હાથમાં શ્રીફળ રાખી જમીનમાં પાણી ક્યાં હશે એ શોધી શકાય? વિજ્ઞાન શું કહે છે?

- લેેખક, તુલસી પ્રસાદ રેડ્ડી નંગા
- પદ, બીબીસી માટે
ચંદ્ર પર પાણી ક્યાં છે તેને શોધવા માટેની ટેકનૉલૉજીનો વિકાસ થઈ રહ્યો છે પણ ગ્રામીણ વિસ્તારમાં આજે પણ નાળિયેર અને તાંબાના કળશની મદદથી પરંપરાગત પરંતુ અવૈજ્ઞાનિક પદ્ધતિઓ વડે ધરતીની અંદરથી પાણી શોધવામાં આવે છે.
અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારના ખેતી પર આધાર રાખતા ખેડૂતો તેમના ખેતરની આસપાસ ભૂગર્ભજળ છે કે નહીં તે શોધવા માટે ભૂસ્તરશાસ્ત્રીને બોલાવવાનો સમય અને પૈસા નથી, તેઓ તેમનાં ખેતરોમાં બૉરહૉલ ડ્રિલ કરવા માટે એવા લોકોને બોલાવે છે જે આ પ્રકારની પરંપરાગત અને અવૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગથી પાણી શોધવાનું કામ કરે છે.
તેઓ ખેતરની આસપાસ પાણીનો સ્રોત છે કે નહીં તે માટે પાણીવાળા વિસ્તાર શોધે છે. આ માટે તેઓ નાળિયેર, Y આકારની લીમડાની ડાળી અથવા તો તાંબાના કળશ કે પછી પાણીના કોઈ વાસણનો ઉપયોગ કરે છે.
પણ શું આ પ્રકારની પદ્ધતિઓ વૈજ્ઞાનિક છે? જે ખેડૂતો તેના પર વિશ્વાસ ધરાવે છે તેમનું શું કહેવું છે? ભૂસ્તરશાસ્ત્રીઓ શું કહે છે? બીબીસીએ આ પ્રકારની પદ્ધતિઓ કેટલી વિશ્વસનીય છે તેની તપાસ આદરી.

ત્રણ પ્રકારે પાણીની શોધ ચલાવાય છે

સુરેન્દર રેડ્ડી એવા લોકો પૈકીના એક છે જેઓ આ પ્રકારની પદ્ધતિઓ દ્વારા જમીનમાંથી પાણી શોધે છે. તેમણે ચિત્તૂર અને તિરુપતિ જિલ્લામાં ઘણા ખેડૂતો માટે આ પ્રકારે પાણી શોધવાનો દાવો કર્યો છે.
તેઓ ચિત્તૂર જિલ્લાના પુથલ્લાપટ્ટુ પાસે આવેલા પોલાવરમના રહેવાસી છે.
તેઓ પાણી શોધવા માટે નાળિયેર, Y આકારની લીમડાની ડાળીનો ઉપયોગ કરે છે. તેઓ તેના માટે પાણીની બૉટલનો પણ ઉપયોગ કરે છે.
હથેળીમાં નાળિયેરને એ પ્રકારે પકડવામાં આવે છે જેથી નાળિયેરના રેસાઓ આંગળી તરફ હોય. એવું માનવામાં આવે છે કે ખેતરમાં ચાલતી વખતે જ્યાં નાળિયેર સીધું ઊભું રહે છે ત્યાં પાણીનો સ્રોત હોઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નાળિયેર સિવાય તેઓ લીમડાની Y આકારની ડાળી સાથે આગળ વધે છે. દાવો કરાય છે કે જ્યાં પાણી હોય છે ત્યાં ડાળી ઉપર તરફ વળે છે. જો પાણી વધારે હોય તો આ ડાળી ફરે છે.
સુરેન્દર રેડ્ડી કહે છે, "તાંબાના કળશ કે પછી પાણીના અન્ય કોઈ વાસણની પદ્ધતિમાં કળશ કે વાસણનું પાણી જે તરફ નમે છે ત્યાં પાણી હોય છે અને ત્યાં ખાડો ખોદી શકાય છે."
"હું બોર પૉઇન્ટ જોઉં છું અને આ વિદ્યા હું જાતે શીખ્યો છું. જેમાં ભૂગર્ભજળનું સ્તર આ પ્રકારે શોધવામાં આવે છે."
તેમણે વધુમાં કહ્યું, "કેટલા ફૂટે પાણી છે તે નાળિયેરના ઉભાર પરથી જાણી શકાય છે. મશીનો દ્વારા તપાસ કરે તો પણ ભૂસ્તરશાસ્ત્રી ચોક્કસ પણે કહી શકતા નથી કે પાણી કેટલું મળશે. હું જ્યાં પ્રયત્નો કરું છું ત્યાં 99 ટકા સફળતા મળી છે."
તેઓ કહે છે કે ઘણા સમયથી તેઓ આ કામ કરી રહ્યા છે. તેમનો દાવો છે, "ભૂસ્તરશાસ્ત્રીઓ તપાસ કરે છે પરંતુ અમે જે પ્રકારે સ્પષ્ટ રીતે બતાવીએ છીએ તે પ્રકારે તેઓ બતાવતા નથી તેથી ખેડૂતો ભૂસ્તરશાસ્ત્રીને બદલે અમારા પર વધારે વિશ્વાસ કરે છે."
સુરેન્દર રેડ્ડીએ કહ્યું, "ખેડૂતો જે આંખે જુએ છે તેને જ માને છે."
આ પદ્ધતિ વિશે વધુ જાણકારી આપતા તેઓ કહે છે, "જ્યાં પાણી હોય છે ત્યાં લીમડાની ડાળી કે પછી નાળિયેર ઉપર તરફ વળે છે. જ્યાં ભૂગર્ભજળના બે-ત્રણ પ્રવાહો મળે છે ત્યાં તેમનું પરિભ્રમણ વધારે જોવા મળે છે. ત્યાં ત્રણ-ચાર ઇંચ પાણી મળે છે. અહીં પાણી નીકળવાની અપેક્ષા વધારે હોય છે. એક પ્રવાહ હોય તો ત્યાં ડાળી ઉપર તરફ વળે છે."

'આ અવૈજ્ઞાનિક પદ્ધતિ છે...'

ઇમેજ સ્રોત, bbc
તિરુપતિના ભૂસ્તરશાસ્ત્રી અને ભૂગર્ભજળ તથા ખાણકામના સલાહકાર સુબ્બારેડ્ડી કહે છે કે નાળિયેર, લીમડાની ડાળી કે પાણીનાં વાસણોની મદદથી પાણી શોધવાની પદ્ધતિઓ અવૈજ્ઞાનિક છે.
તેઓ કહે છે, “નાળિયેર સિવાય, લીમડાની ડાળી કે પછી બોરની ડાળીનો પણ કેટલાક લોકો પાણી શોધવા માટે ઉપયોગ કરે છે. જ્યાં ડાળી કે નાળિયેર ઉપર તરફ વળે તો તેઓ કહે છે કે અહીં પાણી છે, પરંતુ આ અવૈજ્ઞાનિક પદ્ધતિઓ છે.”
સુબ્બારેડ્ડી એમ પણ કહે છે કે કેટલાક લોકો દાવો કરે છે કે તેમના હાથમાં પાણીની રેખા છે. કેટલાક લોકો એવો પણ દાવો કરે છે કે ભગવાન તેમના સપનામાં આવ્યા અને પાણી ક્યાં મળશે તે દેખાડ્યું, પરંતુ માત્ર વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા જ પાણીને સચોટ રીતે શોધી શકાય છે.
તેઓ કહે છે, "જ્યાં પુષ્કળ પાણીના સ્રોત હોય ત્યાં પાણી કોઈ પણ પદ્ધતિથી મળશે. આ પ્રકારની અવૈજ્ઞાનિક પદ્ધતિઓથી પણ પાણી મળી જશે અને આ જ કારણ છે કે ખેડૂતો આ પ્રકારની પદ્ધતિમાં વિશ્વાસ ધરાવે છે."
તેઓ ઉમેરે છે, "પુષ્કળ પાણી ધરાવતા વિસ્તારોમાં આ પ્રકારની અવૈજ્ઞાનિક પદ્ધતિઓમાં સફળતાનો દર ઊંચો હોય છે જ્યારે કે પડકારરૂપ વિસ્તારોમાં જ્યાં એક હજાર ફૂટે પણ પાણી નથી મળતું ત્યાં આ પ્રકારે પાણી શોધવામાં નિષ્ફળતાની સંભાવના છે."
તેમના મત પ્રમાણે આ જ કારણ છે કે આવા વિસ્તારોમાં તેઓ ખેડૂતોને બોર ખોદવાની સલાહ નથી આપતા, કારણ કે જો બોર ખોદાય તો પૈસા અને સમય એમ બંનેનો વ્યય થાય.

વૈજ્ઞાનિક પદ્ધતિઓની ચોકસાઈ

સુબ્બારેડ્ડી કહે છે કે વૈજ્ઞાનિક અને અર્ધ-વૈજ્ઞાનિક પદ્ધતિઓ ભૂગર્ભજળ શોધવામાં અસરકારક છે. તેમના મત પ્રમાણે વિદ્યુત પ્રતિરોધકતા સર્વેક્ષણની મદદથી પાણી વૈજ્ઞાનિક પદ્ધતિથી શોધી શકાય છે અને વિશ્વમાં આ પદ્ધતિ સ્વીકૃત પદ્ધતિઓ પૈકીની એક છે.
તેઓ વિદ્યુત પ્રતિરોધકતા સર્વેક્ષણ વિશે જાણકારી આપતા કહે છે, “જ્યારે વિદ્યુત પ્રતિરોધકતા મીટર દ્વારા તપાસવામાં આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે પૃથ્વીમાં ઘણાં સ્તરો આવેલાં છે. પથ્થર અને માટી મળેલાં હોય છે. ત્યારે આ સ્તરની પ્રતિરોધકતાનું અનુમાન લગાવી તેના પરિણામના આધારે એક ગ્રાફ તૈયાર કરવામાં આવે છે. આ પરિણામના ગ્રાફના આધારે નક્કી થાય છે કે આ વિસ્તારમાં પાણી મળશે કે નહીં.”
જમીનની અંદર પાણીને શોધવા માટે સૉફ્ટવૅરનો ઉપયોગ પણ કરવામાં આવે છે.
આ વિશે તેઓ કહે છે, “આ તકનીકમાં આવરણ ઘણાં ચરણોમાં લેવામાં આવે છે. પહેલું સ્તર ઘણાં ચરણોમાં આવે છે. બીજું સ્તર પણ ઘણાં ચરણોમાં. ત્યારબાદ નહીં જવું, કારણ કે ત્યાં કઠોર પથ્થર છે. એટલે અમે વૈજ્ઞાનિક રીતે નિર્ણય લઈશું કે આ જગ્યાએ હવે વધારે ડ્રિલિંગ ન કરવી જોઈએ.”
સુબ્બારેડ્ડીએ કહ્યું કે લોલક વિધિ કે એલ રોડ વિધિ અર્ધ-વૈજ્ઞાનિક છે. આ પદ્ધતિઓની મદદથી પાણીની દિશાની ઓળખ કરી શકાય છે, પરંતુ પાણી કેટલી ઊંડાઈએ મળશે તે જણાવવું મુશ્કેલ છે.”

પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ

ઇમેજ સ્રોત, bbc
સુબ્બારેડ્ડીએ કહ્યું કે આપણા પૂર્વજોએ પણ પાણી શોધવાના પ્રયાસો કર્યા હતા અને તેઓ અનુભવના આધારે કેટલાક ચોક્કસ સંકેતો પ્રમાણે પાણીની શક્યતાની આગાહી કરી છે.
તેઓ કહે છે, “વરાહ મિહિરે ભૂગર્ભજળને કેવી રીતે શોધી શકાય તે અંગે એક ગ્રંથ લખ્યો હતો. બાયો ઇન્ડિકેટર્સનો ઉલ્લેખ તેમણે પાણીની શોધ માટે કર્યો હતો. જેમાં અમુક પ્રકારનાં વૃક્ષોનું ઝૂંડ હોય છે ત્યાં પાણી હોય છે. ભૂસ્તરશાસ્ત્રીઓ પણ આ જ પ્રકારનાં ચિન્હો શોધે છે જ્યાં પાણી મળવાની શક્યતા વધારે હોય છે.”
“કહેવાય છે કે જ્યાં ખાબોચિયાં હોય છે ત્યાં પાણી મળવાની શક્યતાઓ વધારે છે. ટેકરા પર કઈ દિશામાં પાણી મળે તે તેનો સર્વે કરનારા વ્યક્તિ પર આધાર રાખે છે. અર્ધ-વૈજ્ઞાનિક પદ્ધતિઓની સાથે સાથે ભૂસ્તરશાસ્ત્રીઓ દ્વારા બાયો-ઇન્ડિકેટર્સને પણ ધ્યાને લેવાય છે.”

આઠ વખત નિષ્ફળતા

તિરુપતિ ગ્રામીણ મંડળના ચિગુરુવાડાના ખેડૂત મુનિકૃષ્ણ રેડ્ડીએ જણાવ્યું હતું કે જ્યારે બોર ખોદવામાં આવે છે ત્યારે તેના પાણીનાં નિશાન ક્યાં છે તેની ખાતરી કરવા બે-ત્રણ લોકો બોલાવવામાં આવે છે.
તેમણે કહ્યું, “નાળિયેરની પદ્ધતિ સાથે પાણી શોધનારા ઉપરાંત ભૂસ્તરશાસ્ત્રીઓને પણ બોલાવાયા હતા. તેમણે જે પૉઇન્ટ પર ખોદવાનું કહ્યું અમે ત્યાં ખોદ્યું હતું. એક જગ્યાએ 9 બોરહૉલ ડ્રીલ કરવામાં આવ્યા, જે પૈકી 8માંથી પાણીનું એક પણ ટીપું બહાર આવ્યું નહોતું. અમે ઘણું ગુમાવ્યું. એક બોરમાંથી એક ઇંચ પાણી આવ્યું હતું.”
તેઓ કહે છે, “કેટલાક લોકો નાળિયેરની પદ્ધતિ દ્વારા પાણી શોધે છે. કેટલાક લોકો લીમડાની ડાળીનો ઉપયોગ કરે છે. અગાઉ અમને ડ્રિલિંગને કારણે નુકસાન ગયું હતું. હવે બધા કહે ત્યાં ખોદીશું.”
મુનિકૃષ્ણ રેડ્ડી કહે છે કે અવૈજ્ઞાનિક પદ્ધતિઓની સાથે ક્યારેક ભૂસ્તરશાસ્ત્રીઓની રીત પણ નિષ્ફળ જાય છે.
તેઓ કહે છે, “ જ્યાં 10 એકર જમીન છે ત્યાં દસેય એકરમાં પાણી મળવું મુશ્કેલ છે. તેથી જો તમે સુરેન્દર રેડ્ડી જેવા લોકોને બોલાવો છો તો તેઓ સરળતાથી પાણીનો એક પૉઇન્ટ શોધી લેશે. અમે ભૂસ્તરશાસ્ત્રીને બોલાવીશું અને તેમને બતાવીશું કે જે પાણીનો પૉઇન્ટ આ પ્રકારની પદ્ધતિથી શોધ્યો છે ત્યાંથી પાણી ખાતરીપૂર્વક નીકળશે કે નહીં, જો હા કહે તો પછી બોરહૉલ ખોદીશું.”

અનુભવ એ ચાવી છે

સુબ્બારેડ્ડી કહે છે, “ચિત્તૂર જિલ્લામાં કોઈ વિસ્તારમાં આપણે પાણી શોધી રહ્યા હોય તો તે જિલ્લામાં પાણી કેટલું ઊંડું છે અને કઈ તરફ સર્વે કરવો જોઈએ તેની સમજ હોવી જરૂરી છે. હું 10 વર્ષથી આ કામ કરી રહ્યો છું, તેથી આ કામ મારે માટે સરળ છે. નવા વિસ્તારોમાં ભૂસ્તરશાસ્ત્રીઓ મારા કરતાં વધુ સફળતા મેળવશે.”
કેટલીક વાર લીમડાનાં વૃક્ષોને પણ પાણીની શોધ ચલાવાતી હોય તેવા વિસ્તારોમાં બાયોઇન્ડિકેટર્સ તરીકે ઉગાડવામાં આવે છે.
તેઓ કહે છે, “જો લીમડાનું ઝાડ તંદુરસ્ત હોય, તેની ડાળી અને પાંદડાં એક તરફ વળેલાં હોય તો તે સંકેત આપે છે કે આ વિસ્તારોમાં પાણીનો ઝરો છે. આવા વિસ્તારમાં સાધનો ક્યાં ગોઠવવા તે મહત્ત્વનું છે. આ ક્ષેત્રના ભૂસ્તરશાસ્ત્રીઓ તેમના જ્ઞાન અને અનુભવને આધારે આ કામ કરે છે.”
તેમના મત પ્રમાણે ખડકોની રચના પાણી શોધવામાં પડકારો ઉત્પન્ન કરે છે. આવી જગ્યા પર માત્ર ભૂસ્તરશાસ્ત્રી જ પાણીના સ્રોત ઓળખી શકે છે.
તેઓ કહે છે, “ભૂગર્ભજળને શોધવા માટેની ટેકનૉલૉજી 1910થી વિકસિત થઈ રહી છે. તેનાથી ફ્લાઇટમાં હો તો પણ પાણીનાં નિશાન શોધવામાં મદદ મળે છે.”
તિરુપતિ એસ.વી. યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રી વિભાગના વડા ડૉ. સુરેશે કહ્યું હતું કે શિક્ષિત લોકો વૈજ્ઞાનિક પદ્ધતિઓમાં 100 ટકા વિશ્વાસ કરી શકે છે. પરંતુ અવૈજ્ઞાનિક પદ્ધતિનું કોઈ કારણ નથી.”
“જો શોધ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવે તો સફળતાનો દર સારો હશે. જિયોફિઝિકલ મેથડ, મેગ્નેટિક મેથડ, સીઝ માઇક મેથડ, ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી મેથડ અને વિદ્યુત સાધન પદ્ધતિનો ઉપયોગ પાણી શોધવા માટે થાય છે.”














