે આપણાં યુદ્ધજહાજ એક નિર્ધારિત લક્ષ્ય સાથે કરાચી તરફ આગળ વધી રહ્યાં છે."
"હું કરાચીને મારા હાથની હથેળી જેટલું જાણતો હતો; કેમ કે, મારું બાળપણ ત્યાં વીત્યું હતું. બીજું કે, આપણાં જાસૂસી સૂત્રોએ ત્યાંની પ્રામાણિક માહિતી આપણા સુધી પહોંચાડી હતી."
"મેં મારા સ્ટાફને કહ્યું હતું કે તેઓ એ વાતનું મૂલ્યાંકન કરે કે ક્લિફ્ટન અને કિમારી બંદર વચ્ચે તેલના ભંડારને લક્ષ્ય બનાવવો કેટલો અસરકારક સાબિત થઈ શકે એમ છે."
કરાચી પર મિસાઇલ બોટ દ્વારા હુમલો

ઇમેજ સ્રોત, Harper Collins
1971ની શરૂઆતમાં જ ભારતને સોવિયત સંઘ તરફથી ઓસા-1 મિસાઇલ બોટ મળી ગઈ હતી.
તેને તટીય રક્ષણ માટે ડિઝાઇન કરવામાં આવી હતી, પરંતુ નૌકાદળના કમાન્ડરોએ તેનો ઉપયોગ કરાચી પર હુમલા માટે કરવાનો નિર્ણય કર્યો.
જ્યારે વાયુસેનાનાં ફાઇટર વિમાન કરાચી પર બૉમ્બમારો કરી રહ્યાં હતાં, ત્યારે ત્રણ ઓસા-1 મિસાઇલ બોટ્સે કરાચી તરફ આગળ વધવાનું શરૂ કર્યું. તેને ઑપરેશન ટ્રાઇડેન્ટ નામ આપવામાં આવ્યું, જેનું લક્ષ્ય હતું, કરાચી બંદરને નેસ્તનાબૂદ કરવું.
ત્રણ મિસાઇલ બોટ્સને ખેંચીને પાકિસ્તાની જળસીમા નજીક લઈ જઈ કરાચીથી 250 કિલોમીટરથી દૂર છોડી દેવામાં આવી.

ઇમેજ સ્રોત, INDIAN NAVY
અનુષા નંદાકુમાર અને સંદીપ સાકેત લખે છે, "મિસાઇલ બોટે સૌથી પહેલાં પાકિસ્તાનનું યુદ્ધજહાજ પીએનએસ ખૈબર ડુબાડ્યું. તેમને એ ખબર જ ન પડી કે આ હુમલો ક્યાંથી થયો. તેઓ એવું સમજ્યા કે તેમના પર ભારતીય વાયુસેનાનાં વિમાનોએ હુમલો કર્યો છે."
સાકેત લખે છે, "ત્યાર પછી બીજી મિસાઇલ બોટે બીજા એક વિધ્વંસક અને પાકિસ્તાની સેના માટે હથિયાર લઈ જતા માલવાહક જહાજને ડુબાડ્યું. ત્રીજી મિસાઇલે કરાચી બંદરને નિશાન બનાવીને તેલ ટૅન્કો પર હુમલો કર્યો. આ હુમલામાં રાવ અને મૂર્તિએ પાડેલી તસવીરોએ તેમની ખૂબ મદદ કરી."
એક રીતે, આ હુમલાએ પાકિસ્તાની નૌકાદળની યુદ્ધ કરવાની ક્ષમતા સમાપ્ત કરી દીધી. ઈંધણની અછત અને આ હુમલાના કારણે પાકિસ્તાની નૌકાદળે પોતાનાં બધાં જહાજ પાછાં બોલાવીને તેને કરાચી બંદરની સુરક્ષામાં તહેનાત કરી દીધાં.
તેના થોડા દિવસ પછી ઑપરેશન પાઇથન પણ શરૂ કરવામાં આવ્યું, જેમાં કરાચી બંદરની નૌકાદળની નાકાબંધી કરી દેવાઈ. આ નાકાબંધીનો હેતુ પશ્ચિમી પાકિસ્તાનને પૂર્વી પાકિસ્તાનથી બિલકુલ અલગ કરી દેવાનો હતો, જે સંપૂર્ણ સફળ રહ્યું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












