ઉદ્યોગપતિઓ નહીં, ભારતમાં સામાન્ય લોકો કરે છે વર્ષે કરોડોનું દાન

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 5 મિનિટ
સામાન્ય રીતે ભારતમાં પરોપકારની વાત કરવામાં આવે તો તેની વાત એ કહેવાતા મોટા લોકોના દાનથી જ શરૂ થતી હોય છે.
તેમાં કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર)નું બજેટ, અબજોપતિઓનાં વચનો, અને મોટાં-મોટાં ફાઉન્ડેશન સામેલ હોય છે, પરંતુ એક નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારતમાં ઉદારતા, પરોપકારનું અસલ એન્જિન તો ઘણું સાધારણ છે અને વ્યાપક પણ છે.
અશોકા યુનિવર્સિટીના સેન્ટર ફૉર સોશિયલ ઇમ્પેક્ટ ઍન્ડ ફિલાન્થ્રોફી (સીએસઆઇપી)એ 'હાઉ ઇન્ડિયા ગિવ્સ 2025' રિપોર્ટ બનાવ્યો છે.
આ રિપોર્ટ એ પરંપરાગત ધારણાને પડકારે છે કે સંગઠિત અને સંસ્થાગત ધન જ ઉદારતા અને પરોપકારની હોડી હંકારે છે, પરંતુ હકીકતમાં આ હોડીને હંકારનાર વિશાળ શક્તિ છે, સામાન્ય લોકો અને સામાન્ય ઘર-પરિવાર.
રિપોર્ટ પ્રમાણે, ભારતમાં ઘરોમાંથી કરવામાં આવતું કુલ વાર્ષિક દાન લગભગ 540 અબજ રૂપિયા આંકવામાં આવ્યું છે. તેમાં કૅશ, વસ્તુઓ રૂપે કરવામાં આવતું દાન અને સ્વેચ્છાએ કરવામાં આવતી સેવા પણ સામેલ છે.
ભારતના લગભગ 68 ટકા લોકો કોઈને કોઈ રીતે દાન કરે છે, તેમાંથી 48 ટકા વસ્તુઓ સ્વરૂપે હોય છે, જેમાં ભોજન, કપડાં અને અન્ય ઘરેલુ સામાન હોય છે. 44 ટકા રોકડમાં, 30 ટકા સ્વેચ્છામાં સેવા તરીકે આપે છે. આ દાન બિન-લાભકારી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને કૉમ્યૂનિટી ગ્રૂપ્સમાં આપવામાં આવે છે.
ભોજનનો મોટા ભાગનો હિસ્સો સામૂહિક લંગરો અને મફત રસોઈકેન્દ્રોમાં જાય છે. જ્યારે સ્વયંસેવા મોટે ભાગે ધાર્મિક સંસ્થાઓમાં કરવામાં આવે છે જેમાં આ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી આપત્તિ-વ્યવસ્થાપનની કામગીરી પણ સામેલ છે.
અશોકા યુનિવર્સિટીનાં સીએસઆઇપીના પ્રમુખ જિની ઉપ્પલે બીબીસીને જણાવ્યું હતું કે, "ભારત બહુ ઉદાર દેશ છે. અમારાં તારણો દર્શાવે છે કે સાધારણ ઘર-પરિવારોની ભૂમિકા જેટલી માનવામાં આવે છે તેના કરતાં ઘણી મોટી છે. ઉદારતા અહીં વ્યાપક છે અને સંસ્કૃતિમાં જ સમાયેલી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગમે તેટલી આવક હોય, દાન કરવામાં આવે છે

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ રિપોર્ટનું મુખ્ય તારણ એ છે કે ભારતીય પરોપકાર એ કુલીન વર્ગના નેતૃત્વથી જ નથી ચાલતો, પરંતુ પરંતુ લોકો દ્વારા સંચાલિત, સ્થાનિક અને સંબંધલક્ષી છે. અહીં પરોપકાર એ આસ્થા, સામસામે અપીલ અને રોજિંદા જીવનની જવાબદારીના આધારે ચાલે છે અને આવકના તમામ સ્તરે અસ્તિત્ત્વ ધરાવે છે.
આ સર્વેમાં 20 રાજ્યોના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાંથી 7 હજારથી વધુ લોકોના ઇન્ટરવ્યૂનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ વિશ્લેષણને સરકાર દ્વારા કરવામાં આવતા નૅશનલ સેમ્પલ સર્વે (એનએસએસ)ના આંકડા સાથે જોડવામાં આવ્યું હતું. તેના આધારે જ અલગ-અલગ આવકના સ્તરે દાન કરનારાઓની પ્રોફાઇલ બનાવવામાં આવી.
સહભાગીઓએ ત્રણ મહિનાના સમયગાળામાં કેટલી વાર અને કેટલું દાન આપ્યું તે ખુદ જણાવ્યું હતું. આ આંકડાઓને વાર્ષિક અંદાજમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા.
આ સર્વેમાં 'દૈનિક જીવનમાં અપાતા દાન' પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જેમાં સીધી, વ્યક્તિગત મદદ - જેમ કે ભિખારીઓ, પરિવાર અથવા મિત્રોને સહાય - જેને ઘણી વાર દાન કહેવામાં આવે છે. સંગઠિત, બિનધાર્મિક સંસ્થાઓને દાન કે જેને સામાન્ય રીતે પરોપકાર કહેવામાં આવે છે - આ બંનેનો સમાવેશ થાય છે.
તેમાં 'રિટેલ ગિવિંગ' એટલે કે, સામાન્ય લોકો (ધનવાન દાતાઓ નહીં) દ્વારા નોંધાયેલા બિનનફાકારક સંગઠનોને આપવામાં આવેલા દાનની પણ તપાસ કરવામાં આવી હતી. સર્વેક્ષણમાં વ્યાપક દૃષ્ટિકોણ અપનાવવમાં આવ્યો હતો. તેમાં અનૌપચારિકરૂપે વ્યક્તિઓને આપવામાં આવેલું સીધું દાન અને ધાર્મિક સંગઠનોને આપવામાં આવતા દાનનો પણ સમાવેશ થતો હતો.
શિક્ષણ અને ઉદારતા વચ્ચે પણ સંબંધ, ઓછું કમાતા લોકો પણ દાન કરે છે

ઇમેજ સ્રોત, AFP via Getty Images
સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે નિકટતા અને શ્રદ્ધા દાન પર મજબૂત પ્રભાવ ધરાવે છે. લગભગ 40-45 ટકા દાન ધાર્મિક સંસ્થાઓને જાય છે, અને એટલું જ પ્રમાણ ભિખારીઓ અને નિરાધારોને જાય છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આ પ્રકારે દાન થાય છે. ગ્રામીણ ભારતમાં ધાર્મિક સંસ્થાઓ સૌથી વધુ પ્રભાવશાળી છે.
સીએસઆઇપીના રિસર્ચ હેડ કૃષ્ણનુ ચક્રવર્તીએ કહ્યું, "અમે દાન આપવાની પ્રેરણા વિશે વ્યાવહારિક પ્રશ્નો પૂછ્યા. 90 ટકાથી વધુ સહભાગીઓનું કહેવું હતું કે દાન આપવા પાછળ તેમનું મૂળ કારણ એ ધાર્મિક કર્તવ્ય છે, એક નૈતિક જવાબદારી છે જે તેમના દાનને આકાર આપે છે અને સતત તેમને દાન કરવા પ્રેરે છે."
લોકોમાં દાન આપવા પાછળની ભાવના એ સીધી વિનંતીઓ અથવા અપીલો દ્વારા જાગૃત થાય છે. એટલે કે ઘરો, ધાર્મિક સ્થળો અથવા જાહેર સ્થળોએ રૂબરૂમાં કરવામાં આવતી વિનંતીઓ અથવા અપીલો. આ પદ્ધતિ એ ડિજિટલ દાન, ફંડરેઇઝિંગ કરતાં ઘણી સામાન્ય છે.
સર્વેમાં શિક્ષણ અને ઉદારતા વચ્ચેનો સંબંધ પણ જોવા મળ્યો હતો. અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ લોકોની દાનમાં ભાગીદારી સૌથી વધુ છે.
જોકે, દાન ફક્ત શ્રીમંત લોકો સુધી મર્યાદિત નથી. પ્રતિમાસ ચાર-પાંચ હજાર રૂપિયા કમાતા પરિવારોમાંથી પણ લગભગ અડધા પરિવારો દાન કરે છે. જેમ જેમ આવક વધે છે, તેમ તેમ ભાગીદારી 70-80% સુધી પહોંચે છે.
લૈંગિક પૅટર્ન સૂક્ષ્મ છે પણ સૂચક છે. પુરુષપ્રધાન ઘર-પરિવારો ધાર્મિક દાન તરફ થોડા વધુ વલણ ધરાવે છે, જ્યારે સ્ત્રીપ્રધાન ઘર-પરિવારો નિરાધારોને મદદ કરવા તરફ થોડું વધુ વલણ દર્શાવે છે.
ઉપ્પલ કહે છે, "સર્વેની સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે ભારતમાં દૈનિક જીવનમાં જોવા મળતી ઉદારતા એ આકસ્મિક નથી, પરંતુ વ્યવસ્થિત છે. આ ઉદારતા આવક જૂથો, ઉંમર, લિંગ, શહેરી કે ગ્રામીણ ક્ષેત્રોથી પરે છે અને રોજબરોજના સામાજિક જીવનમાં ઊંડાણપૂર્વક જોડાયેલી છે."
વ્યક્તિગત દાન પર જ ટકેલો છે એનજીઓનો આધાર

ઇમેજ સ્રોત, Getty Images
બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે અંદાજ મુજબ ભારતમાં કુલ દાનમાં દૈનિક દાનનો હિસ્સો લગભગ 15 ટકા છે, પરંતુ સંગઠિત સામાજિક ક્ષેત્રને મળતા ખાનગી દાનમાં આ હિસ્સો લગભગ 33 ટકા છે.
ઉપ્પલ કહે છે, "રોજિંદા દાતાઓ તરફથી મળનારી ચેકની રકમ ભલે નાની હોય, પણ સામાજિક પ્રભાવમાં જોઈએ તો નાગરિકો તરફથી મળતું તે એક મોટું યોગદાન છે."
સંશોધકોના મતે, અંતિમ નિષ્કર્ષ વધુ મૅથોડોલૉજિકલ છે.
સર્વેના જવાબો ઉપભોગના આંકડા સાથે જોડાયેલા હતા, જેનાથી સંશોધકોને એ જોવાનો મોકો મળ્યો કે મળી કે ખર્ચની કરવાની રીતો દાન સાથે કેવી રીતે જોડાયેલી છે.
સર્વેમાં જાણવા મળ્યું કે જેમ જેમ ઘરગથ્થુ ખર્ચ વધે છે તેમ તેમ દાનમાં ભાગીદારી અને દાનની રકમ બંનેમાં વધારો થાય છે.
ઉપ્પલ કહે છે, "ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે, અને ખર્ચ એ જીડીપીનો એક મહત્ત્વપૂર્ણ ઘટક છે. જેમ જેમ સ્થાનિક વપરાશ સમય જતાં વધશે, તેમ દૈનિક દાન પણ વધશે."

ઇમેજ સ્રોત, AFP via Getty Images
ભારત જેવા દેશોમાં રોજિંદું વ્યક્તિગત દાન એ એનજીઓની જાણે કે કરોડરજ્જુ છે.
2024માં અમેરિકામાં વ્યક્તિઓએ 392 અબજ ડૉલરનું દાન કર્યું હતું, જે કુલ સખાવતી દાનના 66 ટકા છે. યુકેમાં સાર્વજનિક દાન 20.7 અબજ ડૉલર સુધી પહોંચ્યું, જેમાં વારસા પર આધારિત અને વ્યક્તિગત દાન કુલ સખાવતી આવકના આશરે 30 ટકા હતું.
નિષ્ણાતોને આ વિચિત્ર લાગતું નથી. ગ્લોબલ સાઉથના મોટા ભાગના દેશોમાં અનૌપચારિક રૂબરૂ દાન એ ઘણી વાર ઔપચારિક દાન કરતાં વધુ હોય છે. તેનાથી વિપરીત, વિકસિત અર્થતંત્રોમાં, ટૅક્સ પ્રોત્સાહનો અને સ્થાપિત, સંગઠિત ચેરિટી માળખાને કારણે દાન મોટે ભાગે નોંધાયેલી બિનનફાકારક સંસ્થાઓને અપાય છે.
અમેરિકાના જેનરોસિટી કમિશનના 2024ના અહેવાલમાં રોજિંદા દાનમાં ઘટાડો દર્શાવવામાં આવ્યો છે. જોકે, આ અહેવાલ ફક્ત નોંધાયેલા બિનનફાકારક સંગઠનોને ટૅક્સ ચેનલો દ્વારા આપવામાં આવેલા ઑડિટેડ દાનને જ ટ્રેક કરે છે.
જેમ જેમ દાન ઑનલાઇન ટ્રાન્સફર, ક્રાઉડફંડિંગ અને અન્ય ઑડિટ વગરના પ્લૅટફૉર્મ જેવાં અનૌપચારિક માધ્યમો તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ એક નોંધપાત્ર હિસ્સો રેકૉર્ડ વગરનો થઈ રહ્યો છે. નિષ્ણાતો માને છે કે અમેરિકામાં પણ લોકોની દાન કરવાની રીત બદલાઈ રહી છે.
ઉપ્પલનું કહેવું છે કે ભારતમાં વાસ્તવિક હેડલાઇન એ ટકાવારી નથી, પરંતુ ભાગીદારીની વ્યાપકતા છે.
તેઓ કહે છે કે આ સર્વે માર્ચ-એપ્રિલમાં હાથ ધરવામાં આવ્યો હતો, જ્યારે ધાર્મિક કાર્યક્રમો કે તહેવારોની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય છે.
તેઓ કહે છે કે, "ધાર્મિક સંસ્થાઓને દાનની ટકાવારી ખૂબ ઊંચી હોવાથી, એવું માની શકાય કે અન્ય મહિનાઓમાં જ્યારે ધાર્મિક કાર્યક્રમો થાય છે ત્યારે વસ્તીનો મોટો હિસ્સો દાન કરે છે."
બીજા શબ્દોમાં કહીએ તો, ભારતમાં ઉદારતા એ ઉપરથી ટપકતું ટીપાં સમાન નથી, પરંતુ રોજિંદા જીવનમાં નીચેથી આપોઆપ વહેતી લહેર છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












