ઈરાન સાથે યુદ્ધવિરામ : ટ્રમ્પને આ 'આંશિક જીત' માટે કઈ કિંમત ચૂકવવી પડી?

ટ્રમ્પ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, એન્થની ઝર્ચર
    • પદ, નૉર્થ અમેરિકા સંવાદદાતા
  • વાંચવાનો સમય: 4 મિનિટ

આખરે, સમજદારીનો વિજય થયો.

અમેરિકાના વૉશિંગ્ટનના સમયાનુસર, મંગળવારે સાંજે 6:32 વાગ્યે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું કે, અમેરિકા અને ઈરાન એક નક્કર શાંતિકરારની ખૂબ નજીક આવી ગયા છે.

તેમણે એમ પણ કહ્યું કે, તેઓ વાટાઘાટ આગળ વધારવા માટે બે અઠવાડિયાં સુધીના યુદ્ધવિરામ માટે સંમત થયા છે.

આ સહમતિ ત્યારે થઈ જ્યારે, ટ્રમ્પની રાત્રે આઠ વાગ્યાની (ભારતીય સમય મુજબ, બુધવાર સવારે 5:30 વાગ્યે) સમયમર્યાદા ખૂબ નજીક હતી.

ટ્રમ્પના મતે, જો આ સમયમર્યાદા સુધીમાં કરાર ન થાત, તો અમેરિકા ઈરાનના ઊર્જા અને પરિવહન માળખા પર મોટો હુમલો કરવા જઈ રહ્યું હતું.

આ બધું ઈરાન દ્વારા દુશ્મનાવટ બંધ કરવા અને હોર્મુઝ સ્ટ્રેટને વાણિજ્યિક જહાજો માટે સંપૂર્ણપણે ખોલવાને આધીન છે, જે ઈરાને કહ્યું છે કે તે કરશે.

પરંતુ મંગળવાર સવાર સુધી આ પ્રગતિ નિશ્ચિત લાગતી ન હતી, જ્યારે ટ્રમ્પે "ઈરાની સંસ્કૃતિનો કાયમ માટે અંત લાવવાની" ધમકી આપી હતી.

આ જાહેરાત સાથે, ટ્રમ્પે પોતાનું સૌથી તાત્કાલિક લક્ષ્ય પ્રાપ્ત કર્યું, જોકે ઈરાને કહ્યું છે કે, તે હજુ પણ હોર્મુઝની સામુદ્રધુની પર પોતાના નિયંત્રણ જાળવી રાખશે.

હવે અમેરિકા અને ઈરાન આગામી બે અઠવાડિયાં સુધી વાટાઘાટ કરશે, જેનાથી તેમને કાયમી કરાર પર પહોંચવાનો પ્રયાસ કરવા માટે થોડો સમય મળશે.

આ રસ્તો સરળ તો નહીં હોય, તેમાં ઘણાં ઉતાર-ચઢાવ આવવાની શક્યતા છે, પરંતુ બજાર પર તેની હકારાત્મક અસર દેખાઈ રહી છે.

આફ્ટર-અવર્સ ટ્રેડિંગમાં ક્રૂડઑઇલના ભાવ ઘણા દિવસોમાં પહેલી વાર 100 ડૉલર પ્રતિ બૅરલથી નીચે આવી ગયા હતા, જ્યારે અમેરિકાના શૅરબજારના ફ્યુચર્સમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો.

એકંદરે, એવું લાગે છે કે, બજાર અને રોકાણકારો તે બાબતે આશાવાદી છે કે, હવે ખરાબ સમય નીકળી શકે છે.

'પહેલી વાર કોઈ અમેરિકન રાષ્ટ્રપતિએ આવી ધમકી આપી'

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને એક સભ્યતા તરીકે નાશ કરવાની ધમકી આપી હતી. આ તસવીર 2 માર્ચ, 2026ની છે, જ્યારે ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જ્યારે ટ્રમ્પે કહ્યું કે ઈરાની સંસ્કૃતિ "હંમેશાં માટે નાશ પામશે, ક્યારેય પુનઃસ્થાપિત થશે નહીં. તેને કારણે મંગળવાર સવાર સુધી વાટાઘાટમાં આ પ્રગતિ પણ નિશ્ચિત થશે તેવું લાગતું ન હતું."

એ સ્પષ્ટ નથી કે, અમેરિકાના રાષ્ટ્રપતિની એક આવી ચોંકાવનારી ધમકીએ ઈરાન પર દબાણ ઊભું કર્યું, અને અગાઉ નકારી કાઢેલા યુદ્ધવિરામ માટે સંમત થવા માટે દબાણ ઊભું કર્યું હતું.

પરંતુ એ સ્પષ્ટ છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું આ ચોંકાવનારું અને ઉશ્કેરણીજનક નિવેદન આધુનિક સમયના અમેરિકન રાષ્ટ્રપતિઓનાં નિવેદનોથી બિલકુલ અલગ છે. આવું પહેલાં નિવેદન ક્યારેય સાંભળ્યું નથી.

અને જો આ બે અઠવાડિયાંનો યુદ્ધવિરામ કાયમી શાંતિમાં ફેરવાઈ જાય, તો પણ ઈરાન યુદ્ધ અને ટ્રમ્પના તાજેતરનાં નિવેદનો બાકીના વિશ્વની નજરમાં અમેરિકાની છબીને મૂળભૂત રીતે બદલી શકે છે.

આ એક એવો દેશ જે એક સમયે વિશ્વમાં સ્થિરતા જાળવી રાખતી શક્તિ તરીકે પોતાને રજૂ કરતો હતો, તે હવે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનો પાયો જ હલાવી રહ્યો છે.

એક એવા રાષ્ટ્રપતિ, જેમણે સ્થાનિક રાજકારણમાં પરંપરાઓ તોડવામાં આનંદ માણ્યો છે, તેવું જ હવે તે વૈશ્વિક મંચ પર પણ કરી રહ્યા છે.

મંગળવારે ટ્રમ્પના નિવેદનની ડેમૉક્રેટિક નેતાઓએ નિંદા કરી હતી અને કેટલાકે તો તેમને પદ પરથી હઠાવવાની પણ માગ કરી હતી.

કૉંગ્રેસમેન જોક્વિન કાસ્ટ્રોએ ઍક્સ પર લખ્યું, "એ સ્પષ્ટ છે કે, રાષ્ટ્રપતિ વધુને વધુ નબળા અને નેતૃત્વ માટે અયોગ્ય બની રહ્યા છે."

અમેરિકાની સૅનેટમાં ટોચના ડેમૉક્રેટિક નેતા ચક શમરે જણાવ્યું હતું કે, કોઈ પણ રિપબ્લિકન જે ઈરાન યુદ્ધને સમાપ્ત કરવા માટે મતદાન નહીં કરે, તે "દરેક પરિણામ માટે જવાબદાર રહેશે."

ટ્રમ્પના પોતાના પક્ષના ઘણા નેતાઓએ તેમને ટેકો આપ્યો હોવા છતાં, આ ટેકો તેમને દર વખતે મળતા ટેકા જેટલો સર્વસંમતિ ધરાવતો ન હતો.

જ્યૉર્જિયાના રિપબ્લિકન અને હાઉસ આર્મ્ડ સર્વિસિસ કમિટીના વરિષ્ઠ સભ્ય ઑસ્ટિન સ્કોટે ટ્રમ્પના "સભ્યતાના ખાતમો કરવા" જેવી ધમકીની આકરી ટીકા કરી હતી.

તેમણે બીબીસીને કહ્યું હતું, "રાષ્ટ્રપતિની ટિપ્પણીઓ વિપરીત અસરો પેદા કરવાવાળી છે અને હું તેમની સાથે સહમત નથી."

વિસ્કૉન્સિન સૅનેટર રૉન જૉન્સન (જેને સામાન્ય રીતે ટ્રમ્પ સમર્થક માનવામાં આવે છે) તેમણે કહ્યું કે, જો ટ્રમ્પ તેમની બૉમ્બમારા યોજનાનો અમલ કરશે, તો તે તેમની "સૌથી મોટી ભૂલ" હશે.

ટેક્સાસના કૉંગ્રેસમેન નેથનીઅલ મોરેને સોશિયલ મીડિયા પર લખ્યું કે તેઓ "સમગ્ર સભ્યતાના વિનાશ"ને સમર્થન આપતા નથી.

તેમણે લખ્યું, "આનાથી આપણે કોણ છીએ, તે પ્રતિબિંબિત થતું નથી અને આ નિવેદન એવા સિદ્ધાંતોની વિરુદ્ધ જાય છે, જેણે લાંબા સમયથી અમેરિકાને માર્ગદર્શન આપ્યું."

અલાસ્કાના સૅનેટર લિસા મુર્કોવસ્કી ઘણી વાર રાષ્ટ્રપતિ સામે પ્રતિક્રિયા આપવાથી દૂર રહે છે, તેમણે પણ સ્પષ્ટપણે કહ્યું કે, રાષ્ટ્રપતિની ધમકીને "ઈરાન સાથેની વાટાઘાટમાં લાભ મેળવવાના પ્રયાસ તરીકે નકારી શકાય નહીં."

જોકે, વ્હાઇટ હાઉસનો તર્ક તે હોઈ શકે છે, આ દબાણ કામ કરી ગયું.

'અસ્થાયી રાહત, કાયમી સમાધાન નહીં'

યુદ્ધવિરામની ઘોષણા હાલમાં ટ્રમ્પ માટે રાજકીય વિજય જેવી લાગે છે.

ઇમેજ સ્રોત, Getty Images

યુદ્ધવિરામની જાહેરાત કરતી તેમની ટ્રુથ સોશિયલ પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ "તેના તમામ લશ્કરી ઉદ્દેશ્યો પૂર્ણ કર્યા અને તેમને પાર કર્યા છે."

ઈરાનની સૈન્ય ક્ષમતાઓ નોંધપાત્ર રીતે નબળી પડી ગઈ છે. તેમ છતાં તેનું ઇસ્લામિક કટ્ટરવાદી શાસન સત્તામાં છે, તેના ઘણા ટોચના નેતાઓ બૉમ્બવિસ્ફોટમાં માર્યા ગયા છે.

અમેરિકાનાં ઘણાં લક્ષ્યો અંગે હજુ પણ અનિશ્ચિતતા છે. ઈરાનના યુરેનિયમ એનરિચમેન્ટ, જે તેના પરમાણુ શસ્ત્ર કાર્યક્રમનો ભાગ છે, તે અંગેની પરિસ્થિતિ હજુ પણ અસ્પષ્ટ છે.

વધુમાં, ઈરાનનો સ્થાનિક સહયોગી સમૂહો પર પ્રભાવ અકબંધ છે. જેમ કે, યમનમાં કાર્યરત્ હુતી બળવાખોરો.

અને જો ઈરાન કોઈ પણ ટૉલ કે ફી વગર હોર્મુઝની સામુદ્રધુનીને સંપૂર્ણપણે ખોલી નાખે તો પણ, આ મહત્ત્વપૂર્ણ જિઓપૉલિટિકલ માર્ગ પર તેનું નિયંત્રણ પહેલાં કરતાં વધુ સ્પષ્ટ થઈ ગયું છે.

ટ્રમ્પના યુદ્ધવિરામ સંદેશ પછી જાહેર કરાયેલા એક નિવેદનમાં ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ કહ્યું કે, ઈરાન તેની "રક્ષણાત્મક કાર્યવાહી" બંધ કરશે અને હોર્મુઝમાંથી સુરક્ષિત અવરજવર થાય તે માર્ગની મંજૂરી આપશે, અને રક્ષણ પૂરું પાડશે.

તેમણે એમ પણ ઉમેર્યું કે, અમેરિકાએ ઈરાનની 10-પૉઇન્ટ યોજનાના "સામાન્ય માળખા"ને સ્વીકાર્યું છે.

આ યોજનામાં અમેરિકાએ આ ક્ષેત્રમાંથી પોતાનાં લશ્કરી દળોને પાછાં ખેંચવાં, ઈરાન પરના આર્થિક પ્રતિબંધો હઠાવવા, યુદ્ધમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા અને હોર્મુઝ પર ઈરાનનું નિયંત્રણ જાળવી રાખવા જેવી શરતોનો સમાવેશ થાય છે.

ડોનાલ્ડ ટ્રમ્પ ખરેખર આ બધી શરતો સાથે સંમત થાય તેવી કલ્પના કરવી મુશ્કેલ છે. આ સૂચવે છે કે, આગામી બે અઠવાડિયાંની વાટાઘાટ અત્યંત મુશ્કેલ અને જોખમી હોઈ શકે છે.

હાલ તો, આ ટ્રમ્પ માટે રાજકીય વિજય જેવું લાગે છે.

તેમણે નાટકીય ધમકી આપી અને ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કર્યું છે, પરંતુ આ યુદ્ધવિરામ ફક્ત એક કામચલાઉ રાહત છે, કાયમી ઉકેલ નથી.

રાષ્ટ્રપતિનાં નિવેદનો અને તેમણે ભરેલાં પગલાં અને સમગ્ર યુદ્ધના લાંબા ગાળાના ખર્ચનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવાનું બાકી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન