1971 યુદ્ધ : ભારતનો એક જવાન પ્રોફેસર બનીને પૂર્વ પાકિસ્તાન ગયો અને...

1971નું યુદ્ધ

ઇમેજ સ્રોત, BSF ARCHIVE

ઇમેજ કૅપ્શન, ભારતીય સૈનિકો
    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

26 માર્ચ, 1971. મેઘાલયમાં સીમા સુરક્ષા દળ(બીએસએફ)ની 83મી બટાલિયનના વડામથકમાં રાતે બે વાગ્યે રણકેલા ફોનને કારણે બીએસએફના ડેપ્યુટી કમાન્ડર વીરેન્દ્રકુમાર ગૌડ જાગી ગયા હતા.

તેમને મનકચાર આઉટપોસ્ટના ઇન્ચાર્જે ફોન પર જણાવ્યું હતું કે પૂર્વ પાકિસ્તાનથી આવેલા કેટલાક લોકો ભારતમાં શરણ માગી રહ્યા છે. ગૌડે તેમને કહ્યું હતું, “હું તેની પરવાનગી આપી ન શકું, કારણ કે બીએસએફને આ પ્રકારના નિર્ણય લેવાની સત્તા નથી. અગાઉ મારી સમક્ષ આવી કોઈ માગ આવી નથી. સવારે આ સમાચાર હું ઉચ્ચ અધિકારીઓને આપીશ, પરંતુ ત્યાં સુધી કોઈને ભારતની સીમામાં ઘૂસવા દેશો નહીં.”

થોડી મિનિટો પછી બાઘમારા ચોકીના એક સંત્રીએ પણ આવા સમાચાર આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે શરણાર્થી લોકો કહી રહ્યા છે કે પૂર્વ પાકિસ્તાનમાં કેટલાક લોકોને મારવામાં આવી રહ્યા છે. ગૌડે તેમની સાથે વાત કરીને ફોન મૂક્યો કે તરત ડાલૂ ચોકી પરથી પણ આવા સમાચાર આવ્યા હતા. ગૌડે તરત જ ગુપ્ત ભાષામાં તેમના બોસ ડીઆઈડી બરુઆને સંદેશો મોકલીને વધતા સંકટની માહિતી આપી હતી.

ડીઆઈજી તરફથી કોઈ જવાબ ન આવ્યો, કારણ કે તેઓ ગાઢ નિંદ્રામાં હતા. બીએસએફના વડામથકમાંથી કોઈએ ડીઆઈજીને જગાડીને સીમા પર ચાલતી ગતિવિધિ બાબતે માહિતગાર કર્યા હતા. બાદમાં તેમણે ગૌડને સંદેશો આપ્યો હતો કે શરણાર્થીઓને એક રાત માટે ભારતની સીમામાં રહેવાની છૂટ આપો.

પાકિસ્તાન રાઈફલ્સના સૈનિકોએ બીએસએફના અધિકારીને પૂર્વ પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું હતું. શરણાર્થીઓની આ સંખ્યા રોજેરોજ વધીને એક કરોડના આંકડે પહોંચી જશે અને તેમણે ભારતની ધરતી પર લગભગ એક વર્ષ રહેવું પડશે તેની કોઈને ખબર ન હતી.

અર્ધસૈનિક દળ બીએસએફે બાંગ્લાદેશની આઝાદીની લડાઈમાં વધુ સક્રિય ભૂમિકા ભજવવી પડશે તેની તો કોઈને કલ્પના પણ ન હતી.

બીએસએફની ભૂમિકા

1971નું યુદ્ધ

ઇમેજ સ્રોત, BSF ARCHIVE

ઇમેજ કૅપ્શન, બી.એસ.એફ. જવાનો

ઈસ્ટ પાકિસ્તાન રાઈફલ્સની છગ્ગલનૈયા ચોકીના ઇન્ચાર્જ હેડ કૉન્સ્ટેબલ નૂરુદ્દીન બંગાળી હતી. તેમને ભારતની શ્રીનગર ચોકી પર તહેનાત પરિમલકુમાર સાથે દોસ્તી હતી. તેઓ સીમા પર આવીને ઘણી વાર ઘોષને મળતા હતા.

26 માર્ચે પાકિસ્તાની સૈન્યના ક્રેક ડાઉન બાદ નૂરુદ્દીને પરિમલ ઘોષને વિનંતી કરી હતી કે તેઓ સીમા પાર કરીને આવે અને પાકિસ્તાની સેના સાથે સંઘર્ષમાં મદદ કરે. ઘોષે પોતાનો ગણવેશ બદલીને સામાન્ય લોકો જેવાં કપડાં પહેર્યાં અને પોતાની સાથે ચટગાંવની પટિયા કૉલેજના પ્રોફેસર અલીનું એક નકલી ઓળખપત્ર લીધું. થોડુંક ચાલ્યા પછી તેઓ નૂરુદ્દીન સાથે રિક્ષામાં સુભાપુર પુલ પર પહોંચ્યા. ત્યાં ઇસ્ટ પાકિસ્તાન રાઈફલ્સના છ જવાન પહેલેથી જ હાજર હતા.

ઘોષે તેમને પાકિસ્તાનની માટી હાથમાં લેવડાવીને સોગંદને અપાવ્યા કે હવે તેઓ બાંગ્લાદેશની આઝાદી માટે કામ કરશે. તેઓ પાકિસ્તાની સૈનિકો માટે કેવી રીતે સમસ્યા સર્જી શકે એ તેમણે તેમને જણાવ્યું હતું. પૂર્વ પાકિસ્તાનના સૈનિકોને નિર્દેશ આપીને ઘોષ ભારતની સીમામાં પાછા ફર્યા હતા.

પોતાના રિપોર્ટમાં ઘોષે પૂર્વ પાકિસ્તાનમાં ચાલી રહેલી ગતિવિધિની માહિતી આપી હતી, પરંતુ પોતે સીમા પાર કરીને પૂર્વ પાકિસ્તાન ગયા હતા તે જણાવ્યું ન હતું. તેમના બૉસ લેફ્ટનેન્ટ કર્નલ એકે ઘોષ તેમને મળવા તેમની ચોકી પર આવ્યા હતા.

લડાઈ પહેલાંની નવી વિગત

1971નું યુદ્ધ

ઇમેજ સ્રોત, PENGUIN RANDOM HOUSE

ઇમેજ કૅપ્શન, સહાયક કમાન્ડન્ટ પી. કે. ઘોષ (જમણી બાજુથી બીજા)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઉશીનોર મજૂમદાર તાજેતરમાં પ્રકાશિત તેમના પુસ્તક ‘ઇન્ડિયાઝ સિક્રેટ વોરઃ બીએસએફ ઍન્ડ નાઇન મન્થ્સ ટુ ધ બર્થ ઑફ બાંગ્લાદેશ’માં લખે છે, “પરિમલ બોઝે ચા પીધા પછી તેમના બોસ એકે ઘોષને એવું જણાવ્યું કે તેઓ પોતે સીમા પાર કરીને સુભાપુર પુલ સુધી ગયા હતા, ત્યારે તેઓ સખત ગુસ્સે થઈ ગયા હતા. તેમણે ગુસ્સામાં ટેબલ પર એટલા જોરથી હાથ પછાડ્યો હતો કે ટેબલ પરની ચા છલકાઈને નીચે ઢોળાઈ ગઈ હતી.”

એકે ઘોષે તેમને કહ્યું, “મારી પરવાનગી વિના સીમા પાર કરવાની હિંમત તમે કેમ કરી? તમને ખબર છે કે આ માટે તમારી સામે કોર્ટ માર્શલની કાર્યવાહી પણ થઈ શકે છે?”

આટલું કહીને ઘોષ ઝટકા સાથે ઊઠ્યા અને પોતાની જીપ તરફ આગળ વધ્યા. પરિમલ ઘોષે ચાલતાં-ચાલતાં તેમને સેલ્યૂટ કરી, પરંતુ એકે ઘોષે તેનો કોઈ જવાબ આપ્યો નહીં. પરિમલ ઘોષને સમજાઈ ગયું હતું કે તેમની નોકરી પર જોખમ છે.

ભારતની પૂર્વ સીમાથી 2,000 કિલોમીટર દૂર દિલ્હીમાં ગૃહ સચિવ ગોવિંદ નારાયણના ઘરે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. તેમાં ભારત સરકારના ટોચના અનેક અધિકારીઓ ઉપરાંત બીએસએફના ડિરેક્ટર કે રૂસ્તમજી અને રોના ડિરેક્ટર આરએન કાવ પણ હાજર હતા.

એ બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો કે બીએસએફ ટેકનપુર, મધ્ય પ્રદેશ ખાતેની તેની ઍકેડૅમીમાંથી કેટલાક વરિષ્ઠ અધિકારીઓને પૂર્વ પાકિસ્તાનની સીમા પર મોકલશે, જેથી ત્યાંની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી શકાય.

લેફ્ટનન્ટ કર્નલ એકે ઘોષ બીજા દિવસે ફરી વખત શ્રીનગર આઉટપોસ્ટ પહોંચ્યા હતા. એ વખતે તેઓ તેમની જીપમાંથી હસતાં-હસતાં ઊતર્યા હતા. ઊતરતાંની સાથે જ તેમણે કહ્યું, “ગયા વખતે મેં તમે આપેલી ચી પીધી ન હતી. આજે ચા પીવી પડશે.”

આ સાંભળીને સહાયક કમાન્ડન્ટ પરિમલ ઘોષના જીવમાં જીવ આવ્યો. તેમને થયું કે તેમના કોર્ટ માર્શલની શક્યતા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

ઉશીનોર મજૂમદાર લખે છે, “પરિમલ ઘોષ 29 માર્ચે ફરી એક વાર પ્રોફેસર અલી બનીને પૂર્વ પાકિસ્તાનની સીમામાં ઘૂસ્યા હતા. આ વખતે તેઓ તેમના બૉસની સહમતિથી એ મિશન પર ગયા હતા. તેમની સાથે ઇસ્ટ પાકિસ્તાન રાઈફલ્સના નૂરુદ્દીન અને બીએસએફના કેટલાક જવાન પણ હતા. તેમણે સામાન્ય લોકો જેવાં વસ્ત્રો પહેર્યાં હતાં.”

“પૂર્વ પાકિસ્તાનના બળવાખોર લડવૈયાઓ ઘોષની એ વાત સાંભળીને રાજી થયા હતા કે ભારતે તેમને મદદ કરવાનો નિર્ણય લીધો છે. તેઓ પરિમલ ઘોષને ખભા પર ઉઠાવીને નાચવા લાગ્યા હતા. ઘોષે ત્યાં બળવાખોરોના કમાન્ડર મેજર ઝિયા ઉર રહેમાનની મુલાકાત લીધી હતી. તેમણે માગ કરી હતી કે ભારતે તેમને મોર્ટાર અને તોપના ગોળા ઉપલબ્ધ કરાવે.”

‘ઈંદિરા ગાંધીએ કહ્યું- પકડાશો નહીં’

1971નું યુદ્ધ

ઇમેજ સ્રોત, PENGUIN RANDOM HOUSE

ઇમેજ કૅપ્શન, પુસ્તકનું મુખપૃષ્ઠ

દિલ્હીમાં સેનાધ્યક્ષ જનરલ માણેકશા મુક્તિવાહિનીને મર્યાદિત સહાય કરવા તૈયાર થયા હતા. બીએસએફના ડિરેક્ટર રૂસ્તમજીએ લેફ્ટનન્ટ કર્નલ ઘોષને આ સમાચાર પહોંચાડ્યા હતા. એકે ઘોષે પરિમલ ઘોષને આ માહિતી આપવાની સાથે 92મી બટાલિયનના હેડ ક્વાર્ટરમાંથી મોર્ટાર અને કેટલાક તોપગોળા મોકલવાની વ્યવસ્થા કરાવી હતી.

બીજા દિવસે એટલે કે 30 માર્ચે પરિમલ ઘોષે તે સામાન મુક્તિવાહિનીના લડવૈયાઓ સુધી પહોંચાડી દીધો હતો. ભારતીય લશ્કરી અધિકારી બળવાખોરોને મળ્યા હોવાના સમાચાર 29 માર્ચે જ પૂર્વ પાકિસ્તાનમાં ફેલાઈ ગયા હતા. હથિયાર પહોંચતાની સાથે જ એક વાતની પુષ્ટિ થઈ ગઈ હતી કે ભારત મુક્તિવાહિનીને સમર્થન આપી રહ્યું છે.

મેજર ઝિયાએ આ સમાચાર મુક્તિવાહિનીના બીજા લડવૈયાઓ સુધી પહોંચાડી દીધી હતી. એ દરમિયાન બીએસએફના ડિરેક્ટર રૂસ્તમજી વડાં પ્રધાન ઇંદિરા ગાંધી પાસે આદેશ લેવા ગયા ત્યારે તેમણે કહ્યું હતું, “તમને ગમે તે કરો, પરંતુ પકડાતા નહીં.”

સોવિયેત સંઘમાં ભારતના રાજદૂત અને ઇંદિરા ગાંધીના નિકટના સહયોગી ડીપી ધર શરૂઆતથી જ મુક્તિવાહિનીના લડવૈયાઓને તોપ અને મોર્ટાર આપવાની તરફેણમાં હતા.

તેમણે તેમના દોસ્ત અને ઇંદિરા ગાંધીના વડા સચિવ પીએન હકસરને એક પત્ર લખીને જણાવ્યું હતું કે “આપણે આ બળવાને કોઈ પણ રીતે ધરાશયી થવા દેવો ન જોઈએ.”

અવામી લીગના નેતા ઇંદિરા ગાંધીને મળ્યા

1971નું યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતનાં પૂર્વ વડાં પ્રધાન ઇંદિરા ગાંધી

બીએસએફને 1971ની 30 માર્ચે માહિતી મળી હતી કે અવામી લીગના બે વરિષ્ઠ નેતા તાજુદ્દીન અહમદ અને અમીરુલ ઇસ્લામ ભારતીય સીમા નજીક પહોંચી ગયા છે. 76 બીએનના અધિકારીઓએ બીએસએફના આઈજી ગોલક મજૂમદારને ગુપ્ત ભાષામાં સંદેશો મોકલીને આ વાત જણાવી હતી.

મજૂમદારે હોટલાઇન પર તેમના બૉસ રૂસ્તમજીનો સંપર્ક કર્યો. રૂસ્તમજી ફોન પર વાત કર્યા પછી તરત જ ઍરપૉર્ટ જવા રવાના થયા અને ત્યાં ઊભેલા બીએસએફના પ્લેન મારફત કલકત્તા પહોંચી ગયા. મજૂમદારે રૂસ્તમજીને ડમડમ ઍરપૉર્ટના રન-વે પર જઈને આવકાર્યા એ સમયે રાતના બાર વાગ્યા હતા.

રૂસ્તમજીએ લખ્યું છે, “મજૂમદાર મને ઍરપૉર્ટ પાસે ઊભેલી એક જીપ સુધી લઈ ગયા હતા. તેમાં સલામતી રક્ષકોથી ઘેરાયેલા તાજુદ્દીન અહમદ બેઠા હતા. અમે તેમને અને અમીરુલ ઇસ્લામને અમારી કાળી ઍમ્બૅસૅડરમાં બેસાડીને આસામ હાઉસ લઈ ગયા હતા.”

તેમણે લખ્યું છે, “બીજા દિવસે મેં અને ગોલકે ન્યૂ માર્કેટ જઈને તાજુદ્દીન તથા અમીરુલ માટે કપડાં, સૂટકેસ અને ટૉયલેટના સામાનની ખરીદી કરી હતી. ગોલક પહેલી એપ્રિલે તાજુદ્દીન અને તેમના સાથીને દિલ્હી લઈ ગયા હતા, જ્યાં તેમને એક સલામત ઘરમાં રાખવામાં આવ્યા હતા. બે દિવસ બાદ તેમની મુલાકાત વડાં પ્રધાન ઇંદિરા ગાંધી સાથે કરાવવામાં આવી હતી. દિલ્હીમાં એક સપ્તાહ પસાર કર્યા પછી તેઓ નવમી એપ્રિલે કલકત્તા પાછા ફર્યા હતા.”

1971નું યુદ્ધ

ઇમેજ સ્રોત, WISDOM TREE

ઇમેજ કૅપ્શન, પુસ્તકનું મુખપૃષ્ઠ

બાંગ્લાદેશની નિર્વાસિત સરકારને એક બંધારણની જરૂર હતી. બીએસએફના લો ઑફિસર કર્નલ એનએસ બૈન્સે તાજુદ્દીન અહમદ સાથે આવેલા બેરિસ્ટર અમીરુલ ઇસ્લામને બાંગ્લાદેશનું અસ્થાયી બંધારણ લખાવવામાં મદદ કરી હતી.

તેની કલકત્તાના એક બેરિસ્ટર સુબ્રતો રોય ચૌધરીની સમીક્ષા કરી હતી. નવા દેશનું નામ શું રાખવું એ બાબતે ઘણી ચર્ચા થઈ હતી. એ માટે ઇસ્ટ બંગાલ, બંગ ભૂમિ, બંગા અને સ્વાધીન બાંગલા જેવાં અનેક નામ સૂચવવામાં આવ્યાં હતાં. આખરે તાજુદ્દીને કહ્યું હતું કે શેખ મુજીબે બાંગ્લાદેશ નામને સમર્થન આપ્યું છે. બધા નેતા બાંગ્લાદેશ નામ બાબતે સહમત થઈ ગયા હતા.

એમાં પહેલાં બે શબ્દ હતા, જેને બદલીને બાંગ્લાદેશ એક શબ્દ રાખવાનું નક્કી થયું હતું. હવે સમસ્યા એ સર્જાઈ કે બાંગ્લાદેશની નિર્વાસિત સરકારની સોગંદવિધિ ક્યાં કરવી? રૂસ્તમજીએ સલાહ આપી હતી કે શપથવિધિ સમારંભ પૂર્વ પાકિસ્તાનની ધરતી પર થવો જોઈએ. એ માટે મેહેરપુર નજીકના વૈદ્યનાથ તાલમાં એક આંબાવડિયાની પસંદગી કરવામાં આવી હતી.

કલકત્તાથી લગભગ 200 પત્રકારોની મોટરકારોને કાફલાને વૈદ્યનાથ તાલ પહોંચાડવાનું બિડું બીએસએફ તથા સૈન્યના જનસંપર્ક વિભાગના વડા સમર બોઝ અને કર્નલ આઈ રિખિવે ઝડપ્યું હતું.

બંદૂકોના ઓછાયામાં પ્રધાનોએ લીધા સોગંદ

બાંગ્લાદેશની રચના

ઇમેજ સ્રોત, TAJUDDINAHMED.COM

ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશના પહેલા મંત્રીમંડળના સભ્યો

પત્રકારોને એ જણાવવામાં આવ્યું ન હતું કે તેમને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે.

માનસ ઘોષ તેમના પુસ્તક ‘બાંગ્લાદેશ વોર રિપોર્ટ ફ્રોમ ગ્રાઉન્ડ ઝીરો’માં લખે છે. “સામાન્ય લોકો જેવાં વસ્ત્રોમાં સજ્જ બીએસએફના જવાનોએ વૈદ્યનાથ તાલને ચારે તરફથી ઘેરી લીધું હતું. ભારતીય હવાઈ દળનાં વિમાનો એ વિસ્તારમાં આંટા મારી રહ્યાં હતાં, જેથી પાકિસ્તાની હવાઈ દળના હુમલાને નિષ્ફળ બનાવી શકાય. ઇસ્ટ પાકિસ્તાન રાઈફલ્સના જવાનોએ પોતાના ગંદા અને ફાટેલા યુનિફોર્મમાં બાંગ્લાદેશની નિર્વાસિત સરકારના પ્રધાનોને ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતું. એક ખૂણામાં એક સંગીતમંડળી કોઈ વાદ્ય વિના બાંગ્લાદેશના રાષ્ટ્રગીત આમાર શોનાર બાંગ્લાનું રિહર્સલ કરી રહી હતી.”

એ વખતે ગોલકને સૂચના આપવામાં આવી હતી કે નજીકના ભારતીય ગામમાંથી તબલાં અને હાર્મોનિયમની વ્યવસ્થા કરો.

દીનાઝપુરથી અવામી લીગના સંસદસભ્ય યુસૂફ અલીએ માઇક પર બાંગ્લાદેશની આઝાદીની ઘોષણા વાંચી સંભળાવી. બધા પ્રધાનોએ એક પછી એક સોગંદ લીધા. બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને આખો વિસ્તાર ‘જય બાંગ્લા’ના નારાથી ગૂંજી ઊઠ્યો.

બાંગ્લાદેશની રચના

ઇમેજ સ્રોત, NIYOGI BOOKS

દરમિયાન બીએસએફના ડિરેક્ટર રૂસ્તમજી અને આઈજી ગોલક મજૂમદાર ભારતીય સીમાની અંદર રહીને સમગ્ર કાર્યવાહી પર નજર રાખી રહ્યા હતા. 8, થિયેટર રોડ પર બાંગ્લાદેશની અસ્થાયી સરકારની ઑફિસ બનાવવામાં આવી હતી.

તાજુદ્દીન અહમદ ઑફિસની બાજુના ઓરડામાં રહેવા લાગ્યા હતા, જ્યારે બાકીના પ્રધાનોને બાલીગંજ સર્ક્યુલર રોડ પર બીએસએફની એક ઇમારતમાં રહેવાની જગ્યા આપવામાં આવી હતી.

તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધી સાથે હોટલાઇન પર સીધી વાતચીત કરી શકતા જૂજ લોકોમાં રૂસ્તમજીનો સમાવેશ થતો હતો. એક દિવસ તેમણે ફોન કરીને પૂછ્યું કે કલકત્તામાં પાકિસ્તાની ડેપ્યુટી હાઈ કમિશનના તમામ બંગાળી કર્મચારીઓ પાટલી બદલે તો તેમને તમારું સમર્થન મળશે?

ઇંદિરા ગાંધી એ પ્રસ્તાવથી બહુ રાજી થયાં ન હતાં. તેમણે રૂસ્તમજીને ચેતવણી આપી હતી કે આ ઑપરેશનમાં એક મામૂલી ભૂલ ભારત માટે મુશ્કેલી સર્જી શકે છે.

રૂસ્તમજીએ તેમને કહ્યું હતું, “હું તમને નિરાશ નહીં કરું.” તેઓ જાતે પાકિસ્તાનના ડેપ્યુટી હાઈ કમિશનર હોસૈન અલીને મળ્યા હતા અને તેમને પાટલી બદલવા રાજી કર્યા હતા એટલું જ નહીં, પરંતુ તેમની મુલાકાત નિર્વાસિત સરકારના વડા પ્રધાન તાજુદ્દીન અહમદ સાથે પણ કરાવી હતી.

હોસૈન અલી 18 એપ્રિલે પાકિસ્તાન સાથેનો તેમનો સંબંધ તોડીને બાંગ્લાદેશ સરકાર પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા જાહેર કરશે તેવું નક્કી થયું હતું.

ઉશીનોર મજૂમદાર લખે છે, “દસ વાગ્યાની આસપાસ કલકત્તામાં જોરદાર તોફાન આવ્યું હતું. તેમાં પાર્ક સર્કસ મેદાનમાંના અનેક વૃક્ષો ઊખડી ગયાં હતાં એટલું નહીં, પરંતુ પાકિસ્તાન હાઈ કમિશનનો ધ્વજ લહેરાતો હતો એ સ્તંભ પણ તૂટી પડ્યો હતો.

તોફાન શમ્યું કે તરત હોસૈન અલી અને તેમના કર્મચારી ભવનમાં પહોંચી ગયા. એક વ્યક્તિએ ફ્લેગ પોલમાંથી પાકિસ્તાની ઝંડો કાઢીને તેની જગ્યાએ બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવી દીધો હતો.”

એ વખતે ત્યાં ઉપસ્થિત બીએસએફના કર્મચારીઓએ ભવન પરની પાકિસ્તાનની નેમપ્લેટ કાઢીને એક નવું બોર્ડ લગાડ્યું હતું, જેના પર લખ્યું હતું: પ્રજાતાંત્રિક બાંગ્લાદેશ ગણતંત્રના હાઈ કમિશનરની ઑફિસ.

1971નું યુદ્ધ

ઇમેજ સ્રોત, WISDOM TREE

ઇમેજ કૅપ્શન, સીમા સુરક્ષાદળના મહાનિર્દેશક કે. એફ. રૂસ્તમજી

બીએસએફે ઉપલબ્ધ કરાવ્યું રેડિયો ટ્રાન્સમીટર પાકિસ્તાને બદલાની કાર્યવાહીમાં ઢાકા ખાતેની ભારતીય હાઈ કમિશનરની ઑફિસ બંધ કરાવી દીધી. એ ઑપરેશનમાં રૂસ્તમજી, આઈજી ઑપરેશન મેજર જનરલ નરિન્દરસિંહ, આઈજી ઇન્ટેલિજન્સ પીઆર રાજગોપાલ અને આઈજી પૂર્વ ક્ષેત્ર ગોલક મજૂમદાર હાઈ કમિશનરની ઑફિસવાળા માર્ગ પર વેશ બદલીને ઊભા હતા.

મુક્તિવાહિનીના મેજર ઝિયા ઉર રહેમાને 1971ની 27 માર્ચે કલૂરઘાટ રેડિયો સ્ટેશન પરથી મુજીબની આઝાદીની જાહેરાત પ્રસારિત કરી હતી. ત્રણ દિવસ પછી પાકિસ્તાનનાં યુદ્ધવિમાનોએ તે રેડિયો સ્ટેશનને બૉમ્બમારો કરીને નષ્ટ કરી નાખ્યુ હતું.

બીએસએફના ડિરેક્ટર રૂસ્તમજીએ બીએસએફની ટેકનપુર ઍકેડૅમીમાંથી 200 વોટનું શોર્ટ વેવ ટ્રાન્સમિટર મગાવી લીધું. લેફ્ટનન્ટ કર્નલ એકે ઘોષે પોતાના બટાલિયનનું જૂનું રેકૉર્ડ પ્લેયર ઉપલબ્ધ કરાવ્યું અને સ્વાધિન બાંગ્લા બેતાર કેન્દ્રનું પ્રસારણ શરૂ થઈ ગયું.

ઉશીનોર મજૂમદાર લખે છે, “બીએસએફના સબ ઇન્સ્પેક્ટર રામસિંહ એકમાત્ર એવી વ્યક્તિ હતા, જે બીજા વિશ્વયુદ્ધના જમાનાથી રેડિયો ટ્રાન્સમિટર ચલાવવાનું જાણતા હતા. એ ટ્રાન્સમિટર દિવસમાં માત્ર દોઢ કલાક કામ કરી શકતું હતું.

એન્જિનિયરો અને સ્ક્રિપ્ટ રાઇટર્સની ટીમે પાકિસ્તાન સામે લડી રહેલા બાંગ્લાદેશના લોકો માટે કાર્યક્રમ પ્રસારિત કરવાનું શરૂકર્યું. શરૂઆતમાં અખબારોમાં પ્રકાશિત સમાચાર પ્રસારિત કરવામાં આવતા હતા.”

એ પછી દુનિયાના લોકોને બાંગ્લાદેશના સંઘર્ષમાં મદદની અપીલ કરવામાં આવતી હતી અને નઝરુલગીતિ સંભળાવવામાં આવતા હતા.

દર અર્ધા કલાક પછી તેઓ 10 મિનિટનો વિરામ લેતા હતા, કારણ કે જૂનું ટ્રાન્સમિટર વધારે પડતું ગરમ થઈ જતું હતું. ગુપ્ત રેડિયો સ્ટેશન ચલાવવાની જવાબદારી બીએસએફના બે અધિકારી ડેપ્યુટી કમાન્ડન્ટ એસપી બેનરજી અને સહાયક કમાન્ડન્ટ એમઆર દેશમુખને સોંપવામાં આવી હતી.

એ લોકોના અગરતલાના સર્કિટ હાઉસમાં ઉતારો આપવામાં આવ્યો હતો અને આવવા-જવા માટે એક જીપ આપવામાં આવી હતી. થોડા દિવસ પછી આ રેડિયો સ્ટેશનને પશ્ચિમ બંગાળ શિફ્ટ કરી દેવામાં આવ્યું હતું, જ્યાં ગુપ્તચર સંસ્થા રોએ, કલકત્તા પહોંચેલા પૂર્વ પાકિસ્તાનના રેડિયો કળાકારોની મદદથી રેડિયો કાર્યક્રમ બનાવવાની જવાબદારી સંભાળી લીધી હતી.

29 પૂલ ધ્વસ્ત કરી નાખ્યા

બી.એસ.એફ.

ઇમેજ સ્રોત, BSF ARCHIVE

ઇમેજ કૅપ્શન, બી.એસ.એફ.ના જવાનો

બીએસએફના એન્જિનિયરો અને જવાનોએ સુભાપુર પુલને ધ્વસ્ત કરવામાં મુક્તિવાહિનીની મદદ કરી હતી. બીએસએફે છ સપ્તાહમાં પૂર્વ પાકિસ્તાનના 29 માર્ગ તથા રેલવે પુલને જમીનદોસ્ત કર્યા હતા.

તેના પરિણામે પાકિસ્તાની સેનાના જવાનોને પુરવઠો પહોંચાડવામાં વિલંબ થવા લાગ્યો હતો. બીએસએફના જવાનો પૂર્વ પાકિસ્તાનની સીમામાં પ્રવેશે ત્યારે તેમને તેમનો યુનિફૉર્મ પહેરવાની છૂટ ન હતી.

તેઓ જંગલ બૂટ પહેરી શકતા ન હતા અને ભારતમાં નિર્મિત હથિયારો પણ લઈ જઈ શકતા ન હતા. પ્લાટૂન કમાન્ડર રૂપક રંજન મિત્રાએ પૂર્વ પાકિસ્તાનમાં ગુપ્ત રીતે ઘૂસતા બીએસએફના જવાનોને તાલીમ આપવાનું શરૂ કર્યું હતું.

ઉશીનોર મજૂમદાર લખે છે, “અસ્સલામવાલેકુમ કહીને કઈ રીતે અભિવાદન કરવામાં આવે છે એ તેમને શીખવાડવામાં આવ્યું હતું. કેટલાક લોકો નમાઝ પઢતાં શીખ્યા હતા. તેમને દિવસની પાંચ નમાઝના નામ યાદ રાખવાની તાલીમ પણ આપવામાં આવતી હતી. બીએસએફના હિંદુ જવાનોએ પોતાનાં નામ બદલી નાખ્યાં હતાં. મિત્રાએ પોતાનું નામ બદલીને તાલિબ હુસૈન કરી નાખ્યું હતું. તેઓ કૅમ્પમાં એકમેકને નવા નામથી બોલાવતા હતા, જેથી તેની તેમને આદત પડી જાય.”

તેમણે પાકિસ્તાની સૈનિકોને રાતના સમય દરમિયાન તેમની બૅરેકમાં જ ગોંધાયેલા રહેવા મજબૂર કરી દીધા હતા. પાકિસ્તાની સૈનિકો રાત્રે પેટ્રોલિંગ માટે નીકળતા ત્યારે તેમના પર ગોળીબાર કરવામાં આવતો હતો. થોડા દિવસ પછી તેમણે રાતે બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું.

મુક્તિવાહિનીને મદદનું ભારતે કર્યું ખંડન

બી.એસ.એફ.

ઇમેજ સ્રોત, PENGUIN RANDOM HOUSE

ઇમેજ કૅપ્શન, બી.એસ.એફ.એ સુભાપુર પુલને ધ્વસ્ત કરી દીધો

ઇંદિરા ગાંધીના વડા સચિવ પરમેશ્વર નારાયણ હક્સરે અમેરિકાના પ્રમુખના સુરક્ષા સલાહકાર હેનરી કિસિંજરને, પાકિસ્તાનને અમેરિકન શસ્ત્રો આપવા બાબતે ફરિયાદ કરી ત્યારે કિસિંજરે વળતો આક્ષેપ કર્યો હતો કે ભારત બંગાળી લડવૈયાઓને હથિયાર પૂરાં પાડી રહ્યું છે. ભારતે મુક્તિવાહિનીના લડવૈયાઓને કોઈ હથિયાર આપ્યાં હોવાની વાતનું હક્સરે ખંડન કર્યું હતું.

અલબત્ત, એ સાચું ન હતું. શ્રીનગર ચોકી પર બીએસએફના જવાનોની મદદ માટે 19 રાજપૂતાના રાયફલ્સની ચાર કંપની તહેનાત કરવામાં આવી હતી એટલું જ નહીં, પરંતુ છ તોપ અને ત્રણ ઈંચના મોર્ટારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

પોતે મુક્તિવાહિનીના લડવૈયાઓને સહાય કરી હોવાનું ભારતે ત્યારે પણ સ્વીકાર્યું ન હતું અને આજે પણ સ્વીકાર્યું નથી.

બીએસએફના લોકો મુક્તિવાહિના લડવૈયાઓને તાલીમ આપતા હતા તે તાલીમ શિબિર સુધી પહોંચવામાં ન્યૂયૉર્ક ટાઇમ્સના સંવાદદાતા શિડની શોનબર્ગ સફળ થયા હતા.

તેમણે ભારત અને પૂર્વ પાકિસ્તાનની સીમા પર ચાર દિવસ વિતાવ્યા હતા તથા પાકિસ્તાનની સીમામાં પ્રવેશવામાં પણ સફળ થયા હતા. તેમણે લખેલો ‘બંગાલીઝ ટુ રિગ્રૂપ ધેર ફોર્સિસ ફૉર ગોરીલા ઍક્શન’ શીર્ષક હેઠળનો લેખ ન્યૂયૉર્ક ટાઇમ્સના 22 એપ્રિલ, 1971ના અંકમાં પ્રકાશિત થયો હતો.

એ રિપોર્ટમાં તેમણે લખ્યું હતું, “બીએસએફના લોકો મુક્તિવાહિનીના લડવૈયાઓને તાલીમ તથા હથિયાર કેવી રીતે આપી રહ્યા છે એ મેં મારી સગી આંખે જોયું હતું.”

1971નું યુદ્ધ

ઇમેજ સ્રોત, WISDOM TREE

ઇમેજ કૅપ્શન, રૂસ્તમજીને પદ્મભૂષણથી સન્માનિત કરતા રાષ્ટ્રપતિ વી. વી. ગિરિ

1971ના યુદ્ધમાં બીએસએફના 125 જવાને પોતાનો જીવ આપ્યો, જ્યારે 392 ઘાયલ થયા હતા. બીએસએફના ટોચના બે અધિકારી રૂસ્તમજી તથા અશ્વનીકુમારને યુદ્ધ પછી પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આઈજી ગોલક બિહારી મજૂમદારને પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ એ સન્માન મેળવનાર પહેલા બિન-લશ્કરી અધિકારી હતી.

એ સિવાય સહાયક કમાન્ડન્ટ રામકૃષ્ણ વાધવાને મરણોત્તર મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બીબીસી
બીબીસી